Home Blog Page 177

સુરતના વેસુમાં પરિવારનો સામૂહિક આપઘાત પ્રયાસ, ત્રણના મોત

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ-પત્ની અને એક માસૂમ દીકરી સહિત ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બીજી દીકરીનો સમયસર સારવાર મળતા બચાવ થયો છે.

પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, નોટમાં વૈભવ રૂંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા બાબતે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મૃતક ઘરે બેઠા શેરબજારનું કામ કરતો હતો

મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરનાર બાલમુકુન્દે પોતાના પરિવારના સભ્યો સાથે ઝેરી દવા પીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.ત્રણ પાનાની સુસાઇડ નોટ મળીપોલીસ તપાસ દરમિયાન ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પરિવાર દ્વારા આ અંતિમ નિર્ણય પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધાનો આરોપ

સુસાઇડ નોટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા તથા તે કાર્ડનો દુરુપયોગ કરીને ખરીદી પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલ વેસુ પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલુ છે.

Surat: હોળી-ધૂળેટી મનાવવા વતન જતા પ્રવાસીઓનો ઉધના રેલવે સ્ટેશન પર ધસારો

હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો ખાસ કરીને વર્ષમાં બેવાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળીના પર્વમાં અને હોળી-ધૂળેટીના પર્વમાં પરિવાર સાથે વતન જતા હોય છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનો દોડાવી પ્રવાસીઓને માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા અપનાવવામાં આવેલા ક્રાઉડ મેનેજમેન્ટના કારણે સ્ટેશન પર ભીડ હોવા છતાં કોઈપણ જાતની મુશ્કેલી વગર પ્રવાસીઓ સરળતાથી ટ્રેનમાં બેસીને વતન જઈ રહ્યા છે. ટ્રેન ઉપડવાના 5 કલાક પહેલા પ્રવાસીઓ રેલવે સ્ટેશન પહોંચી જાય છે. એટલે ઊધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે મંડપ, પાણી અને ચાર્જિંગ સહિત વેઈટિંગ એરિયાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઊધના જંકશન ઉત્તરભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે હોળી પહેલા અહીં શ્રમિકોની કીડિયારું ઉભરાય તેવી સ્થિતિ સર્જાય છે.

ઊધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ખાસ 10 જેટલા નાના શેડ બનાવવામાં આવ્યા છે. આ શેડમાં મુસાફરોને આકરા તાપથી બચાવવા માટે પંખા, રોશની માટે વીજળી અને પ્રવાસીઓની સૌથી મોટી જરૂરિયાત એવા ‘મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડમાં ઉભેલા મુસાફરોની તરસ છિપાવવા માટે પ્લેટફોર્મ વિસ્તારમાં વધારાના 4 પીવાના પાણીના નળ મૂકાયા છે તેમજ રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ‘ક્રાઉડ મેનેજમેન્ટ’ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીની ભીડ વચ્ચે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સ્ટેશન પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF)ના 50 જવાનો, GRPના 40 જવાનો અને 30 જેટલા ચેકિંગ સ્ટાફને સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા છે, જનરલ ટિકિટ ધારકોને કતારબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવાની પદ્ધતિ અમલી બનાવતા અફરાતફરી ટળી હતી.

સુરતમાં ઇકોએ યુવકને ઉડાવ્યો, જિંદગી અને મોત વચ્ચેનો ખેલ CCTVમાં કેદ

0

સુરત શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં બેફામ કાર ચાલકે રસ્તા કિનારે જઈ રહેલા યુવકને અડફેટે લીધો હતો. યુવક રોડની બાજુએ ચાલતો હતો ત્યારે અચાનક ઝડપથી આવતી કારએ તેને જોરદાર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસે સીસીટીવીના આધારે ડ્રાઈવર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ભાજપના કોર્પોરેટરને શો-કોઝ નોટિસ

સુરતમાં ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા કોલ્ડ વોર વચ્ચે કતારગામના ભાજપના કોર્પોરેટરે ઝંપલાવતાં મામલો વધુ ગરમાયો છે. કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન મુદ્દે ઊભેલા વિવાદે પહેલેથી જ આંતરિક અસંતોષ જગાવ્યો હતો, જે શરૂઆતમાં માત્ર મોટા નેતાઓ સુધી સીમિત હતો.

પરંતુ સરકારી સ્કૂલની જગ્યા બદલવાના મુદ્દે કતારગામના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા સોશિયલ મીડિયામાં કરાયેલા બેફામ નિવેદનો અને ધારાસભ્ય વિનોદ મોરડીયા સામે કરાયેલા સીધા-આડકતરા પ્રહારથી સમગ્ર મામલાને રાજકીય રંગ મળી ગયો હતો.

નરેન્દ્ર પાંડવ દ્વારા અગાઉ પણ અનેક વખત બેફામ નિવેદનો કરવામાં આવ્યા હોવા છતાં શહેર સંગઠન લાંબા સમય સુધી મૌન રહ્યું હતું. પરિણામે પાલિકાની ચૂંટણી પહેલાં જ વિપક્ષને તૈયાર મુદ્દો મળી ગયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

પાલિકાની ચૂંટણી નજીક આવતા સ્કૂલની જગ્યા બદલાયેલા સ્થળે જઈને કરાયેલા નિવેદનો અને ત્યારબાદ અસામાજિક તત્વો સામે ફરિયાદ બાદ તેમના પરિવાર તરફથી કરાયેલા નિવેદનોને કારણે વર્ગવિગ્રહ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટનાક્રમથી ભાજપ બેકફૂટ પર આવી ગયું છે અને ચૂંટણીમાં નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

આખરે મોડે મોડે શહેર સંગઠન હરકતમાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા વિવાદી કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ્સ તથા વોર્ડમાં મનસ્વી વર્તનના કારણે પાર્ટીને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આ અંગે સાત દિવસમાં સ્પષ્ટીકરણ રજૂ કરવા જણાવ્યું છે.

બે મોટા નેતાઓની ખેંચતાણ વચ્ચે ઝંપલાવનાર કોર્પોરેટર હવે પોતે જ રાજકીય ઘેરાબંધીમાં ફસાયા છે. પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ માટે આ આંતરિક વિખવાદ કેટલો નુકસાનકારક સાબિત થશે તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

હોળી ટાણે કમોસમી વરસાદની ચેતવણી: ગુજરાતના 8 જિલ્લામાં ‘યલો એલર્ટ’, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં હોળી ટાણે અષાઢી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ગઇકાલે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગત મોડી રાતે અમદાવાદમાં પણ વરસાદ ખબક્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના અમુક જિલ્લામાં વરસાદ પાડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે.

મળતી વિગતો અનુસાર, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તેમજ ઉત્તર, પૂર્વ-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. અમરેલીમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 18.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનનું લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, પાઇલટ સહિત 4 લોકોના મોત

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે મધ્ય ઈરાનમાં એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું. મધ્ય ઈરાનમાં ફળ અને શાકભાજી બજારમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. ઈરાની રાજ્ય ટેલિવિઝન અનુસાર, આ અકસ્માત ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 330 કિલોમીટર (205 માઇલ) દક્ષિણમાં આવેલા ઇસ્ફહાન પ્રાંતના દોરચેહ શહેરમાં થયો હતો.

ઈરાની વાયુસેનાનો બેઝ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળ ઈસ્ફહાન નજીક આવેલો છે. જૂનમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ આ પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. તેણે ફોર્ડો અને નાતાન્ઝ પરમાણુ સ્થળો પર પણ બોમ્બમારો કર્યો હતો. સરકારી ટીવી અનુસાર, લશ્કરી હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટનું મોત થયું છે. ફૂટેજમાં હેલિકોપ્ટરનો કાટમાળ અને બજારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી ફાર્સે અહેવાલ આપ્યો છે કે બજારમાં જમીન પર બે લોકો માર્યા ગયા છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ઈરાનમાં આ બીજો અકસ્માત છે. તાજેતરમાં, પશ્ચિમી ઈરાની શહેર હમાદાન નજીક એક F-4 ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં એક પાઇલટનું મોત થયું હતું. ઈરાનમાં જીવલેણ ક્રેશનો ઇતિહાસ રહ્યો છે. પશ્ચિમી પ્રતિબંધોએ ઈરાનમાં વિમાનના ભાગોનો પુરવઠો બંધ કરી દીધો છે. ઈરાન તેની સરકારી અને વાણિજ્યિક એરલાઇન્સ બંને માટે જૂના હેલિકોપ્ટર અને વિમાનોના કાફલા પર આધાર રાખે છે.

ગોંડલમાં આપના પ્રદેશ સંયુક્ત સચિવ પર હુમલો, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ સંયુક્ત સચિવ જિગીષા પટેલ પર હુમલો થયો છે. મહિલાઓના ટોળાએ જિગીષા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો, જેથી જિગીષા પટેલને ઈજા પહોંચી હતી.

દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાળી પણ કરી હતી, જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી. જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જોકે ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ પથ્થરમારાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી. જિગીષા પટેલ પોતાની કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા શખસોએ તેમની કારને આંતરી હતી. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલાં નેતા પર અજાણ્યા શખસોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે જિગીષા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યાં હતાં ત્યારે અચાનક 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ તેમના પર હુમલો કર્યો હતો.

હુમલાના કારણે જિગીષા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાથમાં પણ ફેક્ચર જેવી ઈજાની આશંકા છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિકોની મદદથી ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેમની હાલત નાજુક જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રહાર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસની કાર્યશૈલી, પરિવારવાદ અને ભૂતકાળના શાસનકાળની સરખામણી વર્તમાન સ્થિતિ સાથે કરતા ગૃહમાં અનેક ગંભીર કટાક્ષ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસને એક ‘નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ’ સાથે સરખાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દર વખતે નવા પેકિંગમાં જૂની પ્રોડક્ટ લોન્ચ કરે છે પરંતુ તે સતત નિષ્ફળ જાય છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસમાં માત્ર એક જ પરિવારનું શાસન ચાલે છે. પરિવાર રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ -તેવું વાતાવરણ ત્યાં જોવા મળે છે.’ વધુમાં તેમણે ઉમેર્યું કે, ચૂંટણી સમયે ક્યારેક ટોપી પહેરીને તો ક્યારેક જનોઈધારી બનીને જનતાને છેતરવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કેમેરા હટતા જ અસલી ચહેરો સામે આવી જાય છે.

કોંગ્રેસના શાસનકાળને યાદ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે, તે સમયે વિકાસ ક્યાંક ખૂણામાં બેસીને ડુસકાં ખાતો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ હતી. મહિલાઓને બે-બે બેડાં માથે લઈને કિલોમીટરો સુધી ભટકવું પડતું હતું. તેમણે ભાવુકતા સાથે ઉમેર્યું કે, ‘જો ઘરમાં બે ભાઈ-બહેન હોય, તો એકનું આખું જીવન માત્ર પાણી લાવવામાં જ વીતી જતું હતું.’ તે સમયે ટ્રેનો દ્વારા પાણી પહોંચાડવાની નોબત આવતી હતી, જે સ્થિતિ વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ બદલાઈ છે.

નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા પર નિશાન સાધતા જણાવ્યું કે, કોંગ્રેસે હંમેશા રાષ્ટ્રહિતના કાર્યોનો વિરોધ કર્યો છે. કલમ 370 હટાવવી હોય કે રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસે દરેક તબક્કે અવરોધો ઊભા કર્યા છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવીને કોંગ્રેસે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી દીધી છે. અંતમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ટોપી પહેરે તેની સામે વાંધો નથી, પરંતુ દિલ્હીથી આવીને ગુજરાતની જનતાને ‘ઊંધી ટોપી’ પહેરાવવાનો જે પ્રયાસ કરે છે તે ચિંતાનો વિષય છે.

