પ્રધાનમંત્રી મોદીએ આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આમાં 8070 કરોડ રૂપિયાના બૈરાબી-સૈરાંગ રેલવે લાઇનનો સમાવેશ થાય છે, જે મિઝોરમને પહેલીવાર રેલ નેટવર્ક સાથે જોડશે. આ ઉપરાંત, આઈઝોલ બાયપાસ, થેન્ઝોલ-સિયાલસુક અને ખાનકૌન-રોંગુરા રસ્તાઓ આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી અને વેપારમાં વધારો કરશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુઇકુઆલમાં ખેલો ઇન્ડિયા ઇન્ડોર હોલનો શિલાન્યાસ કર્યો, જે મિઝોરમના યુવાનોને રમતગમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. ઉપરાંત, મુઆલાખાંગમાં 30 TMTPA ક્ષમતાનો LPG બોટલિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જે સ્વચ્છ ઇંધણનો પુરવઠો વધારશે અને રોજગારની તકોનું સર્જન કરશે.

પીએમ મોદીએ કહ્યું, ‘આજે મિઝોરમ ભારતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ દેશ માટે, ખાસ કરીને મિઝોરમના લોકો માટે એક ઐતિહાસિક દિવસ છે. આજથી, આઈઝોલ ભારતના રેલવે નકશા પર હશે. થોડા વર્ષો પહેલા, મને આઈઝોલ રેલવે લાઇનનો શિલાન્યાસ કરવાની તક મળી હતી અને આજે અમે તેને દેશવાસીઓને સમર્પિત કરવામાં ગર્વ અનુભવીએ છીએ. મુશ્કેલ ભૂપ્રદેશ સહિત અનેક પડકારોને પાર કરીને, બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇન વાસ્તવિકતા બની છે. અમારા ઇજનેરોની કુશળતા અને અમારા કાર્યકરોના ઉત્સાહથી તે શક્ય બન્યું છે.’