વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવશે PM મોદી !

Share this story

ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ ૧૯ નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. આ રોમાંચક મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમદાવાદ આવશે. તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળવા માટે આવી શકે છે. જો કે, હજુ સુધી આ બાબતે સ્પષ્ટ પૃષ્ઠી થઈ નથી. અત્રે જણાવીએ કે, ઓસ્ટ્રેલિયા ૮મી વખત ફાઈનલ રમશે જ્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ચોથી ટાઈટલ મેચ હશે.

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન ૧૯મી નવેમ્બરે બપોર બાદ અમદાવાદ પહોંચશે. મેચ નિહાળ્યા બાદ પીએમ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. બીજા જ દિવસે ૨૦મી નવેમ્બરે સવારે વડાપ્રધાન રાજસ્થાનના ચૂંટણી પ્રવાસ માટે રવાના થશે.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવીને રેકોર્ડ આઠમી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે રવિવારે અમદાવાદના મેદાનમાં યજમાન અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારત સામે ટકરાશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ૪૯.૪ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૨૧૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૭.૨ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આફ્રિકાની ટીમ હાર બાદ પાંચમી વખત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો :-