Thursday, Jan 1, 2026

નવા વર્ષની ઉજવણી પર પોલીસ એલર્ટ: ડ્રોનથી સઘન નજર, નશેડીઓ પર કડક કાર્યવાહી

2 Min Read

નવા વર્ષને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. લોકો નવા વર્ષને આવકારવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને નશેડીઓને ઝડપવા પોલીસ ઉમરગામથી લઇને નડાબેટ સુધી અને દાહોદથી લઇને દ્વારકા સુધી એલર્ટ છે. પોલીસ આ વર્ષે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને સઘન દેખરેખ કરી રહી છે. જો કોઇ ફાર્મહાઉસ કે ક્યાંય પણ ખૂણેખાંચરે મહેફિલ માણતું હશે તોપણ પોલીસની આકાશી નજરથી બચી નહીં શકે.

નવસારીમાં શહેરની આસપાસ આવેલાં અનેક ફાર્મહાઉસમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓ થવાની શક્યતાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટેકનોલોજીનો સહારો લઈને ફાર્મહાઉસના ટેરેસ, ખુલ્લી જગ્યાઓ અને ઝાડીઝાંખરાવાળા વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ચકાસણી કરવામાં આવી રહી છે.

વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મહારાષ્ટ્રની બોર્ડરની ચેકપોસ્ટ અને નજીકના વિસ્તારમાં પોલીસ ડ્રોન સાથે એલર્ટ છે. આવી જ રીતે મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ જિલ્લામાં પણ નશેડીઓને ઝડપવા પોલીસ ખડેપગે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ-ગાંધીનગર સહિત તમામ મોટાં શહેરોથી લઇ નાનામાં નાનાં ગામંડામાં પોલીસની બાજનજર છે.

બનાસકાંઠા અને અરવલ્લીમાં પોલીસ વધુ એલર્ટ છે. અહીંની તમામ સંવેદલશીલ ચેકપોસ્ટ અને અંતરિયાળ ધૂળિયા રસ્તે પણ પોલીસની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 31મીની ઉજવણી માટે લોકો સામાન્ય રીતે નદી કિનારે કે દરિયાકિનારા જેવાં નિર્જન સ્થળો પસંદ કરતા હોય છે. આવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં પોલીસ માટે પહોંચવું મુશ્કેલ હોય છે ત્યાં પણ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Share This Article