Home Blog Page 476

વડોદરામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, 9 લોકોની ધરપકડ

વડોદરા શહેરમાં પોલીસે સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને શોધવા માટે વ્યાપક અભિયાન ચલાવ્યું છે. છેલ્લા 72 કલાકમાં 15 પોલીસ ટીમોએ તાંદલજા, આજવા રોડ, નવા યાર્ડ, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા અને ફતેગંજ જેવા વિસ્તારોમાં 1700 શંકાસ્પદ લોકોની તપાસ કરી. આ દરમિયાન 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજો મળી આવ્યા. પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું કે આ દસ્તાવેજોની ચકાસણી માટે અલગ ટીમો રચાઈ છે, જે આ લોકોના આગમનનો રૂટ, સમય અને સંબંધીઓની માહિતી એકત્ર કરશે.

અભિયાન દરમિયાન 66 શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ થઈ, જેમની પાસેથી પશ્ચિમ બંગાળની સરહદી વિસ્તારોના દસ્તાવેજો મળ્યા. આ દસ્તાવેજોની સત્યતા ચકાસવા વડોદરા પોલીસની એક ટીમ ટૂંક સમયમાં બંગાળના વિવિધ વિસ્તારોમાં તપાસ માટે રવાના થશે. આ શખ્સોની રાષ્ટ્રીયતા નક્કી થાય ત્યાં સુધી તેઓને પોલીસ સ્ટેશનોમાં તપાસ માટે લઈ જવાય છે, અને રાષ્ટ્રીયતા સાબિત થતાં જવા દેવાય છે. આ કામગીરી એકતાનગર અને અન્ય વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ગેરકાયદે રહેતા લોકોની શંકા છે.

જમ્મુ અને કાશ્મીરના પગલગામમાં આતંકી ઘટના સામે આવ્યા બાદ ગુજરાતભરમાં ઓપરેશન ક્લિન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની શાખાઓ દ્વારા બિનઅધિકૃત રીતે રહેલા બાંગ્લાદેશી તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા એકતાનગરમાં 1300 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. જે તમામના ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશન કરતા અંતે 8 જેટલા બિનઅધિકૃત રહેતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. તે જ રીતે વડોદરા જિલ્લામાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ હતી.

CM Omar Abdullah એ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

0

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર ચર્ચા માટે સોમવારે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે બેસરન ઘાટીમાં 21 વર્ષ પછી આટલા મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. યજમાન હોવાને કારણે પ્રવાસીઓને સુરક્ષિત પરત મોકલવા મારૂ પ્રથમ કર્તવ્ય હતું પરંતુ હું આમ ના કરી શક્યો. મારી પાસે માફી માંગવા માટે શબ્દ નથી.

વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, ‘સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જોઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે છે. આપણે બંદૂકોથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ તેને નાબૂદ કરી શકાતો નથી. આ જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. આ એવો સમય નથી જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકાર પાસેથી પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરીએ. અમે આવી સસ્તી રાજનીતિ નથી કરતા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે વાતાવરણ સારું રહે અને મહેમાનોને કોઈ નુકસાન ન થાય.’

અબ્દુલ્લાએ કહ્યું, ‘આ પ્રસંગે હું જમ્મુ અને કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગીશ નહીં. હું કયા મોઢે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી શકું? આપણે હંમેશા રાજ્યનો દરજ્જો માંગીશું પણ જો હું આજે આવી માંગ કરીશ તો મારા પર લાનત છે.’વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘આ પ્રસંગે હુમલાની સખત નિંદા કરતા અમે ફક્ત એક જ વાત કહીએ છીએ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના તેમની સાથે છે.’

