Home Blog Page 246

નોટબંધી કૌભાંડનો ભાંડાફોડ: દિલ્હીમાં કરોડોની જૂની નોટો સાથે 4 આરોપીઓ ઝડપાયા

0

નોટબંધીને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં, બજારમાં હજી પણ જૂની, રદ કરાયેલી ₹500 અને ₹1000ની નોટોનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. આવા જ એક મોટા રેકેટનો પર્દાફાશ દિલ્હી પોલીસે કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને ₹3.5 કરોડથી વધુની રકમ જૂની ચલણી નોટો જપ્ત કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે જૂની ₹500 અને ₹1000ની નોટોનો મોટા પાયે ગેરકાયદેસર સોદો થવાનો છે. આ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શાલીમાર બાગ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 4 પાસે ટ્રેપ ગોઠવીને પોલીસે ચાર વ્યક્તિઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ₹3.5 કરોડથી વધુની રદ થયેલી કરન્સીના મોટા બંડલો મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી આ ગેરકાયદેસર ધંધામાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો પણ જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હર્ષ, ટેક ચંદ, લક્ષ્ય અને વિપિન કુમાર તરીકે થઈ છે.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી એકદમ ચાલાકીભરી હતી. તેઓ લોકોને એવું કહીને છેતરતા હતા કે આ જૂની કરન્સી ભારતીય રિઝર્વ બેંક (RBI) માંથી બદલાવી શકાય છે, જે એકદમ ખોટો દાવો છે. આ ખોટા વાયદાના આધારે, તેઓ બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછા ભાવે આ રદ કરાયેલી નોટો ખરીદતા હતા અને તેને ઊંચા ભાવે અન્ય લોકોને વેચવાનો પ્રયાસ કરતા હતા.

આરોપીઓ જાણતા હતા કે 8 નવેમ્બર 2016ના નોટબંધી પછી આવી નોટો રાખવી અથવા તેનો વ્યવહાર કરવો કાયદેસર રીતે ગુનો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ પાસે આટલી મોટી માત્રામાં નોટો રાખવા માટે કોઈ કાયદેસર કારણ કે દસ્તાવેજો નહોતા.

નોટબંધી પછી લાગુ કરાયેલા સ્પેસિફાઈડ બેંક નોટ્સ (SBNs) એક્ટ હેઠળ, રદ કરાયેલી નોટો રાખવી, ખરીદવી કે વેચવી એ શિક્ષાપાત્ર અપરાધ છે. આ કાયદાના આધારે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને નોટબંધી કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

ધોળકામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, 200થી વધુ લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા

પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. આ જમણવારમાં 1000થી વધુ લોકો હાજર હતા, જેમાંથી આશરે 200 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ અને સાતથી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલ સ્થિતિ નિયંત્રણમાં

આ અંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને અસર થઈ છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં (કંટ્રોલમાં) છે. જે લોકો જમણવાર બાદ ઘરે ગયા છે, તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, અને જો તેમને સારવારની જરૂર પડશે તો તે પણ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે હાલ વધુ તપાસ ચાલુ છે, પરંતુ જમણવારમાં લીધેલા ભોજનને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

રાજસ્થાન-સિકર હાઈવે પર ભયાનક અકસ્માત, વલસાડ જિલ્લાના ચાર લોકોનાં કરુણ મોત

0

રાજસ્થાનના સિકર પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં વલસાડ જિલ્લાના અલગ-અલગ ગામોના ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંંથી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી મંદિરે દર્શન અને રાજસ્થાન પ્રવાસે નીકળ્યા હતા. બિકાનેર હાઈવે પરથી ખાટુશ્યામ જતા સમયે સિકર પાસે અકસ્માત થયો હતો.

બસમાં કુલ 50 યાત્રાળુ હતા, જેમાં ફલધરા ગામના 18 પ્રવાસી પણ સામેલ હતા. અકસ્માતમાં ડ્રાઇવર અને તેમને રસ્તો બતાવતા એક સ્થાનિક પોલીસકર્મીનો સ્થળ ઉપર જ મૃત્યુ થયો. બે અન્ય મૃતકોની ઓળખ હજી સુધી થઈ નથી. અકસ્માતમાં ઘાયલ 15 લોકોને ગંભીર હાલતમાં સિકર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક અગ્રણી ફૂલસિંહ પટેલે જણાવ્યું કે તેમને રાત્રે સાડાઅગિયાર વાગ્યે અકસ્માતની જાણ મળી હતી. માહિતી મળ્યા બાદ તેમણે સાંસદનો સંપર્ક કર્યો હતો, જેમણે જયપુરથી તાત્કાલિક મદદ માટે સૂચના આપી. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ગાડીના માલિકે જણાવ્યું કે જયપુરથી બીજી ગાડી મોકલીને તમામ લોકોને વલસાડ પરત લાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

ફૂલસિંહ પટેલે વધુમાં જણાવ્યું કે એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે. તેના માતા-પિતા તો સાથે જ છે, પરંતુ તેની પત્નીને હજી સુધી ઘટના અંગે જાણ કરવામાં આવી નથી.

ફલધરા ગામના અગ્રણી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું કે ગામના 18 લોકો આ પ્રવાસમાં સામેલ હતા. 2 ડિસેમ્બરના રોજ બસ વલસાડથી નીકળી હતી. વૈષ્ણોદેવીનાં દર્શન બાદ બધા લોકો ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભયાનક દુર્ઘટના બની હતી.

રોહિંગ્યા મુદ્દે CJI સુર્યકાંતના નિવેદન પર વિવાદ, 44 ભૂતપૂર્વ જજોએ આપ્યો ટેકો

0

દેશમાં રોહિંગ્યાઓ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અને પ્રશ્નોની 44 નિવૃત્ત ન્યાયાધીશોએ ટીકા કરી છે. આ નિવૃત્ત ન્યાયાધીશોએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણી પર પ્રશ્નો ઉઠાવનારાઓને કડક હાથે લીધા છે અને CJI ને સમર્થન આપતો પત્ર જારી કર્યો છે. તાજેતરમાં, નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને કાનૂની વિદ્વાનોએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને એક ખુલ્લો પત્ર લખીને તેમની ટિપ્પણીને અવિવેકી ગણાવી હતી. હવે નિવૃત્ત ન્યાયાધીશો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.

જસ્ટિસ સૂર્યકાંતે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટ પ્રખ્યાત લેખિકા અને માનવાધિકાર કાર્યકર્તા ડૉ. રીતા મનચંદા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે અને પછી ગાયબ કરવામાં આવી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જવાબ આપ્યો, “રોહિંગ્યા શરણાર્થીનો દરજ્જો કોણે આપ્યો? તમે (રોહિંગ્યા) પહેલા સુરંગ ખોદીને અથવા વાડ ઓળંગીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરો છો, અને પછી ખોરાક, પાણી અને શિક્ષણનો અધિકાર માંગો છો.” આ ટિપ્પણી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને મુખ્ય ન્યાયાધીશને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમના પત્રમાં, 44 નિવૃત્ત ન્યાયાધીશોએ લખ્યું છે કે અમે, નિવૃત્ત ન્યાયાધીશો, રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓ સંબંધિત કાર્યવાહીમાં માનનીય મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓ પછી તેમને લક્ષ્ય બનાવતા ઇરાદાપૂર્વકના અભિયાન સામે અમારો સખત વાંધો વ્યક્ત કરીએ છીએ.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ન્યાયિક કાર્યવાહીની વાજબી અને વાજબી ટીકા થઈ શકે છે અને થવી જોઈએ. જો કે, આપણે જે જોઈ રહ્યા છીએ તે સિદ્ધાંતો પર મતભેદ નથી, પરંતુ નિયમિત કોર્ટરૂમની કાર્યવાહીને ભેદભાવપૂર્ણ તરીકે દર્શાવીને ન્યાયતંત્રને ખલનાયક બનાવવાનો પ્રયાસ છે. મુખ્ય ન્યાયાધીશ પર સૌથી મૂળભૂત કાનૂની પ્રશ્ન પૂછવા બદલ હુમલો કરવામાં આવી રહ્યો છે: કાયદા દ્વારા, કોર્ટ સમક્ષ દાવો કરવામાં આવી રહેલો દરજ્જો કોણે આપ્યો? જ્યાં સુધી આ મર્યાદાને પહેલા સંબોધવામાં ન આવે ત્યાં સુધી અધિકારો અથવા હકદારી પર કોઈ નિર્ણય આગળ વધી શકતો નથી.”

તેવી જ રીતે, આ ઝુંબેશ સુપ્રીમ કોર્ટની બેન્ચના સ્પષ્ટ નિવેદનને સરળતાથી અવગણે છે કે ભારતીય ભૂમિ પર કોઈપણ માનવી, નાગરિક કે વિદેશી, પર ત્રાસ, ગુમ થવું કે અમાનવીય વર્તન થવું જોઈએ નહીં, અને દરેક માનવી આદરને પાત્ર છે. આને દબાવવા અને પછી કોર્ટ પર “અમાનવીયકરણ”નો આરોપ લગાવવો એ ખરેખર જે કહેવામાં આવ્યું હતું તેનું ઘોર વિકૃતિકરણ છે.

આ સંદર્ભમાં, અમે કેટલાક મૂળભૂત મુદ્દાઓ દર્શાવવાનું મહત્વપૂર્ણ માનીએ છીએ:

  • રોહિંગ્યા ભારતીય કાયદા હેઠળ શરણાર્થી તરીકે ભારતમાં પ્રવેશ્યા નથી. તેમને કોઈ કાનૂની શરણાર્થી-સુરક્ષા માળખા દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો નથી. મોટાભાગના કિસ્સાઓમાં, તેમનો પ્રવેશ અનિયમિત અથવા ગેરકાયદેસર છે, અને તેઓ ફક્ત તેનો દાવો કરીને તે સ્થિતિને કાયદેસર રીતે માન્ય “શરણાર્થી” સ્થિતિમાં બદલી શકતા નથી.
  • ભારતે 1951ના યુએન રેફ્યુજી કન્વેન્શન કે તેના 1967ના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા નથી. તેની સરહદો પાર કરનારાઓ પ્રત્યે ભારતની જવાબદારીઓ તેના બંધારણ, વિદેશીઓ અને ઇમિગ્રેશન અંગેના તેના સ્થાનિક કાયદાઓ અને સામાન્ય માનવ અધિકારોના ધોરણો દ્વારા સંચાલિત થાય છે.
  • ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો કેવી રીતે મેળવ્યા છે તે એક ગંભીર અને કાયદેસર ચિંતાનો વિષય છે. આ દસ્તાવેજો નાગરિકો અથવા કાયદેસર રહેવાસીઓ માટે છે. તેમનો દુરુપયોગ આપણી ઓળખ અને કલ્યાણ પ્રણાલીઓની અખંડિતતાને નબળી પાડે છે અને દસ્તાવેજ છેતરપિંડી અને મિલીભગતના સંગઠિત નેટવર્ક વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

Meesho IPO લિસ્ટિંગ પર પૈસાનો વરસાદ, 46 ટકા પ્રીમિયમ સાથે રોકાણકારોએ મળવ્યું જોરદાર રિટર્ન

0

આજે દલાલ સ્ટ્રીટ પર મીશોના શેર આખરે લિસ્ટ થયો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મના IPO એ શેરબજારમાં મજબૂત એન્ટ્રી કરી, રોકાણકારોને બમ્પર નફો આપ્યો. મીશોના શેર NSE પર ₹162.50 પર લિસ્ટ થયા, જે 46.39 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે BSE પર, તેઓ ₹161.20 પર લિસ્ટ થયા, જે 45.22 ટકાનો વધારો દર્શાવે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપનીએ બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કર્યું. KFin ટેક્નોલોજીસે ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું.

એ નોંધવું જોઈએ કે લિસ્ટિંગ પહેલાં, કંપનીનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 4 ડિસેમ્બરે 44.6% થી ઘટીને 32% થયો હતો. IPO 3 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો અને 5 ડિસેમ્બરે બંધ થયો.

કંપનીએ ₹4,250.00 કરોડમાં 38.29 કરોડ નવા શેર અને ₹1,171.20 કરોડમાં 10.55 કરોડ શેરના વેચાણ માટે ઓફર દ્વારા જાહેર જનતા પાસેથી ₹5,421.20 કરોડ એકત્ર કર્યા. મીશોએ પ્રતિ ઇક્વિટી શેર ₹105 થી ₹111 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શેરની ફાળવણી 8 ડિસેમ્બરે થઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની 12 ફ્લાઇટ કેન્સલ, મુસાફરો ફરી મુશ્કેલીમાં

0

ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો હજી પણ યથાવત જ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની 12 ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો ફરી એકવાર અટવાયા છે.

અમદાવાદ આવતી અને જતી ઇન્ડિગોની કુલ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટો રદ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સતત રદીકરણના કારણે અનેક મુસાફરોના પ્રવાસ કાર્યક્રમો ખોરવાયા છે. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. ઇન્ડિગો તરફથી આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિગોની ફ્લાઈટો રદ્દ થવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે મોટા ભાગના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હજી પણ મોટા ભાગના એરપોર્ટ પર ફ્લાઈટ રદ્દ થવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે.

અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત

અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં મંગળવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ગોળીબારમાં ઓછામાં ઓછા એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના પગલે પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે.

યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, વ્હિટની એમ યંગ જૂનિયર હૉલમાં ગોળીનો ભોગ બનેલા બીજા વિદ્યાર્થીની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર (Stable) છે. યુનિવર્સિટીએ ઘાયલ વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી. યુનિવર્સિટીએ કહ્યું છે કે તેઓ મૃતક અને ઘાયલ વિદ્યાર્થીના પરિવારો સાથે સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ આપી રહ્યા છે, તેમજ કાઉન્સેલિંગ અને સપોર્ટ સર્વિસ પણ ઉપલબ્ધ છે.

કેમ્પસમાં લોકડાઉન અને સુરક્ષા વ્યવસ્થા
ગોળીબારની ઘટના બાદ ફ્રેન્કફર્ટ પોલીસ વિભાગે સમગ્ર કેમ્પસને લોકડાઉન કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર પર કાર્યવાહી કરીને કેમ્પસને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. ઘટના પછી સામે આવેલી તસવીરોમાં ડૉરમેટરીની બહાર અનેક પોલીસ વાહનો અને ક્રાઈમ સીન ટેપ જોવા મળ્યા હતા, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ગવર્નર એન્ડી બેશિયરે આ હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે હિંસા માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં.

સુરતીઓની અતૂટ શ્રધ્ધાનું સ્થાનક ક્ષેત્રપાળ દાદાના 400 વર્ષ

0

400 વર્ષ પૂર્વે ક્ષેત્રપાળ દાદા, કાળભેરવ અને બટુક ભેરવ સ્વંયભૂ પ્રગટ થયા હતાઃ માત્ર સુરતીઓ જ નહીં સનદી અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગ અગ્રણીઓ અને સેંકડો શ્રધ્ધાળુઓના દુઃખ દર્દ દૂર કરી ક્ષેત્રપાળ દાદાએ મનોકામના પૂર્ણ કરી છે

વિક્રમ સંવત 1682 અને ઇસવીસન 1625માં સ્વંયભૂ પ્રગટેલા ક્ષેત્રપાળ દાદાના ૪૦૦માં પ્રાગટ્ય દિવસની 12મી ડિસેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવશે

ઓમ હૃીં ક્ષમ્ ક્ષેત્રપાલાય નમઃ આ મંત્રનો જાપ કરનારા સુરતમાં સંખ્યાબંધ લોકો મળશે. કારણ કે આ મંત્ર સુરતનું 400 વર્ષથી રખોપું કરતા ક્ષેત્રપાળ દાદાનો છે. સુરતના સગરામપુરામાં આવેલા આ ક્ષેત્રપાળ દાદાનો 400મો જન્મોત્સવ આગામી તા.12-12-2025ના રોજ ઉજવાશે. આ દિવસે અનેકવિધ ધાર્મિક-સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી 400 વર્ષ પૂર્વેની આ વાત છે. એટલે કે વિક્રમ સંવંત 1682 ( અત્યારે વિક્રમ સંવંત 2082 ચાલી રહ્યું છે.) અને ઇસવીસન 1625 (અત્યારે ઇસવીસન 2025 ચાલી રહ્યું છે). પૂરા 400 વર્ષ પહેલા કારતક સુદ પાંચમના દિવસે કોઇ તાંત્રિકે પોતાની વિદ્યાના પ્રયોગથી ત્રણ જીવતાં વૃક્ષો આકાશમાં ઉડતા મૂક્યા હતા. આ ઘટનાથી એ વખતના પ્રકાંડ પંડિત ગૌરીશંકરભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે વિચાર્યું કે આ ત્રણેય વૃક્ષોની અવગતિ થશે. જેથી તેમણે પોતાની વિદ્યાનો ઉપયોગ કરવાનો નિર્ણય ત્વરિત ગતિએ કરી લીધો. મા ભગવતી પરામ્બા બાળા ત્રિપુરાસુંદરી તેમજ કાળભૈરવ દાદાનું આહ્વાન કરી આકાશમાં ઉડી રહેલાં ત્રણેય વૃક્ષોને જમીન પર ઉતાર્યાં હતાં.

તેમાં એક તાડનું વૃક્ષ હતું. જે જમીન પર નવસારીબજાર ઢેળતળાવડી પાળે ખેતરમાં ઉતર્યું હતું તે આજના ક્ષેત્રપાળ દાદા. તાડનું વૃક્ષ જમીન પર પડ્યું કે તુરંત જ ત્યાં ક્ષેત્રપાળ હનુમાનજી, કાળભૈરવજી અને બટુકભૈરવજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. આ રીતે અધોગતિમાં જતાં વૃક્ષોને બચાવાયાં તેમાંથી ત્રણેય ભગવાનનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હતું. ત્યારથી સુરતીઓ માટે ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજ આસ્થાનું કેન્દ્ર બન્યા છે. આજે પણ ભક્તોની શ્રધ્ધા અકબંધ છે. દર શનિ, રવિ અને મંગળવારે અહીં ભક્તોની ભીડ જામે છે.

મંદિરમાં યોજાતી વિશેષ પૂજા સંદર્ભે વર્તમાન પૂજારી મિત રાકેશ મહારાજ અધ્વર્યુએ કહ્યું હતું કે અહીં વર્ષ દરમિયાન દસ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં કારતક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ, કારતક વદ આઠમ એટલે કે કાળભૈરવ જયંતી, માદશર વદ આઠમ એટલે કે ક્ષેત્રપાળ દાદાનો પ્રાગટ્ય દિવસ-જન્મ જયંતી, ચૈત્ર વદ તેરસ શિવરાત્રિ, ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતી, અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા, શ્રાવણ વદ અમાસ શિવપૂજા, આસો વદ તેરસ ધન તેરસ, આસો વદ ચૌદસ કાળી ચૌદસ અને આસો વદ અમાસ દિવાળીના તહેવારો અહીં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દર મહિનાની સુદ આઠમ દુર્ગાષ્ટમી અને વદ આઠમ કાલાષ્ટમીના દિવસે અહીં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે ભક્તગણ માટે મંગળવાર, શનિવાર, રવિવાર, આઠમ, અગિયારસ અને પૂનમ આ દિવસો વિશેષ મહત્ત્વના હોવાથી આ દિવસોમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

મૂળ સુરતીઓની છેડાછેડી અહીં છોડવામાં આવે છે
મૂળ સુરતીઓ આજે પણ લગ્ન કર્યા બાદ છેડાછેડી છોડવા અહીં આવે છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. પહેલાના સમયમાં તો મંદિર પરિસરની બહાર તપેલું ચડાવી ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. સમય જતાં આ જગ્યા મંદિર પરિસરમાં આવે જતા હવે તપેલું ચડાવવાની પરંપરા બંધ થઈ છે. પણ છેડાછેડી છોડવાની પરંપરા ચાલુ છે.

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને અપાર શ્રધ્ધા
ક્ષેત્રપાળ દાદાનાં ચરણોમાં માથું ટેકવનારા અનેક વરિષ્ઠ અધિકારીઓથી લઈ મોટા ગજાના ઉદ્યોગપતિઓ સહિત ઘણા લોકો છે. જેમાંના એક ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી. ક્ષેત્રપાળ દાદામાં અપાર શ્રધ્ધા હોવાનું કહી પૂજારી મિત અધ્વર્યુએ કહ્યું કે પહેલી વખત ગૃહ મંત્રી બન્યા ત્યારે પોતાના ઘરેથી ક્ષેત્રપાળ દાદાના મંદિર સુધી પગપાળા આવ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ક્ષેત્રપાળ દાદાનાં ચરણોમાં માથું ઝુંકાવવા આવ્યા હતા.

પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સહિત અનેક અધિકારીઓ આજે પણ દર્શનાર્થે આવે છે
સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે દીર્ઘકાલીન સૌથી વધુ પોણા પાંચ વર્ષ ફરજ બજાવનારા રાકેશ અસ્થાના હજુ પણ જ્યારે સુરત આવે ત્યારે અહીં દર્શન કરવા અવશ્ય આવે છે. આ ઉપરાંત હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ દર શનિવારે અચૂક દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત સુરતમાં ફરજ બજાવી અન્ય સ્થળે ફરજ બજાવનારા અનેક વરિષ્ઠ અધિકારીઓ સુરતમાં આવે ત્યારે અહીં આવે છે.

