આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના સૌથી નાના પુત્ર માર્ક શંકર આગની ઘટનામાં ઘાયલ થયા છે. તે સિંગાપોરની એક શાળામાં અભ્યાસ કરતો હતો. માર્કની સારવાર સિંગાપોરની એક હોસ્પિટલમાં ચાલી રહી છે.
પવન કલ્યાણ હાલ આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામ રાજુના જિલ્લાની મુલાકાતે છે. તેમણે પોતાના નક્કી કરેલા કાર્યક્રમોને પૂર્ણ કર્યા બાદ સિંગાપોર જવાનો નિર્ણય લીધો છે. જનસેવા પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘પવન કલ્યાણે કાલે અરાકૂ પાસે કુરિડી ગામના આદિવાસીઓને મળવાનું વચન આપ્યું હતું. પહેલાં તે ત્યાં જઈને તેમને મળીને તેમની સમસ્યા વિશે સાંભળશે.’ પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક વિકાસ યોજના શરૂ કરવાની છે. તેથી તે મુલાકાત ખતમ કર્યા બાદ સિંગાપોર જશે.
જનસેના પાર્ટીએ X પર જણાવ્યું હતું કે શંકરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. સારી વાત એ છે કે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે, માર્ક શંકરનો જન્મ 10 ઓક્ટોબર 2017 ના રોજ થયો હતો. તે હવે માત્ર 8 વર્ષનો છે અને સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો શંકરના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.