Wednesday, Nov 5, 2025

સુરતમાં બિલ્ડિંગના દાદરનો ભાગ તૂટી પડ્યો, લેડરથી 6 બાળક અને 7 મહિલાનું રેસ્ક્યૂ

2 Min Read

સુરતમાં વેરરોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો ભાગ એકાએક તૂટી પડતાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉતાર્યા હતા.

લેડરની મદદથી ફાયર વિભાગે રસ્તો કર્યા
વેડરોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના ત્રણથી ચાર જેટલા પગથિયાં એકાએક જ તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. રહીશો ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.

6 બાળકો અને 7 મહિલાનું રેસ્ક્યુ
ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ગણતરીની મિનિટોમાં જ જે દાદરનો ભાગ પડી ગયો હતો તેના ઉપરના ત્રણ માળના લોકો ફસાઈ ગયા હતા. લેડરની મદદથી તાત્કાલિક 6 જેટલા બાળકો અને 7 જેટલી મહિલાનુ રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ઘટના સમયે કોઈ પણ પુરુષ ઘરે ન હોવાને કારણે બાળકો અને મહિલાઓ જ ફસાઈ હતી. ઘટનાની જાણ થયા બાદ કોર્પોરેશનના ઝોનની ટીમ બિલ્ડિંગ સ્ટેબિલિટી જોવા માટે પહોંચી હતી.

Share This Article