Home Blog Page 460

ગુજરાતમાં રહેતાં 438 પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ

કાશ્મીરના પહેલગાવના આતંકવાદી હુમલામાં ૨૮ નિર્દોષ લોકોની કરપીણ હત્યાને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો કહી રહ્યા છે કે, હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે. લોકોની લાગણીને વાચા આપતા કેન્દ્ર સરકારે વળતા પ્રહાર રૂપે પાકિસ્તાન સામે આકરાં રાજદ્વારી પગલાંનું શસ્ત્ર ઉગામ્યું છે.

જેમાં સાર્ક સહિતના વિવિધ પ્રકારના વિઝા મારફતે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોના વિઝા તત્કાળ અસરથી રદ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં પાકિસ્તાનથી આવેલા તમામ લોકોને નિયમ સમય મર્યાદામાં ભારત છોડવા આદેશ જારી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાત સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને જે તે રાજ્યમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને શોધીને શક્ય તેટલી ઝડપથી ડિપોર્ટ કરવાની સૂચના આપી છે. ગુજરાતમાં ટૂંકા અને લાંબાગાળાના વિઝા ધરાવતા લગભગ ૪૩૮ પાકિસ્તાની નાગરિકો હોવાની વિગતો જાણવા મળી છે. આ તમામને ડિપોર્ટ કરવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત જિલ્લા તંત્રને સૂચના આપી છે. જેમાં ભરૂચ આવેલી એક મહિલાને આજે જ અટારી બોર્ડરથી ડિપોર્ટ કરવામાં આવી હતી.

૨૨ એપ્રિલે પહેલગાવ ખાતે આતંકવાદીઓએ ૨૮ જણાને ઠાર માર્યા હતા. આ ઘટનાને ભારત સરકારે ગંભીર નોંધ લીધી છે અને પાકિસ્તાન સાથેના તમામ સંબંધો કાપી નાખવાનો નિર્ણય કર્યો છે. ભારતે પાંચ મહત્વનાં પગલાં લીધા છે, જેમાં મેડિકલ વિઝા પર ભારત આવેલા લોકોને ભારત છોડી દેવા ઉપરાંત અને પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા છે. એમાં સાર્ક વિઝા એક્ઝમ્પશન સ્કીમ હેઠળ ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને પણ ૪૮ કલાકમાં પોતાના દેશ પરત જવાની સૂચના આપવામાં આવી છે.

ભારત સરકારે જાહેર કરેલા પગલાં બાદ સૌ પ્રથમ ભરૂચ ખાતે ૧૪ એપ્રિલે આવેલા શાહીદા બીબી નામના પાકિસ્તાની નાગરિકને અટારી બોર્ડર ખાતેથી શુક્રવારે ડિપોર્ટ કરાયા હતા. ૭૧ વર્ષીય શાહીદાબીબી પાસે ૨૬ જૂન સુધી સુધી રોકાવાના વિઝા હતા. જોકે, કેન્દ્રની સૂચના બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમને ડિપોર્ટ કરી દેવાયા હતા. આ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પહેલગાવ આતંકી હુમલા બાદ તેની પાછળ જવાબદાર પાકિસ્તાન સામે હવે સખતાઇથી પગલાં લેવાની શરૂઆત થઇ છે એમાં વિવિધ વિઝા પર ભારત અને ગુજરાત આવેલા નાગરિકોના વિઝા રદ કરાયા છે એમને ડિપોર્ટ કરવામાં આવશે. આ માટે સંબંધિત જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

ગૃહ વિભાગ પાસે ઉપલબ્ધ ડેટા મુજબ રાજ્યમાં શોર્ટ ટર્મ વિઝા ધરાવતા કુલ ૭ પાકિસ્તાની નાગરિકો છે એમાં સૌથી વધુ પાંચ અમદાવાદ અને એક એક ભરૂચ તથા વડોદરામાં છે. આ નાગરિકોને શોધી એમને ભારત છોડી દેવાની સૂચના આપી દેવામાં આવી રહી છે. આ સિવાય લોંગ ટર્મ વિઝા ધરાવતા નાગરિકોમાં સૌથી વધુ ૭૭ પાક નાગરિકો અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે. જ્યારે સુરતમાં ૪૪ અને કચ્છમાં ૫૩ નાગરિકો છે. જ્યારે ૨૯ જેટલા પાકિસ્તાની નાગરિકો ગાંધીનગર જિલ્લામાં મુખ્યત્ત્વે ગાંધીનગર શહેર, કલોલ, માણસા તથા દહેગામમાં રહે છે. આ તમામ નાગરિકોને શોધીને તેમને પરત મોકલવા માટે મોટાપાયે અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

ગૃહ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, અલગ અલગ ૧૭ પ્રકારના વિઝા પર પાકિસ્તાની નાગરિકો ભારત આવતા હોય છે. ભારતમાં શરણાર્થી તરીકે આવેલા પાકિસ્તાની હિન્દુ(લઘુમતીઓ)ના વિઝા રદના નિર્ણયની કોઇ અસર થશે નહીં એ નોંધનીય છે. થોડા મહિના અગાઉ જ ગુજરાતે ૧૮ પાકિસ્તાની લઘુમતીઓને ભારતીય નાગરિકત્ત્વ આપ્યું હતું. એકલા અમદાવાદ જિલ્લા કલેક્ટરે અત્યાર સુધીમાં ૧૧૬૭ લોકોને આ રીતે નાગરિકત્ત્વ આપ્યું છે.

૨ મે, ૨૦૨૫ / શુક્રવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજના દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. ‌જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

કર્કઃ

આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકરાક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુલસેલરનાં ધંધામાં વધારો પ્રગતિ થાય. માતા તથા ‌પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુના દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવત વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. પ્રવાસના યોગ બને છે. નોકરી ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

ભારતના હુમલાના ડરથી હાફિઝ સઈદને પાકિસ્તાને આપી ખાસ સુરક્ષા

0

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મૃત્યુ બાદ ભારત સરકાર આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા મક્કમ છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં ગભરાટનો માહોલ છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાને આતંકવાદી સંગઠનના લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને સેફ હાઉસમાં રાખ્યો છે.

ભારતથી હુમલાના ડરથી પાકિસ્તાની સેના હાફિઝને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. અહેવાલ મુજબ હાફિઝ સઈદને લાહોરમાં છુપાવવામાં આવ્યો છે. તેને લાહોરના મોહલ્લા જોહરમાં છુપાવવામાં આવ્યો છે. પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના ભૂતપૂર્વ કમાન્ડો તેની 24 કલાક સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનમાં મળી રહેલી આ સુરક્ષાથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાન સરકારમાં તેની કેટલી પહોંચ છે.

ઈઝરાયલના જંગલોમાં ભયંકર આગ, ઈમરજન્સી જાહેર

ગાઝામાં હમાસ સામે લડી રહેલું ઇઝરાયલ દેશમાં એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયલમાં જેરુસલેમ નજીક થોડા દિવસો પહેલા લાગેલી જંગલની આગ ઝડપથી વધી રહી છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ છે. આગના ભયાનક સ્વરૂપને ધ્યાનમાં રાખીને, દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે. દરમિયાન, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે આગની જ્વાળાઓ ટૂંક સમયમાં જેરુસલેમ શહેરના આંતરિક ભાગો સુધી પહોંચી શકે છે.

અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, આગ અને કાળા ધુમાડાને કારણે આસપાસના વિસ્તારોમાં લોકો શ્વાસ રૂંધાઈ રહ્યા છે. ઘણા લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અગ્નિશામકો ઇઝરાયલમાં ઘણા વર્ષોમાં જોવા મળેલી સૌથી ભીષણ આગને ઓલવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આગને કાબુમાં લેવા માટે સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. અગાઉ, ઇઝરાયલી પોલીસે જેરુસલેમ અને તેલ અવીવને જોડતો રસ્તો બંધ કરી દીધો હતો. હાઇવે પર રહેતા લોકોને અગાઉથી વિસ્તાર ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જંગલની આગ અંગે ચેતવણી જારી કરી છે. નેતન્યાહૂએ કહ્યું છે કે પશ્ચિમી પવનો આગને વધુ ભડકાવી રહ્યા છે અને તે ટૂંક સમયમાં જેરુસલેમ પહોંચી શકે છે. નેતન્યાહૂએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, “અમને શક્ય તેટલી ઝડપથી મદદની જરૂર છે. આ એક રાષ્ટ્રીય કટોકટી છે. હાલમાં પ્રાથમિકતા જેરુસલેમનું રક્ષણ કરવાની છે.”

દિલ્હી હાઈકોર્ટનો રામદેવને ઠપકો, ‘શરબત જેહાદ’ વિવાદમાં ફટકાર

0

બાબા રામદેવ દ્વારા હમદર્દ રૂહ અફઝા પર કરવામાં આવેલી ટિપ્પણી પરનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. દિલ્હી હાઈકોર્ટે આ મામલે બાબા રામદેવને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી. તે પોતાની દુનિયામાં રહે છે. અગાઉ, કોર્ટે તેમને હમદર્દના રૂહ અફઝા વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ શરબત જેહાદ ટિપ્પણી બદલ પ્રથમ દૃષ્ટિએ કોર્ટના તિરસ્કારનો દોષી ઠેરવ્યા હતા.

કોર્ટે અગાઉ તેમને ભવિષ્યમાં હમદર્દ ઉત્પાદનો પર કોઈ નિવેદન જારી ન કરવા કે વીડિયો શેર ન કરવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે ન્યાયાધીશ અમિત બંસલને જાણ કરવામાં આવી હતી કે કોર્ટના ૨૨ એ-લિના નિર્દેશો છતાં, રામદેવે વાંધાજનક નિવેદનો આપતો એક વીડિયો શેર કર્યો છે. ત્યારબાદ જસ્ટિસ બંસલે કહ્યું કે અગાઉના આદેશને ધ્યાનમાં રાખીને, તેમનું સોગંદનામું અને આ વીડિયો પ્રથમ દ્રષ્ટિએ અવમાનના સમાન છે. કોર્ટે કહ્યું કે હવે અવમાનના નોટિસ જારી કરવામાં આવશે.

ન્યાયાધીશ અમિત બંસલે ગુરુવારે કહ્યું કે રર એપ્રિલના કોર્ટના નિર્દેશો છતાં, રામદેવે વાંધાજનક નિવેદનો આપતો એક વીડિયો બહાર પાડયો. તે કોઈના નિયંત્રણમાં નથી. તે પોતાની દનિયામાં રહે છે. માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઈન્ડિયાએ રામદેવ અને તેમની પતંજલિ ફૂડ્સ લિમિટેડ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ પહેલા, ૨૨ એપ્રિલે સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે શરબત જેહાદ પર બાબા રામદેવના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અમિત બંસલે આદેશ જારી કરવાની ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે આનાથી કોર્ટના અંતરાત્માને ઠેસ પહોંચી છે અને તેનું કોઈ વાજબી કારણ નથી. કોર્ટે રામદેવનું પ્રતિનિધિત્વ કરતા વકીલને સૂચનાઓ મેળવવા અને આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 3 એપ્રિલના રોજ, તેમના શરબત બ્રાન્ડનો પ્રચાર કરતી વખતે, યોગ ગુરુ બાબા રામદેવે હમદર્દ કંપનીના શરબત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

હમદર્દના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તાજેતરમાં પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે, રામદેવે દાવો કર્યો હતો કે હમદર્દના રૂહ અફઝામાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. બાદમાં, રામદેવે પોતાની ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું કે તેમણે કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી. હમદર્દનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે આ કેસ સમજદારીથી આગળનો છે અને સાંપ્રદાયિક વિભાજન બનાવવાનો કેસ છે.

સુપ્રીમ કોર્ટે પહલગામ હુમલા પર અરજીની સુનાવણી કરવા ઇન્કાર કર્યો

0

પહલગામના આતંકવાદી હુમલા સંબંધિત જનહિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કર્યો. પહલગામ હુમલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશોની આગેવાની હેઠળ કરવાની જનહિત અરજીની સુનાવણી કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અત્યારના તબક્કે અરજી દાખલ કરાય નહીં. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે કહ્યું હતું કે આ પ્રકારની અરજીઓને કારણે દેશના સુરક્ષા દળોનું મનોબળ ઘટાડશો નહીં.

જસ્ટિસ સૂર્યકાંતે અરજદારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમે આવા કિસ્સાઓમાં નિષ્ણાતો ક્યારથી થઈ ગયા? હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંરક્ષણ બાબતોના વિશેષજ્ઞ હોઈ શકે છે? આ પ્રકારની અરજીઓ માટે યોગ્ય સમય નથી. કોર્ટે ટકોર કર્યા પછી પણ અરજદારે અરજી પાછી લેવાની વાત કરી તો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેમને હાઈ કોર્ટ જતા પણ રોકવાની પણ અપીલ કરી હતી.

કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આતંકવાદીઓએ નાત-જાત ધર્મ પૂછીને પર્યટકોની હત્યા કરવાના કિસ્સાથી દેશવાસીઓમાં ગુસ્સો ફેલાયો છે. આ બનાવ પછી પહલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં એક તપાસ સમિતિ રચવાની માગણી કરી હતી. એના સિવાય અરજીમાં કેન્દ્ર, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ, સીઆરપીએફ, એનઆઈએને જમ્મુ કાશ્મીરના ટૂરિસ્ટ વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો આદેશ આપતી માગણી કરી હતી.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સુરક્ષા સિંહાસન બદલાયું

પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા સુરક્ષાને લઈને લેવામાં આવી રહેલા સતત આકરા પગલાંથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB)માં નવા સભ્યોની નિમણૂક કરી અને આલોક જોશીને અધ્યક્ષ બનાવ્યા. આ ઘટનાક્રમ વચ્ચે, પાકિસ્તાને પણ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)માં મોટો ફેરફાર કર્યો છે.

એકસપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, પાકિસ્તાનની ખતરનાક ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI)ના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મલિકને સપ્ટેમ્બર 2024માં ISIના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને NSAનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ISIના પ્રમુખ બનતા પહેલાં અસીમ મલિકે પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવાઓ આપી હતી. જ્યાં તેમણે કાનૂની અને શિસ્ત સંબંધિત બાબતો સહિત લશ્કરી વહીવટી મુદ્દાઓની દેખરેખ રાખી હતી. એક્સપ્રેસ ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ બની હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોનો સમાવેશ થાય છે.

પોતાના લશ્કરી કારકિર્દી દરમિયાન અસીમ મલિકે બલૂચિસ્તાન અને દક્ષિણ વઝીરિસ્તાનમાં પણ ડિવિઝનની કમાન સંભાળી હતી. આ બંને વિસ્તારો પાકિસ્તાન માટે ભારે સુરક્ષા પડકારો ઊભા કરતા રહ્યા છે. પાકિસ્તાન સરકારે મલિકની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા છે. તાજેતરના આકરા પગલાંની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ સાથે જ પાકિસ્તાનના ઘણા જાણીતા કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના લોકપ્રિય કલાકારો હાનિયા આમિર, માહિરા ખાન અને અલી ઝફર ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ હવે સરકાર દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલોને ભારતમાં નિલંબિત કરવામાં આવ્યા છે.

ISI ના વડા બનતા પહેલા આસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે કાનૂની અને શિસ્તબદ્ધ બાબતો સહિત લશ્કરી વહીવટી બાબતોનું નિરીક્ષણ કરતા હતા. અહેવાલ અનુસાર, એડજ્યુટન્ટ જનરલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં કેટલીક મોટી ઘટનાઓ પણ બની હતી, જેમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારબાદ તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.

મિસાઇલથી લોડ યુદ્ધ જહાજ INS સુરત હજીરા પોર્ટ પર તૈનાત

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છે. INS સુરતની લંબાઈ 164 મીટર છે. તે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

INS સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવીએ INS સુરત મોકલ્યું છે. INS સુરત કેરિયર ટાસ્ક ફોર્સ, સરફેસ એકશન ગ્રુપ્સ, સર્ચ એન્ડ એટેક યુનિટ્સ તરીકે કામ કરી શકે છે.

INS સુરત પરથી બરાક-8, બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ વોર ફેર માટે 533 મિમી 4 ટોરપીડો ટ્યુબ્સ તૈનાત કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે. 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ પણ તેના પર તૈનાત છે. જહાજ પર ચાર ઈન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી, 250 નૌસૈનિક રહી શકે છે. યુદ્ધ જહાજ દરિયામાં 45 દિવસ સુધી રહી શકે છે.

