Home Blog Page 405

જસ્ટિસ વર્મા વિરુદ્ધ કાર્યવાહી શરૂ! તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા

0

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળી આવેલી રોકડ રકમના કેસની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જસ્ટિસ વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચાર થયો છે તે સાબિત કરવા માટે પૂરતા તથ્યો છે. તેમને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ થવી જોઈએ.

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સરકારી નિવાસસ્થાનમાં અચાનક આગ લાગવાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. માર્ચ 2025 માં, તેમના ઘરમાં આગ લાગવાની માહિતી મળતાં, દિલ્હી ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ હતી, જેમાંથી ઘણી બધી અડધી બળી ગઈ હતી. બાદમાં, આ સ્થળનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બળી ગયેલી નોટો જોવા મળી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશોની એક સમિતિ બનાવી હતી અને તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ સમિતિના રિપોર્ટના આધારે, હવે જસ્ટિસ વર્માને તેમના પદ પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી શકાય છે.

તપાસ અહેવાલ

  • તપાસ સમિતિએ 10 દિવસમાં 55 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા, ઘણી બેઠકો યોજી અને જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી જ્યાં 14 માર્ચે રાત્રે 11.35 વાગ્યે આગ લાગી હતી.
  • તપાસ સમિતિએ દરેક નિવેદનનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું, જેથી પછીથી તેમની સત્યતાને પડકારી ન શકાય.
  • તપાસ સમિતિના 64 પાનાના અહેવાલના અંતે બે ફકરા તારણ આપે છે કે રોકડ રકમ 30 તુઘલક ક્રેસન્ટ, નવી દિલ્હીના સ્ટોર રૂમમાંથી મળી આવી હતી.
  • તપાસ સમિતિએ સ્પષ્ટતા કરી છે કે સ્ટોર રૂમ સત્તાવાર રીતે જસ્ટિસ વર્માના કબજામાં હતો અને સ્ટોર રૂમ (જ્યાં રોકડ રાખવામાં આવી હતી) સુધી પહોંચ જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોના ગુપ્ત અથવા સક્રિય નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
  • તપાસ અહેવાલ મુજબ, મજબૂત અનુમાનિત પુરાવાઓના આધારે, એવું સ્થાપિત થયું છે કે બળી ગયેલી રોકડ રકમ ૧૫ માર્ચની વહેલી સવારે નવી દિલ્હીના ૩૦ તુઘલક ક્રેસન્ટ ખાતેના સ્ટોર રૂમમાંથી બહાર કાઢવામાં આવી હતી.
  • રોકડ રકમ એટલી મોટી હતી કે તેને જસ્ટિસ વર્મા અથવા તેમના પરિવારના સભ્યોની મૌન અથવા સક્રિય સંમતિ વિના સ્ટોર રૂમમાં રાખી શકાય નહીં.
  • સમિતિ સમક્ષ 10 સાક્ષીઓએ બળી ગયેલી કે અડધી બળી ગયેલી નોટો જોઈ હોવાનું કબૂલ્યું છે.
  • ઉદાહરણ તરીકે, સમિતિ સમક્ષ એક સાક્ષીએ કહ્યું કે હું અંદર ગયો કે તરત જ મેં જોયું કે જમણી બાજુ અને સામે, ફ્લોર પર ફક્ત 500 રૂપિયાની નોટોનો એક મોટો ઢગલો પડ્યો હતો. મને ખાતરી નથી કે ત્યાં આવી કોઈ 500 રૂપિયાની નોટો હતી કે નહીં. હું ચોંકી ગયો અને આટલી મોટી રકમ રોકડ ફ્લોર પર વેરવિખેર હતી, જે મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ.
  • તપાસ સમિતિએ જસ્ટિસ વર્માના અંગત સચિવ રાજિન્દર સિંહ કાર્કી અને તેમની પુત્રી દિયા વર્મા દ્વારા કથિત રીતે પુરાવાનો નાશ કરવામાં અથવા આગ સ્થળ સાફ કરવામાં શંકાસ્પદ ભૂમિકાની પણ તપાસ કરી.
  • કથિત રીતે, કાર્કીએ આગ બુઝાવનારા ફાયરમેનને તેમના રિપોર્ટમાં નોટો બળી જવાનો ઉલ્લેખ ન કરવા અને બીજા દિવસે રૂમ સાફ કરવા સૂચના આપી હતી, જેનો તેમણે ઇનકાર કર્યો હતો. પરંતુ અન્ય સાક્ષીઓના નિવેદનો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ તેનાથી વિપરીત સાબિત થયા.

સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ 1.5 ફૂટ ઊંચો હતો
માર્ચ 2025 જયારે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને અચાનક આગ લાગી ત્યારે આ રોકડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આગ ઓલવવા પહોંચેલા દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ, જેમાંથી અડધી બળી ગઈ હતી. કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ 1.5 ફૂટ ઊંચો હતો અને 500 રૂપિયાની નોટો ચારે બાજુ વિખરાયેલી હતી. આ ઉપરાંત તપાસ સમિતિએ જણાવ્યું કે ફક્ત જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. તેઓ બાદમાં રૂમ સાફ કરવામાં આવ્યા અને ત્યાંથી બધી નોટો ગાયબ થઈ ગઈ.

હવામાન વિભાગનો રેઈન અલર્ટ: આગામી 24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, અને ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે, જેમાં ડાંગ જિલ્લાના આહવામાં 9.8 ઇંચ, કપરાડામાં 9.5 ઇંચ, વઘઈમાં 7.7 ઇંચ અને સુબીરમાં 7.6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ સિવાય, ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માર્ગો બંધ અને ડેમની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે વરસેલા ભારે વરસાદને કારણે રાજ્યના 134 માર્ગો બંધ થયા છે. જેમાં 10 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ કરાયો છે, જે દર્શાવે છે કે વરસાદની અસર કેટલી વ્યાપક છે.

જાપાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા

વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે. તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે. જાપાન હવામાન એજન્સીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.

જાપાન હવામાન એજન્સીએ કહ્યું કે, ગુરુવારેના રોજ જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં નેમુરો દ્વીપકલ્પના દક્ષિણપૂર્વ કિનારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 42.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 146.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું છે.

જાપાનમાં મોટાભાગે ભૂકંપ આવે એટલે સુનામીની આગાહી કરવામાં આવતી હોય છે. જોકે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, ભૂકંપના જોરદાર આંચકાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અત્યારે ભૂકંપ ખૂબ જ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પણ 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

બપોરે 3 વાગ્યા સુધી કડી બેઠક પર 46.33 ટકા અને વિસાવદરમાં 47.67 ટકા મતદાન

ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ સર્જાયો છે. બુધવારે રાત્રે વરસાદે જોરદાર બેટિંગ કરી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શરુ થયું છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલું રહેશે. બન્ને બેઠકના કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. 23 જૂને મત ગણતરી થશે.

3 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 47.67 અને કડીમાં 46.33 ટકા મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાનના આંકડા પ્રમાણ કડીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.33 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47.67 ટકા મતદાન નોંધાયું હતું.

12 વાગ્યે મતદાનમાં વધારો
વહેલી સવારથી કડી અને વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ છે. જોકે, સવારે મતદાનની ટકાવારી ઓછી હતી. ત્યારબાદ 10 વાગ્યા પછી મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 વાગ્યા સુધીમાં કડીમાં 25% અને વિસાવદરમાં 32% મતદાન નોંધાયું છે.

11 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાનના આંકડા પ્રમાણ કડીમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28.85 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28.15 ટકા મતદાન નોંધાયું હતું.

10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?
કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 10 વાગ્યા સુધીમાં કડીમાં 13 ટકા અને વિસાવદમાં 15 ટકા મતદાન નોંધાયું છે. જોકે, મતદાન હાલ ધીમી ગતિએ જોવા મળી રહ્યું છે, જોકે, સાંજ સુધીમાં મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.
મોબાઇલ ફોન માટે કરાઈ વ્યવસ્થા વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં મતદારો વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. જોકે, વિપક્ષ દ્વારા અવાર-નવાર ચૂંટણીમાંં ગેરરીતિને લઈને ચૂંટણી પંચને ઘેરવામાં આવે છે, જેના માટે આ વખતે ચૂંટણી પંચે કોઈ પ્રશ્ન ઊભા ન થાય તે માટે વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈપણ મતદારો મતદાન ક્ષેત્રમાં ફોન લઈને ન જાય તે માટે ફોન મૂકવાની વ્યવસ્થા કરી છે. જેના માટે ખાસ સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યા છે, જે આ મોબાઇલ ફોનનું ધ્યાન રાખશે. આ વિશે માહિતી આપતા ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘હવે કોઈ બહાના નહીં ચાલે. અમે મતદાન મથકની બહાર મોબાઇલ ફોન મૂકવાની સુવિધા પૂરી પાડીએ છીએ. તેથી જાવ અને મતદાન કરો.’

વલસાડમાં વરસાદી હાહાકાર: NDRF તૈનાત, મધુબન ડેમમાંથી છોડાયું પાણી, 32 રસ્તા બંધ

ગુજરાતમાં ગઇરાત્રિથી મેઘરાજેએ દક્ષિણના જિલ્લાઓમાં તબાહી મચાવી છે. મોડીરાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ કહેર વર્તાવી રહ્યો છે. આજે સવારથી જ વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સવારતી અહીં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે, અનેક વિસ્તારોમાં પાણી ભરતા 32થી વધુ રૉડ રસ્તાને બંધ કરવા પડ્યા છે. ખાસ વાત છે કે, નદીઓમાં નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, અને NDRFની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે વલસાડમાં પહોંચી ગઇ છે

સવારથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે વલસાડ કલેક્ટરે પણ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી છે અને NDRFની ટીમ પણ પણ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચૂકી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો મધુબન ડેમની જળસપાટી સતત વધી રહી છે. દર કલાકે ડેમમાંથી દમણ ગંગા નદીમાં 25 હજારથી વધુ ક્યૂસેક પાણીને છોડાઇ રહ્યું છે.

રસ્તાઓની સ્થિતિની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં કુલ 37 રોડ-રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેમાં પંચાયત હસ્તકના 34 રૉડ અને 3 સ્ટેટ હાઇવે સામેલ છે. હાલમં મધુબન ડેમમાં પાણી સતત વધી રહ્યું છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 19 રસ્તા અવરોધાયા છે, જેમાં વાંસદા તાલુકાના 14 રસ્તા, નવસારી તાલુકાના 2 રસ્તા તેમજ ચીખલીના 2 અને ખેરગામના 1 રસ્તો પ્રભાવિત થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘ભારતમાં અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’

0

ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને તેની સ્વદેશી ભાષાઓમાં ગર્વથી વિશ્વનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ ટૂંક સમયમાં શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. ફક્ત દૃઢનિશ્ચયી લોકો જ પરિવર્તન લાવી શકે છે. મારું માનવું છે કે ભાષાઓ આપણી સંસ્કૃતિના રત્નો છે. આપણી ભાષાઓ વિના આપણે સાચા ભારતીય ન બની શકીએ.”

અમિત શાહે કહ્યું- વિદેશી ભાષાઓ દ્વારા ભારતની કલ્પના કરી શકાતી નથી
અમિત શાહે કહ્યું, “આપણા દેશ, આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ અને આપણા ધર્મને સમજવા માટે કોઈ પણ વિદેશી ભાષા પૂરતી ન હોઈ શકે. અધૂરી વિદેશી ભાષાઓ દ્વારા સંપૂર્ણ ભારતની કલ્પના કરી શકાતી નથી. હું સંપૂર્ણ રીતે જાણું છું કે આ યુદ્ધ કેટલું મુશ્કેલ છે, પરંતુ મને એ પણ વિશ્વાસ છે કે ભારતીય સમાજ વિજયી બનશે. ફરી એકવાર, આત્મસન્માન સાથે, આપણે આપણા દેશને આપણી ભાષાઓમાં ચલાવીશું અને વિશ્વનું નેતૃત્વ પણ કરીશું.” વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘડવામાં આવેલા ‘પંચ પ્રાણ’ (પાંચ પ્રતિજ્ઞાઓ) પર ભાર મૂકતા અમિત શાહે કહ્યું કે આ પાંચ પ્રતિજ્ઞાઓ દેશના 130 કરોડ લોકોનો સંકલ્પ બની ગયા છે.

ગૃહમંત્રીએ કહ્યું- અધિકારીઓની તાલીમમાં પરિવર્તનની જરૂર
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “મોદીજીએ અમૃત કાળ માટે પંચ પ્રાણનો પાયો નાખ્યો છે. વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવું, ગુલામીના દરેક નિશાનથી મુક્તિ મેળવવી, આપણા વારસા પર ગર્વ કરવો, એકતા અને એકતા માટે પ્રતિબદ્ધ રહેવું અને દરેક નાગરિકમાં ફરજની ભાવના જાગૃત કરવી, આ પાંચ પ્રતિજ્ઞાઓ 130 કરોડ લોકોના સંકલ્પ બની ગયા છે. વર્ષ 2047 સુધીમાં, આપણે શિખર પર હોઈશું અને આપણી ભાષાઓ આ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવશે.” હકીકતમાં, ભૂતપૂર્વ સિવિલ સેવક IAS આશુતોષ અગ્નિહોત્રી દ્વારા લખાયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે વહીવટી અધિકારીઓની તાલીમમાં પરિવર્તનની જરૂર છે.

મહારાષ્ટ્રના પૂણેમાં ગમખ્વાર અકસ્માત, કાર પીકઅપ સાથે અથડાતાં 8 લોકોના મોત

0

મહારાષ્ટ્રના પૂણેમાં બુધવારે (18 જૂન) મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં જેજૂરી મોરગાંવ રોડ પર પૂરપાટ ગતિએ દોડતી સિડાન કાર અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા અને પાંચ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પૂણે ગ્રામીણના એસપી સંદીપ સિંહ ગિલે આ વિશે જાણકારી આપી છે.

શું હતી ઘટના?
પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત જેજુરી-મોરગાંવ રોડ પર થયો હતો. પૂણેથી મોરગાંવ જઈ રહેલી કાર જેજુરીથી મોરગાંવ જઈ રહી હતી. આ દરમિયાન કારે શ્રીરામ ઢાબા સામે એક પિકઅપ વાન સાથે ટક્કર મારી. કારમાં સવાર ચાર પુરૂષ અને એક મહિલા તેમજ પિકઅપ ચાલક અને ટ્રક પાસે ઊભેલા બે અન્ય લોકોના મોત નિપજ્યા હતા. હાલ, આ મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.

કારચાલકે મારી ટક્કર
ઘટનાસ્થળ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રીરામ હોટેલની બહાર જ્યારે પિકઅપ ટેમ્પોમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે પાછળથી કારે જોરદાર ટક્કર મારી. અકસ્માત થતા જ ઘટનાસ્થળે ભીડ ભેગી થવા લાગી. પોલીસે પહોંચીને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા. બાદમાં ક્રેન બોલાવીને, કાર અને પિકઅપને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા.

બેંગલુરુ એરપોર્ટને ઉડાવવાની ધમકીથી ગભરાટ, તપાસમાં ખુલ્યું શંકાસ્પદ ઈમેલનું રહસ્ય

0

બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર બોમ્બની ધમકીથી ખળભળાટ મચી ગયો. એક અઠવાડિયામાં આ બીજી ધમકી છે. બંને વખત આ ધમકી ખોટી સાબિત થઈ હતી. એક અઠવાડિયામાં બીજી વખત, એરપોર્ટ પર નકલી બોમ્બની ધમકીનો મેઇલ મોકલવામાં આવ્યો છે. એરપોર્ટ સુરક્ષા દળને બોમ્બની ધમકીનો મેઇલ મળ્યો હતો. આ ધમકીભર્યા મેઇલમાં, એક આતંકવાદીએ દાવો કર્યો હતો કે “આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવી ખોટી હતી.” અને આનો બદલો લેવામાં આવશે.

આ મહિનાની 13 અને 16 તારીખે બે બોમ્બ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. બંને ઈમેલમાં બે બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ચેતવણી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો પ્લાન A નિષ્ફળ જશે, તો પ્લાન B સક્રિય કરવામાં આવશે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટ ટોયલેટના પ્લમ્બિંગની અંદર બોમ્બ મૂકવામાં આવ્યો છે.

ધમકી મળ્યા બાદ સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અધિકારીઓએ તેને બનાવટી જાહેર કરી હતી. જે ​​ઈમેલ આઈડી પરથી બોમ્બ ધમકી મોકલવામાં આવી હતી તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. કેમ્પેગૌડા એરપોર્ટ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

ઇઝરાયલનો મોટો પ્રહાર: ઇરાનના અણુ પ્રોજેક્ટ ‘અરાક રિએક્ટર’ પર બોમ્બ વરસાવાયા

ઇઝરાયલે ઇરાનના અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે. ઇરાનની સરકારી ટેલિવિઝન ચેનલે ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. ચેનલે જણાવ્યું હતું કે હુમલા પછી “કોઈપણ પ્રકારના રેડિયેશનનો ભય નથી” અને હુમલા પહેલા જ કેન્દ્ર ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ઇઝરાયલે ગુરુવારે સવારે જ ચેતવણી આપી હતી કે તે રિએક્ટર પર હુમલો કરશે અને લોકોને વિસ્તાર છોડી દેવા કહ્યું હતું.

પાણી રિએક્ટર શું કરે છે તે જાણો
અરક ખાતેનું ભારે પાણીનું રિએક્ટર તેહરાનથી 250 કિલોમીટર (155 માઇલ) દક્ષિણપશ્ચિમમાં છે. ભારે પાણીના રિએક્ટરનો ઉપયોગ પરમાણુ રિએક્ટરને ઠંડુ કરવા માટે થાય છે પરંતુ તે પ્લુટોનિયમ પણ ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ પરમાણુ શસ્ત્રોમાં થઈ શકે છે.

IAEA એ શું કહ્યું?
દરમિયાન, અહીં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ ઇઝરાયલને ઇરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલો ન કરવા વિનંતી કરી છે. એવું કહેવાય છે કે એજન્સીના નિરીક્ષકોએ છેલ્લે 14 મેના રોજ અરાકની મુલાકાત લીધી હતી.

ઈરાનમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા?
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે, વોશિંગ્ટન સ્થિત જૂથ ‘હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ’ એ જણાવ્યું હતું કે ઇરાનમાં ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 639 લોકો માર્યા ગયા છે અને 1,329 અન્ય ઘાયલ થયા છે. જૂથે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં 263 નાગરિકો અને 154 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

ઈરાને હુમલો કર્યો
ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે, ઇરાને પણ મિસાઇલો છોડી છે. ઇઝરાયલના દક્ષિણમાં મુખ્ય હોસ્પિટલને ઇરાની મિસાઇલોએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ‘સોરોકા મેડિકલ સેન્ટર’ ઇઝરાયલના દક્ષિણમાં સ્થિત મુખ્ય હોસ્પિટલ છે. બીયર શેબામાં સોરોકા મેડિકલ સેન્ટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલામાં હોસ્પિટલને ભારે નુકસાન થયું છે અને લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલે લોકોને સારવાર માટે ન આવવા વિનંતી કરી છે.

જાનહાનિ અંગે કોઈ માહિતી મળી નથી
હોસ્પિટલની વેબસાઇટ અનુસાર, હોસ્પિટલમાં 1,000 થી વધુ પથારી છે અને તે ઇઝરાયલના દક્ષિણના લગભગ 10 લાખ રહેવાસીઓને સેવા આપે છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય ઇમારત અને કેટલીક એપાર્ટમેન્ટ ઇમારતોને નિશાન બનાવવામાં આવી હોય તેવું લાગે છે. હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે તાત્કાલિક જાણી શકાયું નથી. ઇઝરાયલે ઇરાનના અરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યાના એક દિવસ પછી આ હુમલો થયો છે.

યુપી-બિહાર સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઝારખંડમાં રેડ એલર્ટ જારી

0

આગામી 24 કલાક દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 19 થી 22 જૂન દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. 19, 22 અને 23 જૂને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે અને કાલે ઓડિશા અને ઝારખંડમાં રેડ એલર્ટ જારી કર્યું છે.

દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આજે બિહારમાં ભારે વરસાદ પડશે. ઝારખંડમાં ૧૯-૨૦ જૂને મુશળધાર વરસાદ પડી શકે છે. ૧૯-૨૪ જૂન દરમિયાન, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં મોટાભાગના સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. ૧૯ જૂને, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા છે.

24 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૯-૨૪ જૂન દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ૨૨મીએ જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિત-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં ભારે વરસાદ પડી શકે છે અને ૨૦-૨૩ જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૨ દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે અને તે પછી કોઈ મોટો ફેરફાર થશે નહીં.

દિલ્હીની હવામાન સ્થિતિ
રાજધાની દિલ્હીના હવામાન વિશે વાત કરીએ તો, હવામાન વિભાગે આજે અહીં મધ્યમ વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત, દિવસભર વાદળો રહેશે. IMD અનુસાર, સાંજે દિલ્હીમાં હળવો થી મધ્યમ વરસાદ, વાવાઝોડું અને ધૂળવાળા જોરદાર પવન ફૂંકાઈ શકે છે. તે જ સમયે, રાત્રે તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે.

તે જ સમયે, ચક્રવાતી પવનોને કારણે દિલ્હી, ગુજરાત અને દક્ષિણ ભારતમાં તોફાનની પણ શક્યતા છે. હવામાન વિભાગે 23 જૂન સુધી સમગ્ર ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મોડી સાંજથી મુંબઈમાં સમયાંતરે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મુશળધાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જારી કર્યું છે.