Thursday, Oct 23, 2025

બાંગ્લાદેશમાં ફરી ભડકી રાજકીય હિંસા, શેખ હસીનાના વતનમાં ચારના મોત

2 Min Read

ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અંદોલન બાદ દેશભરમાં વ્યાપક હિંસા થઇ હતી, તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાં બાદ હાલ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સાશન ચલાવી રહી છે. ઘણા મહિનાઓની શાંતિ બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય હિંસાનો બનાવ બન્યો છે. ગઈ કાલે બુધવારે ગોપાલગંજ શહેરમાં નેશનલ સિટીઝન પાર્ટીની જાહેર રેલીમાં હિંસા ફાટી નીકળી હતી, આ દરમિયાન થયેલી અથડામણોમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને 9 લોકો ઘાયલ થયા છે.

નોંધનીય છે કે ગોપાલગંજ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું વતન છે. સ્થાનિક અખબારના આહેવાલ મુજબ યુનુસ સમર્થિત NCP અને શેખ હસીનાની અવામી લીગના વિદ્યાર્થી સંગઠનોના સભ્યો આમને સમાને આવી ગયા હતાં, ત્યાર બાદ હિંસક અથડામણ શરુ થઈ હતી.

હાલ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ છે, વિસ્તારમાં 22 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ચાર એડીશનલ પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

જવાબદાર કોણ?
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આ હિંસા માટે આવામી લીગને જવાબદાર ઠેરવી છે, યુનુસે આવામી લીગની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કોઈને શાંતિપૂર્ણ રેલી કાઢતા અટકાવવામાં આવે એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. હિંસા કરનારાઓને સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

કેમ થઇ હિંસા?
શેખ હસીનાને સામે મોરચો ખોનાર સંગઠનોએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરમાં નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ની સ્થાપના કરી હતી. NCP નેતાઓ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના વારસાને દૂર કરવાની વાત કરી ચુક્યા છે, જેને કારણે આવામી લીગના નેતાઓ અને કાર્યકરો નારાજ છે.

ગોપાલગંજમાં NCPના વિદ્યાર્થીઓએ શેખ મુજીબુર રહેમાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં, જેને કારણે આવામી લીગના કાર્યકરો ઉશ્કેરાયા હતાં. ગઈ કાલે NCPની રેલી પહેલા આવામી લીગના કાર્યકરોની પોલીસ સાથે આથમણ થઇ હતી. પોલીસના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો.

Share This Article