Home Blog Page 726

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, ૧ જુલાઈથી ઓનલાઈન અરજી કરી શકાશે

0
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં સરકારી નોકરી મેળવવા માટે તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ૫૦૨ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

Gujarat Gaun seva pasandgi mandal file pic

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ વિવિધ
જગ્યા ૫૦૨
અરજી કરવાનો સમયગાળો ૧ થી ૨૦ જુલાઈ ૨૦૨૪ સુધી
સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index, https://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી

 

પોસ્ટ ખાલી જગ્યા
ખેતી મદદનીશ ૪૩૬
બાગાયત મદદનીશ ૫૨
મેનેજર (અતિથિગૃહ) ૧૪
કુલ ૫૦૨

આ ભરતી અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેતી મદદનીશની ૪૩૬ જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની ૫૨ જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની ૧૪ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. યોગ્ય શેક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ૦૧/૦૭ થી ૨૦/૦૭/૨૦૨૪ સુધીમાં OJAS પર online application મંગાવવા આજે GSSSBની સત્તાવાર વેબસાઈટ પર ૧૫.૦૦ કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.

આ પણ વાંચો :-

દેશમાં પહેલીવાર લોકસભા સ્પીકરની ચૂંટણી, જાણો કોણ બનશે સ્પીકર ?

0

આજે ૧૮મી લોકસભાના પ્રથમ સત્રના બીજો દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. આ સાથે જ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.

parliament 2024 nda oath taking updatesપૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા એનડીએના આશાસ્પદ તરીકે આજે નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. તે જ સમયે વિપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવું જોઈએ. સત્તાધારી પક્ષ દ્વારા ઓમ બિરલાનું નામ પણ આગળ કરવામાં આવ્યું છે. ઓમ બિરલા આજે પીએમ મોદીને પણ મળ્યા છે.

લોકસભામાં નંબર ગેમની વાત કરવમાં આવે તો ૨૦૧૪ અને ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો છે. એનડીએની આગેવાની કરી રહેલી ભાજપને આ વર્ષે બહુમત મળી નથી. જો કે ૨૪૦ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ ૨૯૩ છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ૯૯ બેઠકો જીતી હતી. જો કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દેતા હવે તેનું સંખ્યાબળ ૯૮ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે ૨૩૩ સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય ૧૬ લોકો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે.

૧૮મી લોકસભાના પ્રથમ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન શપથ લેવા માટે ઉભા થયા કે તરત જ વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા અને બંધારણની નકલો દેખાડવાની શરૂ કરી દીધી. આ દરમિયાન પીએમ મોદીએ ઈમરજન્સીને યાદ કરતા કહ્યું કે ૨૫ જૂન એક અવિસ્મરણીય દિવસ છે. ૫૦ વર્ષ પહેલા આ દિવસે બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના સાંસદ ભૃથરી મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો :-

T૨૦ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન પહોંચ્યું સેમી ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું

0

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. અફઘાનિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટમાં પહેલી વખત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. અફઘાનિસ્તાનની જીત સાથે બીજો મોટો અપસેટ એ થયો છે કે, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ૨૦૨૪ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું છે.

T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં અફઘાનિસ્તાનની ધમાકેદાર એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું 1 - image

T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે મોટો અપસેટ સર્જ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ભારે રસાકસી અને વરસાદી માહોલ વચ્ચે બાંગ્લાદેશને હરાવી T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અફઘાનિસ્તાન ટીમ માટે આ પહેલી વખત છે કે તેઓ સેમી ફાઇનલ સુધી પહોંચ્યા છે.

ICC મેન્સ T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં સુપર-૮ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને ૮ રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે ૧૧૪ (DLS)નો ટાર્ગેટ હતો. પરંતુ નવીન ઉલ હકે સતત ૨ વિકેટ ઝડપીને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને ૪ વિકેટ ઝડપીને બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવીને ૧૧૫ રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે ૧૦.૪ ઓવરમાં ૫૪ રનની પાર્ટનરશીપ કરી હતી. મેચમાં ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

આ પણ વાંચો :-

૨૫ જૂન, ૨૦૨૪/ આ રાશિના જાતકોને આજે મિલકતને લઈને વિવાદ વધશે, ૫ રાશિના જાતકોને આર્થિક સંકટનો સામનો જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા, નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે, માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભઃ

કોઇ મહત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાય.વ્યવસાયિક ગતિવિધિઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ

આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઇ કોઇ સમયે શરીરમાં થોડી નબળાઇનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ

દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહઃ

માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ-પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ-વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ

ભાવનાત્મક રૂપથી આપ ખૂબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પૂરા કરવા માટે દીલથી મહેનત કરો, ઇશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઇ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ

માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ

માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા, ખેતી તેમજ ઇલેકટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશે તો આનંદ. માથાના દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ

સંબંધમાં તણાઇને ખોટા નિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ

પરિવારમાં કોઇ પણ મુદ્દાને લઇને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઇને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

GCAS પોર્ટલમાં વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ ABVPનું વિરોધ પ્રદર્શન

0

ગુજરાતમાં આજે સવારથી જ એબીવીપી કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો છે, છેલ્લા કેટલાક સમયથી GCAS પૉર્ટલને લઇને ખામીઓ આવી રહી છે, અને હવે આ પૉર્ટલ જામ થતાં ABVPએ પૂરજોશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે, અને ઠેક ઠેર દેખાવો સાથે ચક્કાજામ કર્યુ છે. આજે અમદાવાદથી લઇને સુરત, વડોદરા, આણંદ સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગુજરાતમાં આજે એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. GCAS પૉર્ટલને લઇને ABVP આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, જામનગર, જેતપુર, મહેસાણામાં વિરોધ પ્રદર્શન શરૂ થયુ હતુ. ખાસ વાત છે કે, વિવિધ પ્રશ્નો, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યું હતુ. આ ઉપરાંત સુરતમાં આજે સવારથી જ એબીવીપીના કાર્યકર્તાઓઓ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ખાનગી કૉલેજો મનમાની કરી રહી છે. GCAS પૉર્ટલને લઇને વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા, અને પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી.

ABVP દ્વારા કહેવાયું કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪થી રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતાં. જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઉભી થઈ છે. લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે. ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ-પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી ‘અરજી એક, વિકલ્પ અનેક’ના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરી આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે જેનું ગર્વ છે. આ પોર્ટલથી સમગ્ર એડમિશન પ્રક્રિયા ઝડપી થશે જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટમાંથી નથી મળી રાહત

0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલ તિહાર જેલના સળિયા પાછળ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી પરંતુ તેમને કોઈ રાહત મળી શકી નથી. સુપ્રીમ કોર્ટ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજી પર ૨૬ જૂને સુનાવણી કરશે. કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સોમવારે જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચ કેજરીવાલની હાઈકોર્ટના આદેશ સામેની અપીલ પર સુનાવણી કરી રહી હતી જેમાં જામીન પર વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો હતો.

Gujarati News 24 June 2024 LIVE: કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટમાંથી નથી મળી રાહત

સુપ્રીમકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કેજરીવાલ અને તેમના વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી જોઈએ અને પછી જ અમારી પાસે આવો. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટનો સ્ટે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેના પછી જસ્ટિસ મનોજ મિશ્રએ કહ્યું કે હાઈકોર્ટ આજ-કાલમાં ચુકાદો આપવાની છે. તેના પર સિંઘવીએ કહ્યું કે જો જામીન રદ થશે તો અમારા અસીલ કેજરીવાલ ફરી જેલ જશે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં કેજરીવાલ દ્વારા દાખલ અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જ્યાં રાઉઝ એવન્યૂ કોર્ટના જામીનના નિર્ણય પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હાઈકોર્ટ તેમની અરજી એટલા માટે નથી સાંભળી રહ્યું કેમ કે આવો કેસ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કહ્યું કે હાઈકોર્ટ તેની અરજી પાછી ખેંચી લે, પછી અમારી પાસે આવે.

આ પણ વાંચો :-

યુવકે વિદેશી મહિલાઓ સાથે ગેરવર્તન કરતો વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ

0

ભારતની સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો અહીં ભારતીયો ઘરમાં આવનાર મહેમાનને ભગવાન સમાન માને છે. પરંતુ કેટલીકવાર આપણા દેશમાં લોકો વિદેશી પ્રવાસીઓ સાથે એવું વર્તન કરે છે કે તેનાથી સમગ્ર દેશને નીચે જોવું પડે છે. તાજેતરમાં જ રાજસ્થાનના જયપુરમાં આવી જ એક ઘટના બની હતી. જ્યાં એક છોકરાએ વિદેશી મહિલાઓની બોલી લગાવતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટ કરેલો વીડિયો થોડી જ કલાકોમાં વાયરલ થઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર દેશને નીચે જોવાનો વારો આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ જયપુર પોલીસે વીડિયો બનાવનાર યુવકની ઓળખ કરી તેને કસ્ટડીમાં લીધો છે. યુવક જયપુરના જામવરાગઢનો રહેવાસી છે.

Jaipur

વીડિયોમાં જોઈ શકાય છે કે જયપુર ફરવા આવેલી વિદેશી મહિલાઓ સાથે એક છોકરો ગેરવર્તન કરી રહ્યો છે. છોકરો મહિલાઓ તરફ આંગળી બતાવીને દરેક મહિલાની બોલી લગાવી રહ્યો છે અને આ ઘટનાનો તે પોતે વીડિયો બનાવી રહ્યો હતો. છોકરો વિદેશી મહિલાઓ તરફ ઈશારો કરીને કહેતો હતો કે, ‘યે ૧૫૦ કી… યે ૨૦૦ કી…’ છોકરો હિન્દીમાં બોલી રહ્યો છે, જેના કારણે મહિલાઓ સમજી શકતી નથી કે તે શું બોલી રહ્યો છે. અન્ય એક વીડિયોમાં આ છોકરો એક વિદેશી મહિલાને તેની પત્ની કહીને બોલાવી રહ્યો છે અને વિદેશી પુરુષને તેનો સાળો કહીને બોલાવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ છોકરો આમેર કિલ્લામાં ટુર ગાઈડ છે. તે આમેર અને જયગઢની આસપાસ ફરતો રહે છે. તે ઘણી વખત વિદેશી પર્યટકોને ત્યાંથી પસાર થતી વખતે હેરાન કરતો અને ગેરવર્તન કરતો જોવા મળ્યો છે. આ વખતે ફરી તેનો વિદેશી મહિલાઓ સાથે ગેરવર્તન કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો છોકરાની આ હરકત પર ગુસ્સે થઈ ગયા અને જયપુર પોલીસને ટેગ કરીને તેની સામે કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા. હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે છોકરાની ઓળખ કરીને તેની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

ગોડાદરામાં ૫૦ ફૂટનો મોટો ભૂવો પડ્યો

સુરત પાલિકાની નબળી પ્રિ-મોન્સુન કામગીરીને કારણે અડાજણ બાદ ગોડાદરામાં પણ મોટો ભૂવો પડી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ રહ્યો છે. એકાદ દોઢ મહિના પહેલાં પાલિકાએ રોડ બનાવ્યો હતો તે રોડનો ૫૦ ફુટ જેટલો ભાગ અચાનક બેસી જતાં તંત્ર દોડતું થયું છે. મહિના પહેલા જ રોડ બન્યો હતો તે બેસી જતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં રોડ બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી તેના થોડા જ કલાકોમાં લિંબાયત ઝોનના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા એક રોડ પર અચાનક મોટો ખાડો પડી ગયો હતો. લોકોને એ વાતની નવાઈ લાગે છે કે આ રોડ પાલિકાએ એક મહિના પહેલા જ બનાવ્યો હતો. એક મહિના પહેલા બનાવેલા રોડમાં મોટો ભુવો પડી જાય એટલે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની વાત શરૂ થઈ ગઈ છે.

ગોડાદરા વિસ્તારમાં ચાર રસ્તા પરનો જ એક તરફનો રોડમાં ૫૦ ફુટ જેટલો રોડ બેસી ગયો છે અને તેના કારણે ટ્રાફિક પર માઠી અસર થઈ રહી છે. રોડનો મોટો ભાગ બેસી જતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગેની જાણ પાલિકા તંત્રને થતાં તંત્ર પણ દોડતું થયું છે અને રોડ રીપેરીંગ કામગીરી શરુ કરી દીધી છે.

આ પણ વાંચો :-

NEET વિવાદમાં બિહારમાં વધુ ૫ લોકોની ધરપકડ, CBI તપાસ માટે ગોધરા આવી શકે

0

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. તેમજ આ મામલે કેટલાક પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા. જોકે આ મામલે હવે રાજ્ય સરકાર સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કીટ હાઉસ ખાતે CBIના પાંચથી વધારે અધીકારીઓ આવી પહોંચ્યા છે અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે.

આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં તો કેસ CBIને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે. હવે કેસ CBIના હાથમાં છે અને તેમને જે મદદની જરૂર પડશે તે અમે કરી રહ્યા છીએ. CBI દ્વારા તપાસનો ધમધમાટ સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર NEET UG -૨૦૨૪ની તારીખ ૫ મે, ૨૦૨૪ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે.

આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તે માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે CBIની ટીમ આવી પહોંચી હતી. સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. આ તપાસમાં મોટા ખુલાસો થવાની શક્યતા છે.

નીટ પેપર લીક કેસમાં દેશભરમાં ભભૂકેલા આક્રોશ પછી કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. આમ રાજ્ય સરકારે લાંબા સમય બાદ સીબીઆઈને કોઈ કેસની તપાસ સોંપી હોય એવું બન્યું છે. આ તપાસને લઈ હવે સીબીઈની ટીમ ગુજરાત દોડી આવી છે.

આ પણ વાંચો :-

રશિયાના દાગેસ્તાનમાં આતંકી હુમલો, ૧૭ લોકોના મોત, ૨૫ ઘાયલ

રશિયાના દાગેસ્તાન ક્ષેત્રના બે શહેરોમાં રવિવારે મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા અને ૨૫ ઘાયલ થયા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે તેણે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાઓ લગભગ ફક્ત ચર્ચો, પૂજા સ્થાનો અને ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ ચોકીઓ પર થયા હતા.

પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર આતંકવાદીઓએ દાગેસ્તાન અને મખાચકલામાં બે ચર્ચ અને પ્રાર્થના ગૃહને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ હજુ પણ ૪૦થી વધુ લોકોને બંધક બનાવ્યા છે અને તેમને છોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, રશિયન નેશનલ ગાર્ડે ચાર્જ સંભાળી લીધો છે અને આતંકવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એવા ઈનપુટ પણ મળ્યા છે કે કેટલાક આતંકવાદીઓ નજીકના મકાનમાં છુપાયેલા છે, તેથી સુરક્ષા દળોએ ત્યાં પણ તેમની તૈનાતી વધારી દીધી છે.

અત્યારે સમજવા જેવી વાત એ છે કે પ્રાર્થના ગૃહ અને ચર્ચ જ્યાં હુમલો થયો હતો તે બંને મુસ્લિમ બહુલ શહેર ડર્બેટમાં આવેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભીષણ ગોળીબાર બાદ પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી. આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી, એ વાત ચોક્કસ છે કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો :-