સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલમાં ચોરી થઇ છે. જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે. મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં કરી ચોરી. ગણેશ પંડાલમાં ફક્ત ચોરીથી ના અટકતા તસ્કરોએ મૂર્તિઓ પણ ખંડિત કરી. ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા અને પંડાલોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘટનાની પોલીસને જાણ કરાઈ.
સુરતમાં ગણેશ પંડાલમાં તસ્કરોએ કરી લૂંટ પોલીસે મહિધરપુરામાં તસ્કરોએ 8 પંડાલોમાં થયેલ ચોરીને લઈને કડક તપાસ હાથ ધરી. ગણેશ પંડાલમાં ચોરી થયાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસો તત્કાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પંડાલ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં પંડાલમાં કરાયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે બે ઈસમોની ધરપકડ કરી.
ચોરી કરવા આવેલા તસ્કરો CCTVમાં કેદ થયા પોલીસે ગણેશ પંડાલની ચોરીમાં તત્કાલ એકશનમાં આવતા શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર ઇસમોની ઓળખ કરી. દરમિયાન સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓ મળી આવ્યા. પોલીસે આરોપીઓને ઝડપી ચોરીનો મુદ્દા માલ કબ્જે કરવાની કાર્યવાહી શરૂ કરી.
રાપર સિવિલ કોર્ટના જજ ના બંગલા માંથી ઝેરી સર્પ નીકળતાં દોડધામ મચી ગઈ હતી. રાપર તાલુકા સિવિલ કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજ એ.એમ. પાટડીયાના બંગલા માંથી ગઈકાલે સાંજના સમયે આશરે બે ત્રણ ફુટ લંબાઈ ધરાવતો કાળો કોબરા સર્પ નીકળી આવતાં ગભરાટની લાગણી ઉભી થઈ હતી. આ ઝેરી સર્પને ત્યાં લોકોએ પકડીને સુરક્ષિત છોડી દીધો હતો.
રાપર સિવિલ કોર્ટના વિકાસવાડી વિસ્તારમાં જજીસ બંગલા અને અન્ય સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ આવેલા છે. આ કોલોનીમાં ઘણા કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં જંગલી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઊગી નીકળે છે. આ વનસ્પતિમાં સાપ સહિતના અનેક જીવજંતુઓનો વસવાટ હોય છે.
વરસાદની સીઝનમાં આ જીવજંતુઓ વારંવાર બહાર આવતા હોવાથી રહીશો અને કર્મચારીઓમાં ભયનો માહોલ રહે છે. આ સમસ્યાના નિવારણ માટે કોર્ટના સ્ટાફે સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક નગરપાલિકા પાસે નિયમિત સફાઈની માંગણી કરી છે.
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1400 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના પગલે રાજ્ય સરકારે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે. આ અંગે મુખ્ય સચિવ કેએપી સિન્હાએ આદેશ જાહેર કર્યો છે. તેમજ તમામ વિભાગોને એલર્ટ કર્યા છે. આપદા પ્રબંધન અધિનિયમ 2025 અંતર્ગત તમામ જીલ્લા ક્લેકટરોને રાહત કાર્યમાં તેજી લાવવા આદેશ આપ્યા છે.
કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયને જણાવ્યું હતું 1400 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3,54,626 લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 1,48,590 હેક્ટર ઊભો પાક બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરદાસપુર, માનસા, અમૃતસર, કપૂરથલા, ફિરોઝપુર, તરણતારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.
તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટીઓ બંધ રાખવા આદેશ રાજ્યના પૂરની ગંભીર સ્થિતિને જોતા રાજય સરકારે તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટી અને પોલિટેકનીકો ને 7 સપ્ટેબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અત્યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે. ભારે વરસાદ અને બંધમાંથી છોડવામાં આવતા પાણીના લીધે અનેક જીલ્લામાં પૂરની સ્થિતિ છે. તેમજ હાલત વધુ બગડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
6 વર્ષમાં પંજાબમાં ત્રીજી વાર પૂરની સ્થિતિ ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં પંજાબમાં પૂરની સ્થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2023માં 1,500થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા અને 2 લાખ હેક્ટર જમીન પરની પાકને વ્યાપક નુકસાન થયું હતું. વર્ષ 2019માં પણ 300થી વધુ ગામોને અસર થઈ હતી. આ વર્ષે પણ રાજ્યમાં સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શકરી તળાવ આજે એક ગમખ્વાર ઘટનાનું સાક્ષી બન્યું. તળાવમાં હોડી પલટી જવાથી ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું બની હતી ઘટના? પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણ યુવકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હોડી લઈને તળાવમાં ગયા હતા. થોડા સમય બાદ કોઈ અગમ્ય કારણોસર તેમની હોડી પલટી ગઈ હતી અને ત્રણેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે તરત જ બચાવ કામગીરી અને શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી અને ફાયર વિભાગની સતત મહેનત બાદ, ડૂબી ગયેલા ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ અને આગળની કાર્યવાહી હાલમાં મૃતક યુવકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર તળાવો અને જળાશયોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકો અને ખાસ કરીને યુવકોએ આવા સ્થળોએ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. આ કરુણ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને દુઃખનો માહોલ છવાયો છે.
ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યૂલ સરચાર્જ એટલે કે ફ્યૂલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. જો કે, આ નજીવા ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ મોટો લાભ થવાની આશા નથી.
તમને જણાવી દઈએ કે, વીજ ગ્રાહકો પાસેથી ફ્યૂલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂ. 2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો. અગાઉ ફ્યૂલ ચાર્જ 2.45 રૂપિયા હતો. જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા 2.30 રૂપિયા થશે. મહત્ત્વનું છે કે, જાન્યુઆરી 2024માં 50 પૈસા અને ઓક્ટોબર 2024માં 40 પૈસાનો ઘટાડો કરાયો હતો.
વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પર્ચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારની સક્રિયતા દર્શાવે છે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL, DGVCL ના ગ્રાહકોને જ લાગુ પડશે.
યુરોપિયન દેશોના નકલી વિઝા બનાવતા પ્રતીક શાહ નામના વ્યક્તિની સુરતમાં PCB અને SOG દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે અને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકરો બનાવ્યા છે. તે એક સ્ટીકર બનાવવા માટે 15,000 રૂપિયા વસૂલતો હતો.
આ ફેક્ટરીમાં યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા હતા. જેના પરથી સામે આવ્યું કે, અહીં આ તમામ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હતા.
રાંદેરના ઝઘડિયા ચોકડી પાસે શ્રીજી નગરી સોસાયટી પાસે સમોર રેસિડેન્સીના ફ્લેટ નંબર 202 માં પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશ શાહ નામનો વ્યક્તિ નકલી વિઝા સ્ટીકરો બનાવીને લોકોને વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ શરૂ કરી, અને જ્યારે તેઓએ તેની પૂછપરછ શરૂ કરી, ત્યારે તે તેના લેપટોપમાં વિવિધ દેશોના વિઝા સ્ટીકરો માટેની ફાઇલોમાં ફેરફાર કરતો જોવા મળ્યો.
પ્રતીકની પૂછપરછ દરમિયાન કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા. જેમાં આણંદના રહેવાસી કેતન દીપકભાઈ સરવૈયા, બેંગકોક ના રહેવાસી હર્ષ, દિલ્હીના રહેવાસી પરમજીત સિંહ, દિલ્હીના રહેવાસી અફલાક અને સચિન શાહ લોકોને વિદેશ મોકલવા માટે વિઝા આપતા હતા.આ બધા એજન્ટો વિદેશ જવા માંગતા લોકો પાસેથી મોટી રકમ લઈને અને નકલી સ્ટીકરો બનાવીને લોકોને છેતરતા હતા. પ્રતીક નકલી વિઝા સ્ટીકરો બનાવીને તેમની પાસેથી 15,000 રૂપિયા વસૂલતો હતો.
સંયુક્ત કામગીરીમાં, સુરત શહેરની SOG અને PCB ટીમોએ રાંદેર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને પ્રતીક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના એક રીઢો આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા જેવા વિવિધ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી નકલી વિઝા બનાવવા માટેની સામગ્રી અને અન્ય વસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે આરોપીના ઘરેથી કુલ 1,30,000 રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે, જેમાં વિવિધ દેશોના 5 વિઝા સ્ટીકરો, વિવિધ દેશોના વિઝા સ્ટીકરોના 8 રંગીન પ્રિન્ટ, ચેક રિપબ્લિકનો 1 સ્ટેમ્પ સિક્કો, 2 પેપર કટર, 2 યુવી લેસર ટોર્ચ, 1 એમ્બોસિંગ મશીન, 2 કોર્નર કટર મશીન, 1 સ્કેલ, વિવિધ શાહીની 9 બોટલ, યુરોપિયન હોલમાર્કવાળા 46 મોટા કાગળો, કેનેડિયન હોલમાર્કવાળા 73 મોટા કાગળો, યુરોપિયન હોલમાર્કવાળા 107 નાના કાગળો, મેસેડોનિયન હોલમાર્કવાળા 172 મોટા કાગળો, સર્બિયન હોલમાર્કવાળા 243 મોટા કાગળો, યુકે હોલમાર્કવાળા 42 મોટા કાગળો, 5 મોબાઇલ ફોન (રૂ. 50,000 ની કિંમત), 2 રંગીન પ્રિન્ટર (રૂ. 30,000 ની કિંમત) અને 1 HP લેપટોપ (રૂ. 50,000 ની કિંમત)નો સમાવેશ થાય છે.
પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ વિઝા સંબંધિત કૌભાંડોના કેસ નોંધાયેલા છે. તેની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં 1 અને IGI એરપોર્ટ પર 2 કેસ નોંધાયેલા છે. અગાઉ, 7 દિવસ પહેલા, સ્ટેટ સર્વેલન્સ સેલે વેલંજા વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ચાલતી નકલી દવા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 12 ગ્રામ તૈયાર દવાઓ અને દવાઓ બનાવવામાં વપરાતી મોટી માત્રામાં રાસાયણિક સામગ્રી જપ્ત કરી હતી.
નવસારી શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 28 વર્ષીય મહિલા બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી. એ બાદ તેણે પોતાની બે નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો છે, જે ત્રણેયના મૃતદેહ મળ્યા છે. માતા તેની બન્ને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું એક CCTVમાં જોવા મળ્યું છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બંને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો મહિલા ખેવના હાર્દિક નાયક અને તેની બે દીકરી 4 વર્ષીય ધિયા નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક 31મી ઓગસ્ટથી ઘરેથી ગાયબ હતાં. ગઈકાલે બંને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા હતા. એક બાળકીનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપોરમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસેના ઓવારેથી મળ્યો હતો.
આજે કરાડી પાસેથી માતાનો મૃતદેહ મળ્યો આજે માતા ખેવનાનો પણ મૃતદેહ કરાડી ગામ પાસેથી વહેતી પૂર્ણા નદીમાંથી મળ્યો છે. આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર નવસારી શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસે આપઘાત પાછળનાં કારણોની તપાસ હાથ ધરી ગ્રામ્ય અને જલાલપોર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ આપઘાત પાછળનાં કારણોની તપાસ કરી રહી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. 3 દિવસીય આ કોન્ફરન્સ ભારતમાં મજબૂત, મજબૂત અને ટકાઉ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ખાસ પ્રસંગે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતમાં બનેલી પ્રથમ ચિપ રજૂ કરી. દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. વિક્રમ એ 32-બીટ માઇક્રોપ્રોસેસર છે, જે ભારતની અવકાશ એજન્સી ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન) દ્વારા બનાવવામાં આવ્યું છે.
વિક્રમ સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરશે ઇસરોની સેમિકન્ડક્ટર લેબમાં બનેલી વિક્રમ ચિપ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. આ ચિપ અવકાશ પ્રક્ષેપણ વાહનોની આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ ઉપયોગમાં લેવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ચિપ સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં પણ તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરવા સક્ષમ છે. વિક્રમ ચિપ ઉપરાંત, અશ્વિની વૈષ્ણવે અન્ય ઘણા પ્રકારની ચિપ્સ રજૂ કરી, જે વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ અન્ય ચિપ્સ 4 પ્રોજેક્ટ્સની ટેસ્ટ ચિપ્સ છે જેને મંજૂરી મળી છે.
21 મી સદીની શક્તિ એક નાના ચિપમાં રહેલી છે મંગળવારે સેમિકોન ઇન્ડિયાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. તેમણે કહ્યું કે દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. દુનિયા ભારત સાથે સેમિકન્ડક્ટરના ભવિષ્યનું નિર્માણ કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું નિશ્ચિત છે. પીએમએ કહ્યું કે 21મી સદીની શક્તિ એક નાની ચિપમાં રહેલી છે.
1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પીએમએ કહ્યું, “2021 માં, અમે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો. 2023 સુધીમાં, ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી. 2024 માં, અમે વધારાના પ્લાન્ટને મંજૂરી આપી. 2025 માં, અમે પાંચ વધારાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કુલ મળીને, 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ ભારત પર વિશ્વનો વધતો વિશ્વાસ દર્શાવે છે.”
વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેકવાના મુદ્દે શહેર પોલીસ ગુનેગારોમાં ડર પેદા થાય તે રીતે ત્વરીત કાર્યવાહી કરી રહી છે જેથી આવા તત્વો કોઇની લાગણી ના દુભાય તેવા કૃત્યો ના કરે. આ મામલે પોલીસ એક પછી એક આરોપીઓને ઝડપી રહી છે. આજે શહેર પોલીસે મુખ્ય આરોપી જુનેદની માતા સાદિકા સિંધીની ધરપકડ કરી હતી.
સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાના ચકચારી બનાવમાં પોલીસે કાવતરાખોર સાદિકા સિંધીની ધરપકડ કરી છે. સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા છે અને સાદિકા અને તેના પુત્ર જુનેદે સાથે રહીને આ કાવતરું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. સાદિકાનો પતિ સલીમ ફરાર થઇ ગયો છે જેથી પોલીસે વોન્ટેડ આરોપી જાહેર કરી શોધખોળ શરુ કરી છે.
જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું બીજી તરફ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને તેમને સબક શીખવાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી જુનેદ સિંધી સહિત 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને ઈંડા ફેંકનાર આરોપીઓએ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે અજમેરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે .
કાવતરાખોર ગણાતા સલમાન ઉર્ફે ગધાની પણ ધરપકડ પોલીસે આ મામલે મુખ્ય કાવતરાખોર ગણાતા સલમાન ઉર્ફે ગધાની પણ ધરપકડ કરી હતી. બનાવ બન્યાના બીજા જ દિવસે પોલીસે સૌ પહેલા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ પૂછપરછમાં કાવતરાખોરોના નામ ખુલતા એક પછી એક મોટાભાગના આરોપી પકડાઇ ગયા છે. જો કે હજું પણ પોલીસ આ મામલે સંડોવાયેલા કેટલાક આરોપીની શોધખોળ કરી રહી છે.
સુદાનના પશ્ચિમી દારફૂર ક્ષેત્રમા ભારે ભૂસ્ખલનમા 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે, આ વિસ્તાર પર નિયંત્રણ રાખતા બળવાખોર જૂથે ભૂસ્ખલનની પુષ્ટી કરી હતી બળવાખોર જૂથે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી એક આખું પર્વતીય ગામ ધરાશાયી થયું છે અને ફક્ત એક જ બચી શક્યો છે.
સુદાન લિબરેશન મૂવમેન્ટ/આર્મી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદના દિવસો પછી રવિવારે આ આપત્તિ આવી હતી, જેમાં મારા પર્વતોમાં આવેલા તારાસિન ગામને તબાહ કરવામાં આવ્યું હતું પ્રારંભિક માહિતી સૂચવે છે કે ગામના તમામ રહેવાસીઓના મૃત્યુ, અંદાજે એક હજારથી વધુ વ્યક્તિઓ, અને ફક્ત એક જ બચી ગયો જૂથે જણાવ્યું હતું મોટા અને વિનાશક ભૂસ્ખલનથી સાઇટ્રસ ઉત્પાદન માટે જાણીતા પ્રદેશનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો.
સુડાનમા પરિસ્થિતિ વધુ ભયાનક છે. સુડાન લિબરેશન મૂવમેન્ટ/આર્મીએ સોમવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે પશ્ચિમી સુડાનના મારા માઉન્ટેન્સ વિસ્તારમાં એક ગામ પર ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચ્યો છે.
ભૂસ્ખલનની ઘટના 31મી ઓગસ્ટે થઈ, જ્યારે સતત ઘણા દિવસો સુધી ભારે વરસાદ બાદ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું. સુડાનની સેનાનું કહેવું છે કે આખું ગામ માટીમાં દટાઈ ગયું છે અને હવે ત્યાં કંઈ જ બાકી નથી. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા આની ચપેટમાં આવ્યા. આ વિસ્તાર દારફુર ક્ષેત્રમાં આવે છે, જે પહેલાથી જ સુડાની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધથી પ્રભાવિત છે.