Home Blog Page 156

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઈરાકમાં અમેરિકાનું KC-135 વિમાન ક્રેશ, 5 ક્રૂ સભ્યો લાપતા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ થયું છે. અ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અમેરિકી સેનાનું એક KC-135 સૈન્ય વિમાન ક્રેશ થયું છે.

ઇરાકમાં અમેરિકાનું KC-135 સૈન્ય વિમાન ક્રેશ થયું છે. આ પછી ઇરાકના એક વિદ્રોહી જૂથે દાવો કર્યો છે કે વિમાનને તેમણે જ તોડી પાડ્યું છે. આ વચ્ચે અમેરિકન સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ અકસ્માત દુશ્મન દેશના કોઈ હુમલા કે ‘ફ્રેન્ડલી ફાયર’ને કારણે થયો નથી. સેનાના નિવેદન મુજબ, તે સમયે બે વિમાનો ઉડાન ભરી રહ્યા હતા, જેમાંથી એકનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે જ્યારે બીજું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન અમેરિકાનું KC-135 રિફ્યુલિંગ વિમાન ઈરાકમાં ક્રેશ થયું છે. આ વિમાન હવામાં જ અન્ય લડાયક વિમાનોમાં ઈંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમને શોધવા માટે હાલમાં મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

એ નોંધનીય છે કે યુએસ KC-135 વિમાનનો ઉપયોગ લાંબા અંતરના મિશન દરમિયાન હવામાં ફાઇટર જેટ અને અન્ય લશ્કરી વિમાનોને રિફ્યુઅલ કરવા માટે થાય છે.

સતારા કાંડથી હલચલ: ધોરણ 6ની વિદ્યાર્થીનીથી ધોરણ 10ના પેપર ચેક કરાવવાના આરોપ

0

મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાઈ રહી છે. SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) બોર્ડની પરીક્ષા 18 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થશે, જેમાં અંદાજે 30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાઓ વચ્ચે, સતારા જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે. અહીં, છઠ્ઠા ધોરણમાં ભણતી એક છોકરી પાસેથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પેપરો તપાસવામાં આવી રહ્યા છે. આનાથી રાજ્ય બોર્ડની પરીક્ષાઓની મૂલ્યાંકન પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

મહારાષ્ટ્રમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીઓ દ્વારા દસમા ધોરણની બોર્ડ પરીક્ષાનું પેપર તપાસવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સતારા જિલ્લાના ફલટન તાલુકામાં બની હોવાનું જાણવા મળે છે. વિડાનીમાં ઉત્તરેશ્વર હાઇસ્કૂલના એક શિક્ષક પર છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીઓનો ઉપયોગ કરીને દસમા ધોરણની પરીક્ષાનું પેપર તપાસવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોલ્હાપુર વિભાગીય SSC બોર્ડના અધ્યક્ષ રાજેશ ક્ષીરસાગરે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

SSC બોર્ડ કોલ્હાપુરના ચેરમેન રાજેશ ક્ષીરસાગરે જણાવ્યું હતું કે એક હાઇસ્કૂલના શિક્ષક પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે નીચલા ધોરણના વિદ્યાર્થીઓને તેમના 10મા ધોરણના મરાઠી પેપર તપાસવા માટે કહ્યા હતા. પ્રારંભિક તપાસ બાદ, આરોપો સાચા સાબિત થયા. બોર્ડને ઘટનાના CCTV ફૂટેજ મળ્યા છે. NBT દ્વારા બોર્ડ પાસેથી મેળવેલ આ વીડિયો શિક્ષકની બેદરકારીને સ્પષ્ટપણે દર્શાવે છે. શિક્ષકનું નામ વૈભવ શેંડે હોવાનું જાણવા મળ્યું છે. CCTV ફૂટેજમાં, વૈભવ વિદ્યાર્થીનીઓ સાથે બેઠો અને ઉત્તરવહીઓ તપાસતો જોવા મળે છે.

આ ઘટના બાદ, શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણીઓ થઈ રહી છે. વિભાગીય બોર્ડે આ બાબતની નોંધ લીધી છે અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જોકે, શાળા વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં, બોર્ડે તમામ શાળાઓ પાસેથી પરીક્ષા કેન્દ્રો પર સ્થાપિત સીસીટીવી કેમેરાની સંપૂર્ણ વિગતો માંગી હતી. આનાથી પરીક્ષા દરમિયાન લાઈવ મોનિટરિંગ થઈ શકશે અને કોઈપણ છેતરપિંડી કે અનિયમિતતાના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે. શાળાઓને બોર્ડને તેમના સીસીટીવી કનેક્શન લોગિન આઈડી, એડમિન આઈડી અને પાસવર્ડ પ્રદાન કરવા સૂચના આપવામાં આવી હતી. આ માટે શાળાઓએ ગુગલ ફોર્મ ભરવાનું હતું.

બીજી તરફ, મહારાષ્ટ્ર બોર્ડે 10મા ધોરણના પેપર લીક કેસમાં નવી માહિતી આપી છે. 10મા ધોરણના ગણિતના પેપર લીક અંગે, સ્કૂલ બોર્ડનું કહેવું છે કે પરીક્ષા પૂર્ણ થયા પછી ગણિત ભાગ-2નું પેપર ટેલિગ્રામ પર શેર કરવામાં આવ્યું હતું, જ્યારે 10મા ધોરણના ગણિત ભાગ-1ના પેપર લીક અંગે કોઈ ફરિયાદ મળી નથી . જોકે, આ પહેલા 10 માર્ચે પુણે ડિવિઝનલ બોર્ડના એક કર્મચારીએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં પેપર લીક અંગે FIR નોંધાવી હતી.

કર્મચારીએ FIRમાં કહ્યું હતું કે ટેલિગ્રામ પર ઓનલાઈન શેર કરાયેલું પેપર મૂળ પેપર સાથે બરાબર મેળ ખાય છે. ગણિત ભાગ-1નું પેપર 6 માર્ચે અને પાર્ટ-2નું પેપર 9 માર્ચે યોજાયું હતું.

મહારાષ્ટ્ર બોર્ડની ૧૨મા ધોરણની પરીક્ષાઓ ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને ૧૦મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. બંને વર્ગોની બોર્ડ પરીક્ષાઓ ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સમાપ્ત થશે. દર વર્ષની જેમ, મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાઓમાં આશરે ૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

ગેસની અછત વચ્ચે ઇન્ડક્શન સ્ટોવના ભાવમાં ઉછાળો, ઓનલાઇન સ્ટોક ખતમ

ગેસની અછત વચ્ચે એક આશ્ચર્યજનક સમાચાર મળ્યા છે. ઇન્ડક્શનની ડિમાન્ડ વધવા લાગી છે. ડિમાન્ડ વધવાના પરિણામે ઓનલાઇન વેચાતા ઇન્ડક્શન આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. ગેસ સિલિન્ડરના બુકિંગની અવધિ 25 દિવસ કરવામાં આવતા હવે લોકો ઇન્ડક્શનની ખરીદી કરી રહ્યા છે. બીજી બાજુ કૉમર્શિયલ સિલિન્ડર મળતા બંધ થઈ જતાં ધંધાદારીઓ પણ ઇન્ડક્શન તરફ વળ્યા છે.

આ કારણે જ ઇન્ડક્શનની ડિમાન્ડમાં 30 ટકાનો વધારો થયો છે. અને તેનો ફાયદો મેળવતા ઇન્ડક્શનના ભાવમાં પણ 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરતા હવે એ યુદ્ધની મંથર ગતિએ અસર જોવા મળી રહી છે. આ અસર બીજે ક્યાંય નહીં પરંતુ ગુજરાતીઓના રસોડા પર દેખાય છે. ગઈકાલથી લોકોને ગેસ સિલિન્ડરની અછત પડી રહી છે. લોકો બુક કરી રહ્યા છે, પણ બુક થઈ નથી રહ્યો. રેડ એલર્ટના જોખમ વચ્ચે તડકામાં લોકો લાઇન લગાવી ઊભા છે. હોટલ ઉદ્યોગથી લઈને રસોડા સુધી ગેસ સિલિન્ડરના પોકારો થઈ રહ્યા છે. બીજી બાજુ ગુજરાતના ઉદ્યોગો પણ ગેસની અછતને લઈ વલખા મારવા લાગ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં ઠેકઠેકાણે ગેસને લઈ લાઇનો લાગી હતી.

અમદાવાદમાં પણ ગેસ સિલિન્ડરને લઈ લોકોની લાંબી લાઇનો લાગી હતી. અમદાવાદના સરખેજમાં ભારત ગેસ સિલિન્ડર લેવા માટે મુખ્ય ઓફિસની બહાર વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ગેસ સિલિન્ડર લેવા માટે ઉમટ્યા હતા. સિલિન્ડર ઓનલાઇન નોંધાતા ન હોવાના કારણે લાંબી કરતા લાગી હતી. જોકે દરરોજ 10 વાગ્યે ખુલતી ઓફિસ 11.30 વાગ્યે ખુલી હતી.

વડોદરામાં પણ ગેસ સિલિન્ડર લેવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા હતા. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી ગાયત્રી ગેસ એજન્સીમાં લાંબી લાઇનો લાગી હતી. આકરી ગરમીમાં ગેસ સિલિન્ડર લેવા માટે લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા હતા. કલેક્ટરે કહ્યું હતું કે ગેસનો પુરતો સ્ટોક છે આમ છતાં લોકોએ એ વાતને અવગણી એજન્સીએ પહોંચી ગયા હતા.

સુરતમાં એક કંઈક બીજી જ સમસ્યા છે. અહીં ગેસ સિલિન્ડરની અછતથી તો લોકો પરેશાન છે જ પરંતુ ઓનલાઇન બુકિંગ ન થતાં લોકો અટવાયા છે. આ કારણે બજારમાં હવે જેનો ક્યારેય કોઈ ભાવ નહોતું પૂછતું તે ઇલેક્ટ્રિક સગડીની ડિમાન્ડ આવી ગઈ છે. દુકાનદારો પણ ઇલેક્ટ્રિક સગડીના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે.

આંધ્રપ્રદેશમાં ભેળસેળયુક્ત દૂધ પીવાથી 13 લોકોના મોત, 7ની હાલત ગંભીર

0

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં ભેળસેળયુક્ત દૂધ પીવાના કારણે અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, અન્ય 7 લોકો હજુ પણ રાજમહેન્દ્રવરમની હોસ્પિટલોમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ ગુરુવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસ સૌપ્રથમ 22 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું કે લાલાચેરુવુ વિસ્તારના ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગરના ઘણા વૃદ્ધ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને મૂત્ર ન થવું (એન્યુરિયા), ઉલટી, પેટમાં દુખાવો અને અન્ય ગંભીર તકલીફો થઈ રહી હતી.

બધાએ એક જ જગ્યાથી દૂધ લીધું હતું
અધિકારીએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આ બધાએ એક જ જગ્યાથી દૂધ ખરીદ્યું હતું, જે શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત હતું. તેમણે જણાવ્યું કે એપિડેમિયોલોજી સંબંધિત મજબૂત પુરાવા દર્શાવે છે કે ભેળસેળ જ મોતનું મુખ્ય કારણ છે. વિવિધ વિભાગોએ મળીને આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન દર્દીઓના લોહીમાં યૂરિયા અને સીરમ ક્રિએટિનિનનું સ્તર ખૂબ જ વધારે મળ્યું હતું, જે ઝેરી પદાર્થોના પ્રભાવનો સંકેત આપે છે. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું કે દૂધ જ ઝેરી પદાર્થોનું મુખ્ય સ્ત્રોત હતું. આ દૂધ કોરુકોંડા મંડલના નરસપુરમ ગામમાં આવેલી વરલક્ષ્મી મિલ્ક ડેરીમાંથી 106 પરિવારોને સપ્લાય કરવામાં આવતું હતું.

દૂધ વિક્રેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો
મામલો સામે આવતા જ દૂધની સપ્લાય તરત જ બંધ કરી દેવામાં આવી છે. ડેરીમાંથી દૂધના નમૂનાઓ લઈને તેને સીલ કરી દેવામાં આવ્યા છે. 33 વર્ષીય શંકાસ્પદ દૂધ વિક્રેતા અડ્ડાલા ગણેશ્વરરાવને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં ઇમરજન્સી મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. ડોક્ટરો અને નિષ્ણાતોની ટીમ સતત કાર્યરત છે અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારતના ઘણા વિસ્તારોમાં ભેળસેળયુક્ત દૂધ અંગે અગાઉ પણ ફરિયાદો સામે આવી છે અને તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

ગુજરાતમાં બે વર્ષમાં 6,240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને આડેહાથ લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોને લઈ હજુ પણ કોઈ જાણકારી નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કાયદા વ્યવસ્થાને લઈને ગરમાગરમ બહસ જામી હતી. વિપક્ષે રાજ્યમાં ગૂમ થતાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી કે, ગૂમ થયેલા બાળકોને શોધવા માટે ગૃહવિભાગે ખાસ ડ્રાઈવ કરવી જોઈએ. પોલીસે સક્રિય થવું જોઈએ. તેનું કારણ એ છે કે છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં 24 જિલ્લામાં ગૂમ થયેલા બાળકોની સંખ્યા 6240 છે જે પૈકી હજુ 553 બાળકો મળી આવ્યા નથી જે ચિંતાનું કારણ છે.