જળશક્તિ મંત્રી સીઆર પાટીલ INS સુરતને આવકારશે. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના સ્થાપના દિવસે INS સુરત પહોંચી રહ્યું છે. સુરત દેશનું એક માત્ર શહેર છે જેનું નામ ઈન્ડિયન નેવીના શીપને અપાયું છે. સાઉથ ગુજરાત ઓફ કોમર્સની વિનંતીને ધ્યાને રાખી જહાજને સુરત લાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સ્વદેશમાં નિર્મિત ‘આઇએનએસ સુરત’ દ્વારા અરબી સમુદ્રની સપાટીથી હવામાં ઝડપથી ઉડતા ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું હતું. ભારતીય નેવીના ડિસ્ટ્રોયરે સેમ (સરફેસ ટુ એર) મિસાઇલથી લક્ષ્યને વિંધવાનું સફળ પરિક્ષણ પાર પાડયું હતું.

મુંબઈના મઝગાંવ ડોકમાં બંધાયેલું આઇએનએસ સુરત નોકાદળનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલથી સજ્જ ડિસ્ટ્રોયર શિપ છે. ચાર મહિના પહેલાં જ નેવીના કાફલામાં સામેલ કરવામાં આવેલું આ યુદ્ધ જહાજ દુશ્મન દેશના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેકનિક અને મિસાઇલોથી સજ્જ છે.

અજમેરની હોટેલમાં આગ લાગતાં 4 લોકોના મોત, લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

0

અજમેરની ડિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં ભીષણ આગની ઘટના ઘટી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગની ઘટનામાં 4 લોકો જીવતા ભડથું થયા હતાં. જ્યારે બીજા ચાર લોકોની હાલત વધારે ગંભીર હોવાથી હોસ્પિટવલમાં સારવાર હેઠળ છે. હોટલમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. અકસ્માત સમયે હોટલમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાયેલા હતા. અનેક લોકોએ તો બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આજે ગુરૂવારે સવારે ડિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બે પુરૂષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસ ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર્સ પણ બચાવ કામગીરી કરી રહ્યા છે. તેઓએ બેભાન થઈ ગયેલા પાંચ લોકોને બચાવ્યા છે. બે મહિલાઓ આગમાં દાઝતાં ઈજાગ્રસ્ત થઈ છે. એક મહિલા ફાયર ફાઈટર પણ આગની ઝપેટમાં આવી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ‘એસી ફાટવાનો જોરદાર અવાજ આવ્યો, ત્યારબાદ તરત જ આગ ફેલાઈ ગઈ. લોકો બારી તોડીને બહાર નીકળતા જોવા મળ્યા. એક મહિલાએ મારા ખોળામાં એક બાળક ફેંકી દીધું. ફાયર બ્રિગેડ અડધા કલાક પછી આવી’ ફાયર બ્રિગેડની કામગીરી પર લોકોએ રોષ વ્યક્ત કર્યો અને સવાલો કર્યો હતાં. પોલીસે આપેલી વિગતો પ્રમાણે આગની ઘટનામાં મોહમ્મદ ઝાહિદ, 30 વર્ષીય મહિલા, 20 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય પુરુષનું દર્દનાક મોત થયું છે.

ખેડામાં મોટી દુર્ઘટના: મેશ્વો નદીમાં નાહવા ગયેલા 6 બાળકો ડૂબ્યાં

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદની મેશ્વો નદીમાં અમદાવાદના મામા-ફોઈના 5 સંતાનો સહિત 6 ડૂબ્યાં. અહીં બુધવાર સાંજે એક જ પરિવારના 6 બાળકોમાં નદીમાં ડૂબી ગયા હતા. જેમાં મોટા ભાગના પિતરાઈ ભાઈ બહેન હતા. પરિવારના 6 સભ્યો ડૂબી જવાની સૂચના જેવી પરિવારના લોકોને મળી તો માતમ ફેલાઈ ગયો.

પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના કનીજ ગામમાં થઈ હતી. ખેડા પોલીસ રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, છ વ્યક્તિ જે 14-21 વર્ષના ભાઈ બહેન અથવા સંબંધમાં પિતરાઈ ભાઈ બહેન થાય છે. તેઓ મેશ્વો નદીમાં ન્હાવા માટે ગયા હતા, જ્યાં ડૂબી ગયા હતા. તેમાંથી ચાર છોકરીઓ અને બે છોકરા હતા. આ તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, 6 મૃતકોમાંથી બે કનીજ ગામમાં રહેવાસી હતા અને ચાર તેમના સંબંધમાં ભાઈ બહેન થતાં હતા, જે અમદાવાદના નરોડાથી રજા માણવા માટે મામાના ઘરે ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સૂચના મળ્યા બાદ અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું. ત્યાર બાદ આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.