Home Blog Page 203

ગણતંત્ર દિવસે ‘બોર્ડર 2’નો બોક્સ ઓફિસ ધમાકો, ચાર મોટી ફિલ્મોને પછાડીને કરોડોની કમાણી

ગણતંત્ર દિવસ પર બોર્ડર 2 ફિલ્મે તોતિંગ કમાણી કરી હતી. ઓપનિંગ ડે પર જ આ ફિલ્મે ટંકશાળ પાડી હતી અને રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ ફિલ્મે ચાર મોટી ફિલ્મોને ધોબી પછડાટ આપી હતી. જોકે તેમ છતાં શાહરૂખ ખાનની પઠાણને પછાડી શકી નહોતી.

બોર્ડર 2 ફિલ્મે 26 જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે પર 59 કરોડનું કલેક્શન કર્યું હતું. જે તેના ત્રીજા દિવસના કલેકશન કરતાં 8.26 ટકા વધારે હતું. બોર્ડર 2નું દેશભરમાં કુલ કલેકશન 177 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે ગ્રોસ કલેકશન 212.2 કરોડ રૂપિયા છે.

ગણતંત્ર દિવસ પર આ ફિલ્મોને રાખી પાછળ
બોર્ડર-2 ફિલ્મએ ગણતંત્ર દિવસ પર કમાણી મામલે ચાર મોટી ફિલ્મોને ધોબી પછડાટ આપી હતી. જેમાં ફાઈટર, પદ્માવત, રઈસ અને અગ્નિપથ જેવી ફિલ્મો સામેલ છે. જોકે શાહરૂખ ખાનની પઠાણેને પછાડી શકી નહોતી. પઠાણ ફિલ્મે ગણતંત્ર દિવસ પર 68 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

  • પઠાણઃ 68 કરોડ (બીજો દિવસ)
  • બોર્ડર 2: 56 કરોડ (ચોથો દિવસ)
  • ફાઈટરઃ 39.50 કરોડ (બીજો દિવસ)
  • પદ્માવતઃ 32 કરોડ (બીજો દિવસ)
  • રઈસઃ 26.30 કરોડ (બીજો દિવસ)
  • અગ્નિપથઃ 22.80 કરોડ (પ્રથમ દિવસ)

બોર્ડર 2નું વર્લ્ડવાઈડ કલેકશન
બોર્ડર 2 ફિલ્મ વર્લ્ડવાઈડ 239.2 કરોડની કમાણી કરી લીધી છે. જેમાં ઓવરસીઝથી થયેલી 27 કરોડની કમાણી પણ સામેલ છે.

કેટલા કરોડના ખર્ચે બનેલી છે ફિલ્મ
બોર્ડર 2 ફિલ્મ 275 કરોડના ખર્ચે બની છે. દેશભરના 4800 સ્ક્રીન્સ પર 17000 શો સાથે રજૂ થઈ છે. લોકોની માંગના કારણે કેટલાક શહેરમાં ફિલ્મના શો વધારવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ, વરૂણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી લીડ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત આવ્યા બાદ તેને મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો હતો. જેનું એક કારણે 29 વર્ષ પહેલા આવેલી બોર્ડર ફિલ્મ હતી, લોકોએ આ ફિલ્મ સાથે તુલના કરતા બોર્ડર 2 થોડી નબળી લાગતી હતી. પરંતુ રિલીઝ થતાં જ સ્ટોરી અને કલાકારોના અભિનેય દર્શકોનું દિલ જીતી લીધું હતું. અનેક જગ્યાએ લોકો ટ્રેકટર-ટ્રોલી ભરીને તથા ભારત માતા કી જયના નારા લગાવીને બોર્ડર 2 ફિલ્મ જોવા થિયેટરમાં પહોંચ્યા હતા.

ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર સફળ, જાણો કેમ છે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’

ભારત અને યુરોપિયન યુનિયન (EU) એ મુક્ત વ્યાપાર સમજૂતી પરની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. 18 વર્ષોની પ્રતિક્ષાના અંતે આ ઐતિહાસિક કરાર થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 27 જાન્યુઆરીએ આ કરારને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવતાં કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક દિવસ પહેલા હસ્તાક્ષર કરાયેલા મુક્ત વેપાર કરારના વ્યાપક આર્થિક ફાયદા થશે.

આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર લગભગ છ મહિના પછી થશે કારણ કે તેના ટેક્સ્ટને પહેલા કાનૂની સ્ક્રબિંગમાંથી પસાર થવું પડશે. આ પછી, આ સોદો આવતા વર્ષ એટલે કે 2027 થી અમલમાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈકાલે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે એક મોટી સમજૂતી થઈ હતી. લોકો તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કહી રહ્યા છે. આ કરાર ભારત અને યુરોપના સામાન્ય લોકો માટે મોટી શક્યતાઓ લાવશે. વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેની ભાગીદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ કરાર વૈશ્વિક જીડીપીના 25% અને વૈશ્વિક વેપારના 1/3 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

PM મોદીએ એમ પણ કહ્યું કે આ ભારત-EU વેપાર કરાર આપણી સહિયારી લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે, આ મુક્ત વેપાર કરાર યુરોપિયન યુનિયન સાથેના યુકે અને ઇએફટીએના કરારોને પણ પૂર્ણ કરશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારત-યુરોપિયન યુનિયન ટેકનોલોજી અને સંરક્ષણ સોદો એક જટિલ વૈશ્વિક વાતાવરણમાં બંને પક્ષોને વધુ નજીક લાવશે.

INDIA EU FTA: ભારત-ઇયુ એફટીએ શા માટે મહત્વપૂર્ણ છે?
આ ટ્રેડ એગ્રીમેન્ટ એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને અર્થવ્યવસ્થાના લગભગ 2 અબજ લોકો તેની સાથે જોડાયેલા છે. આ સોદાનો હેતુ એવા સમયે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપારને વેગ આપવાનો છે જ્યારે યુએસ ટેરિફને કારણે વૈશ્વિક વેપાર દબાણ હેઠળ છે.

હાલમાં અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે અને એફટીએ અમલમાં આવ્યા બાદ ભારતીય નિકાસકારો પાસે તેમના શિપમેન્ટને વિવિધ દેશોમાં મોકલવાનો વિકલ્પ મળશે અને ચીન પર દેશની નિર્ભરતા પણ ઓછી થશે. આવા સમયે ભારત માટે આ સોદો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તાજેતરમાં, યુરોપિયન યુનિયને ભારત માટે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) ના લાભો બંધ કરી દીધા હતા, જેણે ભારતીય ઉત્પાદનોને ઓછા કર પર યુરોપમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. નવી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) આ અંતરને ભરવામાં મદદ કરશે અને ભારતીય નિકાસકારોને યુરોપિયન માર્કેટમાં સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરશે.

આ ડીલ હેઠળ બંને પક્ષો આયાત ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. આનાથી કંપનીઓ માટે માલ અને સેવાઓ વેચવાનું સરળ બનશે અને મુશ્કેલ વેપાર નિયમો ઘટશે.

ભારત યુરોપિયન યુનિયન એફટીએ ડીલ: કયા ક્ષેત્રો પર શું અસર થશે
ટેક્સટાઇલ, ટેક્સટાઇલ અને લેધર ગુડ્સ આ ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદકોને આ સોદાથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે. યુરોપિયન યુનિયનમાં આયાત કર હાલમાં 10 ટકાની આસપાસ છે અને તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

આનાથી ભારતની નિકાસને અગાઉ ગુમાવેલા વેપારી લાભોની ભરપાઈ કરવામાં મદદ મળી શકે છે અને શ્રમ-સઘન ઉદ્યોગોમાં રોજગારીની નવી તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

ઓટોમોબાઈલ સેક્ટર
ભારતમાં કાર પરના ઈમ્પોર્ટ ટેક્સમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. આ ટેક્સ 110 ટકાથી ઘટીને 40 ટકા થઇ શકે છે. એટલે કે યુરોપમાં બનેલી કાર હવે ભારતમાં વધુ સસ્તી બનશે.

ફાર્માસ્યુટિકલ્સ, ઔદ્યોગિક ઉત્પાદનો અને ખાદ્ય પ્રસંસ્કરણ
યુરોપિયન યુનિયનના બજારમાં સરળતાથી પહોંચવાથી ભારતીય જેનરિક દવાઓ, એન્જિનિયરિંગ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસમાં વધારો થઈ શકે છે.

