Monday, Mar 23, 2026

પીએમ મોદીનો નવો રેકોર્ડ: ભારતના સૌથી લાંબો સમય શાસન કરનાર ‘હેડ ઓફ ગવર્મેન્ટ’ બન્યા

4 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી (મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે) સેવા આપનારા નેતા બની ગયા છે. સૌથી ખાસ અને નોંધનીય વાત એ છે કે, પોતાના 24 વર્ષના આ લાંબા રાજકીય કાર્યકાળમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. પીએમ મોદીએ આ મામલે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પણ પાછળ છોડી દીધા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પીએમ મોદીની ખુલ્લા દિલે પ્રશંસા કરી છે અને તેમના કાર્યકાળને ભારતના વિકાસ માટે સુવર્ણકાળ ગણાવ્યો છે.

પીએમ મોદીએ પોતાના પદ પર સતત 8931 દિવસનો કાર્યકાળ પૂરો કરીને આ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ સિક્કિમના પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે 8930 દિવસ સુધી સેવા આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફરમાં પીએમ મોદીની આ સિદ્ધિ તેમના દાયકાઓ લાંબા નેતૃત્વ અને અવિરત જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આઝાદી પછી જન્મેલા દેશના પહેલા વડાપ્રધાન છે. તેમના જ નેતૃત્વમાં પાર્ટીએ 2014, 2019 અને 2024 એમ સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે.

આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, મોદીજીના દાયકાઓ લાંબા સેવાકાળે પોતાનામાં જ એક નવા યુગનું નિર્માણ કર્યું છે. ગરીબોને તેમના અધિકારો અપાવવા હોય કે પછી વિકાસના નવા શિખરો સર કરવા હોય, મોદી યુગે ભારતની શકલ-સુરત અને પરિમાણ સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. તેમણે વૈશ્વિક મંચ પર પણ દેશની પ્રતિષ્ઠા અને ગૌરવ વધાર્યા છે.

અમિત શાહે વધુમાં ઉમેર્યું કે, આ ’નવા ભારત’ નું નિર્માણ કરવા માટે આખી જિંદગીના અથાગ પ્રયત્નોની જરૂૂર હતી, અને પીએમ મોદીએ તે કરી બતાવ્યું છે. છેલ્લા 24 વર્ષથી વધુ સમયથી એક પણ રજા લીધા વિના દેશ અને દેશવાસીઓની અવિરત સેવા કરવી, એ તેમના અતૂટ સમર્પણનો સૌથી મોટો પુરાવો છે. આ જ કારણ છે કે તેમને જનતાનો આટલો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ત્રણ વખત ચૂંટાવું એ દર્શાવે છે કે લોકોનો તેમના પરનો વિશ્વાસ, સ્નેહ અને સમર્થન દિવસેને દિવસે વધતું જ ગયું છે. તેઓ ભારતના સાચા અર્થમાં પ્રધાનમંત્રી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પીએમ મોદીને શુભેચ્છા આપતા લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોની મહેનત અને સેવાએ દેશમાં સતત ફેરફાર લાવ્યા છે. ગરીબો માયે જોનાઓ, વિકાસના નવા કામ અને દુનિયામાં ભારતની ઓળખને મજબૂત કરવા જેવા પગલાથી તેમણે દેશને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવે છે કે તેમણે 24 વર્ષથી વધુ સમય સુધી રજા વગર સતત કામ કર્યું, જે તેમની મહેનત અને સમર્પણને દર્શાવે છે. આ કારણે લોકોનો તેમના પર ભરોસો અને સમર્થન સતત વધતું ગયું છે.

રાજકીય મેદાનની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ પીએમ મોદીનો જબરદસ્ત દબદબો છે. તેઓ દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ યુટ્યુબ (YouTube) પર તેમના સબસ્ક્રાઈબર્સનો આંકડો 3 કરોડને પાર કરી ગયો હતો, જ્યારે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેમના 10 કરોડથી પણ વધુ ફોલોઅર્સ છે.

Share This Article