જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મૃત્યુ બાદ ભારત સરકાર આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા મક્કમ છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં ગભરાટનો માહોલ છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાને આતંકવાદી સંગઠનના લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને સેફ હાઉસમાં રાખ્યો છે.
ભારતથી હુમલાના ડરથી પાકિસ્તાની સેના હાફિઝને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. અહેવાલ મુજબ હાફિઝ સઈદને લાહોરમાં છુપાવવામાં આવ્યો છે. તેને લાહોરના મોહલ્લા જોહરમાં છુપાવવામાં આવ્યો છે. પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના ભૂતપૂર્વ કમાન્ડો તેની 24 કલાક સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનમાં મળી રહેલી આ સુરક્ષાથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાન સરકારમાં તેની કેટલી પહોંચ છે.