ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આ ચર્ચાનો વિષય ‘સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં સુસંગતતા વધારવી’ હતો, પરંતુ પાકિસ્તાને ફરી એકવાર તેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. હરીશે જવાબ આપ્યો, ‘જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.’ પાકિસ્તાન આ વિસ્તાર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે, જે તેણે તાત્કાલિક ખાલી કરવો જોઈએ.
ભારતે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને તેણે તે વિસ્તાર ખાલી કરવો પડશે. હરીશે પાકિસ્તાનને તેની સંકુચિત વિચારસરણી અને વિભાજનકારી નીતિઓ છોડીને શાંતિ તરફ આગળ વધવાની સલાહ આપી. UNમાં આયોજિત બેઠકમાં ભારતે એક કડક સંદેશ આપ્યો અને કહ્યું, ‘પાકિસ્તાને સમજવું જોઈએ કે તેણે POK (પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર) છોડવું પડશે જેમાં તે બેઠું છે.’ જો પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે તો તેણે પહેલા આતંકવાદ અને નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ, ભારત સરકારે કલમ 370 દૂર કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ કડવાશભર્યા બન્યા અને વેપાર બંધ થઈ ગયો. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે આતંકવાદ, હિંસા અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે.