Home Blog Page 77

ઇઝરાયલના હુમલા બાદ ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી

0

ઇઝરાયલના લેબનોન પર હુમલા બાદ ઈરાને આકરી ચેતવણી આપી છે. તેમજ અમેરિકા સાથેની વાટાઘાટો અટકાવી દીધી છે. ઇરાને આને યુદ્ધવિરામનો ભંગ ગણાવીને લેબનોન પર હુમલા બંધ કરવાની માંગ કરી છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડેબ જળમાર્ગોને બંધ કરવાની ચીમકી પણ આપી છે.

ઇરાનના મીડિયા અહેવાલો મુજબ ઇરાને સ્પષ્ટપણે કહ્યું છે કે ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી બંધ ન થાય ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ વાતચીત થશે નહીં. ઈરાને લેબનોનમાંથી ઇઝરાયલી દળોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાની પણ માંગ કરી છે. જો કે, આ બાબતે અમેરિકા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

આ દરમિયાન ઈરાને સોમવારે વહેલી સવારે કુવૈત પર મિસાઈલ અને આત્મઘાતી ડ્રોનનો મોટો હુમલો કર્યો હતો. આ હુમલા બાદ સમગ્ર કુવૈતમાં ઈમરજન્સી સાયરન વાગી રહ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કુવૈતની સેનાએ તાત્કાલિક પોતાના એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી હતી. જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી હતી.

જેના પગલે કુવૈત સરકારે દેશના નાગરિકોને બારીઓ અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા માટે મોબાઈલ એલર્ટ જાહેર કર્યા હતા. આ વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજાર અને ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી હતી.

CBIએ RCom કેસમાં પૂર્વ MD ઝુંઝુનવાલાની ધરપકડ, ₹6,015 કરોડ બેંક છેતરપિંડીનો આરોપ

0

સીબીઆઈએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના ટોચના અધિકારી અમિતાભ ઝુનઝુનવાલાની SBIના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમને રૂા.6,000 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તે સમયે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર હતા અને કોર્પોરેટ ફાઇનાન્સ, બેંકિગ અને ફંડ મેનેજમેન્ટ જેવા મુખ્ય કાર્યોનું નિરીક્ષણ કરતા હતા.

અમિતાભ ઝુનઝુનવાલાએ લોન અને એડવાન્સિસ માટે વરિષ્ઠ બેંક અધિકારીઓ સાથે સંકલન કર્યું. તેમના નિર્દેશોના આધારે, બેંકોમાંથી મેળવેલી લોનનું સંચાલન અથવા ઉપયોગ અન્ય ળ ગ્રુપ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. એવો આરોપ છે કે લોનના દુરુપયોગને કારણે બેંકોને અનુચિત નુકસાન થયું હતું.

તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે વિવિધ બેંકો પાસેથી લોન મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કંપની દ્વારા લોન ચૂકવવામાં નિષ્ફળતાને કારણે ખાતાઓ NPA બની ગયા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપ કંપનીઓના પ્રમોટર્સ તરફથી તેમને આમ કરવા માટે સૂચનાઓ મળી રહી હતી.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળેલી ફરિયાદના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અનિલ ડી. અંબાણી વિરુદ્ધ આ FIR દાખલ કરી છે. તેમના પર બેંકને રૂા. 2,929.05 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં 11 બેંકોના કન્સોર્ટિયમે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડને ટર્મ લોન મંજૂર કરી હતી, જેના પરિણામે કુલ રૂા. 6,015 કરોડનું નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ, RCom ની ૧૭જાહેર ક્ષેત્રની બેંકો પ્રત્યે કુલ જવાબદારીઓ રૂા.19,694.33 કરોડ હતી. વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને LIC ની ફરિયાદોના આધારે CBI એ RCom, RHFL, RCFL અને RTL સામે છ અન્ય FIR પણ નોંધી છે. આ કેસોમાં તપાસ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે.

અમિતાભ ઝુનઝુનવાલા દિલ્હીના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ હેઠળના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા અને તેમને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા. વર્તમાન કેસમાં તેમને કસ્ટડીમાં લેવા માટે મુંબઈના એક ખાસ ન્યાયાધીશ પાસેથી પ્રોડક્શન વોરંટ મેળવવામાં આવ્યું હતું.

જેલ અધિકારીઓએ આરોપીને તબીબી તપાસ માટે AIIMS, નવી દિલ્હી મોકલ્યા. AIIMS મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કર્યા પછી, ઝુનઝુનવાલાને મુસાફરી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ, તેમને મુંબઈ લાવવામાં આવ્યા અને 1 જૂને મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

નિવેદનમાં જણાવાયું હતું કે તેમની હાજરી પછી, CBI એ ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી હતી, જે કોર્ટ દ્વારા નોંધવામાં આવી હતી. ત્યારબાદ, સીબીઆઈના આરકોમ કેસમાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો અને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો. તેની પોલીસ કસ્ટડી અરજી પર આવતીકાલે સુનાવણી થશે. સીબીઆઈએ ૨૯ મે, 2026 ના રોજ આરકોમ કેસમાં કંપની, પાંચ વરિષ્ઠ આરકોમ અધિકારીઓ અને 10 બેંક અધિકારીઓ સહિત 16 આરોપીઓ સામે તેની પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી.

સૂર્યા હત્યાકાંડ પર યોગીનો સખત સંદેશ: ‘સંતાનોને સંસ્કાર આપો, નહીં તો કાયદો પોતાનું કામ કરશે’

0

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે બિજનૌરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગાજિયાબાદના સૂર્યા ચૌહાણ હત્યાકાંડનો ઉલ્લેખ કરતાં કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મિત્રતાના નામે હિંસા અને છરીબાજી જેવી ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. સીએમ યોગીએ કહ્યું કે ગાજિયાબાદની આ ઘટના અત્યંત દુઃખદ છે અને તેણે સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. તેમણે માતા-પિતાની જવાબદારી પર ભાર મૂકતાં જણાવ્યું કે જો માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય સંસ્કાર અને દિશા આપવામાં નિષ્ફળ જાય, તો તે ગંભીર ચિંતાનો વિષય છે.

કડક કાર્યવાહી ચાલુ રહેશે
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા કાયદાનું પાલન કરતા સામાન્ય નાગરિકોની સાથે ઊભી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થાને પડકારનાર અને સમાજમાં અશાંતિ ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવી ગુનાહિત ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

બિજનૌર પ્રવાસે સીએમ યોગી
ઉલ્લેખનીય છે કે સીએમ યોગી સોમવારે બિજનૌર જિલ્લાના અફઝલગઢ વિસ્તારના આલમપુર ગામડી ગામે પહોંચ્યા હતા. બપોરે લગભગ 1:55 વાગ્યે તેમનું હેલિકોપ્ટર હેલિપેડ પર ઉતર્યું હતું, જ્યાં વધાપુરના ધારાસભ્ય કુંવર સુશાંત સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીએ કાર્યક્રમ સ્થળ નજીક યોજાયેલી વિવિધ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી. તેમણે સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિદુર બ્રાન્ડના ઉત્પાદનો, કૃષિ અને બાગાયતી પ્રદર્શન, ઊર્જા વિકાસ સંબંધિત સ્ટોલ તેમજ પોલીસ વિભાગની પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ‘પ્રેરણા કેફે’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

અસદનું પોલીસ એન્કાઉન્ટર કરી ચૂકી છે
નોંધનીય છે કે 28 મેના રોજ બકરી ઈદના દિવસે 17 વર્ષીય સૂર્યાની હત્યા તેના મિત્ર અસદ અને અન્ય લોકોએ કરી હતી. આ કેસમાં પોલીસે રવિવારે અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. સાથે જ ખોડા વિસ્તારમાં આવેલા અસદના મકાન પર નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. જો તપાસ દરમિયાન મકાનમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળશે તો બુલડોઝર કાર્યવાહી થઈ શકે છે. જ્યારે અન્ય આરોપીઓને પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

ગૌમાતા મુદ્દે મૌલાનાઓને લઈને યોગીનું નિવેદન
સીએમ યોગી આદિત્યનાથે ગૌમાતા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આજકાલ કેટલાક મૌલાના અને મૌલવીઓ ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. હું તેમને કહેવા માંગું છું કે ગૌમાતા સ્વયંઘોષિત રાષ્ટ્રમાતા છે. ગૌમાતા સાથે આપણો જન્મજન્માંતરનો સંબંધ છે.

ગાંધીનગરમાં લાંચિયો ક્લાસ-1 અધિકારી ઝડપાયો,ઘરમાંથી કરોડોની બેનામી મિલકત ખુલી

0

ગાંધીનગરમાં લાંચીયા લોકો સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગાંધીનગરમાંથી ક્લાસ – 1 ઓફિસર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો હતો. અમદાવાદ અને સુરતના નિવાસસ્થાને દરોડા પાડીને તપાસ કરતા એસીબીને તેમના બંને મકાન તથા ગાડીમાંથી 1.76 કરોડ રોકડા મળ્યા હતા. ઉપરાંત સોના-ચાંદી 88.82 લાખની કિંમતના દાગીના મળ્યા હતા. કુલ 2 કરોડ 64 લાખની મત્તા મળી આવી હતી.

મળતી વિગત પ્રમાણે, ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં ક્લાસ વન ઑફિસરએ બી ચૌધરી સોલર પેનલની એનઓસી આપવાના બદલામાં રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તેમના ઘર અને ગાડીના સર્ચ દરમિયાન મોટી માત્રામાં કેશ તથા દાગીના મળી આવ્યા હતા.

એ.બી. ચૌધરીએ સોલાર પેનલ ફિટ કરવાના લાયસન્સ અને એનઓસી આપવા માટે લાંચની મોટી રકમની માગણી કરી હતી. એસીબીએ ટ્રેપ ગોઠવીને અધિકારીને કચેરી પરિસરમાં જ લાંચના નાણાં સ્વીકારતા પકડી પાડ્યા હતા. ત્યારબાદ જ્યારે એસીબીની ટીમે તેમની અંગત કારની તલાશી લીધી, ત્યારે તેમાંથી અલગથી રાખેલા વધારાના રૂપિયા 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી, જે અંગે અધિકારી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

સુરત અને ગાંધીનગરની આ મિલકતોમાંથી 88. 82 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ 5. 51 હજાર રૂપિયાની રોકડ સાથેના ગિફ્ટ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એસીબીએ અધિકારી પાસેથી કુલ 2. 64 કરોડ રૂપિયાની અધધ મતા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બે દિવસ પહેલા એન્ટી કરપ્શન બ્યુરોએ સુરતમાં 19 વર્ષના એક કોલેજ વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સ્ટુડન્ટ સુરત જિલ્લા પંચાયતના કૃષિ વિભાગમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમના માતા વતી કથિત રીતે રૂ. 30,000ની લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ગ-3 ના અધિકારી રૂપલ ટેલરે કથિત રીતે 33 કર્મચારીઓ પાસેથી TA બિલ પાસ કરવા માટે વ્યક્તિ દીઠ રૂ. 1,500 અને 13 કર્મચારીઓ પાસેથી એલટીસીના ક્લેમ આગળ વધારવા માટે વ્યક્તિ દીઠ રૂ.1,000 એમ કુલ મળીને રૂ. 62,500ની લાંચ માંગી હતી.

સૂર્યા હત્યાકેસનો મુખ્ય આરોપી અસદ એનકાઉન્ટરમાં ઠાર, તમામ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

0

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 17 વર્ષીય સૂર્યા ચૌહાણની હત્યાના મામલે રાજકીય અને સામાજિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સિંહ સોમે ઘટનાની કડક નિંદા કરતા કહ્યું કે આવી હિંસક અને કટ્ટરપંથી માનસિકતા દેશ માટે ગંભીર ખતરો છે.

હત્યાને ગણાવી આતંકવાદી માનસિકતાનું ઉદાહરણ
સંગીત સોમે જણાવ્યું કે બકરી ઈદના દિવસે એક સગીર યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી, જે અત્યંત દુઃખદ અને અસહ્ય ઘટના છે. તેમણે આ ઘટનાને આતંકવાદી માનસિકતાનું ઉદાહરણ ગણાવી કહ્યું કે આવી વિચારધારાને દેશમાં કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં.

આરોપીના એન્કાઉન્ટરને સમર્થન
ઘટના બાદ મુખ્ય આરોપી અસદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ કાર્યવાહીનું સમર્થન કરતાં સંગીત સોમે જણાવ્યું કે જે લોકો નિર્દોષોની હત્યા કરે છે અને પોલીસ પર હુમલો કરે છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે પણ સમાન કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બાઈક ચલાવવા બાબતે શરૂ થયો હતો વિવાદ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પહેલા અસદ અને સૂર્યા વચ્ચે મોટરસાઇકલ ચલાવવા બાબતે બોલાચાલી અને વિવાદ થયો હતો. આ વિવાદ બાદ અસદે સમગ્ર ઘટનાની જાણ પોતાના પિતા નવાબ અને મિત્રો ફરહાન તથા અતીકને કરી હતી.

કાવતરું ઘડીને સૂર્યા પર કર્યો હુમલો
તપાસ મુજબ, અસદ અને તેના સાથીદારોએ સૂર્યાને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ રસ્તામાં સૂર્યાને રોકી તેની સાથે મારામારી કરવામાં આવી હતી. આરોપ છે કે ફરહાને અસદને છરી આપી હતી અને પિતા નવાબના ઉશ્કેરવાથી અસદે સૂર્યાના પેટમાં છરીના ઘા ઝીંક્યા હતા.

સારવાર દરમિયાન થયું મોત
ગંભીર રીતે ઘાયલ થયેલા સૂર્યાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

લુધિયાણાની ફેક્ટરીમાં ઝેરી ગેસનો કહેર: પિતા-પુત્ર સહિત 3ના મોત, અનેક કામદારો હોસ્પિટલમાં

0

લુધિયાણામાં પાના અને ચાવી બનાવતી ફેક્ટરીમાં અચાનક ઝેરી ગેસ લીકેજ થવાથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં એક પિતા અને પુત્રનું ગૂંગળામણથી મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જો કે, તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. અન્ય ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કેટલાક બેભાન થઈ ગયા હતા, અને ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં કામ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પાઇપલાઇન અથવા સિલિન્ડરમાંથી ગેસ લીક ​​થવા લાગ્યો. થોડીવારમાં જ ઝેરી ગેસ ફેલાઈ ગયો. ગેસનો પ્રભાવ એટલો તીવ્ર હતો કે ત્યાં હાજર કામદારોને બચવાનો મોકો મળ્યો નહીં. ગૂંગળામણ અને આંખોમાં તીવ્ર બળતરાને કારણે ઘણા કામદારો ફેક્ટરીમાં પડી ગયા.

અકસ્માતના સમાચાર ફેલાતાં જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. અંદર રહેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ પિતા માન સિંહ અને પુત્ર અમિત તરીકે થઈ છે. તેઓ મશીન નીચેથી માટી ટ્રોલીમાં ભરવા ગયા હતા. તેઓ ગેસ લીકેજમાં ફસાઈ ગયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, માન સિંહ અને અમિત બંને પરિવારના ગુજરાન ચલાવતા હતા. અમિતને બે બહેનો અને એક નાનો ભાઈ પણ છે. અમિત પરિણીત હતો. તેની પત્ની ગૃહિણી છે, અને તેમને એક વર્ષની પુત્રી છે.

મૃતકની માતા રેણુએ જણાવ્યું કે, તેના પતિ અને પુત્ર બંને રાત્રે કામ પર જતા હતા. તેઓ સામાન્ય રીતે સવારે બે કે ત્રણ વાગ્યે પાછા ફરતા હતા. “અમે વારંવાર ફોન કરતા હતા, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. અમે સવારે ફેક્ટરીમાં પહોંચ્યા. અમે સૌથી પહેલા ફેક્ટરીમાં જઈને ત્યાં એક ટ્રેક્ટર ઉભું જોયું. તેમણે અમને કહ્યું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેઓએ અમને ફરી ક્યારેય ફોન કર્યો નહીં કે અકસ્માત વિશે કોઈ માહિતી આપી નહીં. જ્યારે અમે હોસ્પિટલમાં પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે મારા પતિ અને પુત્રનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે કુલ ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે.”

રેણુએ કહ્યું કે, “મારા પતિનું નામ માન સિંહ હતું. મારા પુત્રનું નામ અમિત છે. ત્રીજા વ્યક્તિનું નામ અજાણ છે. બીજો કર્મચારી ફેક્ટરીમાં કામ કરતો હતો, પરંતુ તે રાત્રે કાટમાળ સાફ કરવાનું કામ કરતો હતો. અમને હજુ સુધી કંઈ સાંભળવામાં આવ્યું નથી.” મારી પુત્રવધૂ તેના પરિવાર સાથે છે. મારા દીકરાને દોઢ વર્ષની દીકરી છે. પરિવાર ગિયાસપુરમાં રહેવાસી છે. અને તેઓ કહે છે કે, ફેક્ટરી માલિક હજુ સુધી તેમના ખબરઅંતર પૂછવા આવ્યા નથી.

અમેરિકામાં U-વિઝા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંદ્રકાંત પટેલ દેશનિકાલના ભય હેઠળ

અમેરિકામાં ગુજરાતી મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. ઘણા લોકો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા બાદ ત્યાં રહેવા માટે અવનવાં ગતકડાં કરતા હોય છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકાથી પ્રકાશમાં આવ્યો હતો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવાના એક ગંભીર ષડયંત્રમાં બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 10 પાટીદારો સામે વિધિવત્ રીતે ગુનો નોંધ્યો હતો.

અમેરિકામાંથી દેશનિકાલ થતા બચાવવા માટે ત્યાંના ‘U-વિઝા વિક્ટિમ-પ્રોટેક્શન પ્રોગ્રામ’નો દુરુપયોગ કરનાર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંદ્રકાંત ઉર્ફે ‘લાલા’ પટેલ હવે ખુદ દેશનિકાલનો સામનો કરી રહ્યો છે. ચંદ્રકાંત પટેલે કોર્ટમાં કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના ગુનાની કબૂલાત કરી હતી. પ્લી એગ્રીમેન્ટ (ગુનાની કબૂલાતના કરાર) અંતર્ગત પટેલ પોતાના બહુવિધ બેંક ખાતાઓ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, વાહનો, મોંઘી જ્વેલરી, કિંમતી ધાતુઓ અને લુઇસિયાનાના ઓકડેલમાં આવેલી પાંચ પ્રોપર્ટીઝ જપ્ત કરવા માટે સહમત થયો હતો.

15 વર્ષની જેલ અને કરોડો રૂપિયાના દંડની શક્યતા
કોર્ટ દસ્તાવેજો અનુસાર, પટેલને કાવતરાના ગુનામાં 5 વર્ષ અને મની લોન્ડરિંગના ગુનામાં 10 વર્ષ સહિત કુલ 15 વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત તેને 5 લાખ ડોલર (આશરે ₹4.15 કરોડ) સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. અંતિમ સજા ફેડરલ કોર્ટ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે.

ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી ઉઘરાવતો હતો હજારો ડોલર
પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, ગુજરાતના કલોલમાં જન્મેલા ચંદ્રકાંત પટેલે અનેક ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી હજારો ડોલર વસૂલ્યા હતા. તે અરજદારોને સશસ્ત્ર લૂંટફાટ અથવા અન્ય ગંભીર ગુનાઓના પીડિત તરીકે ખોટી રીતે રજૂ કરતો હતો અને તેના આધારે U-વિઝા મેળવવાની પ્રક્રિયા ગોઠવતો હતો.

U-વિઝા મેળવવા માટે બનાવતા હતા નકલી કેસ
તપાસમાં ખુલ્યું છે કે અરજદારો માટે નકલી ગુનાના કેસો ઉભા કરવામાં આવતા હતા અને ત્યારબાદ તે બનાવટી ઘટનાના આધારે U-વિઝા માટે અરજી કરવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડથી પટેલ અને તેના સાથીદારોને કરોડો રૂપિયાની ગેરકાયદે કમાણી થઈ હોવાનું સામે આવ્યું છે.

2025માં સામે આવ્યો હતો કૌભાંડ
આ મામલો પ્રથમ વખત 2025માં પ્રકાશમાં આવ્યો હતો. તપાસ દરમિયાન લુઇસિયાનાના ત્રણ વર્તમાન અથવા ભૂતપૂર્વ પોલીસ ચીફ અને ઓકડેલના એક માર્શલનું નામ પણ સામે આવ્યું હતું. આરોપ છે કે પટેલે નકલી પોલીસ રિપોર્ટ તૈયાર કરાવવા અને U-વિઝા સંબંધિત દસ્તાવેજોને પ્રમાણિત કરાવવા માટે અધિકારીઓને પ્રતિ કેસ આશરે 5,000 ડોલરની લાંચ આપી હતી.

શું છે U-વિઝા પ્રોગ્રામ?
U-વિઝા અમેરિકી કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ માનવતાવાદી ઇમિગ્રેશન કાર્યક્રમ છે. તેનો હેતુ ગંભીર ગુનાઓના ભોગ બનેલા લોકોને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકાર આપવા પ્રોત્સાહિત કરવાનો છે. આ વિઝા હેઠળ પાત્ર વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી, દેશનિકાલથી રક્ષણ અને ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવાની તક મળે છે.

તપાસમાં મોટી સફળતા
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રકાંત પટેલની ગુનાની કબૂલાત દાયકાથી વધુ સમયથી ચાલતી તપાસમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. હવે કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂકને મંજૂરી, ન્યાયતંત્રને મળશે નવી મજબૂતી

0

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા પાંચ ન્યાયાધીશોના નામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ નિમણૂકો બાદ સુપ્રીમ કોર્ટ તેની સંપૂર્ણ મંજૂર ન્યાયિક ક્ષમતા સાથે કાર્યરત બનશે.

કેન્દ્રીય કાયદા મંત્રાલયે સોમવારે પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું. નવા નિયુક્ત ન્યાયાધીશોમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વી. મોહના, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરુણ પલ્લીનો સમાવેશ થાય છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આ નામોની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ હવે આ ન્યાયાધીશો દેશની સર્વોચ્ચ અદાલતમાં પોતાની નવી જવાબદારીઓ સંભાળશે. પડતર કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ નિમણૂકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વી. મોહના બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર 11મા વ્યક્તિ બનશે. પૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા બાદ આ સિદ્ધિ મેળવનાર તેઓ બીજી મહિલા છે. તેઓ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા રહ્યા છે અને મહિલા અધિકારીઓને સેનામાં કાયમી કમિશન આપવાના ઐતિહાસિક કેસમાં અગ્રણી વકીલ તરીકે પણ જાણીતા છે.

જસ્ટિસ શીલ નાગુ હાલમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનું મૂળ કાર્યક્ષેત્ર મધ્યપ્રદેશ હાઇકોર્ટ રહ્યું છે. તેઓ તાજેતરમાં જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા રોકડ વિવાદ કેસની તપાસ માટે રચાયેલી ઇન-હાઉસ સમિતિના સભ્ય પણ રહ્યા હતા.

જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અગાઉ ઝારખંડ હાઇકોર્ટમાં સેવા આપી ચૂક્યા છે અને હાલમાં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ સંજીવ સચદેવ મૂળ દિલ્હી હાઇકોર્ટમાંથી આવ્યા છે અને હાલમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે.

જસ્ટિસ અરુણ પલ્લી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં લાંબી સેવા આપી ચૂક્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ કાર્યરત રહ્યા છે.

આ પાંચેય ન્યાયાધીશોની નિમણૂકથી સુપ્રીમ કોર્ટને વિવિધ હાઇકોર્ટોમાંથી મળેલા તેમના સમૃદ્ધ ન્યાયિક અનુભવ અને વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિનો લાભ મળશે. ન્યાયતંત્રને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવવા માટે આ નિમણૂકોને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

મ્યાનમારમાં ભીષણ વિસ્ફોટમાં 46 લોકોના મોત, 74 ઘાયલ; 100થી વધુ ઘરોને નુકસાન

મ્યાનમારના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં રવિવારે એક ઇમારતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 45થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જે ઇમારતમાં વિસ્ફોટ થયો હતો ત્યાં ખનન પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અને બચાવકર્મીઓએ જણાવ્યું કે આ ઘટના નામખામ શહેરના કાઉંગટુપ ગામમાં બની હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

વિસ્ફોટ સ્થળે પહોંચેલા એક બચાવકર્મીએ જણાવ્યું કે રવિવાર સાંજ સુધીમાં છ બાળકો સહિત કુલ 46 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલી દેવામાં આવ્યા છે. સુરક્ષા કારણોસર બચાવકર્મીએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી.

74 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ
બચાવ દળના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 74 લોકોને નામખામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ અને રાહતકર્મીઓ સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છે.

100થી વધુ ઘરોને નુકસાન
એક અન્ય બચાવકર્મીએ જણાવ્યું કે વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ઇમારતની આસપાસ આવેલા 100થી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. કાઉંગટુપ ગામ ચીનની સરહદથી આશરે 20 કિલોમીટર દક્ષિણ તરફ આવેલું છે. આ વિસ્તાર તઆંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA)ના નિયંત્રણ હેઠળ છે. TNLA મ્યાનમારની સૈન્ય સમર્થિત કેન્દ્ર સરકાર સામે લડી રહેલું એક જાતિઆધારિત સશસ્ત્ર સંગઠન છે.

વિસ્ફોટના કારણોની તપાસ શરૂ
અધિકારીઓએ ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટ ખનન માટે સંગ્રહિત વિસ્ફોટક સામગ્રીના કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ભાવ વધારો, જાણો કેટલો મોંધો થયો

0

પેટ્રોલ, ડીઝલ અને CNG બાદ હવે LPG ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ₹42 સુધીનો વધારો જાહેર કર્યો છે. સાથે જ 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરના ભાવમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે ઘરેલુ ગ્રાહકોને રાહત મળી છે.

દિલ્હી-કોલકાતામાં નવા ભાવ અમલમાં
નવી કિંમતો અનુસાર દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹3,113.50 થઈ ગઈ છે, જ્યારે કોલકાતામાં તેની કિંમત ₹3,255.50 સુધી પહોંચી છે. 5 કિલોગ્રામના નાના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં વધીને ₹821.50 થઈ છે.

હોટલ-રેસ્ટોરાંના ખર્ચમાં વધારો
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ વધતા હોટલ, રેસ્ટોરાં, ઢાબા, કેટરિંગ અને અન્ય ખાદ્ય વ્યવસાયોના ખર્ચમાં સીધી અસર થશે. વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર આવવાની શક્યતા છે, જેના કારણે બહારના ખોરાકના ભાવમાં વધારો થઈ શકે છે.

સતત સાતમી વખત ભાવ વધારો
આ વર્ષે સતત સાતમી વખત 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ ₹1,533 એટલે કે આશરે 97 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વમાં વધેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે LPG પુરવઠા પર દબાણ વધ્યું છે.

ઘરેલુ ગ્રાહકોને રાહત
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. હાલમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹913, કોલકાતામાં ₹939, મુંબઈમાં ₹912.50 અને ચેન્નાઈમાં ₹928.50 છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 7 માર્ચે કરવામાં આવ્યો હતો, જ્યારે ₹60નો વધારો કરવામાં આવ્યો હતો.

મે મહિનામાં પણ થયો હતો મોટો વધારો
ઉલ્લેખનીય છે કે 1 મેના રોજ પણ તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹993નો જંગી વધારો કર્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં તેની કિંમત ₹2,078.50થી વધીને ₹3,071.50 થઈ હતી. તે સમયે 5 કિલોગ્રામના નાના સિલિન્ડરમાં પણ ₹261નો વધારો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલની નિકાસ ડ્યુટીમાં રાહત
રવિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. નવા દરો આજથી અમલમાં આવ્યા છે. પેટ્રોલની નિકાસ પર ₹1.5 પ્રતિ લિટર, ડીઝલ પર ₹13.5 પ્રતિ લિટર અને ATF પર ₹9.5 પ્રતિ લિટરની ડ્યુટી નક્કી કરવામાં આવી છે. જોકે, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ પર લાગુ એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી સામાન્ય ગ્રાહકો પર તેની સીધી અસર નહીં થાય.