Home Blog Page 301

ગુજરાત મંત્રીમંડળ વિસ્‍તરણ ફેરબદલનું કાઉન્‍ટડાઉન

ગાંધીનગરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અચાનક દિલ્હીમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગુજરાતના મંત્રિમંડળમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા, જેના પગલે હવે રાજ્યમાં મોટા રાજકીય ઓપરેશન થશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

સોમવારે કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક રાત્રે 11 વાગ્યા પછી પણ જારી રહી હતી, જેણે ગુજરાતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેતો આપ્યા છે.

દિલ્હીની આ મથામણ બાદ ગુજરાતના વર્તમાન મંત્રીમંડળમાં ભારે ઊચાટ જોવા મળી રહ્યો છે. કયા મંત્રીઓ ચાલુ રહેશે અને કયા મંત્રીઓની વિદાય થશે તેને લઈને તર્ક-વિતર્કો અને અટકળોનો દોર શરૂ થયો છે. દરેક મંત્રીને કંઈક મોટી નવા-જૂની થવાના અણસાર આવી ગયા છે. આજે મંગળવારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પરત ફર્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની રાહ જોવાઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથેની આ ત્રીજી મુલાકાત છે. અગાઉની મુલાકાતો બાદ પણ મંત્રિમંડળ વિસ્તરણની ચર્ચાઓ તેજ બની હતી, પરંતુ કોઈ નક્કર ઘટનાક્રમ જોવા મળ્યો ન હતો. જોકે, આ વખતે ભાજપ સંગઠનના નેતાઓ માની રહ્યા છે કે આ બેઠકનું મહત્ત્વ ખૂબ જ અલગ છે, કારણ કે ગુજરાતના નેતાઓને દિલ્હીથી અચાનક તેડું આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના ગુજરાતના કેટલાક કાર્યક્રમોમાં પણ ફેરફાર કર્યા છે, જે આ અટકળોને વધુ વેગ આપે છે.

મંત્રિમંડળમાં ફેરફાર દિવાળી પહેલા થશે કે પછી, તે મુદ્દે પણ ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં અસમંજસ અને ઊચાટ છવાયેલો છે. આ બેઠકમાં બોટાદની ઘટના, જ્યાં ખેડૂતો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનો અને પોલીસ સાથેના ઘર્ષણ અંગે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સરકાર આગામી દિવસોમાં તેના નિવારણાત્મક પગલાં ભરવા માટે પણ મંથન કરી શકે છે.

આ બેઠકની ગુપ્તતા અને ગંભીરતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠક અંગે કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી. ઉપરાંત, આ બેઠકમાં સી.આર. પાટીલને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ચર્ચાઓ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગંભીર પ્રકારની હતી. દિલ્હીમાં રાતભર ભાજપના અન્ય નેતાઓ પણ ગુજરાતમાં શું બનશે તે અંગે માહિતીના અભાવે આપસમાં ચર્ચા કરતા રહ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળતી અસામાન્ય માહિતીએ અન્ય વિભાગોમાં પણ હડકંપ મચાવ્યો હતો.

પાકિસ્તાનમાં TLP કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ: 10 લોકોના મોત

પાકિસ્તાનમાં ઉગ્ર હોબાળો મચી ગયો છે. લાહોર અને મુરીદકેમાં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) ના વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ છે. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો છે, જેમાં 10 થી વધુ લોકો માર્યા ગયા છે. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ અથડામણોમાં 50 થી વધુ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

70 લોકો કચડાઈ ગયા
કટ્ટરપંથી ઇસ્લામિક પક્ષ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાને દાવો કર્યો હતો કે પોલીસે તેમના સમર્થકો પર ગોળીબાર કર્યો હતો. વધુમાં, રેન્જર્સે સશસ્ત્ર વાહનથી 70 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. વિરોધીઓએ જણાવ્યું હતું કે મુરિદકેમાં પોલીસ અને રેન્જર્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

૫૦ થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ
તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણમાં 50 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. યાતીમ ખાના ચોક, ચૌબુર્જી, આઝાદી ચોક અને શાહદરા જેવા મુખ્ય ચોક પર પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડી નાખ્યા હતા. પોલીસે વાહનોની અવરજવર અટકાવવા માટે ખારિયન ટાઉનમાં જીટી રોડ પર ખાડા ખોદ્યા હતા. સરાઈ આલમગીરમાં જેલમ પુલ નજીક અને ચિનાબ નદીના વઝીરાબાદ બાજુએ પણ પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા.

TLP પ્રવક્તાએ શું કહ્યું?
ટીએલપીના પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે મરિયમ નવાઝની પંજાબ સરકારે “લબ્બૈક ઓર અક્સા મિલિયન માર્ચ” ને રોકવા માટે અપમાનજનક યુક્તિઓનો આશરો લીધો હતો. ટીએલપી કાર્યકરો પરનો જુલમ બંધ થવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પેલેસ્ટાઇન સાથે એકતા વ્યક્ત કરવી પાકિસ્તાનમાં ગુનો બની ગયો છે.

બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મુલાકાત લીધી

મુંબઈ-અમદાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની સોમવાર બપોરે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મુલાકાત લીધી હતી. તેમની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સ્થળ પર ચાલી રહેલા બાંધકામ તેમજ ટ્રેક બિછાવવાના કાર્યોની વિગતવાર સમીક્ષા કરી હતી.

બીલીમોરા સુરત વચ્ચે નાં 50 કીમી નાં સેક્શન માં સિવિલ વર્ક પૂર્ણ થયું છે. વર્ષ ૨૦૨૭ માં ટ્રેન ચાલુ કરાશે. વર્ષ 2029 માં પ્રોજેક્ટ પૂર્ણ થશે. ટ્રેન 320ની સ્પીડ એ દોડશે. જાપાની ટેકનોલોજી છે. વર્ષ 2028 માં ગુજરાત માં પ્રોજેકટ નું કામ અને સંપૂર્ણ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૯ માં પૂર્ણ થશે. આજે કારમાં 8-10 કલાક લાગે છે એ મુંબઈ-અમદાવાદ ની સફર બુલેટ ટ્રેન માં બે કલાક સાત મિનિટ માં પૂર્ણ થશે. બુલેટ ટ્રેન શરૂઆત માં અર્ધા કલાકે જે બાદ 20 મિનિટ એ તે બાદ 10 મિનિટ એ ટ્રેન ઉપલબ્ધ કરાવાશે.

બીલીમોરા પંથક કેરીના બગીચાઓ માટે પ્રસિદ્ધ હોવાથી સ્ટેશનની ડિઝાઇન પણ કેરીના બગીચાની પ્રેરણાથી તૈયાર કરાઈ હતી. આ ડિઝાઇન શહેરની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક ઓળખને પ્રતિબિંબિત કરે છે. સ્ટેશનમાં કુદરતી પ્રકાશ અને હવાના પૂરતા પ્રવાહ માટે ખાસ આયોજન કરાયું છે. ફોલ્સ સીલિંગ એન્ટી-વાઇબ્રેશન હેંગરથી લગાવવામાં આવ્યા છે જેથી ટ્રેનની તેજ ગતિથી થતી કંપનથી માળખાને અસર ન થાય.

બીલીમોરા સ્ટેશન એ વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેઇલ આઉટલેટ, લિફ્ટ, એસ્કેલેટર જેવી સુવિધાઓની સાથે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારોને અનુકૂળ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. સ્ટેશન પર હરિયાળી વાતાવરણ સર્જવા માટે વ્યાપક રીતે વૃક્ષારોપણ હાથ ધરાયુ છે. પિકઅપ અને ડ્રોપ-ઓફ ઝોન, બસ, કાર તથા ઇલેક્ટ્રિક વાહનો માટે અલગ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પર્યાવરણને અનુરૂપતા જાળવવા IGBC ના ધોરણો અનુસાર પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, વરસાદી પાણી સંચય, લો-ફ્લો સેનેટરી ફિટિંગ્સ તથા ઓછા તાપપ્રવેશવાળા ઈન્ટિરિયર જેવા ઉપાયો અપનાવવામાં આવ્યા છે.

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

0

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે એનડીએ જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારોના નામો અંગે ચર્ચા ચાલી રહી છે. જયારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે તમામ 101 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. જેમાં પક્ષના 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાય શકે છે. જેમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.

બિહારમાં એનડીએ સત્તામાં આવશે
આ ઉપરાંત બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે ભાજપ સોમવારે સાંજે ઉમેદવારોની જાહેરાત શરૂ કરશે. પટનામાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, એનડીએ ગઠબંધને બેઠકોની વહેંચણીની જાહેરાત કરી છે. તેમજ ફરી એકવાર બિહારમાં એનડીએ સત્તામાં આવશે.

એનડીએની બેઠક વહેંચણી ફોર્મ્યુલા
બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે એનડીએ બેઠક વહેંચણી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પર ઉકેલાઈ ગઈ છે. જેમાં બિહારમાં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એનડીએ ની બેઠક વહેંચણી ફોર્મ્યુલા શેર કરી હતી. જેમાં ભાજપ 101 બેઠક અને નીતિશ કુમારની જેડીયુ પણ 101 બેઠક પર ચૂંટણી લડશે. જયારે ચિરાગ પાસવાનના નેતુત્વવાળી એલજેપીને 29, આરએલએમને 06 અને એચએએમને 06 બેઠક ફાળવવામાં આવી છે.

કોણ કેટલી બેઠકો પર લડશે ચૂંટણી ?
ઉલ્લેખનીય છે કે વહેંચણીમાં સીએમ નીતિશકુમારની જનતા દળ યુનિટ અને ભાજપ 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 243 સીટ નાના સાથી પક્ષોને ફાળવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ પાસવાન) 29 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની એચએએમ (હિન્દુસ્તાની અવમ મોરચા) અને રાજ્યસભા સાંસદ ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ છ-છ બેઠકો પર ચૂંટણી લડશે.

એચએએમ અને આરએલએમએ બેઠક વહેંચણી વ્યવસ્થા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. આજે સવારે દિલ્હીથી પરત ફર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાએ જણાવ્યું હતું કે બેઠક વહેંચણી વ્યવસ્થા પરસ્પર સંમતિથી સંમતિ થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

દક્ષિણ આફ્રિકામાં ભયંકર બસ અકસ્માતમાં 42 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર દક્ષિણ આફ્રિકાના એક પર્વતીય વિસ્તારમાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે, અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. રાજધાની પ્રિટોરિયાથી લગભગ 400 કિલોમીટર ઉત્તરમાં લુઇસ ટ્રાઇચાર્ડ શહેર નજીક N1 હાઇવે પર આ અકસ્માત થયો હતો.

બસ ખાડામાં પડી
રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશનના પ્રવક્તા સિમોન ઝ્વેને દક્ષિણ આફ્રિકાના ન્યૂઝ24 ન્યૂઝ આઉટલેટને જણાવ્યું હતું કે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે 42 લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક વધી શકે છે. પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે બસ એક ઢાળવાળા પર્વતીય ઘાટ પાસે રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ દેશના દક્ષિણમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વીય કેપથી આવી રહી હતી. લિમ્પોપો પ્રાંતીય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બસ ઝિમ્બાબ્વે અને માલાવીયન નાગરિકોને લઈ જઈ રહી હોવાનું માનવામાં આવે છે જેઓ તેમના વતન પરત ફરી રહ્યા હતા. પ્રાંતીય સરકારે તાત્કાલિક ઘાયલોની સંખ્યા આપી ન હતી, પરંતુ કહ્યું હતું કે ઘણા બચી ગયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. રામાફોસાએ કહ્યું, “આ દુઃખ એ હકીકતથી વધુ છે કે આ ઘટના આપણા વાર્ષિક પરિવહન મહિના દરમિયાન બની હતી, જ્યાં આપણે માર્ગ સલામતીના મહત્વ પર વિશેષ ભાર મૂકીએ છીએ.”

પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

0

બિહાર વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહેલી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જનસુરાજના વડા પ્રશાંત કિશોરે સોમવારે 65 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ પહેલાં, પાર્ટીએ 51 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ બે યાદીઓને ભેગી કરતાં, જનસુરાજે અત્યાર સુધીમાં 100થી વધુ (કુલ 116) બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

પ્રથમ યાદીમાં મુખ્ય નામો અને જાતિગત સમીકરણ

  • જનસુરાજની પ્રથમ યાદીમાં કેટલાક નોંધનીય નામોનો સમાવેશ થાય છે:
  • સમસ્તીપુરની મોરવા વિધાનસભા બેઠક પરથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પૌત્રી જાગૃતિ ઠાકુર.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહની પુત્રી લતા સિંહને અસ્થાવાં બેઠક પરથી ટિકિટ.
  • ગોપાલગંજ બેઠક પરથી પ્રીતિ કિન્નર ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
  • પ્રથમ યાદીના જાતિગત સમીકરણ ની વાત કરીએ તો, સૌથી વધુ EBC (અત્યંત પછાત વર્ગ) માંથી 17 ઉમેદવારો, SC/ST માંથી 7, OBC માંથી 11, લઘુમતી માંથી 9 અને સામાન્ય વર્ગ માંથી 7 લોકોને ટિકિટ આપવામાં આવી હતી.

બોટાદ હડદડ પથ્થરમારી ઘટનામાં 20 ધરપકડ, પરિસ્થિતિની સમીક્ષા માટે રેન્જ IG સ્થળે પહોંચ્યા

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો છે, અને મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા થનારુ હતું. જેને પગલે બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન હોય પોલીસ ગેરકાયદેસર જણાવીને રોકવા ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો અને ગાડી ઊંધી વાળી દીધી હતી. પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. 20 લોકોની પોલીસે અટકાયત કરી છે જો કે રસ્તામાંથી ઈશુદાન ગઢવીની બગોદરા નજીકથી અટકાયત પણ કરી લેવાઈ હતી.આ બનાવ થી રાજકારણ ગરમાયું છે.

મળતી માહિતી મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના કપાસની ખરીદી યાર્ડમાં કર્યા બાદ જિનિંગ મિલમાં લઈ ગયા પછી વેપારીઓ દ્વારા ભાવ ઓછા કરી નાખવામાં આવતા હોવાને મામલો ગરમાયો છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કદડાના નિયમને લઈને રાજકારણ પ્રવેશી ગયું છે. જેને લઇને એક મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જો કે આ પંચાયતનું આયોજન બોટાદના હડદડ ગામે કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. જેથી પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. જો કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ આ મામલે ખેડૂતોની સમક્ષ હાજર રહેવાના હોય ત્યારે તેની પણ અટકાયત બગોદરા નજીક થઈ ગઈ હતી.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ ખરીદી કર્યા બાદ વેપારીઓ દ્વારા જીનીંગ મીલમાં લઈ જઈને કોઈ બહાના હેઠળ ભાવ ઓછા કરી નાખે છે, એટલે કે જે કદડો પ્રથા ચાલી આવતી હતી તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈશુદાન ગઢવી પણ આ મામલે પોતાનું નિવેદન આપી ચૂકયા છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી એક મહાપંચાયતનું આયોજન કરાયું હોય જેને લઈને બોટાદ જિલ્લાના હડદડ ગામે મહાપંચાયત યોજનાર હતી.

મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે હડદડ ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો, ત્યારે બોટાદના ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આજરોજ હડદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેથી પોલીસ ડીટેન કરવા માટે આવી હતી ત્યારે ગેરકાયદેસર લોકોએ મંડળી બનાવીને મહાપંચાયતનું આયોજન કર્યું હોય જેને ડીટેઇન કરવા આવતા કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસની ગાડીને પણ ઊંધી વાળી દેવામાં આવી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં ગેસ લીકેજ બાદ વિસ્ફોટ, 50 વર્ષીય વ્યક્તિ દાઝી ગયા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં એક ફ્લેટમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મકાનમાં હાજર 50 વર્ષીય આધેડ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધનાના ભીમનગર આવાસમાં રહેતા રૂધાકર ગિરધર ભાલેરાવ (ઉં.વ. 50) પોતાના ઘરમાં હાજર હતા. આ દરમિયાન અચાનક જ ગેસ લીકેજ થયો હતો, અને બાદમાં સિલિન્ડરમાં આગ લાગી હતી. ગેસ લીકેજ બાદ આગ લાગવાના કારણે રૂમમાં હાજર રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ઉધના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયરબ્રિગેડના જવાનોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે, આગ લાગવાના કારણે રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડની સત્વરે કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને નિયમિત તપાસના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન કર્યું, જે દેશના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનું એક છે અને ભારતની ઉડ્ડયન યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું, “મુંબઈની લાંબી રાહ પૂરી થઈ ગઈ છે. હવે મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમગ્ર પ્રદેશને એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.”

તેમણે વધુમાં કહ્યું —“આ એરપોર્ટ ‘વિકસિત ભારત’ ના વિઝનનું જીવંત પ્રતીક છે। તે છત્રપતિ શિવાજી મહારાજની ધરતી પર બનાવાયો છે અને તેની કમળથી પ્રેરિત ડિઝાઇન આપણી સંસ્કૃતિ, સમૃદ્ધિ અને આધુનિકતાનું પ્રતિબિંબ છે। આ એરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને મધ્ય પૂર્વના સુપરમાર્કેટ્સ સાથે સીધા જોડશે, જેના કારણે ખેડૂતો, માછીમારો અને બાગાયતોની તાજી પેદાશો વૈશ્વિક બજારમાં ઝડપી પહોંચશે। તે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને નવા રોકાણ અને રોજગારીના દ્વાર ખોલશે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એક નોંધપાત્ર જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની પેટાકંપની મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ અને CIDCO વચ્ચેની ભાગીદારી છે. તે ભારતના માળખાગત વિઝન અને 2047 સુધી વિકસિત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે.

આ માત્ર એરપોર્ટ નથી : ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “આ ફક્ત એક એરપોર્ટ નથી, પરંતુ ભારતને વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર આજની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી, પરંતુ આવનારા દાયકાઓ માટે સંભાવના પણ બનાવે છે. આવનારી પેઢીઓ માટે, આ એરપોર્ટ ફક્ત મુસાફરોને જ નહીં, પરંતુ ઉભરતી મહાસત્તાના હૃદયના ધબકારા, સપના અને આકાંક્ષાઓને પણ વહન કરશે.”

NIMAએ એક સીમાચિહ્નરૂપ : જીત અદાણી
અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “NMIA ભારતની ઉડ્ડયન યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે, જે આધુનિક ટેકનોલોજી અને મુસાફરોના અનુભવને જોડે છે. તે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) ને પૂરક બનાવીને વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે મુંબઈની સ્થિતિને મજબૂત બનાવે છે.”

વિકસિત ભારત માટે નવી ફ્લાઇટ
NMIA ને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માટે ટ્વીન એરપોર્ટ સિસ્ટમના ભાગ રૂપે વિકસાવવામાં આવ્યું છે. એરપોર્ટ શરૂઆતમાં 20 મિલિયન મુસાફરો પ્રતિ વર્ષ (MPPA) ની ક્ષમતા સાથે કાર્યરત થશે અને ભવિષ્યમાં 90 મિલિયન મુસાફરો પ્રતિ વર્ષ (MPPA) સુધી વિસ્તરશે. એરપોર્ટની ડિઝાઇન કમળના આકારથી પ્રેરિત છે, જે ભારતના સાંસ્કૃતિક મૂળ અને આધુનિક ટેકનોલોજીકલ અભિગમોનું આકર્ષક મિશ્રણ છે. ઝાહા હદીદ આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરાયેલ, આ માળખું કુદરતી પ્રકાશ, ઉર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણીય ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

સ્માર્ટ કનેક્ટિવિટી અને મલ્ટી-મોડલ હબ
NMIA મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (અટલ સેતુ), નવી મુંબઈ અને મુંબઈ મેટ્રો, ઉપનગરીય રેલ નેટવર્ક અને પ્રસ્તાવિત જળમાર્ગો સાથે જોડાયેલ છે. આ નેટવર્ક પશ્ચિમ ભારતના વિશાળ પ્રદેશમાં મુસાફરો અને કાર્ગો બંનેની સીમલેસ અને ઝડપી હિલચાલને સરળ બનાવશે. શરૂઆતના બે તબક્કામાં, એરપોર્ટ એક રનવે અને એક ટર્મિનલ સાથે કાર્યરત રહેશે, જેની ક્ષમતા 20 MPPA હશે. બાદમાં, તેમાં ચાર રનવે, બહુવિધ ટર્મિનલ અને અત્યાધુનિક કાર્ગો સુવિધાઓ હશે, જેમાં નાશવંત માલ અને એક્સપ્રેસ કાર્ગો માટે સમર્પિત ટર્મિનલનો સમાવેશ થાય છે.

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ વિશે માહિતી
નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (NMIAL) એ આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ, નિર્માણ, સંચાલન અને જાળવણી માટે રચાયેલ ખાસ હેતુ વાહન છે. આ એક જાહેર-ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ છે, જેમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની પેટાકંપની, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) 74% હિસ્સો ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના ઉપક્રમ, CIDCO 26% હિસ્સો ધરાવે છે. NMIAL મહારાષ્ટ્રના નવી મુંબઈમાં સ્થિત છે અને મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ અને પશ્ચિમ ભારતની વધતી જતી હવા માંગને પૂર્ણ કરશે.

મધ્યપ્રદેશ સિરપ કાંડમાં હવે EDની એન્ટ્રી, શ્રીસન ફાર્માના ઑફિસ અને ફેક્ટરી પર દરોડા

0

મધ્યપ્રદેશના સરકારી દવાખાનામાંથી આપવામાં આવેલી કફ સિરપ લેવાને કારણે 20થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. બાળકોને આપવામાં આવેલી કફ સિરપ તમિલનાડુની શ્રીસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી, જેના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે.

હવે આ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ શ્રીસન ફાર્મા સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા છે. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં શ્રીસન ફાર્માના સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. મહત્વની વાત એ છે કે તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા કેટલાક સ્થળોએ પણ દરોડા આપવામાં આવ્યા છે.

EDના અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ તપાસના આધારે આ મામલે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ED કંપની અને અન્ય લોકોએ કરેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. મધ્યપ્રદેશ પોલીસ પાસેથી કંપનીના માલિક જી રંગનાથનની કસ્ટડી મળ્યા બાદ, ED તેની પણ પૂછપરછ કરશે.

કંપનીનું લાઇસન્સ રદ થશે:
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્મા કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ટૂંક સમયમાં કંપનીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. શ્રીસન ફાર્મા કંપનીના માલિક જી રંગનાથનની ગયા અઠવાડિયે મધ્યપ્રદેશ અને તમિલનાડુ પોલીસે ધરપકડ કરી