આગામી તા.૧૫મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે નિર્માણાધિન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાતને અનુલક્ષીને આગોતરા આયોજન અંગે સુરત કલેકટોરેટ ખાતે જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી અંત્રોલી ખાતે આવેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરશે. તેમની આ મુલાકાત સુચારૂ રીતે સંપન્ન થાય એ માટે તમામ અધિકારીઓને સુપરત કરવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવામાં આવે એની તકેદારી રાખવા તાકીદ કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતને અનુલક્ષીને કરવાના થતા આગોતરા આયોજનને સરળતા પાર પાડવા માટે વહીવટીતંત્રના અધિકારીઓને સાંકળી લેતી વિવિધ સમિતિઓનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. અધિક નિવાસી કલેકટરશ્રી વિજય રબારીએ કમિટીઓ બનાવી અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીથી અવગત કર્યા હતા.
અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી પોતાના ડ્રીમ પ્રોજેકટ ‘બુલેટ ટ્રેન પ્રોજેકટ’ની મુલાકાત લઇ અંત્રોલી સ્ટેશનનું જાત નિરીક્ષણ કરી કામગીરીની પ્રગતિની સમીક્ષા પણ કરશે.
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા, નાયબ કલેકટરો, કાર્યપાલક ઇજનેરો, બુલેટ ટ્રેન પ્રોજેકટના અધિકારીઓ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.