Home Blog Page 56

કચ્છમાં 3.2 તીવ્રતા ભયાનક ભૂકંપનો આંચકો, કોઈ નુકસાન નહીં

0

કચ્છ જિલ્લામાં બુધવારે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 17 જૂન, 2026ના રોજ બપોરે 12:39:35 કલાકે ભચાઉથી આશરે 11 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ નોંધાયો હતો.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 23.396 અને રેખાંશ 70.337 પર સ્થિત હોવાનું જણાવાયું છે. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને કોઈ મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કેટલાક વિસ્તારોમાં લોકોએ થોડા સમય માટે ધરતી ધ્રુજવાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ઝોન-5માં સમાવિષ્ટ છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ આ વિસ્તારમાં સમયાંતરે નાના અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. હાલ સુધી તંત્રને કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન અંગેની માહિતી મળી નથી.

ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 3.0થી 4.0 મેગ્નિટ્યુડ વચ્ચેના ભૂકંપ સામાન્ય રીતે ગંભીર નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં, ભૂકંપપ્રવણ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે.

ગોપાલ ઇટાલીયાની અનોખી પહેલ: પગારમાંથી દોઢ લાખ આપી ગામના કૂવાનું પુનઃનિર્માણ

વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના મતવિસ્તારમાં એક અનોખી પહેલ કરીને ફરી એકવાર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભેંસાણ તાલુકાના નવા ખાખરા હડમતીયા ગામમાં ગ્રામજનોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમણે પોતાના ધારાસભ્યના પગારમાંથી દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપીને જર્જરિત કૂવાના પુનઃનિર્માણમાં સહયોગ આપ્યો છે.

તાજેતરમાં ગોપાલ ઇટાલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગામના આગેવાન શૈલેષભાઈ કથીરિયાના નિવાસસ્થાને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગામલોકોએ તેમને નવનિર્મિત કૂવો બતાવ્યો અને તેમના આર્થિક સહયોગ બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.

ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ, અગાઉ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જૂના અને જર્જરિત કૂવાના પુનઃનિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. પરંતુ આવા કામ માટે કોઈ સરકારી જોગવાઈ ઉપલબ્ધ ન હોવાથી તેમણે વ્યક્તિગત સ્તરે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગ્રામજનોને કૂવાનું કામ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને પોતાના પગારમાંથી કુલ દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક લાખ રૂપિયા અગાઉ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના પચાસ હજાર રૂપિયા પણ ટૂંક સમયમાં આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ગોપાલ ઇટાલીયા છેલ્લા કેટલાક સમયથી પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે. ખેડૂતોના વીજપોલ સંબંધિત મુદ્દે તેમણે ખેડૂતોને ખુલ્લું સમર્થન આપીને તેમની સમસ્યાઓને વાચા આપી હતી. ઉપરાંત, મતવિસ્તારમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી જાહેર કરીને પારદર્શક વહીવટનો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેમની આ કામગીરીને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકોએ વિકાસકાર્યો અંગે ખુલ્લી માહિતી આપવાની અને વ્યક્તિગત સ્તરે લોકોની જરૂરિયાતમાં સહયોગ કરવાની તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી છે. નવા ખાખરા હડમતીયા ગામમાં કૂવાના નિર્માણ માટે કરાયેલા આ યોગદાન બાદ ગોપાલ ઇટાલીયાની આ પહેલની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.

ચોમાસા પહેલા જ સુરતમહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી એક ઘટનાએ આ દાવાઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. શહેરના ન્યુ ડીંડોલી વિસ્તાર તરફ જતો કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં તૈયાર કરાયેલો રોડ ચોમાસાની શરૂઆત પહેલાં જ ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

માહિતી અનુસાર, ડીંડોલી વિસ્તારના મુખ્ય માર્ગ પર વહેલી સવારે એક ભારે માલસામાન ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક રોડનો મોટો ભાગ બેસી ગયો અને ડમ્પરનો પાછળનો ભાગ જમીનમાં ફસાઈ ગયો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મનપા તંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ JCB મશીનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ માંડ થોડા દિવસો પહેલાં જ બનેલો ચકચકિત રોડ સામાન્ય દિવસોમાં જ બેસી જાય, તો ભારે વરસાદમાં આ રસ્તાની શું હાલત થશે તે વિચારવું જ રહ્યું. આ ઘટનાએ સુરત મનપાના પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અને રોડ કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા પર મોટા સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ કેમ?

આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ એક મોટી દુર્ઘટનાની ચેતવણી છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. જો વરસાદ પહેલા જ આવી સ્થિતિ હોય, તો આગામી ચોમાસામાં સુરતવાસીઓની સુરક્ષાનું શું?

અભિજીત દિપકેને તમાચો મારનાર અર્જુન પંડિતે કહ્યું- ‘અમે તેનો ઈલાજ કરી દીધો’

0

અભિજીત દિપકેને તમાચો મારનાર યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. પોલીસ કસ્ટડી દરમિયાન અર્જુન પંડિતે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેના 3-4 સાથીદારો પણ પોલીસ કસ્ટડીમાં છે. તેમાં અર્જુન પંડિત, રાકેશ ગુર્જર અને રોહિત સહિતના લોકોનો સમાવેશ થાય છે. વાતચીત દરમિયાન અર્જુન પંડિતે અભિજીત દિપકે પર ગંભીર આક્ષેપો કર્યા અને જણાવ્યું કે પ્રદર્શન દરમિયાન તેમના લોકો દેશને વહેંચવાની વાતો કરી રહ્યા હતા. યુવકે કહ્યું કે, “કોકરોચ જનતા પાર્ટીના લોકો દેશના લોકોને જાતિના આધારે વહેંચવા માંગે છે.”

અર્જુન પંડિતે કહ્યું કે કોઈને મારવાની તેમની અગાઉથી કોઈ યોજના નહોતી. તેઓ માત્ર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન જોવા ગયા હતા. તે દરમિયાન તેમણે જોયું કે પાર્ટીના લોકો દેશને વહેંચવાની ચર્ચા કરી રહ્યા હતા. અર્જુનનો આરોપ છે કે આ લોકો સમાજને જાતિ અને ધર્મના આધારે વહેંચવાની યોજના બનાવી રહ્યા હતા. આ બધી વાતો સાંભળ્યા અને જોયા પછી તેઓ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા.

અર્જુન પંડિત બોલ્યો – ‘દેશને વહેંચવા નહીં દઈએ’

અર્જુન પંડિતે જણાવ્યું કે જ્યારે કેટલાક લોકો અભિજીત દિપકેને ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેણે તેમને તમાચો મારી દીધો. અર્જુને કહ્યું કે, “અમે તેનો ઈલાજ કરી દીધો.” તેણે પોતાને રાષ્ટ્રવાદી વિચારધારાનો યુવક ગણાવતા કહ્યું કે તેઓ દેશને વહેંચવા નહીં દે. આ દરમિયાન અર્જુને અભિજીત દિપકે માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.

રાકેશ ગુર્જરે કહ્યું – ‘હું રાષ્ટ્રવાદી છું’
આ પહેલા રાકેશ ગુર્જરનું નિવેદન પણ સામે આવ્યું હતું. વાયરલ વીડિયોમાં અભિજીત દિપકેને તમાચો મારતો મુખ્ય વ્યક્તિ તરીકે રાકેશ ગુર્જર દેખાય છે.

રાકેશે જણાવ્યું કે તે જયપુરનો રહેવાસી છે અને તેનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. તેણે કહ્યું કે તે રાષ્ટ્રવાદી છે અને રાજસ્થાનમાં આવી પ્રકારની વિભાજનકારી રાજનીતિ થવા દેશે નહીં. રાકેશ ગુર્જરે આરોપ લગાવ્યો કે NEET પેપર લીકના નામે કેટલાક લોકો દેશને વહેંચવાનું ષડયંત્ર રચી રહ્યા છે અને હિંદુ સમાજને ભ્રમિત કરી રહ્યા છે. તેણે અભિજીત દિપકેને ચેતવણી આપતા કહ્યું કે જો જયપુરમાં ફરી આવી પ્રવૃત્તિ થશે તો ફરી “ઈલાજ” કરવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ CJP
બીજી તરફ તમાચાકાંડ બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેના પણ અનેક નિવેદનો સામે આવ્યા છે. અભિજીતે કહ્યું કે આવી ઘટનાથી તેઓ પોતાના આંદોલનથી ભટકવાના નથી. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો આંદોલનને નબળું પાડવા માંગે છે, પરંતુ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહેશે. અભિજીતે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો હિંદુ-મુસ્લિમના નામે સમાજને વહેંચીને રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ તેઓ આવા પ્રયાસોને સફળ થવા દેશે નહીં. તેમણે 20 જૂને દિલ્હીમાં મોટા આંદોલનની જાહેરાત કરતાં “દિલ્હી ચલો”નો નારો પણ આપ્યો.

