Home Blog Page 138

સુરત સીટીલિંક બસમાં સીટ માટે બે મહિલાઓ વચ્ચે તણાવ, બસમાં અફરાતફરી

સુરત શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા ફરી એકવાર વિવાદમાં આવી છે. ડીંડોલી રૂટ પર દોડતી સીટીલિંક બસમાં સીટ મેળવવાની નાની બાબતે બે મહિલા મુસાફરો વચ્ચે તણાવ સર્જાયો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી તરીકે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો અને બસમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે તકરાર એટલી વધી ગઈ કે બંનેએ એકબીજા પર હાથ ઉઠાવ્યો. તેઓ એકબીજાના વાળ ખેંચતા અને મારામારી કરતા નજરે પડ્યા હતા, જેને કારણે અન્ય મુસાફરો હેરાન થઈ ગયા હતા.

ઘટનાના વીડિયોમાં જોવા મળે છે કે બસના આગળના ભાગમાં જ ઝઘડો ચાલી રહ્યો હતો, જેના કારણે ડ્રાઈવરને પણ મુશ્કેલી પડી રહી હતી. કેટલાક મુસાફરો અને મહિલાઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવાની કોશિશ કરી, પરંતુ ગુસ્સે ભરાયેલી મહિલાઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. અંતે અન્ય મુસાફરોએ પણ નારાજગી વ્યક્ત કરી અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી.

આ હંગામા દરમિયાન બસમાં હાજર એક પોલીસકર્મીએ દખલ કરતાં સ્થિતિ નિયંત્રણમાં આવી. પોલીસની કડક સમજણ બાદ બંને મહિલાઓ શાંત થઈ ગઈ હતી. આ બનાવ પછી ઘણા મુસાફરો ભયના કારણે આગળના સ્ટોપ પર ઉતરી ગયા હતા, જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દુબઈ નજીક બંદર પર ઈરાનનો હુમલો: તેલથી ભરેલા કુવૈતી ટેન્કરમાં લાગી આગ

0

ખાડી દેશો પર ઈરાનના હુમલા ચાલુ છે. ઈરાની હુમલામાં દુબઈ બંદર એન્કરેજ પર કુવૈતી ટેન્કરમાં આગ લાગી હોવાના અહેવાલ છે. ટેન્કરમાં તેલ વહન કરવામાં આવી રહ્યું હતું, અને અધિકારીઓનું કહેવું છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હુમલામાં જહાજના બાહ્ય ભાગને નુકસાન થયું છે. ટેન્કરનું નામ અલ સલામી છે.

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઇરાન પર હુમલા શરૂ કર્યા હતા. ઇરાન સતત બદલો લઈ રહ્યું છે. ઇરાન દ્વારા વેપારી જહાજો પર હુમલાઓની શ્રેણીમાં આ નવીનતમ ઘટના છે.

કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને શું કહ્યું?
કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC) એ મંગળવારે વહેલી સવારે જણાવ્યું હતું કે અલ સલામી જહાજ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ બંદર પર લંગર મારતું હતું ત્યારે ઈરાની હુમલાનો ભોગ બન્યું હતું. હુમલાથી જહાજને નુકસાન થયું હતું અને આગ લાગી હતી. કુવૈતની સરકારી સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે KPC એ આસપાસના પાણીમાં તેલ છલકાઈ જવાની શક્યતા અંગે ચેતવણી આપી હતી.

દુબઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાઈ અગ્નિશામક ટીમોએ ડ્રોન હુમલાથી લાગેલી આગને સફળતાપૂર્વક ઓલવી નાખી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કોઈ ઈજાના અહેવાલ નથી અને ક્રૂના તમામ 24 સભ્યો સુરક્ષિત છે.

કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશને જણાવ્યું હતું કે ટેન્કરને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. લોયડ્સ લિસ્ટ ઇન્ટેલિજન્સ અનુસાર, કેપીસી અલ સલામીના રજિસ્ટર્ડ માલિક અને કોમર્શિયલ ઓપરેટરની પેરેન્ટ કંપની છે. લોયડ્સ અને ટેન્કર ટ્રેકર્સના ડેટા અનુસાર, ટેન્કર કુવૈત અને સાઉદી અરેબિયાથી બે મિલિયન બેરલ તેલ લઈ જઈ રહ્યું હતું. લોયડ્સે જહાજનું ગંતવ્ય સ્થાન ચીનના કિંગદાઓ તરીકે સૂચિબદ્ધ કર્યું છે.

