Home Blog Page 591

તિરૂપતિ મંદિરમાં હવે બે કલાકમાં દર્શન થઇ જશે: નિયમો બદલાયા

0

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પ્રથમ બેઠક તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તેના નવા પ્રમુખ બી.આર. નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં દર્શનનો સમય ૨-૩ કલાક ઓછા કરવા માટે એક એક્શન પ્લાન સૂચવવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરવામાં આવશે. એ સિવાય ત્યાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ મુકવામાં આવશે.

આ બેઠકમાં લાડુ બનાવવા માટે સારી ગુણવત્તાના ઘીની ખરીદી અને બિન-હિંદુઓની બદલી જેવા અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે TTD એ બોર્ડ છે જે આંધ્ર પ્રદેશના શ્રી વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. જૂનમાં તેલુગુ દેશમ પાર્ટીની આગેવાની હેઠળની સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ બેઠક પણ હતી.

બોર્ડના સભ્ય જે શ્યામલા રાવે જણાવ્યું હતું કે વિશેષ પ્રવેશ દર્શન માટેનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે. વીઆઈપી દર્શનને લઈને વિવાદ યથાવત્ છે, બોર્ડ ઇચ્છતું નથી કે આના પર વધુ પ્રશ્નો ઉભા થાય. દર મહિનાના પહેલા મંગળવારે તિરુપતિના સ્થાનિક નાગરિકો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય હવે નેતાઓ મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો આપી શકશે નહીં. આમ કરવાથી બોર્ડ તેમને કાનૂની નોટિસ ઈશ્યુ કરશે.

તાજેતરમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘી જોવા મળ્યું હતું. લાડુ માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી જેવા વાંધાજનક ઘટકો જોવા મળ્યા હતા. આને લઇને ભારે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ પ્રસાદની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો ?

0

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. આ આરોપ લગાવતા વિપક્ષી પાર્ટી- બહુજન વિકાસ આઘાડીએ તાવડેને પાલઘરની એક હોટલમાં ઘેરી લીધા છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે તેને વહેંચવા માટે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા.

વિરોધીઓએ હાલ આખી વિવાંતા હોટલને સીલ કરી દીધી છે અને સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ જણાઈ રહી છે. જણાવી દઈએ કે, આ વિસ્તારમાં BVAની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા છે. BVAના કાર્યકરો વિવાંતા હોટલ ખાતે જમા થઈ રહ્યા છે.

તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે, હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન અમારા વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફૂટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે.

આ તમામ હોબાળા વચ્ચે શિવસેના (યુબીટી) ચીફ ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન સામે આવ્યું છે. ઠાકરેએ કહ્યું, હું જ્યારે માતા તુલજા ભવાનીના દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે મારો બેગ ચૂંટણી પંચના અધિકારીઓએ ચેક કરી. જો કે તેમને કંઈ મળ્યું નહીં. હવે ખબર પડી રહી છે કે, તાવડેની બેગમાંથી પૈસા મળી રહ્યા છે. કાલે પણ અનિલ દેશમુખ પર જે પ્રકારે હુમલો થયો, તેના પથ્થર ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી જોઈતી હતી. હું માતા તુલજા ભવાનીને પ્રાર્થના કરૂં છું કે, આ ભ્રષ્ટ સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે.

આ પણ વાંચો :-

આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે: અંબાલાલ પટેલ

0

ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં કડકડતી ઠંડીની શક્યતા છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. 21 થી 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.

રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે.

રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.

આ પણ વાંચો :-

મણિપુરમાં મેઈતેઈ સંગઠનોએ NDAનો પ્રસ્તાવ ફગાવ્યો, જાણો શું કહ્યું ?

0

મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસા બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે. આ વચ્ચે મૈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ NDA ધારાસભ્યોના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં કુકી આતંકવાદી જૂથો સામે નક્કર પગલાં લેવાનું આહવાન કરવામાં આવ્યું હતું. રાજ્યની સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ધારાસભ્યોએ સોમવારે રાત્રે એક બેઠક કરીને એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં જીરીબામ જિલ્લામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ સામે 7 દિવસની અંદર મોટા પાયે ઓપરેશન ચલાવવાનું આહવાન કર્યું હતું.

આ બેઠકમાં 27 ધારાસભ્યોએ હાજરી આપી હતી પરંતુ મૈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ તેને ફગાવી દીધો અને સરકારને 24 કલાકની અંદર કુકી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. મણિપુરમાં છ નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ વિરુદ્ધ સાત દિવસની અંદર કાર્યવાહીની માગ સાથે મોટું અભિયાન શરૂ કરાશે. નિવેદનમાં કહેવાયું છે કે, છ નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓના સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે. આ ઘટનામાં તાત્કાલિક તપાસ માટે NIA કેસ સોંપવામાં આવે.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર 14 નવેમ્બરના આદેશ અનુસાર તાત્કાલિક અસરથી AFSPAના અમલીકરણની સમીક્ષા કરશે. વધુમાં જો આ દરખાસ્તોને નિર્ધારિત સમયગાળામાં લાગુ કરવામાં નહીં આવે, તો તમામ NDA ધારાસભ્યો મણિપુરના લોકો સાથે પરામર્શ કરીને આગળની કાર્યવાહી નક્કી કરશે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી પગલાં લે. ધારાસભ્યોએ મંત્રીઓ અને ધારાસભ્યોની મિલકતો પર હુમલાની પણ નિંદા કરી હતી.

આ ઘટનાને રાજ્યમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. એન બિરેન સિંહના નેતૃત્વ વાળી ભાજપ સરકાર પણ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે કારણ કે લોકો હવે મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા છે. બિરેન સિંહ સરકારમાં સામેલ કોનાર્ડ સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીએ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્યારબાદ જ મુખ્યમંત્રીએ સોમવારે NDA ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી પરંતુ 38 માંથી 11 ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નહોતા થયા.

આ પણ વાંચો :-

સુરતમાં તાવ અને ઝાડા-ઉલટી થયા બાદ બાળકી સહિત બેના મોત

સુરતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં 424, મલેરીયામાં 399, તાવમાં 339, ગ્રેસ્ટોના 147 દર્દી સારવાર અર્થે આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ ગાજીપુરના વતની અને હાલ અમરોલી વિસ્તારમાં આવેલ અંબોલી પાણીની ટાંકી પાસે શ્યામલાલ ગૌતમ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પત્ની, પુત્ર અને 1 વર્ષની પુત્રી પ્રીતિનું ભરણપોષણ કરે છે. શ્યામલાલ પરિવાર સાથે બે દિવસ પહેલાં જ વતનથી સુરત ખાતે રોજગારી અર્થે આવ્યા હતા.

શ્યામલાલની પુત્રી પ્રીતિને ગઈકાલે સવારે તાવ આવ્યા બાદ એકાએક ઊલટી થવા લાગી હતી. જેથી પરિવારજનો બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગત મોડી સાંજે બાળકીની વધુ તબિયત લથડતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં બાળકીનું મોત નિપજ્યું હતું.

બીજા બનાવમાં અલથાણ નવી વસાહતમાં શૈલેષભાઈ બચુભાઈ રાઠોડ રહેતા હતા. ગત રાત્રે શૈલેષભાઈને ઝાડા ચઈ હતા. બાદમાં શૈલેષભાઈની તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :-

વલસાડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા

0

આજે મંગળવારે સવારે વલસાડ જિલ્લાની ધરા 2.5ની તિવ્રતાના ભૂકંપ સાથે ધરા ધુજી ઉઠી હતી. વલસાડ ડિઝાસ્ટર વિભાગે ચેક કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામમાં ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું. ધરા ધુજી હોવાની જાણ સ્થાનિક લોકોએ આભુભવી હતી. ઊંચી ઇમારતોમાં રહેતા લોકોએ ભૂકંપનો.અનુભવ કર્યો હતો. મહારાષ્ટ્ર બોડર નજીક આવેલા ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો.

વલસાડ જિલ્લાની હાઈ રાઈઝ ઇમારતોમાં રહેતા લોકોએ મંગળવારે સવારે ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે ચેક કરતા 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું અને તેનું એપી સેન્ટર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામમાં એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

ભારતમાં Meta પર CCIએ ફટકાર્યો 213.14 કરોડ રૂપિયાનો દંડ

0

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ સોમવારે સોશિયલ મીડિયા કંપની Meta ને રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ 2021 માં WhatsApp પ્રાઇવેસી અપડેટના સંબંધમાં અયોગ્ય વ્યવસાય પદ્ધતિઓ અપનાવવા બદલ લાદવામાં આવ્યો હતો. વધુમાં, CCIએ મેટાને સ્પર્ધા વિરોધી વર્તણૂક બંધ કરવા અને દૂર રહેવા નિર્દેશ આપ્યો છે.

એક આદેશમાં જણાવાયું છે કોમ્પિટિશન કમિશને સોમવારે મેટાને તેના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ રૂ. 213.14 કરોડનો દંડ ફટકાર્યો હતો. CCI વર્ચસ્વનો દુરુપયોગ કરવા સામે આદેશ પસાર કરતી વખતે જણાવ્યું હતું કે આ દંડ WhatsAppએ તેની 2021 ગોપનીયતા નીતિને કેવી રીતે અમલમાં મૂક્યો, તેણે કેવી રીતે વપરાશકર્તાનો ડેટા એકત્રિત કર્યો અને તેને બજારમાં અન્ય કંપનીઓ સાથે શેર કર્યો તેનાથી સંબંધિત છે.

CCI અનુસાર, 2021 માં કરવામાં આવેલ WhatsAppનું આ અપડેટ એક ગેરકાયદેસર શરત હતું, જેમાં મેટા સાથે ડેટા શેર કરવા માટે વપરાશકર્તાઓની સંમતિ લેવી ફરજિયાત હતી. કમિશને એમ પણ કહ્યું કે વોટ્સએપના આ અપડેટથી યુઝર્સની સ્વતંત્રતા મર્યાદિત થઈ ગઈ છે, કારણ કે યુઝર્સ પાસે ડેટા શેર ન કરવાનો વિકલ્પ નથી. CCI માને છે કે આ અપડેટે મેટાને તેની એકાધિકારનો લાભ લેવાની તક આપી.

WhatsAppની 2021 ગોપનીયતા નીતિની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી. બ્રાઝિલમાં પણ ઓગસ્ટ 2024માં WhatsAppને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે ડેટા શેર કરવાથી રોકી દેવામાં આવ્યું હતું. મેટાએ CCIના નિર્ણય સામે અપીલ કરવાનો નિર્ણય લીધો છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે CCIના નિર્ણય સાથે અસંમત છીએ અને અપીલ કરીશું. 2021ના અપડેટથી વ્યક્તિગત સંદેશાઓની ગોપનીયતામાં કોઈ ફેરફાર થયો નથી અને તે વપરાશકર્તાઓ માટે એક વિકલ્પ હતો. CCIએ માર્ચ 2021માં આ બાબતે એક સલાહકાર અભિપ્રાય બહાર પાડ્યો હતો. તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે WhatsApp અને મેટાએ દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશ-બિહાર સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, જાણો દેશભરનું હવામાન

0

ઉત્તર પ્રદેશ-બિડાર હોય કે દિલ્હી-એનસીઆર દેશભરમાં હવામાન બદલાવા લાગ્યું છે. તહેવારોની સિઝન પૂરી થતાં જ ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક આપી છે. હવે સ્વેટર અને ધાબળા વગર દિવસ-રાત પસાર કરવું મુશ્કેલ છે. સવાર-સાંજ સર્વત્ર ધુમ્મસ છવાયેલું રહે છે. તાપમાનમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં હવામાનનો બેવડો ફટકો જોવા મળી રહ્યો છે. એક તરફ ઠંડી વધી રડી છે તો બીજી તરફ પ્રદૂષણના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ખરાબ હવામાનની અસર હવે ટ્રેન અને પ્લેન પર પડી રહી છે. વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિડારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ગુજરાતમાં પણ સવારે અને રાત્રીના સમયે ઠંડી જોવા મળી રહી છે. આ રાજ્યોમાં દિવસના તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થશે. તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આંતરિક તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબથી ગંભીર શ્રેણીમાં રહેશે. હવામાન વિભાગે મંગળવારે ગાઢ ધુમ્મસની આગાડી કરી છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 24 અને 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અગાઉ સોમવારે દિલ્હીમાં આ સિઝનનું સૌથી નીચું મડત્તમ તાપમાન નોંધાયું હતું. તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, આવતીકાલે થશે મતદાન

0

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે બુધવારે યોજાનારા મતદાન માટે આજે બંને રાજ્યોમાં ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શિવસેના યુબીટી અને એનસીપી-એસપીની બનેલી મહાવિકાસ આઘાડી અને ભાજપની આગેવાની હેઠળની શિવસેના-શિંદે અને એનસીપી અજીત પવારની મહાયુતિ સત્તા હાંસલ કરવા આમને સામને ચૂંટણી લડી રહ્યા છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સમૃદ્ધિ માર્ગ અને મુંબઇ મેટ્રોના વિકાસકાર્યો અને લાડકી બહિન યોજનામાં અપાતી રકમ વધારવાના તથા મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની ઇકોનોંમી બનાવવાના વચનો ચૂંટણી પ્રચારમાં આપ્યા છે. મહાયુતિને વિકાસતરફી દર્શાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સઘન પ્રચાર કર્યો છે.

બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો પર ચૂંટણી લડી રહેલાં 528 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્ય પ્રધાન હેમંત સોરેન સામે ભાજપના બાબુલાલ મરાંડી ચૂંટણી લડી રહ્યા છે. બીજી મહત્વની ચૂંટણી અમર બાઉરી અને સુદેશ મહતો વચ્ચે થશે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ બેઠકો પર પ્રભૂત્વ ધરાવનારો ઝારખંડ મુક્તિ મોરચો ઇન્ડિયા બ્લોકના ટેેકા સાથે આ બેઠકો પર તેની પક્કડ જાળવી રાખવા મથશે તો ભાજપની આગેવાની હેઠળ એનડીએ પુનરાગમન કરવાની આશા સાથે ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડમાં બીજા તબક્કાના મતદાનમાં 1.23 કરોડ મતદારો 14,218 મતદાનમથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. બંને રાજ્યોમાં પ્રચારનો અંત આવવા સાથે મતદારો હવે આખરી નિર્ણય લઇ તેમના નેતાઓને ચૂંટવા સજ્જ બનશે.

આ પણ વાંચો :-

આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાં આવતી 7 હોસ્પિટલને કરી સસ્પેન્ડ

0

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં એવી અનેક હોસ્પિલટો છે, જેમાં PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. મહત્વની વાત છે કે, અત્યારે આવી અનેક હોસ્પિટલોના નામ પણ સામે આવ્યાં છે. જે બાબતે અત્યારે કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY યોજનામાંથી સાત જેટલી હોસ્પિટલનો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, અત્યારે PM-JAY યોજનામાંથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PM-JAY યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરીને મોટી કાર્યવાહી કરીને આવી રીતે કૌભાંડ આચરતી હોસ્પિટલનો ચેતવણી આપી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની 03 હોસ્પિટલ, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ કાર્યવાહી PM-JAYમાં આવતી અન્ય હોસ્પિટલો માટે પણ ચેતવણીરૂપ છે.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કૂલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોને પણ કાર્યવાહી હેઠળ ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વઝીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરી છે. તેમજ જે પણ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તે તમામની સામે આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :-