Saturday, Sep 13, 2025

અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો, નિકોલમાં જંગી સભા સંબોધશે

2 Min Read

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે.

રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા
વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા છે. એક મહિલા મહેંદીથી વડાપ્રધાનનો સ્કેચ બનાવી તેમનું સ્વાગત કરવા ઉપસ્થિત રહી છે. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે. અમદાવાદમાં વડાપ્રધાનનું ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યુ છે. સ્વદેશી અપનાવીશ’ના પોસ્ટર સાથે લોકો જોવા મળ્યા છે. નિકોલ અને નરોડા રોડ પર લોકોની ભીડ જામી છે. રોડ શોમાં મહિલાઓ કરતાલ સાથે પહોંચી છે.મહિલાઓ દ્વારા ભજન ગાઈ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય શ્લોક સાથે પંડિતો પણ વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉમટી પડ્યા છે.

અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન મોદી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ 96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.

અમદાવાદ: વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર
વડાપ્રધાનના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.

Share This Article