Thursday, Dec 18, 2025

શ્રીલંકામાં ‘મિત્ર વિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી, જાણો શું કહ્યું ?

2 Min Read

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધ છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો પુરસ્કાર છે.

પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ અનુરા દિસાનાયકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. તેમણે કહ્યું, આજે રાષ્ટ્રતિ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા તે ગૌરવની વાત છે. આ માત્ર ભારતનું જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારતે શ્રીલંકા સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉભું છે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે ખૂબ ઊંડો સંબંધ છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે અને લાંબા સમયથી આ સંબંધ ચાલ્યો આવે છે. અમારા સંબંધો પરસ્પર સન્માન મૂલ્યો અને સમાન હિતો પર આધારિત છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે માત્ર રાજદ્વારી સંબંધો જ નથી, પરંતુ જમીની સ્તરે વિકાસ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત શ્રીલંકાના ખેડૂતોને સીધો ટેકો આપશે. તેમણે ભારતીય મૂળના તમિલ સમુદાય માટે 10,000 કરોડ રૂપિયાની આવાસ અને સામાજિક યોજનાઓની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે શ્રીલંકા સરકાર સાથે નવા કરાર કર્યા, જેમાં માળખાગત સુવિધા, ડિજિટલ કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીની શ્રીલંકાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ટાપુ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેતો બતાવી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં, શ્રીલંકા એક મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને 4.5 અબજ યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે 6 એપ્રિલે ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરશે. બંને નેતાઓ અનુરાધાપુરામાં ભારતની મદદથી બનેલા બે પ્રોજેક્ટ્સનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે.

Share This Article