ક્ષેત્રપાલ દાદાનો સાલગીરી મહોત્સવ
મહોત્સવ તા. ૧૨/૧૨/૨૦૨૫ માગશર વદ આઠમના શુક્રવારે આવે છે. આ પ્રસંગ નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

-: કાર્યક્રમ :-

  • સવારે :- ૬.૦૦ કલાકે આરતી, ત્યારબાદ વેદોના મંત્રઘોષથી મંત્રપુષ્પાંજલિ
  • સવારે :- ૧૧.૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે,
  • બપોરે :- ૩.૦૦ કલાકે શ્રી ક્ષેત્રપાલ દાદાના અન્નકૂટના દર્શન થશે,
  • સાંજે :- ૫.૦૦ કલાકે યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે
  • સાંજે :- ૭.૩૦ કલાકે સાર્ય આરતી, ત્યારબાદ વેદોના મંત્રઘોષથી મંત્રપુષ્પાંજલિ
  • રાત્રે :- ૮.૩૦ કલાકે ભજન સંધ્યા કાર્યક્રમ શરૂ

નિજ મંદિર ને જાત જાતના ફુલોથી અને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવશે. આ ઉત્સવ નિમિતે દરેક ધર્મપ્રેમી ભક્તોએ “શ્રી ક્ષેત્રપાલ દાદાના” શણગાર,દર્શન અને મહાભોગનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ.

ગુજરાતમાં નિર્ભયા જેવી ઘટના: 7 વર્ષની બાળકી બની નરાધમનો શિકાર, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળિયો…

0

દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ ઘટના રાજકોટ જિલ્લામાં બનતા ચકચાર મચી છે. જસદણના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ઘુસાડી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. રૂરલ પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે. નરાધમ શખ્સ સામે પોલીસે પોકસો અને BNSની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

૧૦૦ શંકાસ્પદોની પૂછપરછ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, એક મજૂર પરિવારનો બાળક ખેતરમાં રમી રહ્યો હતો જ્યારે આરોપીએ આ જઘન્ય કૃત્ય કર્યું. રામ સિંહ તેને ખેતરની નજીકના એકાંત વિસ્તારમાં લઈ ગયો અને તેના પર જાતીય હુમલો કર્યો. આ ઘટના 4 ડિસેમ્બરના રોજ બની હતી. પોલીસે 100 શંકાસ્પદોની પૂછપરછ કરીને કેસ ઉકેલ્યો. પોલીસે મુખ્ય આરોપી રામ સિંહ તેરસિંહની ઓળખ કરી અને ઘટનાસ્થળની બાજુમાં આવેલા ખેતરમાંથી તેની ધરપકડ કરી.

આરોપીઓને પકડવા માટે 10 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે 12 વર્ષની છોકરીનો પરિવાર ‘ભાગ્યુ’ (ભાગ્યુ) તરીકે ખેતરોમાં ખેતી કરે છે. આ મજૂર પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો છે. આરોપીએ છોકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે આરોપીએ છોકરીના ગુપ્તાંગને ઇજા પહોંચાડી. પોલીસને માહિતી મળતા જ, છોકરીને રાજકોટ મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસે આરોપીને પકડવા માટે 10 અલગ-અલગ ટીમો બનાવી. પોલીસે શંકાસ્પદોની પૂછપરછ કરી અને નજીકના ગામડાઓના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપી પણ પરિણીત છે અને બાજુના ખેતરમાં ‘ભાગ્યુ’ ખેતી કરતો હતો.

છોકરીની હાલત સ્થિર છે.
પોલીસે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરના રોજ, છોકરી ખેતરમાં રમી રહી હતી જ્યારે તેના માતાપિતા નજીકમાં કામ કરી રહ્યા હતા. એક અજાણ્યા વ્યક્તિએ તેનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. જ્યારે છોકરીએ ચીસો પાડી, ત્યારે હુમલાખોરે તેના ગુપ્તાંગમાં ધાતુનો સળિયો ઘુસાડ્યો હતો, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ થયો હતો અને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની હાલત હાલમાં સ્થિર છે અને આગામી બે થી ત્રણ દિવસમાં તેને રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.

સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 25 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી છે. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 25થી વધુ ફાયરની ગાડીઓ હાજર છે અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. હાલ 25 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સદ્ભાગ્યે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

માર્કેટમાં કાપડનો જથ્થો અને તેમાં પણ મોટા ભાગનો સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. સિન્થેટિક કાપડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત કરવી પડી રહી છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો આગને અન્ય દુકાનો અને માળખામાં ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે