Saturday, Nov 1, 2025

ગુજરાતમાં અસામાજિક, ગુંડાતત્ત્વો સામે માત્ર ૧૦૦ કલાકમાં કાયદાનો કોરડો વિંઝવા પોલીસવડા વિકાસ સહાયનો આદેશ

2 Min Read

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું છે. તેમણે આગામી 100 કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે. આ માટે તેમણે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, પોલીસ વડાએ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.

ગુજરાત રાજ્યની જાહેરજનતાને પજવતા ‘‘અસામાજીક ગુંડા’’ તત્ત્વોની તત્કાળ એટલે કે આગામી ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરીને પગલા ભરવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આદેશ કર્યો છે.

આજે તા.૧૫ માર્ચ ૨૦૨૫ના દિવસે જાહેર કરાયેલા પરિપત્ર (૩૦૫/૨૦૨૫)માં પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યભરની પોલીસને એક કડક આદેશ આપવા સાથે ‘ગુંડા’ તત્ત્વો સામે તત્કાળ આકરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

‘અસામાજીક ગુંડા’ તત્ત્વોની વ્યાખ્યા કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે

(૧) જે વ્યક્તિ વારંવાર શરીર સંબંધી હુમલા કરવામાં સંડોવાયેલા હોય
(૨) ખંડણી ઉઘરાવવા ધાકધમકી આપવામાં અથવા આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૩) વારંવાર મિલકત વિરોધી ગુના આચરતો હોય
(૪) દારૂ-જુગાર ઉપરાંત પ્રતિબંધીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૫) ખનીજચોરી એટલે કે રેતી, જેવી ખનન કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય
(૬) આ ઉપરાંત અન્ય અસામાજીક કૃત્યો લોકોમાં ભય ભેલાવતા તત્ત્વો સામે.

આવા કૃત્યોમાં સંડોવાયેલા તત્ત્વોની તત્કાળ યાદી તૈયાર કરી પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના પરિપત્ર (આદેશ)માં વધૂમાં જણાવાયું છે કે

(૧) ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો સ્થાનિક સંસ્થાઓ સાથે મળી કાર્યવાહી કરવી.
(૨) સરકારી જમીન ઉપર દબાણ કર્યુ હોય તો કાર્યવાહી કરવી.
(૩) ગેરકાયદે વીજ જોડાણ લેનારાઓ સામે પગલા ભરવા.
(૪) બેંક એકાઉન્ટની તપાસમાં નાણાંકીય વ્યવહારમાં ગેરકાયદે કૃત્ય જણાય તો પગલા ભરવા.
(૫) જામીન પર છુટેલા અને કોઇ અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાય તો જામીન રદ કરવા કાર્યવાહી કરવી.
(૬) ‘પાસા’ અને ‘તડીપાર’ જેવી અસરકારક કાયદાનો ઉપયોગ કરવો.
(૭) ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો ફોજદારી કાર્યવાહી કરવી.

Share This Article