દિપકે બોલ્યા – આ બેરોજગારીનું ઉદાહરણ છે
એક અન્ય વીડિયોમાં અભિજીત દિપકેએ આ સમગ્ર તમાચાકાંડને દેશમાં વધતી બેરોજગારીનું પરિણામ ગણાવ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં ઊભી થયેલી બેરોજગારીની પરિસ્થિતિનું આ એક જીવંત ઉદાહરણ છે. લોકો પાસે રોજગાર નથી, તેથી આવી ઘટનાઓ બની રહી છે. અભિજીતે કહ્યું કે જેણે તેમને તમાચો માર્યો, જો તેની પાસે નોકરી હોત તો કદાચ તે આવી હરકત ન કરત. તેમણે આ ઘટનાને દેશમાં બેરોજગારીની ગંભીર સ્થિતિનું મોટું ઉદાહરણ ગણાવ્યું.

મોદી-ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકાનો મોટો નિર્ણય, ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલાયું

0

ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. જોકે, આ બેઠક પહેલાં અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાના રક્ષા મંત્રાલય (પેન્ટાગોન)એ ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલીને ફરીથી યુએસ પેસિફિક કમાન્ડ કરી દીધું છે.

હવાઈ દ્વીપસમૂહમાં સ્થિત આ કમાન્ડની જવાબદારી હિંદ મહાસાગરથી લઈને પ્રશાંત મહાસાગર સુધીના વિશાળ વિસ્તારની સુરક્ષા અને સૈન્ય કામગીરીની છે. આ કમાન્ડ હેઠળ અમેરિકાનું સેવન્થ ફ્લીટ (સાતમું નૌકાદળ) પણ આવે છે, જેણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ આઠ વર્ષ પહેલાં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અમેરિકા દ્વારા આ કમાન્ડનું નામ યુએસ પેસિફિક કમાન્ડમાંથી બદલીને ઇન્ડો-પેસિફિક કમાન્ડ રાખવામાં આવ્યું હતું. તે સમયે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને રક્ષણાત્મક સંબંધો સતત મજબૂત બની રહ્યા હતા. હવે બુધવારે અમેરિકાએ ફરી એકવાર આ કમાન્ડનું નામ બદલીને પેસિફિક કમાન્ડ કરી દીધું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ અને મતભેદોની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે આ નામ પરિવર્તનને બંને દેશોના બદલાતા સંબંધોના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે.

જોકે, પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે કમાન્ડનું નામ બદલવાનો નિર્ણય મુખ્યત્વે વહીવટી અને ઐતિહાસિક કારણોસર લેવામાં આવ્યો છે. પેન્ટાગનના જણાવ્યા મુજબ, આ ફેરફારનો હેતુ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદથી ચાલતી સાત દાયકાથી વધુ જૂની સૈન્ય પરંપરા, સૈનિકોના ગૌરવ અને ઐતિહાસિક વારસાને સન્માન આપવાનો છે.

પેન્ટાગોનનું કહેવું છે કે નામમાં કરાયેલો આ બદલાવ કોઈ નવી વ્યૂહાત્મક નીતિ અથવા ભૂરાજકીય સંકેત નથી, પરંતુ અમેરિકાની લાંબી સૈન્ય પરંપરા અને ઐતિહાસિક ઓળખને ફરીથી પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ છે.

કેમ ઉઠી રહ્યા છે સવાલ?
અમેરિકાએ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મળીને ક્વાડની (QUAD)ની રચના કરી છે, જેનો આધાર જ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર છે. આવા સમયે અમેરિકાના રક્ષા મંત્રાલય દ્વારા કમાન્ડના નામમાંથી ‘ઇન્ડો’ શબ્દ હટાવવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

આ નિર્ણયથી એવો સંદેશો જતો હોવાનું માનવામાં આવે છે કે અમેરિકાનું મુખ્ય ધ્યાન હવે પ્રશાંત મહાસાગર પર વધુ કેન્દ્રિત થઈ શકે છે, જ્યારે હિંદ મહાસાગરનું મહત્વ તુલનાત્મક રીતે ઘટતું દેખાઈ શકે છે. એટલે કે, અમેરિકા હવે મુખ્યત્વે પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક પડકારો પર વધુ ફોકસ કરશે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.

ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં જ બદલાયું હતું નામ
2018 માં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, યુએસ લશ્કરી કમાન્ડનું નામ બદલીને યુએસ પેસિફિક કમાન્ડ (USPACOM) થી યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ (INDOPACOM) કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન અમેરિકી સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે આ ફેરફાર ભારતની વધતી વ્યૂહાત્મક ભૂમિકા અને હિંદ મહાસાગર તથા પ્રશાંત મહાસાગરની એકબીજા સાથે જોડાયેલી સુરક્ષા હકીકતોને પ્રતિબિંબિત કરવા માટે કરવામાં આવ્યો છે.

પરંતુ હવે પેન્ટાગોને ફરી એકવાર તેનું નામ પેસિફિક કમાન્ડ રાખવાની જાહેરાત કરી છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ નિર્ણય વારસાગત ઓળખ અને ઐતિહાસિક મૂળને પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવ્યો છે. સાથે જ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ નામ પરિવર્તનથી કમાન્ડના કાર્યક્ષેત્ર, મિશન કે જવાબદારીઓમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય હાજરી અને કામગીરી યથાવત રહેશે, માત્ર કમાન્ડનું નામ બદલવામાં આવ્યું છે.

ફક્ત નામ બદલાયું છે, પરંતુ તે ત્યારે જ આવ્યું છે જ્યારે મોદી અને ટ્રમ્પ ફ્રાન્સમાં મળવાના છે. એવું લાગે છે કે ટ્રમ્પ, જે ટેરિફ વિવાદમાં સામેલ છે અને પાકિસ્તાનની પ્રશંસા કરી રહ્યા છે, તે હવે ભારતને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો ભારત તેમાં સામેલ ન હોય તો કોઈ વાંધો નથી.

સુરતમાં ગુનેગારો સામે પોલીસનો કડક કાર્યવાહી, છેતરપિંડી કરનાર 8 આરોપીઓને પાસા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા માથાભારે ઈસમો તથા અલગ અલગ પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પોલીસ દ્વારા આજદીન સુધીમાં 407 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કાપડ માર્કેટમાં કાપડના વેપારીઓ પાસેથી મોટી રકમનું કાપડ ખરીદી કરી તેના નાણાં વેપારીઓને નહીં ચૂકવી દુકાન બંધ કરી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર કુલ 8 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, આ ઉપરાંત શહેરના હીરા બજારમાંથી હીરા વેપારીઓ પાસેથી મોટી રકમના હીરા ખરીદી કરી તેના નાણાં નહીં ચૂકવી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓ સામે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં જરૂરિયાતમંદ નાગરિકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા વ્યાજે આપી નાગરિકોને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા કુલ 7 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અનેક પ્રકારના ગુનાઓ આચરતા આરોપીસંખ્યા
ભયજનક257
બુટલેગર103
જાતીય સતામણી કરનાર24
જુગારનો અડ્ડો ચલાવનાર 1
વ્યાજખોરીની પ્રવુતિ કરનાર 7
સાયબર ક્રાઈમ કરનાર12
અનૈતિક વેપારની પ્રવુતિ કરનાર 3
કુલ આરોપીઓને પાસા407

વધુમાં ઇન્ટરનેટ તથા મોબાઈલ ફોનના માધ્યમથી સાયબરફ્રોડ કરી નાગરિકોના રૂપિયા ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરનાર કુલ 12 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેવી જ રીતે શહેરમાં નાગરિકો સાથે અવાર નવાર મારમારી કરી ખૂન કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા 9 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપડરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીગ ની પ્રવુતિ કરનાર ૩ આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપહરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીંગ ની પ્રવુતિ કરનાર ૩ આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

છત્તીસગઢના એક ગામમાં 4 મહિનામાં 8 રહસ્યમય મોત, ગ્રામજનોમાં ફેલાયો ભય

0

છેલ્લા ચાર મહિનામાં છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લાના કસડોલ વિસ્તારના ખારવે ગામમાં 8 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. શરૂઆતમાં આ મૃત્યુ સામાન્ય માનવામાં આવતા હતા, પરંતુ જ્યારે એક પછી એક લોકો મૃત્યુ પામવા લાગ્યા ત્યારે ગ્રામજનોને શંકા ગઈ. ગામમાં વાત ફેલાઈ ગઈ કે આ મોત પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે.

