Home Blog Page 267

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી મંગાવવામાં આવેલા હથિયારો કરાયા જપ્ત

0

આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે મોટી સફળતા મેળવતા, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સીધા જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરીમાં આંતરરાજ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલના ચાર મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

ગેરકાયદેસર વિતરણ માટે બનાવાયેલ અદ્યતન વિદેશી બનાવટના શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીપી સંજીવ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પોલીસે પુષ્ટિ આપી છે કે હથિયારો ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી દેશમાં દાણચોરી કરવામાં આવ્યા હતા, જે સરહદ પાર ઘૂસણખોરીની અત્યંત આધુનિક અને ચિંતાજનક પદ્ધતિ તરફ ઈશારો કરે છે.

ચાર તસ્કરોની પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કેટલાક તસ્કરો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી પહોંચવાના છે. જેને લઈને ક્રાઇમ બ્રાંચે રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હથિયારો લઈને આવતા તસ્કરો ફસાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયારોની તસ્કરી કરતી ગેંગના ચાર લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં આધુનિક હથિયારો જપ્ત કર્યો હતા. જેમાં તુર્કિયે અને ચીનમાં બનેલા હાઈ-ટેક હથિયારોનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પંજાબ અને યુપીના રહેવાસી છે.

દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે આ હથિયારોનું કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું. જેને તસ્કરોની ગેંગ દિલ્હીમાં સપ્લાઈ કરવાની હતી. આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બમબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ સુધી પહોંચવાના હતા.

‘જો હિન્દુ નહિ રહે તો દુનિયા જ નહિ રહે’: RSS પ્રમુખ મોહન ભાગવત

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે સમાજનું એક એવું નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે. મણિપુરની મુલાકાતે પહોંચેલા ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ પરિસ્થિતિનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવી અને જતી રહી. તેમાં કેટલાક દેશોનો નાશ થઈ ગયો. જેમ કે, ગ્રીસ, ઈજિપ્ત અને રોમ બધા નાશ પામ્યા. આપણામાં કંઈક તો ખાસ છે કે આપણું અસ્તિત્વ નાશ નથી પામતું.

ભારતને ગણાવ્યો એક અમર સમાજ
મોહન ભાગવતે કહ્યું કે ભારત એક અમર સમાજ, એક અમર સિવિલાઈઝેશનનુ નામ છે. બાકી તો બધા આવ્યા, ચમક્યા અને જતા પણ રહ્યા. આપણે તેમનો ઉદય અને પતન જોયો છે. આપણે હજું પણ છીએ અને રહીશું કારણ કે આપણે આપણા સમાજનું બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહી રહેશે તો દુનિયા જ નહીં રહેશે. ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન વિશ્વને સમય-સમય પર હિન્દુ સમાજ જ આપે છે. આ આપણને ઈશ્વર દ્વારા આપવામાં આવેલું કર્તવ્ય છે.

બ્રિટિશ સામ્રાજ્યનું આપ્યું ઉદાહરણ
RSS પ્રમુખે કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય અસ્ત નહોતો થતો, પરંતુ ભારતમાં તેમના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 1857 થી 1947 સુધી એમ 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા હતા. આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. તે અવાજને આપણે ક્યારેય દબાવા ન દીધો. ક્યારેક ઓછો થયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય તેને દબાવા ન દીધો. દરેક સમસ્યાનો અંત શક્ય છે. તેના માટે તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સમાજે નક્કી કર્યું કે તે હવે સહન નહીં થાય, ત્યારે તેનો અંત પણ આવી ગયો.

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર

સુરતના સરથાણામાં મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર મચી છે. શોપિંગ મોલમાં 9માં માળે આવેલા કેફેમાંથી નીચે ઝંપલાવ્યું. લગ્નના બે મહિના પહેલા ડોક્ટરે જીવન ટૂંકાવ્યું. પોલીસે આપઘાતનો ભેદ ઉકેલવા વધુ કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એક 27 વર્ષિય ડોક્ટરે આપઘાત કરી લીધો છે. શુક્રવારે(21 નવેમ્બર) સાંજે 7 વાગ્યે સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં રહેતી રાધિકા કોટડિયા નામની મહિલા ડોક્ટર બિઝનેસ હબના નવમા માળે આવેલા ચાઈ પાર્ટનર કાફેમાં ગઈ હતી. જ્યાં અચાનક ખુરશીમાંથી ઊભી થઈ નવમા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. એકાએક પગલું ભરતાં લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં રાધિકા કોટડિયાને ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. એકાએક કરેલા આપઘાતથી પરિવારમાં ભારે દુઃખ માહોલ છવાઈ ગયો છે.

જાણવા મળ્યું છે કે મહિલા ડોક્ટર ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. તેની સગાઈ 6 મહિના પહેલા જ એક યુવક સાથે થઈ હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેના લગ્ન થવાના હતા. જો કે લગ્ન કરે તે પહેલા આપઘાતનું પગલું ભરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. આપઘાત પાછળનું હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. જેથી સરથાણા પોલીસે પરિવારના નિવેદન અને મોબાઈલના આધારે મહિલા ડોક્ટરના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો, ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને હિમવર્ષાની આગાહી

ગુજરાતમાં ઠંડીનો પારો સામાન્ય ઉચકાયો છે. જેના પગલે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશથી બિહાર અને મધ્યપ્રદેશ સુધી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જશે અને ગ્રામીણ વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. દરમિયાન, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જવાને કારણે બર્ફીલા પવનો ઠંડીનું કારણ બનશે.

સ્કાયમેટ વેધરની આગાહી છે કે આગામી 24 કલાકમાં બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ઓછા દબાણનો વિસ્તાર બની શકે છે, જે સોમવાર સુધીમાં ચક્રવાત (સાયક્લોન સેન્યાર) માં તીવ્ર બની શકે છે, જેના પરિણામે ચક્રવાતી વાવાઝોડું અને ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં તોફાન જેવી સ્થિતિ સર્જાશે, જેમાં વાવાઝોડા અને વીજળી પડવા સાથે સામાન્ય જનજીવન ખોરવાઈ જશે, સાથે જ મુશળધાર વરસાદ પણ પડશે. પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હવામાન પ્રવૃત્તિની પણ અપેક્ષા છે.

શહેરલઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ16.7
ડિસા14.4
ગાંધીનગર16.4
વિદ્યાનગર16.8
વડોદરા14.6
સુરત18.8
દમણ17.4
ભૂજ15.6
નલિયા11.2
કંડલા પોર્ટ16.7
કંડલા એરપોર્ટ13.6
અમરેલી16.6
ભાવનગર16.8
દ્વારકા18.2
ઓખા22.6
પોરબંદર14.4
રાજકોટ14.2
વેરાવળ18.9
દીવ16.5
સુરેન્દ્રનગર16.6
મહુવા15.5
કેશોદ14.0

ચક્રવાતી પરિભ્રમણને કારણે, આગામી 24 કલાકમાં તમિલનાડુના કુડ્ડલોર અને મયિલાદુથુરાઈ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ હવામાન પ્રવૃત્તિઓ આગામી અઠવાડિયા સુધી દક્ષિણના હવામાનને અસર કરશે. તેની અસર ઉત્તર-પૂર્વ સુધી જોવા મળશે. IMD એ કહ્યું છે કે ઉત્તરમાં ચોમાસા પછી આ બીજી મોટી ખલેલ હશે. આ વાવાઝોડાનું નામ સેન્યાર રાખવામાં આવશે.

વડોદરામાં કામગીરી દરમિયાન BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોત, હાર્ટ એટેકની આશંકા

વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. BLO સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે તેમની ફરજ પર હતા ત્યારે સહાયક કામગીરી દરમ્યાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શુ પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે. ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના અલમોરામાં શાળા નજીકના જંગલમાં 161 શંકાસ્પદ જિલેટીન સ્ટીક મળી

0

ઉત્તર પ્રદેશના અલ્મોરાના સોલ્ટ વિસ્તારમાં ડાબરાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાસેના જંગલમાં શંકાસ્પદ સામગ્રી મળી આવતા હોબાળો મચી ગયો હતો. શાળાના આચાર્યએ સોલ્ટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે બાળકોને રમતી વખતે કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સુરક્ષા કારણોસર સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસે જંગલમાંથી કુલ 161 જિલેટીન સળિયા જપ્ત કર્યા હતા.

શુક્રવારે, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સામગ્રીના નમૂના એકત્રિત કર્યા હતા. જિલેટીન સળિયાનો ઉપયોગ સામાન્ય રીતે રસ્તાના બાંધકામ પ્રોજેક્ટ્સમાં પથ્થરો તોડવા માટે થાય છે. હાલમાં તે સળિયા કોણ અને શા માટે લાવ્યું તે નક્કી કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

લો, હવે મહાદેવ પણ અસુરક્ષિત, ઉંડાચમાં મંદિરમાંથી શિવલિંગ ચોરાયું!

ઘોર કળિયુગ આવ્યો હોય એમ હવે મંદિરમાં મહાદેવ પણ સુરક્ષિત નથી ! ગણદેવી તાલુકાના ઉંડાચ ગામના મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. મંદિરમાં દાનપેટીમાંથી ચોરી થાય કે ભગવાને ધારણ કરેલા આભુષણો કોઈ ચોરી જાય એવું તમે સાંભળ્યું હશે, પરંતુ ભગવાનને જ કોઈ ચોરી જાય એવું સાંભળ્યું છે ખરું? હા, ભગવાનની મૂર્તિ ચાંદી કે સોનાની હોય તો કોઈ ચોરી જાય, પણ શિવલિંગ તો કોઈ ચોરી જાય એવું બને જ નહીં. પરંતુ એવી આશ્ચર્યજનક ઘટના બીલીમોરા પાસેના ગામમાં નોંધાઈ છે. બીલીમોરા નજીક ઉંડાચ રાઘવ ફળિયા ગામેઆવેલા પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં પીપળાના વૃક્ષ પાસેનું શિવલિંગ કોઈ શખ્શ કારમાં આવીને ચોરી ગયો હતો.

ભાવનગર પોલીસે ગૌ-માંસનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો, 2 લોકોની કરી અટકાયત

ભાવનગર પોલીસે શંકાસ્પદ ગૌ-માંસનો જથ્થો ઝડપી પાડ્યો. શહેરનાં સાંઢીયાવાડ મટન માર્કેટ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો જથ્થો. 100 કિલોથી વધુનાં શંકાસ્પદ ગૌ માંસનાં જથ્થા સાથે 2 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. 100 કિલો ગૌ માંસ ઉપરાંત 8 જીવતા પશુઓ ઘરમાંથી છોડાવવામાં આવ્યા છે. 8 પશુઓમાં 1 ગાય અને 7 ભેંસ અને પાડાને મુક્ત કરવામાં આવ્યા છે. રેડ દરમિયાન હુસેન અને મોસીમ નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે સતાવાર ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.

નકલી દસ્તાવેજો બનાવીને અફઘાનિસ્તાની કરતો વસવાટ, LCBએ આરોપીને ઝડપી પાડ્યો

0

સુરત શહેરમાં રહેતા મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમદ આમીર જાવીદ ખાનની કરી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મૂળ અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરી છે. આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ પણ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી એક વર્ષ પેહલા પરિવાર સાથે સુરત આવ્યો હતો. આરોપી ભારતીય પાસપોર્ટના આધારે યુએઈ અને અફઘાનિસ્તાન જઈને આવ્યો છે. આરોપીએ પોતાના બોગસ ડોક્યુમેન્ટ મહારાષ્ટ્રમાંથી બનાવ્યા હતા, જે તપાસ હાલ ચાલી રહી છે. આરોપી સુરતમાં કાપડનો ધંધો કરતો હતો. હોલસેલ માર્કેટથી કાપડ લઈ આરોપી અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો. સુરતમાં શા માટે રહેવા માટે આવ્યો તે અંગે તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ, પાઇલટનું મોત

દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે. અલ મક્યૂમ એરપોર્ટ પર ચાલી રહેલા એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો.

તેજસના પાઇલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.

વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.