બિહારના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પપ્પુ યાદવે આ અંગે બિહાર પોલીસને ફરિયાદ કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ ઘટનાની જાણકારી આપી છે. પપ્પુએ ગૃહ મંત્રાલય પાસે ‘Z’ શ્રેણીની સુરક્ષાની માંગણી કરી છે. પપ્પુએ કહ્યું કે અત્યારે મને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. પરંતુ સતત ધમકીઓને કારણે જીવ જોખમમાં છે. જો સુરક્ષા નહીં વધારવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે.
ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે, લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કાયદો જો પરવાનગી આપે તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દેશે.
પપ્પુ યાદવે બાબા સિદ્દીકીની હત્યાને શરમજનક ગણાવી હતી. તેણે લખ્યું હતું કે, બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુઃખદ છે. જો ભાજપની ગઠબંધન સરકાર પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે? જો કે આ પછી પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને લોરેન્સ બિશ્નોઈ વિશે પ્રશ્નો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે પત્રકારોને કહ્યું કે, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આ બધા નકામા પ્રશ્નો અહીં ન પૂછો. પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું કે તેમને એક કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના મુદ્દાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ મામલે પપ્પુ યાદવે બિહારના ડીજીપીને ફરિયાદ કરી છે. પપ્પુ યાદવના જણાવ્યા અનુસાર, ધમકી આપનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વાતચીત થઈ રહી નથી. ફોન કરનારાઓના જણાવ્યા મુજબ, લોરેન્સ બિશ્નોઈ જેલના જામરને એક કલાક માટે બંધ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર કરી રહ્યો છે પરંતુ પપ્પુ યાદવનો સંપર્ક થઈ શક્યો નથી.
આ પણ વાંચો :-