કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. કેવડીયા પહેલા તેઓ આજે સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો પીએમ બાય રોડ કેવડિયા જશે. બીજી તરફ SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.
પ્રધાનમંત્રી એકતા નગરમાં વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને વિસ્તારમાં ટકાઉ વિકાસ પહેલને પ્રોત્સાહન આપવાનો છે. રૂ.1,140 કરોડથી વધુના કુલ રોકાણ સાથે, આ પ્રોજેક્ટ્સ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આસપાસના વિસ્તારમાં ઇકો-ટુરિઝમ, ગ્રીન મોબિલિટી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી; ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ 1); વામન વૃક્ષ વાટિકા; સતપુડા પ્રોટેક્શન વોલ; ઇ-બસ ચાર્જિંગ ડેપો અને 25 ઇલેક્ટ્રિક બસો; નર્મદા ઘાટ એક્સટેન્શન; કૌશલ્યા પથ; એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીનો વોકવે (તબક્કો 2), સ્માર્ટ બસ સ્ટોપ (તબક્કો 2), ડેમ રેપ્લિકા ફુવારો, GSEC ક્વાર્ટર્સ વગેરે સામેલ છે.
31 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે પુષ્પાંજલિ અર્પણ કરશે
આ ઉપરાંત, પ્રધાનમંત્રી ભારતના રજવાડાઓના સંગ્રહાલય; વીર બાલક ઉદ્યાન; રમતગમત સંકુલ; વર્ષા વન પ્રોજેક્ટ; શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ; સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવલેટર્સ સહિત વિભિન્ન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રૂ.150ના મૂલ્યનો એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસ પરેડનું નિરીક્ષણ કરશે.
એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે, પરેડનું નિરીક્ષણ કરશે
પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB તેમજ વિવિધ રાજ્ય પોલીસ દળોના જવાનોનો સામેલ થશે. આ વર્ષના મુખ્ય આકર્ષણોમાં રામપુર હાઉન્ડ્સ અને મુધોલ હાઉન્ડ્સ જેવા ભારતીય નસ્લના શ્વાન સાથે BSF માર્ચિંગ ટુકડી, ગુજરાત પોલીસની માઉન્ટેડ ટુકડી, આસામ પોલીસની મોટરસાઇકલ ડેરડેવિલ શો, અને BSF ઊંટ ટુકડી તેમજ ઊંટ સવારી બેન્ડ સામેલ થશે. આ પરેડમાં ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન અસાધારણ હિંમત દર્શાવનારા CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ અને BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી બદલ સન્માનિત કરવામાં આવશે.
મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરવામાં આવશે
આ વર્ષની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરવામાં આવશે, જે “વિવિધતામાં એકતા” થીમ પર આધારિત છે. 900 કલાકારો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવતા શાસ્ત્રીય ભારતીય નૃત્યો રજૂ કરવામાં આવશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્વ છે કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રી “આરંભ 7.0″ના સમાપન પર 100માં ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આરંભની 7મી આવૃત્તિ “શાસનની પુનઃકલ્પના” થીમ પર યોજાઈ રહી છે. 100માં ફાઉન્ડેશન કોર્સમાં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂટાનની 3 સિવિલ સર્વિસીસના 660 અધિકારી તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.