ગૂમ થયેલી 67 મહિલાઓ, ઘરે પાછી આવી ગઈ
છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 67 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદમાં સૌથી વધુ 20 અને સુરતમાં 15 મહિલાઓ ગૂમ થઈ હતી. 15થી વધુ જિલ્લામાં મહિલા ગૂમ થયાની ફરિયાદો મળી હતી. જોકે ગૃહવિભાગે દાવો કર્યો કે, ગૂમ થયેલી મહિલાઓ સલામત રીતે પરત ફરી છે. હવે એકેય મહિલા શોધવાની બાકી નથી.

ઈરાનની મોટી જાહેરાત: ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી

0

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધતું જાય છે. ત્યારે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચેની વાતચીત બાદ આ સહમતિ બની છે. રિપોર્ટ મુજબ જે જહાજો અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા નથી, તેમને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે. આ જ કારણસર હાલમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, ઈરાને બુધવારે રાત્રે ફારસની ખાડીમાં ‘સેફસી વિષ્ણુ’ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે.

ઉનાળામાં માટલાનું પાણી પીવું કે ફ્રિજનું? જાણો શરીર માટે કોણ વધારે લાભદાયી

0

ઉનાળો શરુ થતા જ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ગરમીમાં ઠંડું પાણી વધારે પીવાની ઇચ્છા થાય છે. ઘણા પરિવારો સ્વાસ્થ્યના કારણે ઠંડા પાણી માટે રેફ્રિજરેટરને બદલે માટીના માટલાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. માટીના માટલામાંથી નીકળતું મીઠું પાણી અમૃત જેવું લાગે છે. ઉનાળાનું આ દેશી ફ્રિજ પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે, તેના ક્ષારયુક્ત ગુણો શરીરના pH સ્તરને સંતુલિત કરવામાં પણ જાદુઈ અસર બતાવે છે.

જોકે માટલાના પાણીની મીઠાશ ફક્ત ત્યારે જ ફાયદાકારક છે જો તેની જાળવણીમાં યોગ્ય કાળજી લેવામાં આવે. સહેજ પણ બેદરકારી ફાયદાને બદલે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ માટલાના પાણીનો ઉપયોગ કરતી વખતે કઇ ભૂલો ટાળવી જોઇએ.

માટલામાં સીધો ગ્લાસ નાખવાનું ટાળો
માટલામાંથી પાણી પીવા માટે સીધો હાથ અથવા ગ્લાસ નાખવાનું ટાળો. હંમેશા લાંબા હાથા વાળો ડોયો અથવા નળવાળું માટલું ખરીદો. આમ કરવાથી ચેપ ફેલાવવાનું જોખમ ઓછું થઇ જાય છે.

માટલાને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઇ જાય છે, સાથે-સાથે માટીના કુદરતી ગુણો ઉપર પણ અસર પડે છે. તેને ઘરના સૌથી ઠંડા અને છાંયડાવાળા ખૂણામાં રાખવું શ્રેષ્ઠ છે. માટલાને ભીના કોથળા અથવા કપડાથી લપેટી રાખવામાં આવે તો વાષ્પીકરણ સુધરે છે, જેના કારણે પાણી વધારે ઠંડુ અને શુદ્ધ રહે છે.

માટલાને દર 2-3 દિવસે ખાલી કરો અને તેને સ્વચ્છ પાણીથી ઘસીને ધોઈ લો. સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આનાથી માટલાના રોમછીદ્ર કેમિકલ શોષી શકે છે.

માટીના માટલાની પણ એક સેલ્ફ લાઇફ હોય છે. સમય જતાં તેના સૂક્ષ્મ છિદ્રો બંધ થઇ જાય છે, જેથી પાણી ઠંડુ થવું ઓછું થઇ જાય છે. સારા સ્વાસ્થ્ય અને તાજગી માટે દર વર્ષે નવું માટલું ખરીદવું એ સારો ઉપાય હોઈ શકે છે.

આપણે ઘણીવાર માટલાની સફાઇ કરીએ છીએ પરંતુ તેના ઢાંકણાની અવગણના કરીએ છીએ. માટલાને હંમેશા એવી પ્લેટ અથવા ઢાંકણાથી ઢાંકો જે સારી રીતે ફિટ થાય, જેથી ધૂળ, ગંદકી અથવા જંતુઓ પાણીમાં ન જાય. તેને પણ માટલા સાથે સાફ કરવું જોઈએ.

પેટ્રોલ-ડીઝલ અને ગેસ અછત મુદ્દે સરકાર સક્રિય: અમિત શાહની અધ્યક્ષતામાં બની કમિટી

0

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત ન રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર દેખરેખ રાખવા માટે એક ખાસ સમિતિની રચના કરી છે. ત્રણ મંત્રીઓની સમિતિમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે.

આ સમિતિમાં કોણ કોણ છે?

  • અમિત શાહ (ગૃહમંત્રી)
  • એસ. જયશંકર (વિદેશ મંત્રી)
  • હરદીપ સિંહ પુરી (પેટ્રોલિયમ મંત્રી)
  • ગેસ એજન્સીઓમાં ભીડ જામી

દિલ્હી, મુંબઈ, લખનૌ અને ભોપાલ જેવા મુખ્ય શહેરોમાં ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો તેમના સિલિન્ડર રિફિલ કરાવવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલી જંગ છે. આ અહેવાલોએ લોકોમાં ભય ફેલાવ્યો છે કે રસોઈ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે અથવા કિંમતો વધી શકે છે. આ ગભરાટને કારણે લોકો સમય પહેલા ગેસનો સ્ટોક કરવા ઉતાવળ કરી રહ્યા છે, જેના કારણે બજારોમાં અરાજકતા ફેલાઈ રહી છે.

જોકે સરકારે આ બધી ચિંતાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. સરકારનો દાવો છે કે દેશમાં પૂરતો ગેસ અને તેલનો સ્ટોક છે અને સપ્લાય ચેઇનમાં કોઈ વિક્ષેપ નથી. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ભારતના સ્થાનિક પુરવઠા પર અસર કરશે નહીં અને ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે. સરકારે જનતાને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટથી બચવા અપીલ કરી છે, કારણ કે દેશનો ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

1 એપ્રિલથી દેશમાં માત્ર E20 પેટ્રોલ: એન્જિન અને માઇલેજ પર શું પડશે અસર? જાણો

0

ભારતમાં ઇંધણ નીતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં 1 એપ્રિલ, 2026 થી દેશના તમામ પેટ્રોલ પંપ પર માત્ર E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વેચાણ માટે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો, પ્રદૂષણમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની ઇથેનોલ મિશ્રણ નીતિનો એક ભાગ છે, જે અંતર્ગત પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારીને 20 ટકા કરવામાં આવી રહ્યું છે.

જો તમે ટુ-વ્હીલર, ફોર વ્હીલર અથવા કોઈ પણ પેટ્રોલથી ચાલતું વાહન પણ ચલાવો છો, તો અહીં જાણો કે E20 પેટ્રોલ શું છે, નિયમો શું છે, તેનાથી વાહનની માઇલેજ પર કેવી અસર થાય છે અને કારના એન્જિનને કેવી રીતે સુરક્ષિત રાખવું.

E20 પેટ્રોલ શું છે?
E20 પેટ્રોલ એક એવું ઇંખણ છે જેમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. ઇથેનોલ સામાન્ય રીતે શેરડી, મકાઈ અને અન્ય બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે શુદ્ધ પેટ્રોલ કરતાં પર્યાવરણ માટે વધુ સારું અને રિન્યુએબલ ઇંધણ માનવામાં આવે છે.

1 એપ્રિલ, 2026 થી શું બદલાશે
સરકારના નવા નિયમ મુજબ દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ પેટ્રોલ પંપ પર ઇ20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત રહેશે. આ ઇ20 પેટ્રોલનો મિનિમમ રિસર્ચ ઓક્ટેન નંબર રોન 95 હશે, ત્યારબાદ સામાન્ય લો ઓક્ટેન પેટ્રોલની ઉપલબ્ધતા ધીમે ધીમે દૂર કરવામાં આવશે. આ પ્રક્રિયા ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને વેગ આપવાની ભારત સરકારની વ્યૂહરચનાનો પણ એક ભાગ છે.

E20 પેટ્રોલના ફાયદા
E20 પેટ્રોલના ઘણા મોટા ફાયદા છે, જે નીચે મુજબ છે.

  • ઓછું પ્રદૂષણ : ઇથેનોલ એક સ્વચ્છ જ્વલનશીલ બળતણ છે, જે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
  • એન્જિન ઓછો અવાજ કરે છે : RON 95 હોવાથી એન્જિનમાં વધુ સારી નોક પ્રોટેક્શન મળે છે.
  • ક્રૂડ આયાત ઘટશે : ભારતના ક્રૂડ ઓઇલની આયાત બિલ ઘટશે, જેનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે.
  • ખેડૂતોને ફાયદો : ઇથેનોલના ઉત્પાદનમાં શેરડી અને મકાઈની માંગ વધશે, જે ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે.

શું તમારી કાર E20 માટે તૈયાર છે?
સરકાર અને ઓટો કંપનીઓના જણાવ્યા અનુસાર, 2023 પછી લોન્ચ થયેલી મોટાભાગની કાર E20 સુસંગત છે, જે નવી એન્જિન ટેક્નોલોજી અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે

E20 તૈયાર મોડલ ઓફર કરતી મોટી કંપનીઓ
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ કંપનીઓમાં સામેલ છે જેમણે ભારત સરકારની E20 પેટ્રોલ નીતિ હેઠળ પોતાને તૈયાર કર્યા છે. આ સિવાય અન્ય કંપનીઓ પણ આ નવી પેટ્રોલ પોલિસી હેઠળ પોતાને અનુકૂળ થવા માટે ઝડપથી તૈયારી કરી રહી છે.

E20 પેટ્રોલની જૂની કાર પર શું અસર થશે?

  • નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, BS3 અને BS4 અથવા 2020 પહેલાની ઘણી કારની થોડી અસર થઈ શકે છે, જે નીચે મુજબ છે.
  • માઇલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.
  • રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સ ઝડપથી ઘસાઈ શકે છે.
  • નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાહનમાં લાંબા સમય સુધી ઇ20 ઇંધણ સંગ્રહિત કરવું યોગ્ય નથી, તેથી વપરાયેલી કારના માલિકોએ માલિકના મેન્યુઅલમાં ઇ20 સુસંગતતા ચોક્કસપણે તપાસવી જોઈએ.

કાર માલિકો માટે મહત્વની સલાહ

  • E20 પેટ્રોલનો ઉપયોગ કરતી વખતે આ સાવચેતી રાખો.
  • વાહનનું ફ્યૂઅલ ફિલ્ટર સમયસર બદલી નાંખો.
  • પેટ્રોલને લાંબા સમય સુધી ટાંકીમાં સંગ્રહિત કરશો નહીં
  • ભેજવાળા વિસ્તારોમાં ફ્યૂઅલ ટેન્કને 25 ટકાથી ઉપર રાખો.
  • નિયમિત સર્વિસ કરાવો

E20 પેટ્રોલનો ઉદ્દેશ્ય શું છે?
ઇ20 પેટ્રોલ પાછળ ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલની આયાત નિર્ભરતા ઘટાડવાનો છે. તેનાથી ગ્રીન ઇંધણના ઉપયોગને વેગ મળશે સાથે સાથે પ્રદૂષણ પણ ઘટે છે. કેન્દ્ર સરકારની આ પહેલને ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

સુરતના લિંબાયતમાં પતિએ કરી પત્નીની હત્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. શરૂઆતમાં આરોપીએ ચક્કર આવી પડવાથી મોત થયું હોવાનું કહેીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃતકના ભાઈએ પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાનું જણાવતાં પોલીસે કડક પૂછપરછ હાથ ધરી.

તપાસ દરમિયાન આરોપીનો ભાંડો ફૂટ્યો અને તેણે હત્યા કર્યાની કબૂલાત આપી. વધુ તપાસમાં સામે આવ્યું કે હત્યા પહેલા આરોપીએ ગૂગલ પર શ્વાસ રૂંધવાથી કેટલા સમયમાં મોત થઈ શકે તેમજ ક્લોરોફોર્મ ક્યાંથી મળી શકે તેવી માહિતી પણ સર્ચ કરી હતી. 9 માર્ચે યુવતીનું મોત થયું હતું અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.