Saturday, Sep 13, 2025

પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે, નિકોલમાં જાહેરસભા

2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ અવસરે તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ 307 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો દ્વારા ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને નાગરિકોને સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળશે.

માર્ગ અને મકાન વિભાગ હેઠળના આ પ્રોજેક્ટ્સમાં અદ્યતન રસ્તાઓ, વ્હિકલ અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ અને અપગ્રેડેડ હાઇવેનો સમાવેશ થાય છે. જેનાથી દૈનિક મુસાફરીમાં સલામતી તથા સુવિધા વધશે. સમય અને ઇંધણની બચત થવાની સાથે ઉદ્યોગોને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરમગામ ખુડદ રામપુરા રસ્તાને 7 મીટર પહોળો બનાવવાના કામનું લોકાર્પણ કરશે. ₹33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઇ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગને 7 મીટર પહોળો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કૉરિડોર અમદાવાદ જિલ્લાના વિરમગામ તથા દેત્રોજ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ આપશે. આ વિકાસકાર્ય સાથે વાહન વ્યવહાર સુગમ બનશે તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારી નવી તકો ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત વડાપ્રધાન કુલ 274 કરોડના નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસ, અમદાવાદ-વિરમગામ રોડ પર રેલવે ઓવરબ્રિજ, કડીથી થોળ થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર માર્ગનું નવિનીકરણ તથા ગિફ્ટ સિટી જતાં બાપાસીતારામ જંક્શનને ચાર-લેનમાંથી આઠ-લેનમાં વિસ્તૃત કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.

આ તમામ વિકાસકાર્યોથી ઉત્તર ગુજરાતમાં પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે, મુસાફરી વધુ સુલભ બનશે અને ઉદ્યોગો તથા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન અંતર્ગત ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ગતિશીલ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Share This Article