ગુજરાત સરકાર સામે ડ્રગ્સ-દારૂ મુદ્દે NSUI નો અર્ધનગ્ન દેખાવ

ગુજરાતમાં સતત પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અને દારૂબંધીના અમલીકરણ સામે સવાલો ઊઠાવી આજે (24મી ફેબ્રુઆરી) રાજકોટમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. શહેરના વ્યસ્ત એવા કિશાનપરા ચોક ખાતે કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી આવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા. આ દરમિયાન ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

અર્ધનગ્ન હાલતમાં દેખાવ
રાજ્યના યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણને રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરો મંગળવારે રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવને વધુ તેજ બનાવવા માટે કાર્યકરોએ કપડાં ઉતારી અર્ધનગ્ન હાલતમાં દેખાવ કર્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણના ધામો સુધી નશો પહોંચી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

કિશાનપરા ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. દેખાવ કરી રહેલા NSUIના હોદ્દેદારો અને કાર્યકરોને પોલીસે બળજબરીપૂર્વક હટાવ્યા હતા. પોલીસે શિસ્તભંગ અને જાહેર માર્ગ પર અવરોધ ઉભો કરવા બદલ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પણ કાર્યકરોએ ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ ના નારા લગાવ્યા હતા.

ભારત મંડપમ વિરોધ કેસમાં IYC પ્રમુખ ઉદય ભાનુ ચિબને 4 દિવસના પોલીસ રિમાન્ડ

0

દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન ભારત મંડપમમાં થયેલા વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં ધરપકડનો સિલસિલો ચાલુ છે. મંગળવારે દિલ્હી પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબની ધરપકડ કરી હતી. કોર્ટમાં હાજર થયા બાદ ઉદય ભાનુ છિબને ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ભારત મંડપમના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
તેમની ધરપકડ બાદ, દિલ્હી પોલીસે ઉદય ભાનુ છિબને કોર્ટમાં રજૂ કર્યા. પટિયાલા હાઉસ કોર્ટની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા.

આ ધરપકડ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે – કોંગ્રેસ
ઉદય ભાનુ છિબની ધરપકડ પર કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસે લખ્યું, “દિલ્હી પોલીસે IYC ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ છિબની ધરપકડ કરી છે. આ ધરપકડ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર આપે છે. અમે આ યુક્તિઓથી ડરીશું નહીં. અમે લોકોનો અવાજ ઉઠાવતા રહીશું અને તેમના માટે લડતા રહીશું.”

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીએ આકરી નિંદા કરી
ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખની ધરપકડ પર કોંગ્રેસના નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, “દિલ્હી પોલીસ દ્વારા ઉદય ભાનુ ચિબ અને અન્ય યુવા સાથીદારોની ગેરકાયદેસર ધરપકડની હું સખત નિંદા કરું છું.”

શાંતિપૂર્ણ પ્રદર્શન
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “સરકાર ભૂલી રહી છે કે લોકશાહીમાં, યુવાનો દ્વારા અવાજ ઉઠાવવો, પ્રશ્નો પૂછવા અને વિરોધ કરવો એ ગુનો નથી, પરંતુ લોકશાહીનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. અમારા યુથ કોંગ્રેસના કાર્યકરોએ હિંસા કે ઉશ્કેરણી વિના, શાંતિપૂર્ણ રીતે વડા પ્રધાનના સમાધાનો અને યુવાનોની અગમ્ય વેદનાનો પર્દાફાશ કર્યો છે.”

સરકાર પોલીસ દમનનો આશરો લઈ રહી છે
બઘેલે કહ્યું કે આ એક હિંમતવાન, કાયદેસર અને લોકશાહી કાર્યવાહી હતી, જેને દબાવવા માટે સરકાર હવે પોલીસ દમનનો આશરો લઈ રહી છે. આ કાર્યવાહી માત્ર ગેરકાયદેસર જ નથી પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી પર સીધો હુમલો પણ છે.

IYC કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે માંગણી કરીએ છીએ કે ઉદય ભાનુ ચિબ સહિત ધરપકડ કરાયેલા તમામ IYC કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેમની સામેના તમામ ખોટા આરોપો પાછા ખેંચવામાં આવે અને આવી દમનકારી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે.