કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.
ખરાબ હવામાનને કારણે PM મોદી રોડ માર્ગે કેવડિયા જઈ શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે, પરંતુ કેવડિયા પંથકમાં વરસાદી માહોલ અને ખરાબ હવામાનને કારણે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો હવામાન હેલિકોપ્ટર ઉડાન માટે અનુકૂળ ન રહે તો વડાપ્રધાન મોદી વડોદરાથી કેવડિયાનો પ્રવાસ રોડ માર્ગે પણ કરી શકે છે.
સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાથી કેવડિયા તરફના સમગ્ર માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના સુરક્ષા પ્રોટોકોલ મુજબ, હવામાનની અનિશ્ચિતતાને કારણે રોડ માર્ગની વૈકલ્પિક વ્યવસ્થા સક્રિય કરી દેવાઈ છે. હવે થોડી જ વારમાં નક્કી થશે કે વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા કે પછી રોડ માર્ગે કેવડિયા જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વડોદરાના મેયર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યા બાદ, અહીંથી સીધા એકતા નગર (કેવડિયા) જવા રવાના થશે, જ્યાં તેઓ આજે સાંજે ₹1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.