Home Blog Page 358

ટેકનિકલ ખામી સર્જાતા એર ઇન્ડિયાની ભુજ-મુંબઇ ફ્લાઇટ રદ કરાઈ

અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અનેક વખત ટેકનિકલ કારણોને કારણે આ કંપનીની ફ્લાઈટો રદ કરવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. કચ્છમાં ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ કારણોને કારણે રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતાં.

ટેકનિકલ ખામી હતી તો મુસાફરોનો જીવ કેમ જોખમમાં મૂક્યો?

અંતરંગ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, 13મી ઓગસ્ટ, બુધવારે સવારે એર ઇન્ડિયાનું વિમાન ભુજ મોડું પહોંચ્યું હતું. જેના કારણોમાં એમ જાણવા મળ્યું હતું કે, આ વિમાનમાં તકનીકી ખામી હતી. કેટલાકે એવા સવાલ ઉઠાવ્યા હતા કે, ટેકનિકલ કારણોસર જો મોડું પ્લેન આવ્યું હોય તો શા માટે મુંબઇથી ઉડાન ભરાવી હતી. મુસાફરોનો જીવ શા માટે જોખમમાં મૂકાયો.

ભુજથી ફ્લાઇટ કેન્સલ કરાઇ: મુસાફરો મુશ્કેલીમાં

દરમિયાન, સવારે 8.30 બદલે 9.30 વાગ્યે ભુજ પહોંચ્યા બાદ આ વિમાન મુંબઇ જવા માટે કેન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી. વિમાનની રાહ જોઇ બેઠેલા 182 મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો તકનિકી કારણોસર કેન્સલ કરવામાં આવ્યું હોય તો હવે મુંબઇ સુધીની મુસાફરી કેવી રીતે કરવી એ સવાલ સામે આવ્યા હતા. મોંઘા ભાડા ખર્ચીને રાજકોટ સહિતના સેન્ટર સુધી જવાનો કેટલાક મુસાફરોને વારો આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.

જન્માષ્ટમીના તહેવાર પર GSRTC નો મોટો નિર્ણય, 1200 એક્સ્ટ્રા બસો દોડાવાશે

જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, જન્માષ્ટમી તહેવાર માટે કુલ 1,200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

આ વધારાની બસો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા વિભાગોમાં દોડાવવામાં આવશે. ખાસ કરીને, જન્માષ્ટમીના તહેવાર માટે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જતાં મુસાફરો માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તેમજ દાહોદ, ગોધરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જવા માટે પણ વધારાની બસો ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આ રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન 6,000 થી વધુ ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેનો લાભ 3.15 લાખથી વધુ મુસાફરોએ લીધો હતો. આ વર્ષે પણ GSRTC એ વધુ મુસાફરોને સુવિધા આપવા માટે આયોજન કર્યું છે.

સ્પેનના ટાપુ ઇબિઝા પાસે સુપર યાટમાં ભયંકર આગ, કાબુ બહાર જઈ સમુદ્રમાં સમાઈ ગઈ

સ્પેનના પ્રખ્યાત ટાપુ ઇબિઝા નજીક એક વિશાળ અને મોંઘી યાટ (સુપર યાટ) માં આગ લાગી. આગ એટલી ભયંકર હતી કે તેને કાબુમાં લઈ શકાયો નહીં અને અંતે તે સમુદ્રમાં ડૂબી ગઈ.સ્પેનની બચાવ ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા હૃદયદ્રાવક વીડિયોમાં, આ યાટ આગની જ્વાળાઓમાં લપેટાયેલી જોવા મળે છે. ઘેરા ભૂરા ધુમાડાનો એક વિશાળ વાદળ આકાશમાં ઉછળતો જોવા મળે છે.

સ્પેનની દરિયાઈ બચાવ એજન્સી, સાલ્વામેન્ટો મારિટીમોએ જણાવ્યું હતું કે યાટ પરના તમામ સાત ક્રૂ સભ્યોને “સુરક્ષિત” રીતે બચાવી લેવામાં આવ્યા હતા. દા વિન્સી નામની આ યાટ, જ્યારે અકસ્માત થયો ત્યારે ઇબિઝા નજીક એક નાના ટાપુ, ફોર્મેંટેરાથી 7.3 માઇલ (લગભગ 11.7 કિલોમીટર) દૂર હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં એજન્સીએ જણાવ્યું હતું કે: “CCS પાલ્માએ બચાવ જહાજો ગાર્ડામર કોન્સેપ્સિયન એરેનલ અને સાલ્વામર નાઓસને ઘટનાસ્થળે મોકલ્યા હતા, જેમાં અગ્નિશામકોને પણ લઈ જવામાં આવ્યા હતા. નાઓસ જહાજ દ્વારા સાત ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવી શકાયો ન હતો અને આખરે યાટ ડૂબી ગઈ હતી. ગાર્ડામર જહાજ હજુ પણ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારમાં કાટમાળ સાફ કરી રહ્યું છે.”