સેવાઓ – આઇટી, ફાઇનાન્સ અને પ્રોફેશનલ સેવાઓ
આ સમજૂતી યુરોપીયન કંપનીઓને ભારતમાં કામ કરવાની વધારે તકો પ્રદાન કરશે, જે નવા રોકાણ ઉપરાંત કૌશલ્ય અને કુશળતાનું આદાન-પ્રદાન વધારશે.

કૃષિ ઉત્પાદનો, વાઇન અને ઓલિવ તેલ
આ ક્ષેત્ર પર અસર મિશ્રિત થઈ શકે છે. યુરોપિયન યુનિયનના ઉત્પાદનોનો સરળ પ્રવેશ કેટલાક સ્થાનિક ખેડુતો માટે પડકાર ઉભો કરી શકે છે. પરંતુ ભારતીય પ્રોસેસ્ડ ફૂડ નિકાસને યુરોપમાં વધુ સારું બજાર મળવાની અપેક્ષા છે.

યુએસ ટેરિફની ધમકીઓએ ભારત-યુરોપિયન યુનિયન વેપાર વાટાઘાટોને વેગ આપ્યો છે, ભારત અને યુરોપિયન યુનિયન ભૌગોલિક આર્થિક ફેરફારો વચ્ચે વાટાઘાટોની સ્થિતિનું પુનર્મૂલ્યાંકન કરીને મતભેદો દૂર કરવામાં સફળ રહ્યા છે.

એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કેટલાક મહત્વના પ્રકરણોને સામેલ કર્યા પછી ભારત અને યુરોપિયન યુનિયને કુલ 21 પ્રકરણો પર વાટાઘાટો પૂરી કરી લીધી છે. આ સમજૂતીની કાયદાકીય તપાસમાં ચારથી પાંચ મહિનાનો સમય લાગશે, પરંતુ યુરોપિયન સંસદ દ્વારા બહાલી મળ્યા બાદ આ વ્યાપાર સમજૂતી આવતા વર્ષની શરૂઆત સુધીમાં લાગુ થઈ જશે.

નોંધનીય છે કે, ભારત EU FTA આવતા વર્ષ સુધીમાં લાગુ થવાની ધારણા છે, જે દરમિયાન અમેરિકી ટેરિફ ને કારણે ભારતીય નિકાસકારોને નુકસાન સહન કરવું પડી શકે છે.

સરકાર પાસેથી તાત્કાલિક મદદની માંગ કરતા કાપડ નિકાસકારોએ ગયા અઠવાડિયે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પત્ર લખીને અમેરિકી ટેરિફના કારણે નોકરીઓ ગુમાવવાની આશંકા વ્યક્ત કરી હતી.

આ સફળતા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે એક મોટો કરાર થયો છે. આ સમજૂતી ભારત અને યુરોપની જનતા માટે મોટી તકો લઈને આવશે. તે વિશ્વની બે પ્રમુખ અર્થવ્યવસ્થાઓ વચ્ચેની ભાગીદારીનું એક આદર્શ ઉદાહરણ છે. આ કરાર વૈશ્વિક જીડીપી (GDP) ના 25 ટકા અને વૈશ્વિક વ્યાપારનો ત્રીજો ભાગ દર્શાવે છે.

એમેઝોનમાં નોકરીઓ પર સંકટ: 16 હજાર કર્મચારીઓ પર સંકટ, ભારત પર પણ પડી શકે છે અસર

0

વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની કાપ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. 2026ના વર્ષની શરૂઆતમાં જ ટેક ક્ષેત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, કંપની પોતાના કોર્પોરેટ માળખાને ફરીથી સંગઠિત કરવા માટે હજારો કર્મચારીઓને પિંક સ્લિપ આપી શકે છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારત જેવા દેશોમાં કામ કરતી ટીમો પર પડવાની આશંકા છે, જેના કારણે બેંગલુરુ અને હૈદરાબાદ જેવા આઈટી હબમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, એમેઝોન આગામી 27 જાન્યુઆરીથી છટણીના નવા રાઉન્ડની શરૂઆત કરી શકે છે. આ વખતે અંદાજે ૧૬,૦૦૦ કર્મચારીઓની નોકરી જઈ શકે છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ (AWS) અને પ્રાઇમ વિડિયો જેવા મહત્વના વિભાગો આ કાપની ઝપેટમાં આવી શકે છે. કંપનીના આ રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 2026ના મધ્ય સુધીમાં કુલ 30000 જેટલા કોર્પોરેટ જગ્યા ખતમ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી 14000 જગ્યા અગાઉ જ ઘટાડી દેવામાં આવ્યા છે.