પહેલગામ હુમલા પર દેશવિરોધી ટિપ્પણી કરનાર ગાયિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યાર બાદનો ઘટનાક્રમ હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિવાદ ઉભો થયો છે. એવામાં સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા અંગે વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ બદલ ગાયિકા નેહા સિંહ રાઠોડ સામે ‘રાજદ્રોહ’નો કેસ નોંધવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ અભય પ્રતાપ સિંહ નામના વ્યક્તિએ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નેહા પર પહેલગામ હુમલાને પગલે એક ચોક્કસ ધાર્મિક સમુદાયને લક્ષ્ય બનાવી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા દેશની એકતાને નુકસાન પહોંચાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો, ફરિયાદને આધારે પોલીસે લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

નેહા સિંહ રાઠોડે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સરકારની ભૂલ ગણાવી છે. તેમણે સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું કે આ ઘટનાનો બિહાર ચૂંટણીમાં રાજકીય ઉપયોગ કરવામાં આવશે. તેની આ પોસ્ટની પાકિસ્તાનના લોકો, તેના નેતાઓ અને સરકારી એજન્સીઓ શેર કરી રહ્યા છે, અને ભારત સરકાર પર આરોપ લગાવી રહ્યા છે.

ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ લોક ગાયિકા નેહા વિરુદ્ધ ઘણા આરોપો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ, જાહેર શાંતિ ખલેલ પહોંચાડવા અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાને લગતી કલમોનો સમાવેશ થાય છે, પોલીસે જણાવ્યું હતું કે નેહા પર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે OTT અશ્લીલ સામગ્રી પર ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને નોટિસ ફટકારી

0

ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મના આગમન સાથે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ આવી છે. આ સાથે ઘણી ગંભીર ચિંતાઓ પણ ઉભી થઇ છે, કારણ કે આ પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ પર કોઈ નિયંત્રણ નથી. એવામાં આજે સુપ્રીમ કોર્ટે ઓવર ધ ટોપ (OTT) પર સ્ટ્રીમ થતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થતા અશ્લીલ કન્ટેન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ ફટકારી છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોર્નોગ્રાફિક સામગ્રીને નિયંત્રિત કરવાનું કાર્ય કાર્યકારી અને વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવે છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, આ અમારું અધિકારક્ષેત્ર નથી, તમે કંઈક કરો.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે તે કેન્દ્રને OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફિક સામગ્રીના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપે. અરજીમાં, આ પ્લેટફોર્મ્સ પર પોર્નોગ્રાફિક સામગ્રીને પ્રતિબંધિત કરવા માટે નેશનલ કન્ટેન્ટ કંટ્રોલ ઓથોરિટીની રચના માટે માર્ગદર્શિકાની માંગ કરવામાં આવી હતી.

પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા સાઇટ્સ પર એવા પેજ અથવા પ્રોફાઇલ્સ છે જે કોઈપણ ફિલ્ટર વિના પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પ્રદર્શિત કરી રહ્યાં છે અને વિવિધ OTT પ્લેટફોર્મ્સ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપતી કન્ટેન્ટ સ્ટ્રીમ કરી રહ્યાં છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની સામગ્રી માત્ર બાળકો અને યુવાનોના મનને જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકોના મન પર પણ અસર કરે છે અને તે અકુદરતી જાતીય વૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને તેથી ગુનામાં પણ વધારો થાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો આની તપાસ કરવામાં નહીં આવે તો સામાજિક મૂલ્યો, માનસિક સ્વાસ્થ્ય અને જાહેર સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે ઈન્ટરનેટની સરળતાએ તમામ ઉંમરના વપરાશકર્તાઓ માટે અશ્લીલ સામગ્રી ઉપલબ્ધ કરાવી છે.

અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે અને તેમાં આ ક્ષેત્રના નિષ્ણાતોને સામેલ કરવામાં આવે. આ સમિતિ, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની તર્જ પર, OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કઈ સામગ્રી બતાવવામાં આવે તે નક્કી કરવા માટે કામ કરવું જોઈએ અને જ્યાં સુધી આ અંગે કાયદો ન બને ત્યાં સુધી આ ચાલુ રાખવું જોઈએ.

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ

અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર એક સમયે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ હતો. પણ અત્યારે હાલ ત્યાં ચકલાં ઊડી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચે તે પહેલાં તમામ ઘરોમાં તાળાં લટકતા જોવા મળ્યા. આખો વિસ્તાર ખાલીખમ જોવા મળી રહ્યો છે. અગાઉ ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

બાંગ્લાદેશી ધૂષણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગુજરાત પોલીસે ઓપેરેશન હાથ ધર્યુ છે. અમદાવાદમાં ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે. રોજી રોજગાર મેળવવા આવેલાં પરપ્રાંતિયોની સંખ્યા આ વિસ્તારોમાં સૌથી વધુ છે. આ વિસ્તારોમાં કાર્યકત સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવુ છેકે, આ વિસ્તારમાં રહેતાં કેટલાંય પરિવારોએ એવાં છે જે અન્ય રાજ્યના જરૂર છે પણ તેમના બાળકોનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમના પરિવારજનોના લગ્ન ગુજરાતમાં થયા છે.

સુરત ગ્રામ્ય પોલીસે 245 વિદેશી નાગરિકોને ઝડપ્યા હતા, જેમાં 60ની તપાસ કરાઈ છે. તે તમામ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. તથા બાકીના લોકોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા. તેઓએ ભારત-બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી.

સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચોકબજાર પોલીસ દ્વારા અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી નહેરૂનગર ઝૂંપડપટ્ટી, સાબરીનગર, રીવરવ્યુ સોસાયટી, ફુલવાડી, પંડોળ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘૂસણખોરી મામલે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસે 800થી વધુ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 600 જેટલા લોકો ભારતના નાગરિકો હોવાના કારણે તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા તો 104 નાગરિકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. તે સિવાયના અમુક શકમંદોના બનાવટી દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આ તમામ લોકોએ ભારત-બાંગલાદેશના સરહદી વિસ્તારમાંથી અહીં આશ્રય લીધો હતો, જેમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં 85થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ શકમંદો તથા બાંગ્લાદેશીઓએ અમદાવાદ આવ્યા બાદ 3 એજન્ટ મારફતે બોગસ દસ્તાવેજ બનાવી લીધા હતા. આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે, તેમજ 550થી વધારે લોકો પાસેના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે

ભારત સરકારે પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલ પર લગાવી રોક

કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારત, તેના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

63 મિલિયન સન્સ્ક્રાઇબર્સ ધરાવતી કુલ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરની યુટયુબ ચેનલ પણ શામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણોને પગલે યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફતાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝ ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકાર ઈર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અન્ય પ્રતિબંધિત હેન્ડલ્સમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝેર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલાને પગલે પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આવી યુટ્યુબ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સંવેદનશીલ સામગ્રી, ખોટા-ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી ફેલાવી રહી હતી. આ આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓ દ્વારા 25 પ્રવાસીઓ અને એક કાશ્મીરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડ્યું

0

ભારત સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને કડક ચેતવણી આપી છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે.

25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 600 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા દિવસે જ ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 79212 સામે આજે 79343 ખુલ્યો હતો. રિલાયન્સ અને બેંક શેરમાં તેજીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી 24039 પાછલા બંધ સામે આજે 24070 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 150 પોઇન્ટ ઉછળ્યો છે. બેંક નિફઅટી 500 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 350 પોઇન્ટ ડાઉન હતો. સેન્સેક્સના ટોપ 5 ગેઇનરમાં રિલાયન્સ 3 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, ICICI બેંક, બજાજ ફિનસર્વ અને કોટક બેંક 1 થી દોઢ ટકા વધ્યા છે.

ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 32465 કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.

આ ઉપરાંત આજે અમેરિકા-ચીન ટ્રેડ વોરનો તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી.જ્યારે ગયા અઠવાડિયે યુએસ શેરબજારમાં વધારો થયો હતો. આ અઠવાડિયે રોકાણકારો મુખ્ય શેરબજારની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. જેમાં ચોથા ક્વાર્ટરના પરિણામો ભારત-પાકિસ્તાન ભૂ-રાજકીય તણાવ, માસિક વાહન વેચાણ ડેટા, વિદેશી ભંડોળનો પ્રવાહ અને અન્ય મુખ્ય વૈશ્વિક સંકેતોનો સમાવેશ થાય છે.

૨૮ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિ માટે સોમવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજશોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધી ચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતું જણાય.ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાનાભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના-ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકર:

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડ્યું

0

ભારત સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને કડક ચેતવણી આપી છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે.

25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.