રાજસ્થાન: દૌસામાં ભક્તોને લઈ જતું પિકઅપ વાહન ટ્રક સાથે અથડાઈ, 11 લોકોના મોત

0

રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. ખાટુ શ્યામજી અને સાલાસર બાલાજીના દર્શન કરીને પોતાના વતન ઉત્તર પ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કુલ 11 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 7 માસૂમ બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

આ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમાંથી અનેક લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.પિકઅપ ગાડીના ફુરચા ઉડી ગયા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ ચીસો સંભળાવા લાગી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ગાડીના સંપૂર્ણપણે ફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી અને રાહત તથા બચાવ કામગીરીમાં પોલીસને મદદ કરી હતી. પિકઅપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

પોલીસે જણાવ્યું છે કે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.. હાલ અકસ્માત કયા કારણોસર થયો અને ભૂલ કોની હતી, તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને દુર્ઘટનાનો ભોગ બનેલા ઈજાગ્રસ્તોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

કાળા જાદુથી પરિણીતાને વશમાં રાખી ભુવા દ્વારા અવારનવાર દુષ્કર્મ

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મૂળ બોટાદની 25 વર્ષની પરિણીતા ઉપર કાળો જાદુ કરી તેને વશમાં રાખી છેલ્લા દોઢ વર્ષથી બોટાદના ચિરોડામાં મઢ ધરાવતા ભુવાએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.છેલ્લા પાંચ દિવસથી પરિણીતા ભુવા પાસે હોય તેના પતિએ અડાજણ પોલીસને જાણ કરતા પોલીસે 52 વર્ષના ભુવાને વિધિ માટે બોલાવી વશમાં કર્યા બાદ પરિણીતાને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આથી અડાજણ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદની વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંતાન સુખ નહીં મળતા અને પિતૃદોષ પણ હોય તેની વિધિ માટે પરિણીતા પતિ સાથે ગત જાન્યુઆરી 2024 માં બોટાદ ગઢડાના ચિરોડામાં મઢ ધરાવતા અને પોતાને હનુમાન ભક્ત ગણાવતા ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીને ત્યાં ગઈ હતી. ગંગારામે વિધિ શરૂ કરી હતી.પણ સાથે તેણે કાળો જાદુ કરી પરિણીતાને વશમાં રાખવાનું પણ શરૂ કર્યું હતું. બાદમાં પરિણીતાને તે એકલો બોલાવતો હતો અને વિધિના બહાને તેની સાથે છૂટછાટ લેવા લાગ્યો હતો. બે અઠવાડીયા અગાઉ પરિણીતા વિધિ માટે ચિરોડા રોકાઈ હતી ત્યારે ગંગારામે દુષ્કર્મ આચરી બાદમાં ગત ત્રીજી અને પાંચમીએ ફરી દુષ્કર્મ આચર્યું હતું.

છેલ્લા પાંચ દિવસથી ચિરોડા રોકાયેલી પરિણીતા પરત નહીં આવતા તેના પતિએ અડાજણ પોલીસને જાણ કરી હતી. અડાજણ પોલીસે ભુવા ગંગારામને સુરત બોલાવવા માટે છટકું ગોઠવ્યું હતું અને વિધિના બહાને તેને સુરત બોલાવ્યો ત્યારે તે પરિણીતાને સાથે લઈને આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લીધો ત્યારે પણ પરિણીતા તેના કાળા જાદુના વશમાં હતી.પોલીસે ભુવા પાસે કાળો જાદુ દૂર કરાવી પરિણીતાને પૂછતાં તેણે તમામ હકીકત જણાવી હતી. એટલું જ નહીં તેઓ સુરત આવતા હતા ત્યારે પણ ભુવા ગંગારામે લકઝરી બસમાં રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું.અડાજણ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ભુવા ગંગારામ વિરુદ્ધ દુષ્કર્મ અને નવા ગુજરાત માનવ બલિદાન નિવારણ અને નાબુદી અને અન્ય અમાનવિય દુષ્ટ અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ અધિનિયમ-2024ની શેડ્યુલ-2 ની કલમ-3 (બી) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.52 વર્ષીય ગંગારામ બે સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત: મોટા વરાછામાં વેપારીના ફ્લેટ પર કબ્જો જમાવનાર ભાડુઆત સામે ગુનો નોંધાયો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મોટા વરાછા અબ્રામા રોડ પર ફ્લેટ આવેલો છે. જે ફ્લેટ તેઓએ ભાડે આપ્યો છે. જોકે વેપારીએ પોતાનો ફ્લેટ ખાલી કરવા માટે જણાવતા યુવકે ફ્લેટ ખાલી નહીં કરી મારા ઘરે આવશો તો તમને છેડતી ના ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો.

જેથી આખરે ભોગ બનનાર વેપારીએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગેરકાયદેસર કબજાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભક્તિ નંદન ચોક પાસે સ્કાય લાઈન પર્લ ખાતે રહેતા હિતેશભાઈ પોપટભાઈ પાઘડાર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક પાસે યમુના પેલેસમાં બી 105 નંબરનો ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ તેઓએ હિરેનભાઈ અમરશીભાઈ અસલાલીયા (મૂળ ગામ ચમાડી, તાલુકો બાબરા, જીલ્લો અમરેલી)ને ભાડેથી આપ્યો છે. જોકે ત્યારબાદ હિતેશભાઈએ ઓક્ટોબર 2022 માં હિરેન અસલાલીયાને ફ્લેટ ખાલી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ જે તે સમયે હિરેનભાઈએ અમારી પાસે હાલ મકાનની સગવડ ન હોવાથી અમોને બે ત્રણ મહિના રહેવા દો અને ત્યાં સુધી સગવડ કરી લઈશું અને જ્યાં સુધી રહીશું ત્યાં સુધીનું ભાડું પણ ભરી દઈશું તેવી ખાતરી આપી હતી. પરંતુ ઓક્ટોબર 2022 થી ભાડું પણ નહીં ભરી અને ફ્લેટ પર પણ ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ હિતેશભાઈ ફરીથી તેમના મકાન ખાલી કરવા માટે જણાવતા હિરેને હવે પછી મારા ઘરે આવશો તો તમને છેડતી ના ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. જેથી આખરે ભોગ બનનાર હિતેશભાઈએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફ્લેટ પર ગેરકાયદે કબ્જાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ: નહેરુનગરમાં અકસ્માતમાં બે યુવકનો ભોગ લેનાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં બેફામ ગતિએ વાહન ચલાવતા નબીરાઓનો વધુ એક નિર્દોષ જીવ પર ભારે પડ્યો છે. રવિવારે મોડી રાત્રે નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાણી BRTS બસ સ્ટેન્ડ નજીક કાર રેસિંગ કરી રહેલા રોહન સોની નામના યુવાને પૂરપાટ ઝડપે ચલાવી રહેલી બ્રેઝા કારથી બે ટુ-વ્હીલર સવાર યુવાનોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આરોપી રોહન સોની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે આ અકસ્માતના સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

બર્થડે પાર્ટીથી પરત ફરતા ત્રણેય મિત્રો કાર રેસિંગ કરી રહ્યા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત કરનાર રોહન સોની સાથે તેના અન્ય બે મિત્રો પણ કાર રેસિંગ કરી રહ્યા હતા. આ મિત્રોમાં એક દક્ષ નામનો યુવાન થાર કાર ચલાવી રહ્યો હતો, જ્યારે ભવ્ય નામનો યુવાન વોક્સવેગન કાર ચલાવી રહ્યો હતો. આ ત્રણેય મિત્રો એક સ્ત્રી મિત્રના ઘરે બર્થડે પાર્ટીની ઉજવણી કરીને શિવરંજની ફૂડ માર્કેટમાં જમવા જઇ રહ્યા હતા. અકસ્માત સ્થળેથી મળેલા CCTV ફૂટેજમાં બ્રેઝા, થાર અને વર્ના કાર રેસ લગાવતી જોવા મળી હતી. પોલીસે ચેતવણી આપી છે કે જો રોહન સોનીના મિત્રોની કારની સ્પીડ પણ વધુ જણાશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતવાળી કારમાંથી બર્થડે સેલિબ્રેશનનો સામાન પણ મળી આવ્યો છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ 33 વર્ષીય અસ્ફાક અજમેરી અને તેમના 22 વર્ષીય મિત્ર અકરમ કુરેશી તરીકે થઈ છે, જે જમાલપુરના રહેવાસી હતા. જ્યારે આરોપી રોહન સોની કાંકરિયામાં રહે છે અને તેના પિતા પરેશભાઈ જ્વેલરી શોપ ધરાવે છે. રોહન કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અકસ્માત કરનાર બ્રેઝા કારના નંબર પર કુલ છ ઈ-મેમો બાકી છે, જે ઓવરસ્પીડ અને ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવા જેવી ગેરરીતિઓ સાથે સંકળાયેલા છે. આ ઘટના બાદ નબીરાઓની બેફામ ગાડી ચલાવવાની ટેવ પર ફરીથી સવાલો ઉભા થયા છે.

અમેરિકાના ટેક્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, એક બાળક સહિત ત્રણ લોકોના મોત

0

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં ગોળીબાર થયો હતો. અહીં એક બંદૂકધારીએ ‘ટાર્ગેટ’ કંપનીના સ્ટોરના પાર્કિંગ વિસ્તારમાં ગોળીબાર કરીને 2 પુખ્ત વયના અને એક બાળકની હત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ચોરાયેલી કારમાં ભાગી ગયો હતો પરંતુ પોલીસે તેને પકડી લીધો છે.

ઑસ્ટિન પોલીસ ચીફ લિસા ડેવિસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ 30 વર્ષની ઉંમરનો છે અને તેને ‘માનસિક બીમારીનો ઇતિહાસ’ છે. પોલીસ હજુ પણ હુમલા પાછળનો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ડેવિસના જણાવ્યા મુજબ, આરોપી પહેલા ચોરીની કારમાં ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ તે કાર ક્રેશ થઈ ગઈ હતી. આ પછી, તેણે બીજી કાર ચોરી લીધી. તે દક્ષિણ ઑસ્ટિનમાં લગભગ 30 કિલોમીટર દૂર પકડાઈ ગયો.

લિસા ડેવિસે જણાવ્યું હતું કે પોલીસને બપોરે માહિતી મળી હતી અને જ્યારે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે પાર્કિંગ વિસ્તારમાં ત્રણ લોકો ગોળીબારથી ઘાયલ મળી આવ્યા હતા. આ લોકોમાંથી એક એ જ વ્યક્તિ હતો જેની કાર પાર્કિંગ વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. ‘ઓસ્ટિન-ટ્રેવિસ કાઉન્ટી ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ’ અનુસાર, એક પુખ્ત અને એક બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક પુખ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ગોળીબારના 2 અઠવાડિયા પહેલા, મિશિગનમાં વોલમાર્ટ સ્ટોરમાં પણ આવો જ હુમલો થયો હતો.

દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં, તાલાલામાં ફોર્ચ્યુનર કારથી કિયા કારને ટક્કર મારી, એકનું ઈજાગ્રસ્ત

લોકડાયરાના જાણીતા કલાકાર અને અનેકવાર વિવાદમાં રહેતા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તાલાલા ગીરના ચિત્રોડ ગામે તેમની ફોર્ચ્યુનર કાર અને એક કિયા ગાડી વચ્ચે અકસ્માત થયો હતો, જેના પગલે મારામારી થઈ હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવાયત ખવડ અને તેમના માણસો ફોર્ચ્યુનર કારમાં સવાર હતા. તેમની કાર અને ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણની કિયા કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું હતું અને અમદાવાદના સનાથલ વિસ્તારના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધ્રુવરાજસિંહ ચૌહાણ તેમના મિત્રો સાથે ચિત્રોડ ગામની કૃષ્ણા હોટેલમાં રોકાયા હતા. તેમણે ગીરમાં હોવાનું સ્ટેટસ સોશિયલ મીડિયા પર મૂક્યું હતું, જેના કારણે દેવાયત ખવડ અને તેમના માણસોએ તેમની રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે. અકસ્માત બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર માર્યા હોવાના પણ સમાચાર છે.

સુરત: પાલ આરટીઓ દ્વારા વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબરોની થશે હરાજી

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/cycleના GJ-05 TZ સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૧૮થી ૨૦ ઓગષ્ટ સુધીમાં રોજ સુધી થશે. જ્યારે હરાજી તા.૨૦થી ૨૨ ઓગષ્ટ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી,-પાલ,સુરતની યાદીમાં જણાવાયું છે.