Thursday, Oct 23, 2025

ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી ગુજરાત આવશે: જાણો સંપૂર્ણ શેડ્યુલ

2 Min Read

ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. પીએમ મોદી 26 અને 27 મેના રોજ ગુજરાત મુલાકાતે આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઇ સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સંભવિત પ્રવાસના આયોજન, પ્રોટોકોલ, વ્યવસ્થાને લગતી ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાને સંગઠન મહામંત્રી રત્નાકર સાથે પણ આ સંદર્ભે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: 25મીએ રાત્રે ગુજરાત આવી શકે છે. 26મીએ દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આદિવાસી જિલ્લા એવા દાહોદમાં ભારતીય રેલવેના ડીઝલ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તૈયાર થયેલા 9000 હોર્સ પાવરના એન્જિનના લોકાર્પણ ઉપરાંત મધ્ય ગુજરાતના વિવિધ વિકાસ કાર્યોનું વડા પ્રધાન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ જ દિવસે વડા પ્રધાન મોદી કચ્છના પ્રવાસે જવાના છે જ્યાં તેઓ માતાના મઢ ખાતે જઇ આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ ઉપરાંત ભૂજ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની સાથે જનસભા પણ સંબોધશે. વડા પ્રધાન મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે અને 27મીએ મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમની હાલ તૈયારીઓ શરૂ થઇ છે.

24-25 એમ બે દિવસ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીની મુલાકાતે જઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહેશે. બીજા દિવસે વડા પ્રધાન મોદીએ મુખ્ય પ્રધાનોની એક કોન્ક્લેવનું આયોજન કર્યું છે એમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.

Share This Article