ઈરાન યુદ્ધની અસર: ક્રુડના ભાવમાં 59% ઉછાળો, ગ્લોબલ સપ્લાય ચેન પર ખતરો

ઇરાન યુધ્ધના પગલે ક્રુડના ભાવમાં આગ લાગી ગઇ છે. હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી હજુ પણ જહાજો અટવાયા છે. તેને કારણે અનેક દેશમાં ગેસ, પેટ્રોલ ડીઝલના જથ્થા પહોંચી નથી રહ્યા ત્યારે વિશ્વભરમાં તેના પડઘા પડી રહ્યા છે. માર્ચ મહીનામાં જ ક્રુડના ભાવમાં 59 ટકા નો વાધરો નોંધાતા અનેક દેશોને પ્રેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

ગઇકાલે પણ બ્રેન્ટ હુડનો ભાવ 115 ડોલરને પાર થયો હતો. આ મહીનામાં બ્રેન્ટ હુડ 59 ટકા તો ડબલ્યુટીઆઇ ક્રુડમાં 58 ટકાનો વધારો નોંધાયો છે. મે 2020 પછી કોઇ એક મહીનામાં નોંધાયેલો આ સૌથી મોટો વધારો છે. આનુ મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેઇટ બ્લોક થતા ગ્લોબલ સપ્લાઇ ચેનને મોટી અસર પડી છે. યુધ્ધ શરૂ થયા તેન એક મહીનો થઇ ગયો છે અને હજુ કયારે પુરૂ થશે તે નક્કી નથી ત્યારે નિષ્ણાંતો તો ક્રુડનો ભાવ 150 ડોલર સુધી ભાવ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

તેમાં પણ કુવૈત પેટ્રોલીયમ કોર્પના અલ સાલ્મી નામના ટેંકર ઉપર દુબઇ નજીક ઇરાન દ્વારા હુમલો કરાતા ક્રુડના ભાવમાં વધારો થયો હતો. આ ટેંકર બે મીલીયન બેરલ ક્રુડ લઇ જવાની ક્ષમતા રાખતુ હતું. આ ઉપરાંત હોથીઝ દ્વારા પણ ઇઝરાયેલ પર હુમલા કરાતા વાતાવરણ વધુ બગડયું છે. આ હુમલાથી બીજા રૂટને પણ અસર પહોંચી શકે છે. જો હોથીઝ દ્વારા બાબ-અલ- મંદાબ સ્ટ્રેઇટ રૂટ પણ બ્લોક કરવામાં આવે તો વિશ્વભરમાં એનર્જી સેકટરને ભારે સર પહોંચી શકે તેમ છે.

દિલ્હીમાં આતંકી કાવતરું નિષ્ફળ: મંદિરો અને બજારોની રેકી કરતો લશ્કરનો આતંકી ઝડપાયો

0

પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી શબ્બીર અહેમદ લોનએ દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ધરપકડ પહેલા, શબ્બીરે દિલ્હીના કાલકાજી મંદિર, લોટસ ટેમ્પલ અને છતરપુર મંદિરની જાસૂસી કરી હતી. આ ત્રણ મંદિરોની રેકી કરતી વખતે, તેણે તેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેમના વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. ત્યારબાદ, શબ્બીરે આ વીડિયો પાકિસ્તાન સ્થિત તેના લશ્કર હેન્ડલરોને મોકલ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, આ સ્થળો ઉપરાંત, શબ્બીરે દિલ્હીના કનોટ પ્લેસ અને પહાડગંજના વિવિધ વિસ્તારો, જેમાં ભીડભાડવાળા બજાર વિસ્તારોનો પણ સમાવેશ થાય છે તેની જાસૂસી કરી હતી. આ વિસ્તારોના વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને તેના પાકિસ્તાની હેન્ડલર્સને મોકલવામાં આવ્યા હતા. હાલમાં, આતંકવાદી શબ્બીરને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે આતંકવાદીની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન, શબ્બીરે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) જેવું જ બાંગ્લાદેશમાં આતંકવાદી સંગઠન સ્થાપવા માટે ISI અને લશ્કર દ્વારા આયોજિત યોજનાની કબૂલાત કરી હતી. આ સંગઠનની રચનાને સરળ બનાવવા માટે, આતંકવાદી દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં તેની જાસૂસી પ્રવૃત્તિઓ પછી ભરતી શરૂ કરવાનો હતો.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી શબ્બીર અહેમદ લોનની ધરપકડ કરી છે. આ ધરપકડ ગાઝીપુર વિસ્તારમાં કરવામાં આવી હતી. સ્પેશિયલ સેલનો દાવો છે કે, શબ્બીર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI ના ઈશારે કામ કરી રહ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતમાં લશ્કર-એ-તૈયબાના નવા મોડ્યુલને સક્રિય કરવાનો અને યુવાનોને તેની રેન્કમાં ભરતી કરવાનો હતો. પોલીસે તેના નાપાક ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળ થાય તે પહેલાં જ તેને સફળતાપૂર્વક પકડી લીધો હતો. આ ઓપરેશન દરમિયાન, આરોપી પાસેથી બાંગ્લાદેશી અને પાકિસ્તાની ચલણ, એક લેપટોપ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

સૂત્રો અનુસાર, આરોપી નેપાળ સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ્યો હતો અને, તેના પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબા હેન્ડલર્સ, જેઓ અબુ હુઝૈફા, સુમમ બાબર અને અબ્દુલ રહેમાન કોડ નામોથી ઓળખાય છે તેમના નિર્દેશ પર કાર્ય કરીને બાંગ્લાદેશથી ભારતમાં લશ્કર-એ-તોયબા માટે એક સંપૂર્ણ ભરતી નેટવર્ક ચલાવી રહ્યો હતો. તે ગેરકાયદેસર રીતે નેપાળમાં પ્રવેશ્યો હતો, ત્યારબાદ તે ભારતમાં પ્રવેશવા માટે ભારત-નેપાળ સરહદ પાર કરી ગયો હતો. શબ્બીર તહરીક-ઉલ-મુજાહિદ્દીન કમાન્ડર અબુ તલ્હા અને UAPA હેઠળ નિયુક્ત આતંકવાદી આસિફ ડાર સાથે પણ સંપર્કમાં હતો.

કોરોનાનો નવો ‘Cicada’ વેરિઅન્ટ 23 દેશોમાં ફેલાયો: વૈશ્વિક ચિંતા વધતી

0

વિશ્વમાં ફરી ચિંતા વધારી રહ્યો કોરોના નો નવો પ્રકાર “Cicada”, સૌથી પહેલા આ પ્રકારની ઓળખ નવેમ્બર 2024માં આફ્રિકા ખાતે થઈ હતી અને ત્યારબાદ તે ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાતો ગયો

કોરોના કાળ તો તમને બધાને યાદ જ હશે, કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. જોકે હવે ફરી એક્વાર કોરોના વાયરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાવાયરસ પૂર્ણ રીતે ગયો છે એવી લાગણી ઘણા લોકોને થઈ રહી હતી, પરંતુ હકીકત એ છે કે, વાયરસ હજુ પણ બદલાતો રહ્યો છે. હાલમાં વિશ્વભરમાં “Cicada” નામથી ઓળખાતો કોરોનાનો એક નવો પ્રકાર ચર્ચામાં આવ્યો છે, જે ફરી ચિંતા ઊભી કરી રહ્યો છે.

વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રકારને BA.3.2 તરીકે ઓળખવામાં આવે છે. આ ઓમિક્રોન વેરિઅન્ટનો જ એક સુધારાયેલ સ્વરૂપ છે. સૌથી પહેલા આ પ્રકારની ઓળખ નવેમ્બર 2024માં આફ્રિકા ખાતે થઈ હતી અને ત્યારબાદ તે ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાતો ગયો. ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પ્રકાર 23 દેશોમાં નોંધાયો છે. અમેરિકામાં તેની અસર વધુ જોવા મળી રહી છે. ત્યાં અનેક રાજ્યોમાં ગટરનાં પાણીના ટેસ્ટમાં આ વેરિઅન્ટના અંશ મળી રહ્યા છે, જે બતાવે છે કે તે શાંતિથી પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

“Cicada” પ્રકાર ખાસ કેમ છે?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેના સ્પાઇક પ્રોટીનમાં 70થી વધુ ફેરફારો થયા છે. આ જ સ્પાઇક પ્રોટીન આપણાં શરીરમાં વાયરસને પ્રવેશ કરાવે છે. એટલા બધા ફેરફારોને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને હાલની રસીઓ માટે તેને ઓળખવું થોડું મુશ્કેલ બની શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે, હજુ સુધી કોઈ મજબૂત પુરાવો નથી કે આ પ્રકાર પહેલા કરતાં વધુ ઘાતક છે. હા, તે ઝડપથી ફેલાઈ શકે છે, એટલે વધુ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમયથી બીમારી ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.

હવે જાણો ભારતમાં શું છે સ્થિતિ ?
ભારતની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. INSACOG દ્વારા દેશમાં XFG નામના બીજા એક વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે “Cicada” જેવા પ્રકારો વિદેશી મુસાફરી દ્વારા દેશમાં પ્રવેશી શકે છે, એટલે સાવચેતી જરૂરી છે. રસીઓ વિશે વાત કરીએ તો, હાલની રસી હજુ પણ ગંભીર બીમારીથી બચાવવામાં મદદરૂપ છે. પરંતુ નવા પ્રકારમાં ફેરફારોને કારણે ચેપથી સંપૂર્ણ બચાવ થવો મુશ્કેલ બની શકે છે.

“Cicada” નામ પાછળ પણ રસપ્રદ કારણ છે. સિકાડા એક જંતુ છે જે વર્ષો સુધી જમીનમાં છુપાઈ રહે છે અને અચાનક બહાર આવે છે. આ વાયરસ પણ લાંબા સમય સુધી નજરમાં આવ્યા વગર ફેલાતો રહ્યો અને પછી એકાએક સામે આવ્યો. આ સ્થિતિમાં બચાવ માટે સરળ ઉપાયો ખૂબ મહત્વના છે. નિયમિત હાથ ધોવું, ભીડથી દૂર રહેવું, બીમાર લાગતાં ઘરે રહેવું અને જરૂર પડે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો-આ તમામ બાબતો હજુ પણ એટલી જ અસરકારક છે.

અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખથી વધુની કિંમતનું સોનું ઝડપાયું

0

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ થયો છે. કુઆલાલમ્પુરથી આવતા એક મહિલા મુસાફર પાસેથી 83 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર એ સોનાને પોતાના શરીરમાં છુપાવીને લાવી રહી હતી, જે 24 કેરેટનું હતું. સોનાની પેસ્ટની કેપ્સ્યુલ કબજે કરી સોનું રિકવર કરવામાં આવ્યું છે. મહિલાને ઝડપી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) દ્વારા કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 30મી માર્ચ 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK 91 દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહિલાએ પોતાના શરીરમાં બે કેપ્સ્યુલ્સ છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સની અંદર લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ભરેલી હતી. જે બાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનાની પેસ્ટને રિફાઇન કરવામાં આવી હતી અને તેમાંથી 24 કેરેટનું કુલ 553.07 ગ્રામ સોનું મળ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ કિંમત 75,58,393 હોવાનું જાણવા મળ્યું છે.

કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 1 એપ્રિલ 2026થી દેશભરના રાષ્ટ્રીય હાઈવે પર ટોલ ટેક્ના દરમાં સરેરાશ 5% વિકાસ કરવાનો પ્રયાસ છે. દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરવામાં આવે છે અને આ વખતે પણ તે જ પ્રક્રિયા અંતર્ગત આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ વધારાથી ફોર વ્હીલર્સ, કમર્શિયલ ટ્રક, બસ અને અન્ય વાહનો માટે મુસાફરીનો ખર્ચ વધશે. ખાસ કરીને FASTag મારફતે ચુકવણી કરતા વાહનચાલકોને સીધી અસર થશે. કારણ કે દરેક ટોલ પ્લાઝા પર નવા દરો લાગુ થશે.

સરકારે ખાનગી વાહનચાલકો માટે ઉપલબ્ધ વાર્ષિક પાસની કિંમતમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી 200 ટ્રિપ માટે મળતો વાર્ષિક પાસ 3000 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જે હવે 75 રૂપિયાના વધારા સાથે 3075 રૂપિયા થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વધારો માર્ગોની જાળવણી, નવીન સુવિધાઓ ઉમેરવા અને હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે. વધતા ટ્રાફિક અને રોડના ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પ્રકારના સુધારા અને ખર્ચ વધારાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પહોંચી વળવા માટે ટોલ દરોમાં વધારો કરવો અનિવાર્ય ગણાયો છે.

સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર
આ ટોલ ટેક્સ વધારાનો સીધો પ્રભાવ સામાન્ય જનતા અને પરિવહન ક્ષેત્ર પર જોવા મળશે. રોજિંદા કામકાજ માટે હાઈવેનો ઉપયોગ કરતા લોકો માટે મુસાફરી ખર્ચ વધશે. જે તેમના માસિક બજેટને અસર કરશે. ખાસ કરીને નાના વેપારીઓ, ટ્રક માલિકો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધારો વધુ ભારરૂપ બની શકે છે. પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે માલસામાનની કિંમતમાં પણ વધારો થવાની સંભાવના છે. જે અંતે ગ્રાહકો સુધી પહોંચશે. આથી આ નિર્ણયનો પ્રભાવ માત્ર વાહનચાલકો પૂરતો મર્યાદિત નથી પરંતુ સમગ્ર આર્થિક પ્રવાહ પર તેની અસર જોવા મળી શકે છે.

સુરતના લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ લાગતા 4 મહિલા સહિત 5ના ગૂંગળામણથી મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ મકાનમાં સાડીઓનું કામ ચાલતું હતું અને અંદાજે 8 ટન જેટલું સાડી મટિરિયલ તેમજ ફોર્મ શીટ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાંથી તણખાં પડતા નજીકમાં પડેલા ફોર્મમાં આગ લાગી હતી. ફોર્મ સીધું બળી ન ગયું હોવા છતાં ભારે ધુમાડો ફેલાયો હતો.

આ ધુમાડામાં રહેલા કેમિકલના કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા હતા, જેના કારણે 4 મહિલાઓ અને એક બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, ઘરમાં બે ગેસના બાટલા પણ હાજર હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.

આ દુર્ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સલામતીના નિયમો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યાં ઘર અને કામ બંને એક જ જગ્યાએ ચાલે છે, ત્યાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. મૃતકોમાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18), શુભાન રમઝાન અલી અંસારી (4), શબીનાં રમઝાન અલી અંસારી (28) અને પરવીન અબ્દુલ કલામ અંસારી (19)નો સમાવેશ થાય છે.

કેદીઓની વહેલી મુક્તિમાં વિલંબ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપી કડક ચેતવણી

સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા વિલંબ બદલ ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર પોતાની જ નીતિ હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં કેદીઓની મુક્તિ અંગે નિર્ણય લેવામાં નિષ્ફળ જશે, તો જવાબદાર અધિકારીઓ સામે ક્ધટેમ્પ્ટ એટલે કે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ગુજરાત સરકારના 9 જુલાઈ 1992ના પરિપત્ર મુજબ, કેદીના 14 વર્ષના કારાવાસ પૂર્ણ થવાના ત્રણ મહિના પહેલા જ તેની વહેલી મુક્તિની પ્રક્રિયા શરૂૂ કરી દેવી જોઈએ. જે દિવસે કેદી 14 વર્ષની સજા પૂર્ણ કરે, તે જ દિવસે તેની મુક્તિ અંગેનો અંતિમ આદેશ આવી જવો જોઈએ. કોર્ટે ઉમેર્યું કે વહેલી મુક્તિ એ કેદીનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ એકવાર સરકારે નીતિ ઘડી દીધા પછી તે કેદીનો નિહિત (ટયતયિંમ) અધિકાર બની જાય છે. કાયદાકીય મુદત કરતા એક પણ દિવસ વધારે કેદીને જેલમાં રાખવો એ ગેરકાયદે કસ્ટડી સમાન છે.

આ કેસમાં અરજદાર કેદીએ 12 ડિસેમ્બર 2025 સુધીમાં લઘુત્તમ સજા પૂર્ણ કરી લીધી હતી, તેમ છતાં ત્રણ મહિનાનો સમય આપ્યા બાદ પણ સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો. 16 માર્ચ 2026ના રોજ રાજ્ય સરકારે કોર્ટમાં બચાવ કર્યો હતો કે સક્ષમ સમિતિ વર્ષમાં માત્ર ચાર વાર જ મળે છે અને અરજદારનો કેસ પ્રક્રિયા હેઠળ છે. સુપ્રીમ કોર્ટે સરકારના આ વલણને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવ્યું હતું.

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 7 એપ્રિલ 2026ના રોજ મુકરર કરી છે. જો તે તારીખ સુધીમાં અંતિમ નિર્ણય રેકોર્ડ પર મૂકવામાં નહીં આવે, તો ગુજરાતના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા સચિવ અને જેલ મહાનિરીક્ષક (ઈંૠ ઙશિતજ્ઞક્ષત) ને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આ અધિકારીઓએ કોર્ટને જવાબ આપવો પડશે કે તેમની સામે શા માટે શિક્ષાત્મક કાર્યવાહી શરૂૂ ન કરવી.

આ સમગ્ર વિવાદ અમદાવાદના એક કેદી સાથે જોડાયેલો છે, જેણે 9 ડિસેમ્બર 2011ના રોજ પોતાની પત્ની પર હથોડાથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી, જેને 2023માં ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. હાઈકોર્ટના ચુકાદા સમયે પણ આ કેદી 11 વર્ષથી વધુ જેલ ભોગવી ચૂક્યો હતો.

જાપાનનો મોટો નિર્ણય: લાંબા અંતરની મિસાઇલો તૈનાત, ચીન સુધી પહોંચશે મારક ક્ષમતા

જાપાને પોતાની રક્ષા ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. દેશે સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની મિસાઇલોનો પ્રથમ બેચ દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં સ્થિત સૈન્ય છાવણીમાં તૈનાત કર્યો છે. જાપાની લશ્કરી અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશની હુમલા અને પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો છે.

આ મિસાઇલો મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવી છે. અપગ્રેડેડ ટાઇપ-12 મિસાઇલ હવે લગભગ 1,000 કિલોમીટર સુધી માર કરવાની ક્ષમતા ધરાવે છે, જે અગાઉની 200 કિલોમીટર રેન્જની સરખામણીએ ઘણો મોટો વધારો છે. આ વધારેલી રેન્જના કારણે હવે આ મિસાઇલો ચીનના મુખ્ય ભૂમિ વિસ્તારો સુધી પહોંચવામાં સક્ષમ બની છે.

જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમીએ જણાવ્યું હતું કે, હાલનું સુરક્ષા વાતાવરણ ખૂબ જ જટિલ અને ગંભીર બન્યું છે. તેથી દેશની પ્રતિરક્ષા અને જવાબી હુમલા કરવાની ક્ષમતા મજબૂત બનાવવી જરૂરી બની છે. તેમણે આ પગલાને જાપાનના મક્કમ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું.

આ નિર્ણય જાપાનની પરંપરાગત “ફક્ત સ્વ-રક્ષા” નીતિથી મોટો ફેરફાર દર્શાવે છે. હવે જાપાન “સ્ટેન્ડઓફ” ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે, જેના દ્વારા તે દૂરથી જ દુશ્મનના મિસાઇલ બેઝને નિશાન બનાવી શકે છે.

પરંતુ, આ તૈનાતીનો સ્થાનિક સ્તરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં આવેલા કેમ્પની બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ રહેણાંક વિસ્તારોની નજીક મિસાઇલો તૈનાત કરવાના નિર્ણયને જોખમી ગણાવ્યો છે અને કહ્યું છે કે તેનાથી તણાવ વધશે તેમજ દુશ્મન હુમલાનો ખતરો પણ વધી શકે છે.

આ ઉપરાંત, જાપાન અમેરિકા સાથે મળીને વધુ શક્તિશાળી મિસાઇલ સિસ્ટમો પણ તૈનાત કરવાની તૈયારીમાં છે. આ વર્ષના અંત સુધીમાં 1,600 કિલોમીટર રેન્જ ધરાવતી ટોમાહોક ક્રુઝ મિસાઇલો જાપાની ડિસ્ટ્રોયર પર તૈનાત કરવામાં આવશે, જે બાદ અન્ય યુદ્ધજહાજોમાં પણ આ સિસ્ટમ વિસ્તૃત કરવામાં આવશે.

ચીનને વધતા સુરક્ષા ખતરા તરીકે જોતા જાપાન દક્ષિણપશ્ચિમ ટાપુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ સમગ્ર વિકાસ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા સમીકરણને નવી દિશા આપી શકે છે.