સંસદની કાર્યવાહીનો આજે 19મો દિવસ છે. ગઈકાલે લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે ONOE બિલ રજૂ કર્યું હતું. જેના સમર્થનમાં 269 મત પડ્યા હતા.હવે આ બિલ JPCને મોકલવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે.

સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન સંબંધિત બિલ લાવવામાં આવ્યું હતું, જે વિભાજન પછી ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને જેપીસીને મોકલવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, ‘ડો.આંબેડકર વિરુદ્ધ કોંગ્રેસના પાપોની સંપૂર્ણ યાદી છે. કોંગ્રેસે તેમને એક નહીં પરંતુ બે વખત ચૂંટણીમાં હરાવ્યા હતા. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સાથે જ સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના પોટ્રેટને સન્માનનું સ્થાન ન આપવું એ પણ કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે.
વન નેશન વન ઈલેક્શન બિલ પર હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું કે,આ ખૂબ જ સારો નિર્ણય છે. રંવાર ચૂંટણી કરાવવામાં ઘણો સમય અને નાણાંનો વ્યય થાય છે અને આદર્શ આચારસંહિતા વારંવાર લાગુ થવાથી કામની ગતિ ઘટી જાય છે. પીએમ મોદી દેશને ઝડપી વિકાસ તરફ લઈ જવા માંગે છે અને તેના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. શાહે દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ. જ્યારે અમિત શાહ બાબા સાહેબ વિશે બોલતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, જેટલી વખત તમે આંબેડકરનું નામ લો છો, તેટલું જ જો તમે ભગવાનનું નામ લીધું હોત તો તમે 7 વાર સ્વર્ગમાં પહોંચી ગયા હોત. એટલે કે બાબા સાહેબનું નામ લેવું એ ગુનો છે. તે સમયે મેં હાથ ઊંચો કરીને તેમને બોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને બોલવાનો મોકો મળ્યો નહીં. બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની ચર્ચા થઈ રહી હતી એટલે અમે ચૂપ રહ્યા હતા.’
આ પણ વાંચો :-