ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ગુરુવારે (27 માર્ચ) કોંગ્રેસના વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લીધો. મહિલાઓ પરના અત્યાચાર અંગે તપાસ સમિતિ બનાવવાની માંગ અને કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા બાબતે આ વિરોધ અચાનક ઝઘડામાં બદલાઈ ગયો. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
હાલ, મહાત્મા ગાંધી માર્ગ જાણે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું છે. લોકો એકબીજા પર ખુરશી-દંડા ફેંકી રહ્યા છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. પાણી સ્પ્રે અને ટીયર ગેસ છતાં કોંગ્રેસ કાર્યકર્તા પીછેહઠ કરવા તૈયાર નથી. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, તંત્ર ગોળી મારશે તો પણ અમે પીછેહઠ નહીં કરીએ. આ પ્રદર્શનમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભક્ત ચરણદાસ, કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસના તમામ ધારાસભ્ય તેમજ પ્રદેશમાંથી આવેલા તમામ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓ સામે ગુનાની તપાસ માટે સંસદ સમિતિ બનાવવાની માંગને લઈને વિધાનસભા પાસે પ્રદર્શન કરશે.
ઓડિશા વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળો થયો. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારના આઠ મહિના દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓની તપાસ માટે એક સમિતિની રચનાની માંગ કરી રહ્યા હતા. જ્યારે તેમની માંગણીઓ સાંભળવામાં ન આવી તો ધારાસભ્યોએ તીવ્ર વિરોધ દર્શાવ્યો. તેમણે ગૃહમાં ઘંટડી વગાડી ‘રામ ધૂન’ ગાવાનું શરૂ કર્યું. કોંગ્રેસના ધારાસભ્યો વાંસળી અને ઝાંઝ વગાડીને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા જોવા મળ્યા. આવી સ્થિતિમાં સ્પીકરે કોંગ્રેસના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા.
સસ્પેન્ડ કરાયેલા તમામ ૧૨ ધારાસભ્યોએ મંગળવારની આખી રાત વિધાનસભામાં વિતાવી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાની બહાર ધરણા પર બેઠા હતા. બુધવારે આ મામલો વધુ ગરમાયો. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના સાંસદોને બળપ્રયોગ કરીને વિધાનસભાની બહાર કાઢી મૂકવામાં આવ્યા. આ સમય દરમિયાન, વિધાનસભાની અંદરથી વધુ બે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેથી કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી. ગુરુવારે, મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઓડિશા વિધાનસભાને ઘેરવા પહોંચ્યા હતા. હાલમાં આ વિરોધ પ્રદર્શન અટકે તેવું લાગતું નથી.