એમેઝોનની આ છટણીમાં ભારત એક મહત્વનું કેન્દ્ર હોવાનું મનાય છે. બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં કાર્યરત એમેઝોનની કોર્પોરેટ ટીમો અને એચઆર (PXT) વિભાગ પર આ છટણીની સીધી અસર પડી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે Reddit અને Blind પર કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મેનેજરોએ પહેલેથી જ સંકેતો આપવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને જે કર્મચારીઓ પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન (PIP) હેઠળ છે, તેમને સૌથી પહેલા જાણ કરવામાં આવે તેવી શક્યતા છે.

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીના જણાવ્યા અનુસાર, આ છટણી કોઈ આર્થિક તંગી કે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ને કારણે નથી લેવામાં આવી રહી. કંપનીનું માનવું છે કે મેનેજમેન્ટમાં જરૂર કરતા વધારે લેયર્સ (સ્તરો) બની ગયા છે, જેના કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે અને કામની ગતિ ધીમી પડે છે. આથી, કંપની વચ્ચેના મેનેજમેન્ટ સ્તરો ઘટાડીને કામગીરીને વધુ ઝડપી બનાવવા માંગે છે. જોકે, નિષ્ણાતો માને છે કે એચઆર અને કસ્ટમર સપોર્ટ જેવા ક્ષેત્રોમાં વધી રહેલું ઓટોમેશન પણ આ છટણી પાછળનું એક પરોક્ષ કારણ હોઈ શકે છે.

જો આ વખતે 16000 કર્મચારીઓની છટણી થશે, તો એમેઝોનમાં કુલ કાપનો આંકડો ૩૦,૦૦૦ને પાર કરી જશે. આ સંખ્યા 2022 અને 2023માં થયેલી 27000ની છટણી કરતા પણ વધારે છે. એમેઝોન પાસે વિશ્વભરમાં 15 લાખથી વધુ કર્મચારીઓ છે, પરંતુ આ કાપ માત્ર 3.5 લાખ જેટલા કોર્પોરેટ અને મેનેજમેન્ટ કર્મચારીઓ પર જ કેન્દ્રિત છે. અમેરિકામાં કાયદા મુજબ ઘણા કર્મચારીઓને અગાઉથી જ WARN નોટિસ મોકલી દેવામાં આવી હોવાના પણ અહેવાલો છે.

BIG NEWS: ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઇમ હાઇ

0

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઈકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!
સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.

ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબુ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઇતિહાસના તમામ રૅકોર્ડ તોડ્યા છે અને ઓલ ટાઇમ હાઇ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.

ભુજમાં સાયબર ઠગાઈનો ખોફનાક ખેલ: વૃદ્ધાને બે મહિના સુધી ઘરમાં કેદ રાખી કરી રૂ.83.44 લાખની લૂંટ

ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સતત થઇ રહેલા પ્રયાસો છતાં પણ નાગરિકો સતત લૂંટાઈ રહ્યા છે તેવામાં ભુજમાં એકાંકી જીવન ગાળતાં ૬૦ વર્ષીય વૃદ્ધાને સતત બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર ક્રિમિનલોએ રૂ. ૮૩.૪૪ લાખ રૂપિયા પડાવી લીધાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.

શું છે મામલો
આ અંગે ભુજના કોડકી રોડ પર પ્રભુ પાર્ક પાસે વિનાયકી રેસિડેન્સીમાં રહેતા ૬૦ વર્ષીય રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ્ જોશીએ દર્જ કરાવેલી ફરિયાદને ટાંકીને પી.આઈ કિંજલબેન રાઠોડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ‘તમારું સીમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે અને થોડીકવારમાં બંધ થઈ જશે તેમ કહીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથરોટી ઑફ ઈન્ડિયા (TRAI)ના નામે ગઠિયાઓએ તેમને ડરાવ્યા હતા.

મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી કર્યા ડિજિટલ એરેસ્ટ
ત્યારબાદ મુંબઈના કોલાબા પોલીસ મથકના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપનારા શખ્સે તેમને વિડીયો કોલ કરી વૃદ્ધાને તાત્કાલિક રૂબરૂ આવવાનું, તેમજ સીબીઆઈ ચીફ અને સુપ્રીમ કોર્ટના જજનો સ્વાંગ ધારણ કરીને વિડીયો કોલ મારફતે ખોટાં હુકમો બનાવીને વૃધ્ધાને વધુ ફફડતા કરી દીધા હતા. કેનેરા બેન્કમાં તેમના નામના ખાતામાં કરોડોની હેરફેર થઈ હોવાનું, મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહીને ગઠિયાઓએ તેમને હાઉસ અરેસ્ટ એટલે કે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા.

આ કેસના સેટલમેન્ટના નામે સાયબર ચીટરોએ પોતે જે બેન્ક ખાતાં. નંબર આપે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવા સૂચના આપી હતી. ગત ૨૮ નવેમ્બરના રોજ વૃદ્ધાએ નેવું હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ ટુકડે ટુકડે સાયબર ક્રિમિનલોની સૂચના મુજબ તેઓ જે બેન્ક ખાતાં નંબર આપે તેમાં રૂપિયા જમા કરાવતાં રહેતાં હતા.

ગુનાનો ભોગ બનનાર રાજ્યલક્ષ્મીબેને તેમની બહેન વિજયાલક્ષ્મી સાથે પોસ્ટ વિભાગમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સનું એક જોઈન્ટ ખાતું ખોલાવ્યું હતું. જેમાં લાખો રૂપિયાની માતબર રકમ જમા હતી. સાયબર ચીટરોએ વૃદ્ધાને ડરાવી દેતાં રાજ્યલક્ષ્મીબેન તેમની મંજૂરીથી દિલ્હી જઈ બહેન વિજયાલક્ષ્મીને ભુજ તેડી લાવેલા અને ચીટરોને સૂચના મુજબ જોઈન્ટ ખાતાં પર ૪૦ લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ લોન મેળવીને તેમના ખાતામાં જમા કરાવી હતી.

ચીટરો સતત તેમને વીડિયો કોલ કરીને રાઉન્ડ ઘી ક્લોક નજર રાખતા હતા. દરમિયાન, એકાંકી જીવન ગાળતાં રાજ્યલક્ષ્મી બેનને સાયબર માફિયાઓએ ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યાં હોવાની વિગતો મળતાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટુકડીએ તેમનો સંપર્ક કરી, રૂબરૂ મળીને તેમને કથિત ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યાં હતા.

બનાવ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ કલમો તળે અજ્ઞાત સાયબર માફિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.

આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ, ગુજરાત ATSએ નવસારીથી પકડ્યો, હથિયાર પણ મળ્યા

0

ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી. ફૈઝાન જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. પકડાયેલ આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૈઝાન મૂળ રામપુરામાં ડૂંડાવાળાનો વતની છે. ATSએ નવસારીના ચારપુલથી ધરપકડ કરી.

ATSની તપાસમાં સામે આવ્યું છે કે, ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઈઝ થયા બાદ, તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા હતા.

આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર પણ મેળવ્યા હતા. હાલ ATSએ આ મામલે આતંકીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. હથિયારો કોણે પૂરા પાડ્યા અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

તિરુમાલા લાડુ ઘી ભેળસેળ કેસમાં CBIની અંતિમ ચાર્જશીટ, 36 આરોપી નામજોગ

0

તિરુમાલા લાડુ ઘીમાં ભેળસેળ કેસમાં સીબીઆઇના નેતૃત્વવાળી એસઆઇટીએ નેલ્લોર એસીબી કોર્ટમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઇએ લગભગ 15 મહિનાની તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે. આ અંતિમ ચાર્જશીટમાં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીના ડિરેક્ટર પોમિલ જૈન અને વિપિન જૈન સહિત 36 મુખ્ય આરોપીઓના નામ છે. જેમના પર નકલી ઘી બનાવવાનો આરોપ છે. ટીટીડીના નિવૃત્ત જનરલ મેનેજર અને મૂળ ફરિયાદી પ્રલય કાવેરી મુરલી કૃષ્ણનું નામ હવે આરોપી દાખલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ટીટીડીના ભૂતપૂર્વ ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડીના અંગત સહાયક ચિન્ના અપ્પન્ના, ટીટીડીના પ્રોકયોરમેન્ટ જનરલ મેનેજર આરએસએસવીઆર સુબ્રમણ્યમની સપ્લાયર્સ સાથે સાંઠગાંઠ બદલ ધરપકડ કરવામાં આવી હતી, વૈષ્ણવી ડેરીના સીઈઓ સપ્લાયર અપૂર્વ વિનાયકંત ચાવડા, એઆર ડેરીના એમડી આર રાજશેખરન અને દિલ્હીના ઉદ્યોગપતિ અજય કુમાર સુગંધની ધરપકડ કરવામાં આવી હતી.જેમના પર નકલી ઘી બનાવવામાં વપરાતા રસાયણો સપ્લાય કરવાનો આરોપ છે.

તિરુમાલા શ્રીવરી લાડુ બનાવવામાં વપરાતા ભેળસેળયુક્ત ઘીના સપ્લાય સાથે સંકળાયેલા આ કેસની તપાસ શરૂઆતમાં રાજ્યની એસઆઇટી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સીબીઆઇની આગેવાની હેઠળની ટીમે સમગ્ર તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં
12 રાજ્યોનો સમાવેશ થયો અને ટીટીડી ઘી કોન્ટ્રાક્ટ સંબંધિત સપ્લાય ચેઇન, પ્રોકયુરમેન્ટ રેકોર્ડ, લેબ રિપોર્ટ અને નાણાકીય પ્રવાહની બારીકાઈથી તપાસ કરવામાં આવી. એઆઇટીએ ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને કથિત છેતરપિંડીનું કેન્દ્ર તરીકે ઓળખી કાઢ્યું અને તેના ડિરેક્ટરો, પોમિલ અને વિપિન જૈનને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ સપ્ટેમ્બર 2024 માં શરૂ થયો હતો જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુએ પવિત્ર પર્વત મંદિરમાં લાડુના પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગનો પર્દાફાશ કર્યો હતો. જેની તપાસ બાદ પુરાવા દર્શાવે છે કે પામ તેલ અને રસાયણનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું લાગે તેવું આશરે 68 લાખ કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી વર્ષ 2019 અને 2024 ની વચ્ચે ટીટીડી સપ્લાય ચેઇનમાં મોકલવામાં આવ્યું હતું. જેની અંદાજિત વ્યવહાર કિંમત આશરે રૂપિયા 250 કરોડ હતી. તપાસ દરમિયાન, SIT એ અનેક અગ્રણી વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અથવા તેમને નોટિસ જારી કરી હતી, પરંતુ તેમને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી.

મધ્યપ્રદેશના શાજાપુરમાં માલગાડી પાટા પરથી ઉતરી, ટ્રેન બે ભાગમાં તૂટી

0

મધ્યપ્રદેશના શાજાપુરમાં એક માલગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને બે ભાગમાં વિભાજીત થઈ ગઈ. આ અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. કહેવાય છે કે શનિવારે શાજાપુર જિલ્લાના માકસી રેલ્વે સ્ટેશન નજીક એક માલગાડી અચાનક નિયંત્રણ બહાર ગઈ અને પાટા પરથી ઉતરી ગઈ. આ માલગાડી ઉજ્જૈનથી ગુના જઈ રહી હતી. આ અકસ્માતમાં માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે ટ્રેન બે ભાગમાં વિભાજીત થઈ ગઈ. ઘટના બાદ રેલવે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનું પ્રાથમિક કારણ ટ્રેક તૂટવાને માનવામાં આવે છે. ટ્રેક તૂટવાને કારણે માલગાડીનું સંતુલન ખોવાઈ ગયું હતું અને કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની માહિતી મળતાં, રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ ઘટના અંગે સ્પષ્ટ અને સત્તાવાર માહિતી આપવાનું ટાળ્યું હતું. અકસ્માતને કારણે રેલ વ્યવહાર અસ્થાયી રૂપે પ્રભાવિત થયો હતો, અને તેને ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સ્ટેશન મેનેજર મુકેશ જૈને જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ, ટ્રેકમાં ખામી અકસ્માતનું કારણ હોઈ શકે છે. ઉજ્જૈનથી એક રેલવે ટેકનિકલ ટીમ વિગતવાર તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

‘5 વર્કિંગ ડે’ની માંગને લઈ દેશવ્યાપી બેન્ક હડતાળ, રાજ્યમાંથી 10 હજારથી વધુ કર્મચારી જોડાશે

0

દેશભરની જાહેર અને ખાનગી બેન્કોમાં ‘5 વર્કિંગ ડે’ અમલી બનાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માગણી હવે ઉગ્ર બની છે. સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવતા, આગામી 27 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ‘યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન’ (UFBU) દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનને પગલે બેન્કિંગ સેવાઓ ખોરવાય તેવી શક્યતા છે. નવ યુનિયનોના બનેલા આ સંગઠને સરકાર સામે આરપારની લડાઈ શરૂ કરી છે.

બેન્ક યુનિયનો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) વચ્ચે અગાઉ થયેલી સમજૂતી મુજબ મહિનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાની વાત કરવામાં આવી હતી. રજાના બદલામાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર થયા હતા. પરંતુ, સરકાર દ્વારા આ સમજૂતીના અમલીકરણમાં વિલંબ કરવામાં આવતા હવે હડતાળનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.

27મી જાન્યુઆરીએ આશરે 8 લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાશે. ગુજરાતના અંદાજે 15,000 કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 5,500 તેમજ એકલા રાજકોટ શહેરના 1,500 કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિન ધોળકિયાએ હડતાળ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટના અનેક વિકલ્પો હોવાથી પાંચ દિવસનું સપ્તાહ કરવાથી ગ્રાહક સેવા પર મોટી અસર નહીં પડે. તેમ છતાં, હડતાળને કારણે ગ્રાહકોને પડનારી સંભવિત તકલીફો બદલ યુનિયને દિલગીરી વ્યક્ત કરી છે.

વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ હૃદયદ્રાવક કિસ્સામાં હવે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માત લાગતી હતી, તે હવે હત્યા અને આત્મહત્યાનો ગંભીર ગુનો સાબિત થતી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વસ્ત્રાપુર પોલીસ મથકમાં એ ડિવિઝન એસીપી (ACP) જયેશ ડી. બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યશ ગોહિલ ઉર્ફે યશકુમાર સિંહે પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલની ઇરાદાપૂર્વક હત્યા કરી હતી. તપાસના આધારે યશ ગોહિલ સામે પત્નીની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

PM રિપોર્ટ અને FSL તપાસનો ખુલાસો

  • આ કેસમાં સૌથી મહત્વનો વળાંક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ આવ્યો છે.
  • હત્યાનો ઇરાદો: PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે રાજેશ્વરીનું મોત માથાના ભાગે ખૂબ જ નજીકથી ગોળી વાગવાને કારણે થયું હતું.
  • અકસ્માતની શક્યતા નકારી: શરૂઆતમાં એવી અટકળો હતી કે રિવોલ્વર સાફ કરતી વખતે કે ભૂલથી ગોળી છૂટી ગઈ હશે. પરંતુ, બેલેસ્ટિક નિષ્ણાતો અને FSL તપાસમાં જાણવા મળ્યું છે કે આધુનિક રિવોલ્વરમાં આ રીતે આકસ્મિક રીતે ફાયર થવાની કોઈ શક્યતા નથી. ગોળી જાણી જોઈને ટ્રિગર દબાવીને ચલાવવામાં આવી હતી.
  • પુરાવા: ઘટનાસ્થળેથી મળેલી રિવોલ્વરમાં માત્ર બે જ કારતૂસ હતા અને બંનેનો ઉપયોગ થઈ ગયો હતો. યશે પત્નીને માર્યા બાદ તે જ રિવોલ્વરથી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

એસીપી જે.ડી. બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, રિવોલ્વરને ફિંગરપ્રિન્ટ અને બેલેસ્ટિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસ હવે એ પાસા પર તપાસ કરી રહી છે કે યશ પાસે આ રિવોલ્વર ક્યાંથી આવી અને તેની પાસે તેનું લાયસન્સ હતું કે નહીં. આ ઉપરાંત, આ દંપતી વચ્ચે એવા તે કેવા વિખવાદ હતા કે મામલો લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો, તે જાણવા માટે પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.