કરિયાણાના વેપારીએ ભયાનક યોજના ઘડી!
ગ્રામજનોનો આરોપ છે કે ગામના એક કરિયાણાના દુકાનદાર રામસાઈ જયસ્વાલ એક રહસ્યમય ખજાનાના લોભમાં તાંત્રિક વિધિઓ અને માનવ બલિદાનનો આશરો લીધો હતો. એવો આરોપ છે કે તેણે 21 લોકોનું બલિદાન આપવાની યોજના બનાવી હતી. આ કથિત યોજનાના ભાગ રૂપે, તેણે દારૂમાં ધૂપ અથવા કોઈ ઝેરી પદાર્થ ભેળવીને તેમને તે પીવડાવ્યો.

ખજાના માટે મિત્રો અને ગ્રામજનોએ ઝેર આપીને હત્યા કરી
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મૃતકે દારૂ પીધાની થોડીવારમાં જ ઉલટી, ચક્કર, બેચેની અને સ્વાસ્થ્ય બગડવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. મૃતકોમાં વૃદ્ધો, મજૂરો અને અન્ય ગ્રામજનોનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી તે સાબિત થયું નથી કે મૃત્યુ ઝેરથી થયા છે કે દારૂમાં ભેળસેળથી.

મૃત્યુ પાછળનું સાચું સત્ય હવે બહાર આવશે.
કેસની ગંભીરતાને જોતાં, પોલીસ અને વહીવટીતંત્રે તપાસ તેજ કરી છે. એક મૃતદેહને બહાર કાઢીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. મૃત્યુનું સાચું કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો વિસેરા અને અન્ય નમૂનાઓની તપાસ કરશે.

આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર ખજાનાની શોધમાં લોકોની હત્યા કરવામાં આવી હતી, કે પછી આ માત્ર અફવા છે કે સંયોગ છે. પોલીસ ગ્રામજનોના નિવેદનો નોંધી રહી છે અને આરોપોના કેન્દ્રમાં રહેલા વ્યક્તિ સાથે સંબંધિત દરેક પાસાની તપાસ કરી રહી છે. હાલમાં, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ભૂમિકાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ગામમાં ગભરાટનું વાતાવરણ
800 થી વધુ વસ્તી ધરાવતા ખારવે ગામમાં મૃત્યુથી ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. મહાનદીના કિનારે આવેલા આ ગામના રહેવાસીઓ હવે ખુલ્લેઆમ પોતાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. પરિવારો નિષ્પક્ષ તપાસ અને દોષિત કોઈપણ સામે કડક કાર્યવાહીની માંગ કરે છે.

વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઇલ પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.

ધમકી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ તેમજ અન્ય સુરક્ષા ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલી તપાસ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર કચેરી પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

બીજી તરફ સુરત મહાનગરપાલિકાની કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો હતો. સવારે ઈ-મેઇલ મળતા જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક કચેરીએ પહોંચ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર પરિસરની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી. જોકે સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભાવનાને અવગણવા તૈયાર નથી અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ પણ આવા પ્રકારના ધમકીભર્યા અને ફેક ઈ-મેઇલ મળવાના બનાવો બની ચૂક્યા છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે ઈ-મેઇલ મોકલનારની ઓળખ મેળવવા અને તેની પાછળના તત્વો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

G7 સમિટમાં મોદી-મેલોનીની ફરી મુલાકાત, ‘ઇન્સ્ટાગ્રામ પર અમે સૌથી વધુ ફેમસ’ની ચર્ચા

0

મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે G7 સમિટ માટે ફ્રાન્સના એવિયન શહેરમાં વિશ્વ નેતાઓ એકઠા થઈ રહ્યા છે, ત્યારે ઔપચારિક બેઠકો અને નીતિગત ચર્ચાઓની બહાર એક વિડિઓ પર ચર્ચા થઈ રહી છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બીજી એક રમુજી વાતચીતે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

જ્યારે નેતાઓ શિખર સંમેલનમાં પરંપરાગત ગ્રુપ ફોટો માટે ભેગા થયા, ત્યારે મેલોની અને પીએમ મોદી એકબીજાને ઉષ્માભર્યું અભિવાદન કરતા જોવા મળ્યા. મેલોની પીએમ મોદીને કહેતા સાંભળવામાં આવ્યા, “તમને ફરીથી જોઈને આનંદ થયો.”

સોશિયલ મીડિયા પર “મેલોડી” ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર તેમની લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો. મેલોનીએ તરત જ રમતિયાળ જવાબ આપ્યો, “હા, અમે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફેમસ છીએ.”

મેલોડી ટ્રેન્ડ વાયરલ થયો
પીએમ મોદી અને મેલોનીની અટકનું સંયોજન, મેલોડી, છેલ્લા ત્રણ વર્ષમાં એક લોકપ્રિય ઓનલાઈન ટ્રેન્ડ બની ગયું છે. 2023 માં દુબઈમાં COP28 સમિટ દરમિયાન મેલોની દ્વારા પોસ્ટ કરાયેલી એક સેલ્ફી વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રેન્ડ બની હતી. ઇટાલિયન નેતાએ પીએમ મોદી સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેના કેપ્શનમાં લખ્યું હતું, “COP28 માં સારા મિત્રો #Melodi.” આ હેશટેગ વાયરલ થયો હતો. ત્યારથી, G7 સમિટ, આંતરરાષ્ટ્રીય પરિષદો અથવા દ્વિપક્ષીય બેઠકો જેવા કાર્યક્રમોમાં તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.

પછી, ગયા મહિને રોમની મુલાકાત દરમિયાન, ભારતીય વડા પ્રધાને મેલોનીને “મેલોડી” કેન્ડીનું પેકેટ ભેટમાં આપ્યું હતું. શેર કરેલા વિડીયોમાં, મેલોનીએ કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અમને ભેટ લાવ્યા છે… કેટલીક ખૂબ જ સરસ કેન્ડી.” આ વિડીયો ઝડપથી વાયરલ થયો, ઓનલાઈન પોસ્ટ થયાના છ કલાકમાં જ તેને 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. હાલમાં તેમને 13 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યા છે.

લગ્નના નામે મોટી છેતરપિંડી: સુરતના યુવકને વડોદરા બોલાવી યુવતીએ ખંખેર્યા રૂપિયા

0

વડોદરામાં મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવી હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સુરતના યુવકને દિલ્લીની યુવતીએ વડોદરા લગ્નના બહાને બોલાવી ખંખેરવામાં આવ્યો હતો. આ કેસમાં લીવ ઈનમાં રહેતા યુવક-યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં યુવતીના પૂર્વ પતિની પણ સંડોવણી બહાર આવી હતી.

સુરતના વતની અને સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવકના 7 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ચૂક્યા હતા. યુવકે બીજા લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. ત્યાં તેનો સંપર્ક હાલ વડોદરામાં રહેતી મૂળ દિલ્લીની યુવતી સાથે થયો હતી. યુવતીએ તેને મળવા માટે વડોદરા બોલાવ્યો હતો. ભાયલી વિસ્તારમાં યુવતી યુવકની કારમાં બેસી ગઈ અને તેને ‘સિટીમાં ફરવા’ જવા કહ્યું હતું.

કારમાં ફરતી વખતે યુવતીએ ઘરેથી ફોન આવે છે તેમ કહીને ગાડી સાઇડમાં રખાવી અને પોતે નીચે ઉતરી ગઈ હતી. યુવતી નીચે ઉતરતા જ ત્યાં બે અજાણ્યા માણસો આવ્યા હતા. તેમણે યુવકને લાફા માર્યા, મારી નાખવાની ધમકી આપી અને કારની બાજુની સીટ પર બેસાડી દીધો હતો. એક માણસ પોતે ડ્રાઇવિંગ કરવા લાગ્યો હતો.

યુવતી અને તેના સાગરીતોએ ભેગા મળીને યુવકનો ફોન અને પાકીટ લૂંટી લીધા હતા. કાર ચાલુ હતી ત્યારે જ યુવકે હિંમત કરીને ડ્રાઇવરને લાત મારી, જેથી કાર ધીમી પડી હતી. જેના કારણે યુવક કારનો દરવાજો ખોલી કૂદીને ભાગી છૂટ્યો હતો અને નજીકના ફ્લેટમાં મદદ માગી હતી. શરૂઆતમાં કોઈએ મદદ ન કરી, પણ આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

જે બાદ આરોપીઓ યુવકની કાર ભાયલી કેનાલ રોડ પર છોડીને પોતાના ફ્લેટ પર ભાગી ગયા હતા. ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ફ્લેટ પર દરોડો પાડીને યુવક અને યુવતીને પકડી લીધા હતા. જ્યારે આ કાવતરામાં સામેલ યુવતીનો પૂર્વ પતિ ફરાર થઈ ગયો હતો, જેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.