Home Blog Page 213

નાની પતંગની મોટી ઉડાન: વડોદરાના નરેન્દ્ર શિંદે બનાવે છે 1 થી 7-8 ઇંચ સુધીના પતંગ

સુરતના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2026માં વિવિધ રંગ, આકાર અને કદની પતંગો વચ્ચે વડોદરાના નરેન્દ્ર શિંદેની ૨.૫ ઈંચની પતંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રથમ વખત સુરત પતંગોત્સવમાં સહભાગી બનેલા નરેન્દ્ર શિંદેએ જણાવ્યું કે, તેઓ વર્ષ 2007થી નાની નાની પતંગો બનાવે છે. જેમાં તેમની પાસે 1 ઈંચથી લઈને 7-8 ઇંચ સુધીના પતંગોનો સમાવેશ થાય છે.

નાના પતંગોની ખાસિયત જણાવતાં તેમણે કહ્યું કે, મોટી પતંગો સૌ કોઈ બનાવે છે. એટલે બધાથી કંઈક વિશેષ કરવાની પ્રેરણાથી મેં નાની પતંગો બનાવવાની શરૂઆત કરી જેમાં ખર્ચ અને સાચવણી બંને ઓછું હોય છે. તેમજ વિશેષ પ્રસંગોએ નાના બાળકોને ભેટ આપવાથી તેઓ અત્યંદ આનંદિત થાય છે.

દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, 3નો બચાવ

0

દેવભૂમિ દ્વારકાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ દ્વારકાના મકનપુર ગામે 4 મિત્રો દરિયાકાંઠે નાહવા પડ્યા હતા. જેમાંથી 3 યુવાનોનો આબાદ બચાવ થયો છે,જ્યારે ચોથા યુવકની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી મુજબ આ 4 યુવકો રાજસ્થાનથી દ્વારકા ફરવા માટે આવ્યા હતા. અહીં દરિયાકાંઠે નાહવા પડતા 4 એ 4 મિત્રો ડૂબ્યા હતા. જોકે તેમાંથી 3નો આબાદ બચાવ થયો છે પણ હજુ એક મિત્રની શોધખોળ ચાલી રહી છે. ફાયર વિભાગની ટીમ યુવકની શોધખોળમાં લાગી છે.

રાજસ્થાનના આ યુવકો ગુજરાતમાં દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા તેમજ ફરવા માટે આવ્યા હતા. ત્યારે દરિયામાં નાહવા પડતા 3 મિત્રો ડૂબતા ડૂબતા બચ્યા છે, ફાયર વિભાગની ટીમે 3ને બચાવી લીધા છે અને એક યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે.

ગઈકાલે મોડી સાંજથી જ ફાયર બ્રિગેડની ટીમ સતત શોધખળ કરી રહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, રાજસ્થાનથી આવેલા આ પ્રવાસી મિત્રોમાં આ અકસ્માતને પગલે ભારે શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના સચિન SEZમાં ભાગેડુ નિરવ મોદીની બંધ જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ ભભૂકી

0

સુરતના સચિન રોડ પર આવેલી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં ભાગેડુ નિરવ મોદીની બંધ હાલતમાં રહેલી જવેલરી કંપનીની ઓફિસમાં શંકાસ્પદ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પહેલા માળને પણ ઝપેટમાં લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે સતત 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ઓફિસમાં રહેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે. જો કે આગ લાગવાને લઇને ઘણી શંકા-કુશંકા જોવા મળી રહી છે.

આ કંપનીને અગાઉ EDના દરોડા બાદ સીલ કરવામાં આવી હતી અને પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવ્યા હતા, છતાં આગ લાગતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. કંપનીમાં આગ સ્વયં લાગી કે કોઈએ આગ લગાડી તે બાબતે મોટો સવાલ ઉભો થયો છે. કંપનીમાં મોંઘી મશીનરી અને જવેલરી હોવાને કારણે ચોરીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ ચોરીને છુપાવવા માટે આગ લગાડવામાં આવી હોવાની ચર્ચા પણ તેજ બની છે. ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

શુક્રવાર ફરી આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા, જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતાં અફરાતફરી અને દોડધામ થઈ જવા પામી હતી, જોકે પાલિકાના ફાયરબિગ્રેડને કોલ મળતાં લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ધસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જર્વેલરીની કંપનીમાં ગુરુવારે રાતે આગ ફાટી નીકળી હતી, જેથી સચિન નોટિફાઇડ ફાયર જવાનો ત્યાં પહોચીને કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી. બાદમાં શુક્રવારે ફરી ત્યાં આગ લાગતાં ત્યાંથી ફાયર ટીમ આગ બુઝાવી શક્યા નહીં, જેથી પાલિકાના ફાયર કાફલો ત્યાં પહોચીને છ કલાક સુધી કામગીરી કરતાં આગ કાબૂમાં આવી હતી.

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, કાશ્મીરી યુવકની સુરક્ષાકર્મીઓએ કરી અટકાયત

0

અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ભંગ થયો હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ચોક્કસ સમુદાયના એક યુવકે રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે ચોક્કસ સમુદાયના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ યુવકની અટકાયત કરી છે. સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

યુવક અને યુવતી રામ મંદિરના ગેટ D1થી પ્રવેશ્યા. ત્યારબાદ યુવક સીતા રસોઈ પાસે નમાજ પઢવા બેઠો. પોલીસે તેને આમ કરતા જોતાં જ તેની અટકાયત કરી લીધી. તે યુવક કાશ્મીરી પોશાક પહેરેલા હતા. એક પુરુષની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અબુ અહેમદ શેખ તરીકે થઈ છે. છોકરીની ઓળખ સોફિયા તરીકે થઈ છે. બીજા યુવકનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.

રમેશ યાદવએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓએ યુવાનોને રોક્યા ત્યારે તેઓ નારા લગાવવા લાગ્યા. ઘટનાની માહિતી મળતા જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા. જોકે, જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર ઘટના પર મૌન ધારણ કર્યું છે.

અહેવાલો અનુસાર, આરોપી યુવક કાશ્મીરનો રહેવાસી છે અને તેનું નામ અહેમદ શેખ જણાવવામાં આવી રહ્યું છે. તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે. એવો આરોપ છે કે તે યુવક દક્ષિણ પાર્કોટ વિસ્તારમાં સીતા રસોઈ પાસે નમાજ અદા કરી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ તમામ પાસાઓથી કેસની તપાસ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી કેમ આવ્યો અને તેનો ઇરાદો શું હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી.

ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 6 લોકો સવાર હતા

0

ઓડિશાના રાઉરકેલાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભુવનેશ્વરથી રાઉરકેલા આવી રહેલ એક વિમાન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, વિમાન 9 સીટવાળું હતું, જેમાં કુલ 7 લોકો સવાર હતા. અકસ્માત સમયે, 6 મુસાફરો ઉપરાંત, એક પાયલોટ પણ સવાર હતો. હાલમાં, આ અકસ્માતમાં સામેલ તમામ લોકો ઘાયલ હોવાનું જાણવા મળે છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાન ક્રેશ થવાના કારણ વિશે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉતરાણ પહેલાં અકસ્માત
ઓડિશાના રાઉરકેલામાં એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, આ વિમાન નવ સીટવાળી ઇન્ડિયા વન એર ફ્લાઇટ હતી જે ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહી હતી. વિમાનમાં છ મુસાફરો અને એક પાયલોટ સહિત સાત લોકો સવાર હતા. અકસ્માતનું કારણ હાલમાં અજ્ઞાત છે. એવું કહેવાય છે કે વિમાન રાઉરકેલાથી આશરે 10-15 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગો હચમચી ગયા હતા.

