Home Blog Page 152

સુરતમાં 18 વર્ષ જૂના 50 રૂપિયાના હત્યા કેસમાં ઝારખંડથી આરોપી ઝડપાયો

0

શહેરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવતા વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં ફરાર રહેલા ખૂંખાર આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે ‘બબલુ’ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

આ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદથી જ પોલીસની પકડથી દૂર રહીને વર્ષો સુધી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, છતાં લાંબા સમય સુધી તે હાથ લાગતો નહોતો.

આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો છે. માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું.

પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી. આરોપી પોતાને બચાવવા માટે આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો, જેથી તેની ઓળખ છુપાય. છતાં પોલીસની તીવ્ર નજર અને સુનિશ્ચિત આયોજનના કારણે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી.

આ ઓપરેશન દરમિયાન પોલીસને જંગલ વિસ્તારની કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, છતાં ટીમે હિંમત અને ધીરજ રાખીને આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી સામે સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને હવે આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે! આંધી-તોફાન સાથે વરસાદની તીવ્ર આગાહી

0

ગુજરાતમાં હાલમાં વાતાવરણમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. ધોમધખતા તાપની વચ્ચે અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, રાજ્યના અનેક જિલ્લામાં ગઈ કાલે એકથી દોઢ ઈંચ સુધી વરસાદ પણ થયો છે. ધૂળની ડમરી અને ભારે પવન ફુંકાવા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મીની વાવાઝોડાએ ધરતીપુત્રોના સપનાઓ ઉડાવી નાખ્યા છે, છાપરા ઉડી ગયા છે, ઉભો પાક બળી ગયો છે અને ખેડૂતની મહેનત પળવારમાં રાખ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે. 24 કલાક બાદ તાપમાનમા વધારો રહી શકે છે. આગામી સાત દિવસ તાપમાનમા 4-5 ડિગ્રીનો વધારો થશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યનું વાતાવરણ પલટાયું છે. રાજ્યમાં આવતીકાલ 20 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ભારે પવન અને આંધી વંટોળ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે રાજ્યમાં વધુ 3 પશ્ચિમ વિક્ષેપ આવવાની નવી આગાહી કરી છે. રાજ્યમાં 25થી 26 અને 28 થી 31 માર્ચે પણ ફરી બે પશ્વિમ વિક્ષેપ આવશે. જેના કારણે રાજ્યનું વાતાવરણ ફરી બદલાશે. એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી છે.

નવી આગાહી કહે છે કે, 2 સિસ્ટમ સક્રિય હોવાથી હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે માવઠું પડી શકે છે. કમોસમી વરસાદનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે.

વન વિભાગમાં મોટી ફેરફાર: 35 RFO અધિકારીઓની બદલી, કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વહીવટી સુધારણા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 18 માર્ચ, 2026ના રોજ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી રાજ્યભરના 35 પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO – રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-2)ની સામુહિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અપેક્ષિત આ નિર્ણયને વહીવટી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

વિભાગના ઉપ સચિવ હિમાંશુ ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, આ બદલીઓ રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ તથા વર્કિંગ પ્લાન સર્કલ વચ્ચે કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વહીવટમાં ગતિ લાવવી અને ક્ષેત્રિય સ્તરે કાર્યક્ષમતા વધારવી છે.

આદેશ મુજબ, તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની હાલની ફરજમાંથી મુક્ત થઈને નવી નિમણૂંકના સ્થળે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોનું માનવું છે કે હાલ આ બદલીઓ ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પરંતુ આવનારા સમયમાં અન્ય RFO અધિકારીઓ માટે પણ ટ્રાન્સફરનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

બદલીઓની યાદીમાં કેટલીક મહત્ત્વપૂર્ણ હલચલ જોવા મળી છે. જીવરાજભાઈ દેસાઈને ભુજ મોનિટરિંગ રેન્જમાંથી નળ સરોવર ખાતે ખસેડાયા છે, જ્યારે નિખિલ નિમ્બાર્કને સાસણ ગીરથી ગાંધીનગર ઉર્જા રેન્જમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષાબેન વઘાશીયાને ખીજડિયા પરથી જોડિયા રેન્જમાં મોકલાયા છે. આ ઉપરાંત, શક્તિભાઈ ભાલિયાને ધ્રોલથી સંશોધન વિભાગ, આણંદપુરામાં અને હીરેનકુમાર પટેલને વાંકલથી વલસાડ વર્કિંગ પ્લાન રેન્જમાં બદલી આપવામાં આવી છે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ બદલીઓમાં મહિલા અધિકારીઓને પણ સ્થાન મળ્યું છે. પ્રતિક્ષાબેન ચૌધરી (પાલનપુર), નીધિ ચૌહાણ (માણસા) અને જ્યોતિબેન વાજા (જૂનાગઢ) સહિતની અધિકારીઓનો સમાવેશ યાદીમાં થયો છે, જે વિભાગમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત બનાવે છે. આ સમગ્ર ફેરફારને રાજ્યના વન વ્યવસ્થાપનમાં નવી દિશા આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે, જેમાં વધુ સક્રિય અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

રાજકોટ-જામનગરમાં કરા સાથે વરસાદ, કચ્છમાં વંટોળ, આજે 12 જિલ્લામાં ગાજવીજની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનનો માહોલ સર્જાયો છે. આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો. ભારે પવનના કારણે ધૂળના વંટોળ ઉડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.

બપોર બાદ રાજકોટ, જામનગર અને ખંભાળિયા પંથકના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગરમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદ અને પવનના કારણે દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ અને કેરી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે પણ ધૂળના વંટોળ સાથે તોફાની પવન અને હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.

આજે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આવતીકાલે એટલે કે 20 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 24 કલાકમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપમાં, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મળી તેજી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું કે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) પરિયોજના પર ઝડપથી કામ પ્રગતિ પર છે. આ પરિયોજના હેઠળ 300 કિલોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કામ પૂર્ણ થઈ ચુક્યું છે, જ્યારે પિયર નિર્માણ, ટ્રેક પાથરવાનું તથા સ્ટેશનોના વિકાસનું કામ સતત ચાલુ છે. આની સાથે જ ભારતની પ્રથમ અન્ડરસી રેલવે સુરંગ પર પણ કામ પ્રગતિ પર છે.

તેમણે જણાવ્યું કે પરિયોજના હેઠળ 435 કિલોમીટર ફાઉન્ડેશન કામ, 338 કિલોમીટર ઈન્સ્ટોલેશન તથા 168 કિલોમીટર ટ્રેક પાથરવાના કામની સાથે ઓએચઇ ઈન્સ્ટોલેશન કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાપી, બિલિમોરા, સૂરત તથા બીકેસી સહિત કેટલાક સ્ટેશનોના બાંધકામનું કામ અંતિમ તબક્કે છે.

રેલવે મંત્રીએ માહિતી આપી કે કેટલીક નદીઓ પર પુલોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તથા ભરૂૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વિસ્તારોમાં કામ તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે.

ભારતીય રેલવે હાલમાં અભૂતપૂર્વ વિસ્તરણ અને આધુનિકીકરણમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કેન્દ્રીય બજેટ 2026-27માં ₹2.78 લાખ કરોડની વિક્રમજનક બજેટ ફાળવણી દ્વારા સશક્ત બનાવવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન થયું છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં 1.43 લાખ સીધી નિમણૂકો આપવામાં આવી છે.

રેલવે મંત્રીએ કહ્યું કે ભારતીય રેલવેએ વિશ્વના સૌથી મોટા સ્ટેશન પુન:વિકાસ કાર્યક્રમોમાંથી એકનો પ્રારંભ કર્યો છે, જેના હેઠળ લગભગ 1,300 સ્ટેશનોને સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે 180 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે, જ્યારે લગભગ 500 સ્ટેશન અપગ્રેડેડ તબક્કે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વોટ બેંકના રાજકારણને બદલે કામગીરી આધારિત રાજકારણ શરૂ કર્યું છે. આજે સાંજે લોકસભામાં રેલવે મંત્રાલયના નિયંત્રણ હેઠળ ગ્રાન્ટની માંગ પર ચર્ચાનો જવાબ આપતા વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે છેલ્લા દાયકામાં રેલવેમાં મોટા ફેરફારો કર્યા છે અને ક્ષેત્રના તમામ પાસાઓ પર કામ કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં રેલવેની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં રેલવેને કરવામાં આવેલી રેકોર્ડ ફાળવણીથી દેશના દરેક રાજ્યને ફાયદો થશે. મંત્રીએ માહિતી આપી કે ડીઝલ આધારિત કામગીરીને બદલે રેલવેના વીજળીકરણથી આશરે છ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે કહ્યું કે 47 હજાર કિલોમીટરના રેલવે ટ્રેક પર વીજળીકરણ પૂર્ણ થયું છે, જેનાથી કુલ વીજળીકરણ કવરેજ લગભગ 99 ટકા થયું છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશમાં હાઇડ્રોજન ટ્રેન વિકસાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન છે.

WhatsApp યુઝર્સ માટે મોટી ખબર! કોલિંગ અનુભવ બનશે વધુ સ્માર્ટ, આવશે નવું પાવરફુલ ફીચર

0

મેસેજિંગ એપ WhatsApp હવે કોલિંગ એક્સપિરિયન્સને વધુ સારું બનાવવા માટે એક નવા ફિચરને લાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ કંપનીને વોઇસ અને વીડિયો કોલ માટે નૉઇસ કેન્સલેશન ફીચરનું ટેસ્ટિંગ કર્યું છે. આ ફિચરને આવનાર અપડેટમાં લાવવામાં આવશે. આ ફીચર કોલ દરમિયાન બેકગ્રાઉન્ડમાંથી આવનાર અવાજને ઓછો કરશે, જેના કારણે વાતચીત સરળ થઈ શકે.

કઈ રીતે કામ કરશે આ ફીચર ?
જો તમારુ પણ ભીડભાડ વાળા સ્થળો પર વધારે આવન-જાવન રહેતું હોય, તો કોલ દરમિયાન ઘણીવાર બેકગ્રાઉન્ડમાં ટ્રાફિકનો અવાજ, લોકોની વાતો અને અન્ય નૉઇસ સાંભળાતા હોય છે. ઘણી વખત આ નૉઇસ એટલી વધારે હોય છે કે સામેવાળાને તમારો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હોતો નથી. WhatsAppનું આ નવું ફીચર આ જ સમસ્યાનો ઉકેલ લાવશે. આ ફીચર તમારા આસપાસના નૉઇસને ઓળખીને તેને ફિલ્ટર કરી દેશે અને સામેવાળા યુઝર સુધી ફક્ત તમારો જ અવાજ પહોંચાડશે, ભલેને તમારી પાછળ વાહનોના હોર્ન વાગતા હોય કે તેજ પવન ફૂંકાતો હોય.

એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર કામ કરશે આ ફીચર
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફીચર એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસિસ પર કામ કરશે. iPhone અને iPad માં પહેલાથી જ બિલ્ટ-ઇન વૉઇસ આઇસોલેશન ફીચર મળે છે, જે કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ નૉઇસને ઘટાડે છે. WhatsApp ઓડિયો સેટિંગ્સ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. એન્ડ્રોઇડમાં આ ફીચર મળતું નથી. જેને લઈને, WhatsAppનું આ નવું નૉઇસ કેન્સલેશન ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટી સુવિધા સાબિત થઈ શકે છે.

યૂઝર પાસે રહેશે સંપૂર્ણ નિયંત્રણ
આ ફિચરનું સંપૂર્ણ નિયંત્રણ યુઝરના હાથમાં રહેશે. એટલે કે યુઝર નક્કી કરશે કે આ નૉઇસ કેન્સલેશન ફીચરનો ઉપયોગ કરવો છે કે નહીં. તેની પાસે આ ફીચરને બંધ કરવાનો સંપૂર્ણ કંટ્રોલ રહેશે. સાથે જ, આ મેસેજની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રોટેક્શન પર કોઈ અસર નહીં પડે.

સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નું નામ બદલાઈ ‘માતૃભૂમિ’ રાખાયું

સલમાન ખાનની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાન’નું ટાઇટલ બદલીને હવેમાતૃભૂમિ’ બન્યું છે. જો કે આ ફિલ્મની રિલિઝ ડેટના હજુ કોઇ ઠેકાણા નથી. પહેલા આ ફિલ્મ એપ્રિલમાં રીલીઝ કરવાની હતી, પરંતુ અપૂર્વ લાખિયાની આ ફિલ્મને લઇને મેકર્સે ચૂપકિદી સાધી લીધી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ઓગસ્ટમાં રીલીઝ થઇ શકે છે. જો કે આ બારામાં ત્યારે કંઇક કહેવામાં આવશે.

ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો તે બદલી નાખવામાં આવ્યું છે. બેશક, ડાયરેક્ટર આનું કોઇપણ કારણ આપે પરંતુ એવું લાગે છે કે તેમણે કોઇપણ પ્રકારના વિવાદથી બચવા માટે આ પગલું ઉઠાવ્યું છે.

આ રીતે બેટલ ઓફ ગલવાન’નું ટાઇટલ હવેમાતૃભૂમિ’ બન્યું છે. જો કે સલમાન ખાને એવી ફિલ્મમાં હાથ નાખ્યો છે, જે તેના માટે જરા પણ પરફેક્ટ નથી, કારણ એ છે કે બાયોપિક હવે `ભાયોપિક’ (ભાઇજાનને જોડીને બનાવાયેલો શબ્દ) બની રહી છે. ફિલ્મનું ટાઇટલ બદલાયું છે, રિલીઝ ડેટનો પતો નથી, બાયોપિકમાં ઇદનું ગીત નાખીને તહેવારને કેશ કરવાની કોશિશ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનાં સ્વેગ જ તેની શાન છે, તેમણે આ ફોર્મ્યુલા અપનાવી તો બોક્સ ઓફિસ પર કોઇ તેને સ્પર્શી ન શક્યું પણ ભાઇજાન જ્યારે પણ રિયાલિસ્ટિક ફિલ્મની નજીક કરી તો સફળતા તેનાથી દૂર જવા લાગી છે. હવે `માતૃભૂમિ’નું શું થશે તે સમય જ કહેશે.

SBI લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણી CBIના સકંજામાં, 2 દિવસની આકરી પૂછપરછ

0

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવારે દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમક્ષ હાજર થયા હતા. હવે બંધ થઈ ગયેલી કંપની ‘રિલાયન્સ કોમ્યુનિકેશન્સ’ (RCOM) અંગેના કથિત બેંક ફ્રોડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અનિલ અંબાણી ગુરુવારે સવારે CBIના હેડક્વાર્ટરમાં પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, 19 અને 20 માર્ચ એમ સતત બે દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવશે. SBI અને અન્ય બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સને આપવામાં આવેલી લોનના ભંડોળનો કથિત દુરુપયોગ અને ડાયવર્ઝન આ તપાસના કેન્દ્રમાં છે.

શું છે સમગ્ર મામલો?
CBI તપાસ કરી રહી છે કે, જે ફંડ બિઝનેસ ઓપરેશન્સ માટે આપવામાં આવ્યું હતું, તેનો ઉપયોગ અન્યત્ર કરવામાં આવ્યો છે કે કેમ? રિલાયન્સ કોમ્યુનિકેશન્સે મોટી લોન ડિફોલ્ટ કર્યા બાદ SBIએ નાણાકીય અનિયમિતતાઓ અંગે ફરિયાદ નોંધાવી હતી. તપાસ એજન્સી કંપનીના આંતરિક એપ્રુવલ્સ, નાણાકીય વ્યવહારો અને ફંડ્સના અંતિમ ઉપયોગની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

અનિલ અંબાણીના પ્રવક્તાનું નિવેદન
અનિલ અંબાણીના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “અનિલ અંબાણી 19 અને 20 માર્ચ, 2026 ના રોજ CBI સમક્ષ હાજર રહેશે. તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.”

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની પણ અન્ય એક બેંક ફ્રોડ કેસમાં CBI દ્વારા 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે મુંબઈમાં અનિલ અંબાણીનું 17 માળનું લક્ઝરી એપાર્ટમેન્ટ પણ જપ્ત કર્યું હતું. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ એક સમયે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની હતી, પરંતુ સતત વધતા દેવાને કારણે તે નાદાર જાહેર થઈ હતી, જેના કારણે બેંકોને હજારો કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કામરેજ આશ્રમમાં નકલી નોટોનો ભાંડાફોડ: પ્રદીપ ગુરુજી સહિત 6 ઝડપાયા, મોટું રેકેટ બહાર આવ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના કામરેજમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં દરોડો પાડી નકલી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આશ્રમની આડમાં ચાલતા આ ગોરખધંધામાં પોલીસે આશ્રમના ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન નકલી નોટો છાપવાના મશીનો, સાધનો અને અનેક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. બે કરોડની નકલી નોટોના આ કેસમાં હવે પોલીસ આશ્રમના અન્ય કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે.

પોલીસે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવી હતી, જેના પર ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’ અને ‘આયુષ મંત્રાલય’નું લખાણ હતું. આ ગાડી સત્યમ યોગ ફાઉન્ડેશનની હતી, જેનો ઉપયોગ પોલીસને છેતરવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આ ગાડીમાંથી રૂ.500ના દરની રૂ.2.10 કરોડની નકલી નોટો કબ્જે કરી છ લોકોની અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખું રેકેટ સુરતથી ચાલતું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં જ આ નકલી નોટો છાપવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આશ્રમમાં દરોડા પાડીને રૂપિયા 80 લાખની વધારાની નકલી નોટો, નોટો છાપવા માટેના હાઈ-ટેક કલર પ્રિન્ટર અને મશીનો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા છે.

આરોપીઓએ બજારમાં નોટો વહેતી કરવા માટે એક આકર્ષક સ્કીમ બનાવી હતી. તેઓ રૂ.500ની એક અસલ નોટ સામે રૂ.1500ની નકલી નોટો આપતા હતા. એટલે કે રૂ.66 લાખની અસલ ચલણી નોટના બદલામાં બે કરોડ રૂપિયાની નકલી નોટો આપવાનો સોદો નક્કી થયો હતો. આરોપીઓ એજન્ટોની એક મોટી ફોજ તૈયાર કરવાની પેરવીમાં હતા અને સારા કમિશનની લાલચ આપીને આ રેકેટને દેશવ્યાપી બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. જોકે, તેઓ તેમની પહેલી મોટી ડીલ કરે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતો યોગગુરુ પ્રદીપ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. વર્ષ 2018માં તેણે પોતાના જ આશ્રમના દસ સાધકો પર ગંભીર આક્ષેપો કરતીસાત પાનાની સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હવે તે આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ આર્થિક ગુનાખોરીના આ ગંભીર રેકેટમાં ઝડપાયો છે.

ક્રાઇમ બ્રાન્ચે રૂ.500ના દરની આશરે 40,000થી વધુ નોટો કબ્જે કરી છે. આટલી મોટી સંખ્યામાં નોટોના સિરીયલ નંબર લખવા અને કાયદેસરનું પંચનામું કરવામાં પોલીસની આખી રાત વીતી ગઈ હતી. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ પહેલા કોઈ જથ્થો બજારમાં પહોંચાડવામાં આવ્યો છે કે કેમ અને આ નેટવર્કના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે નહીં.

ક્રિપ્ટોકરન્સી માર્કેટ ભૂકંપ: 12 લાખ કરોડનું નુકસાન, બિટકોઈન 70 લાખથી નીચે

ગુરુવારનો દિવસ ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે ખાસ કરીને ખરાબ રહ્યો. CoinMarketCap મુજબ, ગુરુવારે બપોરે 1 વાગ્યે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ $2.40 ટ્રિલિયન હતું. છેલ્લા 24 કલાકમાં, તેમાં 5% થી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડાથી તેનું માર્કેટ કેપ $0.13 ટ્રિલિયન (લગભગ 12 લાખ કરોડ રૂપિયા) ઘટી ગયું છે. આ દરમિયાન, બિટકોઇન સહિત ઘણી ક્રિપ્ટોકરન્સીમાં પણ ઘટાડો થયો છે.

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલથી તે 5% થી વધુ ઘટીને $70,000 (રૂ. 65.32 લાખ) ની નીચે આવી ગયો છે. બપોરે 1 વાગ્યે, એક બિટકોઇન $69,960 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 5.21% ઘટીને. થોડા દિવસો પહેલા, તેની કિંમત વધીને $75,000 ને વટાવી ગઈ હતી.

બાકીના ક્રિપ્ટો વિશે શું?

  • વિશ્વનો બીજો સૌથી મોંઘો ક્રિપ્ટો ઇથેરિયમ, 24 કલાકમાં 6 ટકાથી વધુ ઘટ્યો અને 2162 પર ટ્રેડ થઈ રહ્યો છે.
  • રિપલ પણ 24 કલાકમાં લગભગ 4% ઘટ્યો. બપોરે 1 વાગ્યાની આસપાસ ક્રિપ્ટો $1.46 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
  • બિનાન્સ ક્રિપ્ટો 4 ટકાથી વધુ ઘટ્યો અને $644 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
  • સોલાના પણ લગભગ 5 ટકા ઘટ્યો, જેના કારણે ક્રિપ્ટો $90 ની નીચે ગયો.
  • આ ઉપરાંત, ડોગેકોઈન, કાર્ડાનો, એવલાન્ચ અને શિબા ઈનુ ક્રિપ્ટોમાં પણ 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

પાઇ નેટવર્ક એક મોટી છલાંગ લગાવે છે
આ ઘટતા બજારમાં પાઇ નેટવર્ક કોઇન આગળ વધ્યો છે . છેલ્લા 24 કલાકમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડો થયો છે, પરંતુ પાઇ નેટવર્કમાં ઉછાળો આવ્યો છે. આ ક્રિપ્ટોમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જે $0.1766 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્વોન્ટ ક્રિપ્ટોમાં પણ 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

ક્રિપ્ટોમાં ઘટાડો કેમ?
યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા છે, જેના કારણે વેચવાલી શરૂ થઈ છે. આ જ કારણ છે કે છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર નિષ્ણાતોના મતે, ટૂંકા ગાળાના સૂચકાંકો વેચાણના સંકેતો બતાવી રહ્યા છે, જેના કારણે રોકાણકારોની ચિંતા વધી છે.

ડેલ્ટા એક્સચેન્જના સંશોધન વિશ્લેષક રિયા સેહગલ માને છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ યુએસ ફુગાવાના ડેટા અને યુએસ ફેડરલ રિઝર્વનો તાજેતરનો નિર્ણય છે. અપેક્ષા કરતાં વધુ ફુગાવો અને વ્યાજ દરમાં ઘટાડો ન થવાના સંકેતોએ રોકાણકારોને જોખમી સંપત્તિઓ (જેમ કે ક્રિપ્ટો) ટાળવાની ફરજ પાડી છે.

ડિસ્ક્લેમર: ક્રિપ્ટોકરન્સીનો વેપાર 24 કલાક થાય છે, તેથી તેમની કિંમતો મિનિટે મિનિટે વધઘટ થાય છે. ક્રિપ્ટોકરન્સીના ભાવ મિનિટોમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે. તેથી, રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.