રાપર સિવિલ કોર્ટના જજ ના બંગલા માંથી ઝેરી સર્પ નીકળતાં દોડધામ મચી ગઈ હતી. રાપર તાલુકા સિવિલ કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજ એ.એમ. પાટડીયાના બંગલા માંથી ગઈકાલે સાંજના સમયે આશરે બે ત્રણ ફુટ લંબાઈ ધરાવતો કાળો કોબરા સર્પ નીકળી આવતાં ગભરાટની લાગણી ઉભી થઈ હતી. આ ઝેરી સર્પને ત્યાં લોકોએ પકડીને સુરક્ષિત છોડી દીધો હતો.
રાપર સિવિલ કોર્ટના વિકાસવાડી વિસ્તારમાં જજીસ બંગલા અને અન્ય સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ આવેલા છે. આ કોલોનીમાં ઘણા કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં જંગલી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઊગી નીકળે છે. આ વનસ્પતિમાં સાપ સહિતના અનેક જીવજંતુઓનો વસવાટ હોય છે.
વરસાદની સીઝનમાં આ જીવજંતુઓ વારંવાર બહાર આવતા હોવાથી રહીશો અને કર્મચારીઓમાં ભયનો માહોલ રહે છે. આ સમસ્યાના નિવારણ માટે કોર્ટના સ્ટાફે સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક નગરપાલિકા પાસે નિયમિત સફાઈની માંગણી કરી છે.