ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ મથકે ઉશ્કેરણીજનક નિવેદન આપવાના મામલે આજે પાટણમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. મેવાણીએ જાહેરમાં પોલીસના પટ્ટા ઉતરાવવાની ચીમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ પરિવારે સખત નારાજગી વ્યક્ત કરી છે. આ નિવેદનના વિરોધમાં આજે પોલીસ પરિવારના સભ્યો દ્વારા પાટણમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો બેનરો સાથે રેલીમાં જોડાયા હતા અને જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ અગાઉ થરાદ ખાતે ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન પોલીસ સામે કરેલા આકરા નિવેદનો અને ‘પટ્ટા ઉતારી દેશું’ની ચીમકીને પગલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પોલીસ પરિવારની સાથે હવે સ્થાનિક જનતા પણ મેવાણી વિરુદ્ધ મેદાનમાં આવી છે.
પાલનપુરમાં પોલીસ પરિવાર એકત્રિત
પાલનપુર ખાતે પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. તેમણે આ ‘વાણી વિલાસ’ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ અને ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થઈને આ પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
થરાદમાં સ્થાનિક જનતાનો મોરચો
વાવ-થરાદ વિસ્તારની સ્થાનિક જનતા પણ પોલીસના સમર્થનમાં આવી હતી. મેવાણીના આક્ષેપો બાદ સ્થાનિક લોકોએ તેમની સામે મોરચો માંડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો પોલીસના સમર્થનમાં જોડાયા હતા. સ્થાનિક મહિલાઓએ હાથમાં બેનરો સાથે જિલ્લા એસપી કચેરીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને આવેદનપત્ર સુપરત કર્યું. રેલીમાં ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા.
ભુજ ખાતે વિશાળ રેલી
જીગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓને “પટ્ટા ઊતરી જશે” તેવું નિવેદન આપ્યું હતું, જે પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે અપમાનજનક હોવાનો આક્ષેપ છે. પોલીસ પરિવારનું કહેવું છે કે, ધારાસભ્ય મેવાણી અવારનવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને અને “પટ્ટા-ટોપી ઊતરી જશે” તેવી ધમકીઓ આપીને પોલીસ દળનું અપમાન કરી રહ્યા છે અને તેમનું મનોબળ તોડી રહ્યા છે.
પોલીસ પરિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર પ્રજાના જાનમાલની રક્ષા કરે છે અને ખડે પગે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે ધારાસભ્યનું આ નિવેદન અસહ્ય છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જાહેરમાં પોલીસકર્મીઓની માફી માંગે અને તાત્કાલિક પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે. આ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.