વિમાનમાં સવાર બધા સુરક્ષિત
માહિતી મળતાં જ, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘાયલ મુસાફરો અને પાયલોટને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ભુવનેશ્વરથી પ્રવાસન વિભાગની એક ટીમ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચશે. તપાસ ચાલી રહી છે. પરિસ્થિતિ અને વિમાન કેવી રીતે ક્રેશ થયું તેની સત્તાવાર પુષ્ટિ તપાસ પછી જ થશે. હાલમાં, વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ સતર્ક છે. સ્થાનિક સ્તરે સુરક્ષા અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આટલી મોટી વિમાન દુર્ઘટનામાં દરેકનો સુરક્ષિત બચાવ એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.

અડાજણ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

0

સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ યોજાયો હતો. જેમાં 21 દેશોના 45 અને ભારતના ચાર રાજ્યોના 20 તેમજ ગુજરાતના 29 મળી કુલ 94 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા-કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો-આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષક સમુદાયને રોમાંચિત કર્યો હતો.

સાંસદ મુકેશભાઈ દલાલે સુરતવાસીઓને મકરસંક્રાતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્તરાયણના તહેવારનું વિશેષ ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ છે. પતંગ ટીમ વર્કનું શ્રેષ્ઠ ઉદાહરણ બની આપણને એકતાનું મહત્વ સમજાવે છે. જેમ પતંગને ઊંચે ઉડવા માટે પવનની યોગ્ય દિશાની જરૂર પડે છે, તેમ જીવનમાં સાચા માર્ગે આગળ વધવાથી પ્રગતિ નિશ્ચિત બને છે. વર્ષ 1998થી સુરત સહિત સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ખાદ્ય, ફૂલ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો સર્જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનભાગીદારીથી ઉજવાતા પરંપરાગત તહેવારો સમાજમાં હકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આપણી પ્રાચીન પરંપરા અને લોકસંસ્કૃતિને જીવંત રાખતા આવા ઉત્સવો ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોજિત ઉત્સવો અને મેળાઓના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવનો આનંદ માણવા આવે છે. દક્ષિણ ભારતમાં પોંગલ, ઉત્તર ભારતમાં મકરસંક્રાતિના એક દિવસ પહેલાં લોહરી અને પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળો યોજાય છે. આ રીતે મકરસંક્રાતિ પર્વ સમગ્ર દેશને વિવિધતા વચ્ચે એકતાના સૂત્રમાં બાંધે છે.

ચાઈનીઝ દોરીનો 2.67 કરોડનો મુદ્દામાલ જપ્ત, 409 FIR અને 477ની ધરપકડ, હાઈકોર્ટમાં સોગંદનામું

ઉત્તરાયણ પર્વ દરમિયાન જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ચાઈનીઝ દોરી અને ઘાતક તુક્કલ પરના પ્રતિબંધ અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું રજૂ કર્યું છે. ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરવામાં આવેલી આ વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં સિન્થેટીક, નાયલોન અને ચાઈનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલી છે અને તેની કડક અમલવારી કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, પ્રતિબંધિત દોરીઓના ગેરકાયદેસર વેચાણ અને વપરાશના કિસ્સામાં અત્યાર સુધીમાં કુલ 409 એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડામાં ચાઈનીઝ દોરીના અંદાજે 71,819 જેટલા રીલ (ટેલર) જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત આશરે 2.67 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 477 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સરકાર પક્ષે હાઈકોર્ટને જણાવ્યું હતું.

કાયદાકીય કાર્યવાહીની સાથે સાથે જનજાગૃતિ ફેલાવવા માટે પણ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પ્રતિબંધિત દોરીના જોખમો વિશે લોકોને માહિતગાર કરવા માટે 37થી વધુ સત્તાવાર જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 683થી વધુ પોસ્ટ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પોલીસ તંત્રને આ બાબતે વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારા તત્વો વિરુદ્ધ હવે કોઈપણ પોલીસ કર્મચારી સીધી ફરિયાદ દાખલ કરી શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર થતા વેચાણ અંગે પણ સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

પાડોશી રાજ્યોમાંથી આવી ઘાતક દોરીઓની આયાત અટકાવવા માટે સરહદી જિલ્લાઓના પોલીસ વડાઓને સરહદ પર કડક ચેકિંગના આદેશો આપવામાં આવ્યા છે. નાગરિકોની સુવિધા માટે સીટી અને ડિસ્ટ્રીકટ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ખાસ ‘ઉત્તરાયણ હેલ્પડેસ્ક’ કાર્યરત કરવામાં આવ્યું છે. કોઈપણ નાગરિક 112 નંબર પર ફોન કરીને ગેરકાયદેસર દોરીના વેચાણ કે સંગ્રહ વિશે માહિતી આપી શકે છે. આ ફરિયાદોની નોંધણી માટે અલગ રજિસ્ટર રાખવા અને 24 કલાક ફરજ પર રહેલા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના કડક નિર્દેશ પણ જારી કરાયા છે.

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી, ખાસ દિવસે રજૂ થશે બજેટ

0

સંસદ 2026 નું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ, 2026 સુધી યોજાશે. પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે અને સંસદ 9 માર્ચ, 2026 ના રોજ ફરી એકત્ર થશે. ભારત સરકારની ભલામણ પર, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર 2026 માટે સંસદના બંને ગૃહોને બોલાવવા માટે સંમતિ આપી છે. આ સત્ર 28 જાન્યુઆરી, 2026 ના રોજ શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 સુધી ચાલુ રહેશે.

પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ પૂર્ણ થશે અને સંસદ 9 માર્ચ, 2026 ના રોજ ફરી મળશે. અર્થપૂર્ણ ચર્ચા અને લોકો-કેન્દ્રિત શાસન તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. બહુપ્રતિક્ષિત કેન્દ્રીય બજેટ 2026 ની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. તાજેતરની પ્રથાથી અલગ થઈને, નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ બજેટના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

મુખ્ય તારીખો નીચે મુજબ છે:

  • સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 સુધી ચાલુ રહેશે.
  • પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સમાપ્ત થશે. બીજો તબક્કો 9 માર્ચ, 2026 ના રોજ શરૂ થશે.
  • આર્થિક સર્વેક્ષણ 2025-26 29 જાન્યુઆરી, 2026 ના રોજ રજૂ કરવામાં આવશે.
  • કેન્દ્રીય બજેટ 2026-27 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ રજૂ કરવામાં આવશે.
  • રવિવારે બજેટ રજૂ કરવું એ એક દુર્લભ ઘટના છે.
  • ભલે ૧ ફેબ્રુઆરી 2017 માં સ્થાપિત પરંપરા અનુસાર હોય, પણ અઠવાડિયાનો દિવસ નથી. આ પહેલી વાર નથી કે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે, પરંતુ તે એક દુર્લભ ઘટના છે.
  • નાણાકીય વર્ષની શરૂઆત (1 એપ્રિલ) સુધીમાં ભંડોળની ફાળવણી સુનિશ્ચિત કરવા માટે, 2017માં બજેટની તારીખ 28 ફેબ્રુઆરીથી બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

હિમાચલમાં મોટો અકસ્માત, સિરમૌરમાં ખાનગી બસ ખાઈમાં પડતા 14 લોકોના મોત, 52 ઘાયલ

0

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ ખાઈમાં પડતાં 14 લોકોના મોત અને 52 લોકો ઘાયલ થયા છે. શુક્રવારે બપોરે 3 વાગ્યે આ દુર્ઘટનાગ્રસ્ત બસ શિમલાથી રાજગઢ થઈને કુપવી જઈ રહી હતી ત્યારે રસ્તા પરથી ઉતરી 500 મીટર ઊંડી ખાઈમાં પડતા કેટલાકના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે કેટલાકના સારવાર દરમિયાન મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત કરી છે.

આ બસ રહી હતી જેમાં 66 જેટલા યાત્રીઓ સવાર હતા. જાણવા મળેલી વિગત મુજબ રસ્તા પર હિમ જામી થવાના કારણે બસ ફસડાઇ ગઇ હતી અને 100 મીટર ઉંડી ખાઇમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત 14 યાત્રીઓના મોત થયા હતા અને બાવનથી વધુ ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં બસના ફુરચે ફુરચા ઉડી ગયા છે. આ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ અપાયા છે. 2008માં ખરીદાયેલી આ ખાનગી બસની ફિટનેસ પુરી થવાની હતી. તેની પરમીટ 2028 સુધીની હતી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે જેવી બસ ધમાકા સાથે પડી તો તેની છત તૂટી ગઇ અને ઉલટી પડી ગઇ હતી.

ઘટના સ્થળે સ્થાનિક લોકોએ બસની બોડીને હાથેથી ઉઠાવીને ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ચાર-ચાર લોકોએ મળીને ઉઠાવ્યા હતા અને રસ્તા સુધી પહોંચાડ્યા હતા. ચારે બાજુ ઘાયલોની ચીસાચીસ મચી ગઇ હતી.

અકસ્માતની જાણ થતાં જ નાયબ કમિશ્નર અને પોલીસ અધિક્ષક એન.એસ. નેગી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી હોસ્પિટલે પહોંચ્યા હતા. દુર્ઘટના પર ઉદ્યોગમંત્રી હર્ષવર્ધન ચૌહાણ, કોંગે્રસ પ્રદેશ અધ્યક્ષ વિનયકુમાર, મુખ્યમંત્રી સુખવિન્દર સુખ્ખુ, વિપક્ષી નેતા જયરામ ઠાકુરે શોક વ્યકત કર્યો છે.

સુરતનો ઐતિહાસિક સચિન પેલેસ યથાવત રહેશે, તોડફોડ સામે હાઈકોર્ટનો સ્ટે

સુરતના ઐતિહાસિક સચિન પેલેસના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. અદાલતે સચિનના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરતા નિર્દેશ આપ્યો છે કે પેલેસના બાંધકામ સામે હાલ કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી અથવા ડિમોલિશન કરવામાં ન આવે. આ આદેશથી સુરતના આ ઐતિહાસિક વારસાને હાલ પૂરતી રાહત મળી છે.

આ કેસની વિગતો મુજબ, સચિનના પૂર્વ શાસક પરિવારના સભ્યો દ્વારા હાઈકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. રાજવી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ જસ્ટિસ મૌના ભટ્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ જમીનનો અમુક હિસ્સો સમર્પણ કરવા તૈયાર છે.

જેથી પેલેસના મુખ્ય બાંધકામને બચાવી શકાય. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ જે જમીન સરેન્ડર કરવા માંગે છે તે પેલેસની ઉપરના ભાગની ખુલ્લી જગ્યા છે. જો સત્તાધિકારીઓ નકશામાં સામાન્ય ફેરફાર કરીને આ વૈકલ્પિક જમીન સ્વીકારે, તો પેલેસના ઐતિહાસિક બાંધકામને તોડવાની જરૂર રહેશે નહીં.

બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના વકીલે કોર્ટને જાણ કરી હતી કે સત્તાધિકારીઓએ સંબંધિત વિસ્તારનો કબજો મેળવી લીધો છે અને અરજદારો દ્વારા જમીન સમર્પણ કર્યા બાદ જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, અરજદારોની મુખ્ય માંગણી એ છે કે ડિમોલિશન લાઇનને થોડી ઉપરની તરફ ખસેડવામાં આવે જેથી કરીને રહેણાંક મહેલ સુરક્ષિત રહી શકે.

હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે અરજદારો જમીન આપવા માટે તૈયાર છે, માત્ર પેલેસના બાંધકામને બચાવવા માટે જમીનના માપણીમાં થોડો ફેરફાર કરવાની વિનંતી કરી રહ્યા છે.

આ પરિસિ્થતિને ધ્યાને રાખીને અદાલતે સુરત મહાનગરપાલિકાને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણી સુધી પેલેસના બાંધકામ પર સ્ટે આપ્યો છે. આ કેસની હવે પછીની સુનાવણીમાં પેલેસના અસ્તિત્વ અને જમીન સંપાદનના મુદ્દે વધુ સ્પષ્ટતા થશે.