અમેરિકાના મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને મજબૂત નેતા ગણાવતા બંને નેતા વિદેશ નીતિમાં સારા હોવાનું જણાવ્યું છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખમાં જણાવ્યું હતું કે, ‘વોશિંગ્ટન જવાની તૈયાર કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના સંબધોને આગળ ધપાવવાની વાત કરી છે. પરંતુ ટ્રમ્પ એવા મિત્ર છે કે, જેમના વલણ વિશે નિશ્ચિત નિવેદન આપી શકાય નહીં. મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર વધારવા માટે વાતચીત થઈ શકે છે. વિદેશી બાઇક પર ટેરિફ ઘટાડવા તેમજ ટેરિફ વોરના લીધે થતાં નુકસાન પર ચર્ચા થઈ શકે છે.’
અમેરિકાની રેડિયો ચેનલ વોઇસ ઑફ અમેરિકાની ન્યૂઝ વેબસાઇટમાં જણાવ્યું છે કે, ‘બંને દેશો માટે વેપાર અત્યંત મહત્ત્વની કડી છે. ટ્રમ્પે ભારતની વધુ પડતાં ટેરિફની અવારનવાર ટીકા કરી છે. બીજી બાજુ બંને દેશો ચીનનો પ્રભાવ ઘટાડવા માગે છે. વડાપ્રધાન મોદીએ પણ અમેરિકા સાથે સંબંધો સાચવતા પોતાની મુલાકાત પહેલાં જ ફેબ્રુઆરીની શરુઆતમાં અનેક વિદેશી સામાનો પર આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી.
એક્સપર્ટના હવાલે વધુ જણાવ્યું હતું કે, ભારત માને છે કે, તે આ પ્રકારનું પગલું લઈ વ્યાપાર-વાણિજ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. પરંતુ ટ્રમ્પ પણ ઉમદા ખેલાડી છે. તેમની અમેરિકા ફર્સ્ટની નીતિ વધુને વધુ પોતાના લોકોનું હિત થાય તેવા પ્રયાસો કરવા પ્રતિબદ્ધ બનાવે છે. જેથી બંને દેશોના વડા પોતાના લાભોને ધ્યાનમાં રાખતા ચર્ચા કરશે.’
ભારત અને અમેરિકાના હિતો લગભગ એકબીજા સાથે જોડાયેલા છે. અમેરિકા ચીનને પોતાનો કટ્ટર હરીફ માને છે. ભારત માટે પણ ચીન એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં, ચીન સામે ભારત અને અમેરિકાના સામાન્ય હિતોએ બંને દેશોને નજીક લાવ્યા છે.
વેપાર એ એક એવો વિષય છે જે બંને દેશો માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. આજની બેઠકમાં બંને વચ્ચે ટેરિફ અંગે પણ ચર્ચા થશે. ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન જેવા ઘણા દેશો પર ટેરિફ લાદ્યા છે. હાલમાં અમેરિકાએ ભારત પર કોઈપણ પ્રકારનો ટેરિફ લાદ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં, પીએમ મોદી પ્રસ્તાવ મૂકી શકે છે કે અમેરિકાએ ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ.
૪) નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત દરમિયાન ટેકનોલોજી પર પણ ચર્ચા થઈ શકે છે. બંને નેતાઓ આ ક્ષેત્રમાં રોકાણ પર પણ નજર રાખી રહ્યા છે. ચાબહાર પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ટ્રમ્પે ઈરાન પર દબાણ લાવવા માટે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. પીએમ મોદી ટ્રમ્પને જણાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે કે ઈરાન સાથે ભારતનો આ પ્રોજેક્ટ આટલો ખાસ કેમ છે. ગાઝા યુદ્ધનો અંત લાવવાની ચર્ચા પણ એજન્ડાનો એક ભાગ છે. ભારત ગાઝા અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં ઊંડો રસ ધરાવે છે.