વડોદરા શહેરમાં પોલીસે સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને શોધવા માટે વ્યાપક અભિયાન ચલાવ્યું છે. છેલ્લા 72 કલાકમાં 15 પોલીસ ટીમોએ તાંદલજા, આજવા રોડ, નવા યાર્ડ, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા અને ફતેગંજ જેવા વિસ્તારોમાં 1700 શંકાસ્પદ લોકોની તપાસ કરી. આ દરમિયાન 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજો મળી આવ્યા. પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું કે આ દસ્તાવેજોની ચકાસણી માટે અલગ ટીમો રચાઈ છે, જે આ લોકોના આગમનનો રૂટ, સમય અને સંબંધીઓની માહિતી એકત્ર કરશે.
અભિયાન દરમિયાન 66 શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ થઈ, જેમની પાસેથી પશ્ચિમ બંગાળની સરહદી વિસ્તારોના દસ્તાવેજો મળ્યા. આ દસ્તાવેજોની સત્યતા ચકાસવા વડોદરા પોલીસની એક ટીમ ટૂંક સમયમાં બંગાળના વિવિધ વિસ્તારોમાં તપાસ માટે રવાના થશે. આ શખ્સોની રાષ્ટ્રીયતા નક્કી થાય ત્યાં સુધી તેઓને પોલીસ સ્ટેશનોમાં તપાસ માટે લઈ જવાય છે, અને રાષ્ટ્રીયતા સાબિત થતાં જવા દેવાય છે. આ કામગીરી એકતાનગર અને અન્ય વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ગેરકાયદે રહેતા લોકોની શંકા છે.
જમ્મુ અને કાશ્મીરના પગલગામમાં આતંકી ઘટના સામે આવ્યા બાદ ગુજરાતભરમાં ઓપરેશન ક્લિન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની શાખાઓ દ્વારા બિનઅધિકૃત રીતે રહેલા બાંગ્લાદેશી તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા એકતાનગરમાં 1300 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. જે તમામના ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશન કરતા અંતે 8 જેટલા બિનઅધિકૃત રહેતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. તે જ રીતે વડોદરા જિલ્લામાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ હતી.