Monday, Dec 15, 2025

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હોળી રમવાની મંજૂરી

2 Min Read

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓને હોળી રમવાની પરવાનગી આપવામાં આવી છે. અગાઉ મેનેજમેન્ટ દ્વારા આ માટે પરવાનગી આપવામાં આવી ન હતી અને તેના કારણે ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો. પરંતુ હવે NRSC હોલમાં 13 અને 14 માર્ચે હોળી રમવાની પરવાનગી આપવામાં આવી છે. પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છતા હતા કે તેઓને 9 માર્ચે ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી મળવી જોઈએ. વિદ્યાર્થીઓના કહેવા મુજબ તેમણે માંગણી સાથે પત્ર પણ લખ્યો હતો. પરંતુ તે માંગ પહેલા સ્વીકારવામાં આવી ન હતી.

એક પ્રોફેસરે તો ત્યાં સુધી કહ્યું કે વિદ્યાર્થીઓ તેમના રૂમમાં હોળીની ઉજવણી કરી શકે છે, તેઓ અગાઉ પણ આ રીતે ઉજવણી કરતા આવ્યા છે. પરંતુ આને લઈને ઘણો વિવાદ થયો હતો, કેટલાક નેતાઓએ તેને હિન્દુ આસ્થા સાથે પણ જોડ્યો હતો. જ્યારે સતત દબાણ હતું ત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પીછેહઠ કરવી પડી હતી અને હવે 13 અને 14 માર્ચે હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે.

યુનિવર્સિટીમાં હોળીને લઈને હંગામો મચી ગયો હતો. 9 માર્ચે ખાસ હોળી કાર્યક્રમ માટે પરવાનગી ન મળવા બદલ અખિલ ભારતીય કરણી સેનાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરણી સેનાનો આરોપ છે કે AMU વહીવટી તંત્ર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ ‘હોળી મિલન’ કાર્યક્રમ માટે પરવાનગી માગી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો પરવાનગી નહીં મળે તો તેઓ 10 માર્ચે AMUમાં પ્રવેશ કરશે અને હોળી ઊજવશે.

યુનિવર્સિટીના વિદ્યાર્થી અખિલ કૌશલે પુષ્ટિ આપી કે, આ કાર્યક્રમનું આયોજન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓએ AMUના કુલપતિને પત્ર લખીને 9 માર્ચે ‘હોળી મિલન’ કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી. અમને હજુ સુધી આ માટે પરવાનગી મળી નથી.

Share This Article