દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 ઓગસ્ટ બે દિવસના જાપાન પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરશે અને 15માં ભારત-જાપાન શિખર સંમેલનમાં સામેલ થશે. આ પીએમ મોદીની આઠમી જાપાન યાત્રા છે તેમજ શિગેરુ ઈશિબા સાથે પ્રથમ શિખર મુલાકાત થશે.
વૈશ્વિક ભાગીદારી કરાશે મજબૂત
આ મુલાકાતમાં પીએમ મોદી અને શિગેરુ ઇશિબા ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આ સમીક્ષામાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા, તેમજ મુખ્ય ક્ષેત્રોને આવરી લેવાશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને નિયમો-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તેઓ 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં હાજરી આપશે. બંને દેશો વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આ એક મહત્વપૂર્ણ તક હશે. અને ત્યાર બાદ તેઓ ચીનની મુલાકાત લેશે.
પીએમ મોદી અને ઇશિબા વચ્ચેની મુલાકાત મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જાપાનની E10 શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા પ્રાયોજિત છે અને ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓ ટેકનોલોજી ટ્રાન્સફર અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ વિચાર કરશે.
એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરશે
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને રણનીતિક જોડાણની પણ ચર્ચા કરશે. જેમાં ભારત અને જાપાન 2008 સુરક્ષા સહયોગ પર સંયુક્ત જાહેરાત કરશે. તેની સાથે આ બંને દેશ નવી ઇકોનોમિક સિકયોરિટી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં સેમીકંડર, ક્રિટિકલ મિનરલ્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલીકોમ્યુનિકેશન અને ક્લીન એનર્જી સેક્ટર સામેલ છે. તેમજ બંને દેશો વચ્ચેની ભાગીદારી એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરવાની રીતે મહત્વની માનવામાં આવે છે.
જાપાન ભારતમાં 68 બિલિયન યુએસ ડોલરની રોકાણની જાહેરાત કરશે
આ ઉપરાંત સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીની 2 દિવસના પ્રવાસ દરમિયાન જાપાન ભારતમાં 10 ટ્રિલિયન યેન (68 બિલિયન યુએસ ડોલર) ના રોકાણની જાહેરાત કરી શકે છે. આ વડા પ્રધાન મોદી અને ઇશિબા તેમના સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022 માં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાએ પણ ભારતમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.