Home Blog Page 129

સુરત ચૂંટણી પહેલા AAPમાં ભડકો, પ્રીતિ સદાદિયા સહિત 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી બાદ નારાજ ઉમેદવાર ડો. પ્રીતિ સદાદિયાએ અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમણે આ બાબતની પુષ્ટિ મીડિયા સાથેની વાતચીતમાં પણ કરી હતી. પાર્ટી દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા 98 ઉમેદવારોમાં કેટલાક વિવાદાસ્પદ નામોને કારણે કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે અસંતોષ ફેલાયો છે.

ડો. પ્રીતિ સદાદિયા, જે વ્યવસાયે હોમિયોપેથીક ડોક્ટર છે, તેમની સામાજિક પકડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને તરત જ ટિકિટ આપી દીધી છે. અગાઉ AAPએ તેમને વોર્ડ નંબર 12માંથી ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ આંતરિક મતભેદોને કારણે તેમણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો. કોંગ્રેસે પણ તેમના પર વિશ્વાસ મૂકીને સત્તાવાર રીતે ઉમેદવારી જાહેર કરી છે.

ડો. પ્રીતિ સાથે સાથે લગભગ 500 જેટલા સક્રિય કાર્યકરોએ પણ AAP છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાએ પાર્ટીમાં આંતરિક અસંતોષને વધુ તેજ કર્યો છે. આ દરમિયાન AAPએ બીજી યાદી જાહેર કરી હતી, જેમાં પણ વિવાદિત ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં વધુ નિરાશા ફેલાઈ હતી. કેટલાક નામો સામે વિરોધ થતાં પાર્ટીને છેલ્લી ઘડીએ બે ઉમેદવારોના નામ બદલવા પડ્યા હતા.

ડો. પ્રીતિએ જણાવ્યું કે તેઓ છેલ્લા છ-સાત વર્ષથી AAP સાથે જોડાયેલા હતા અને લોકોની સેવા માટે કામ કરતા હતા. પરંતુ પાર્ટી હવે સમાનતા અને મૂલ્યો પરથી ભટકી ગઈ છે. તેમણે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના વિચારોમાંથી પ્રેરિત થઈ કોંગ્રેસમાં જોડાયા છે, જ્યાં માનવ સેવા અને સમાનતાને પ્રાથમિકતા આપવામાં આવે છે.

તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગંભીર આક્ષેપો કર્યા હતા કે પાર્ટીના કેટલાક હોદ્દેદારો માત્ર ફંડ એકત્રિત કરવામાં જ વ્યસ્ત છે અને નિર્ણયોમાં પારદર્શિતા નથી. આ કારણોસર તેમણે તમામ હોદ્દાઓ અને ઉમેદવારીનો ત્યાગ કર્યો હોવાનું જણાવ્યું.

આ સાથે જ વોર્ડ નં. 26ના પૂર્વ ઉમેદવાર ડો. નીતા બલદાણિયાએ પણ રાજીનામું આપતા જણાવ્યું કે પાર્ટીની હાલની કાર્યપદ્ધતિ તેમના મૂલ્યો સાથે મેળ ખાતી નથી. તેમણે સંકલન અને પારદર્શિતાના અભાવની વાત કરી હતી.

વોર્ડ નં. 2ના સહ-કન્વીનર અશોક બલરે પણ રાજીનામું આપતા ટિકિટ ફાળવણી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પક્ષ એવા લોકોને ટિકિટ આપી રહ્યો છે, જે અગાઉ પાર્ટી છોડીને ગયા હતા અથવા જેમનું વર્તન યોગ્ય નથી. તેમણે આવા રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

AAP દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં વિવાદ વધતા પાર્ટીને છેલ્લી ઘડીએ ફેરફાર કરવા પડ્યા હતા. વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાની જગ્યાએ સુશાંત કાપડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમે સુરતના રાજકારણમાં ભારે ગરમાવો લાવ્યો છે.

ક્રિકેટમાં અનોખો રેકોર્ડ: એક બોલરે લીધી 9 વિકેટ, 13 રનમાં આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ!

બીસીએ કાલાહારી મહિલા ટી20માં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. આ મેચમાં એક ટીમ માત્ર 13 રનમાં આઉટ થઈ ગઈ. જેનું કારણ એક 21 વર્ષની બોલર બની હતી. આ બોલરે મેચમાં કુલ 9 બેટરને આઉટ કર્યા અને ક્રિકેટની દુનિયામાં એક એવું કામ કરી બતાવ્યું, જે આ પહેલા કોઈ કરી શક્યું નહોતું. આ બોલરે મેચ દરમિયાન પાંચ બોલ પર સતત પાંચ વિકેટ લીધી, આવું ક્રિકેટમાં ખૂબ જ ઓછું જોવા મળે છે.

બીસીએ કાલાહારી મહિલા ટી20 ટૂર્નામેન્ટની 14મી મેચમાં બ્રાઝિલ અને લેસોથોની ટીમો સામસામે રમી રહી હતી. આ મેચમાં બ્રાઝિલની ફાસ્ટ બોલર લૌરા કાર્ડોસોએ T20I ક્રિકેટમાં અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે એક જ ઇનિંગમાં 9 વિકેટ લીધી, જે પુરુષ અને મહિલા બંને T20I ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યું છે. આ પહેલા પુરુષ T20Iમાં ભૂટાનના સોમન યેશે 8 વિકેટ લીધી હતી. જ્યારે મહિલા T20Iમાં ઇન્ડોનેશિયાની રોહમાલિયાના નામે 7 વિકેટનો રેકોર્ડ હતો. લૌરાએ આ બંનેને પાછળ છોડી દીધા છે.

મેચમાં બ્રાઝિલે પહેલા બેટિંગ કરતા 202 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લેસોથોની ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી અને માત્ર 13 રનમાં સંકેલાઈ ગઈ. આખી ઇનિંગ માત્ર 6.2 ઓવરમાં પૂરી થઈ ગઈ. આ દરમિયાન લૌરા કાર્ડોસોની ઘાતક બોલિંગ જોવા મળી. તેણે પોતાની ઓવરના છેલ્લા 3 બોલમાં વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી અને પોતાની બીજી ઓવરની પહેલી બે બોલમાં વિકેટ લઈને સતત પાંચ બોલમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે પોતાની બીજી ઓવરમાં કુલ 4 વિકેટ ઝડપી. ત્રીજી ઓવરમાં વધુ બે વિકેટ લઈને તેણે નવ વિકેટ પૂરી કરી. જેના કારણે તે બ્રાઝિલે આ મેચમાં 189 રને જીત નોંધાવી.

આ પ્રદર્શન બ્રાઝિલ મહિલા ક્રિકેટ માટે ખૂબ જ ખાસ રહ્યું. લૌરાએ આ પહેલા પણ 2021માં 16 વર્ષની ઉંમરમાં બ્રાઝિલ માટે T20Iમાં હેટ્રિક લેનાર પહેલી ખેલાડી બની ચૂકી છે. હવે એક ઇનિંગમાં 9 વિકેટ લઈને તેણે વર્લ્ડ ક્રિકેટમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. જણાવી દઈએ કે, આ ટૂર્નામેન્ટમાં તમામ એસોસિએટ ટીમો છે.

ભાજપની યાદી જાહેર: પાટણ-નર્મદામાં ટિકિટ વિતરણ, 14 મુસ્લિમ ઉમેદવારોને મોકો

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આજે ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.

અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર પર વિવાદ ઉભો કરનાર ભાજપે બીજી યાદીમાં 14 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3, વિરમગામ તા.પંચાયતમાં 1, ધંધુકા તા.પંચાયતમાં 1 અને સાણંદ તા.પંચાયતમાં 1 મુસ્લિમ ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.

અમરેલી જિલ્લામાં ફરી એક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે લગભગ 2:24 કલાકે આવેલા આ 3.7 તીવ્રતાના ભૂકંપથી પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિત આસપાસના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાનું સામે આવ્યું છે. આ ઝટકાની અસર ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી હતી, જ્યાં કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડતા લોકોમાં ભયની લાગણી વધુ વધી હતી.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

IT કંપની યૌન શોષણ કેસમાં નિતેશ રાણેનો ‘કોર્પોરેટ જેહાદ’ ટિપ્પણીથી વિવાદ ઉગ્ર

0

નાસિકથી એક ખૂબ જ ગંભીર અને ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાસિક પોલીસે એક IT કંપનીની BPO સેવા સાથે સંકળાયેલા છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમના પર જુનિયર મહિલા કર્મચારીઓના જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, કેટલીક મહિલા કર્મચારીઓએ વારંવાર ઉત્પીડનનો આરોપ લગાવતી ફરિયાદો નોંધાવી હતી. પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી અને કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી.

દરમિયાન, આ મામલે કેટલાક દાવાઓ સામે આવ્યા છે, જેમાં ઓફિસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આ મામલે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે નાસિકની ઘટનાને “કોર્પોરેટ જેહાદ” ગણાવી હતી અને કહ્યું હતું કે સમાજે આને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાણેએ દાવો કર્યો હતો કે આશરે 15 પીડિત છોકરીઓએ ફરિયાદ નોંધાવી છે અને અન્ય પીડિતોને આગળ આવવા અપીલ કરી છે.

કંપનીના HR એ શું કાર્યવાહી કરી – નિતેશ રાણે
નિતેશ રાણેએ એમ પણ કહ્યું કે જો ક્યાંય પણ આવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, તો લોકોએ આગળ આવવું જોઈએ અને સરકાર તેમની સુરક્ષાની જવાબદારી લેશે. તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આવી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો કંપનીના HR વિભાગે શું પગલાં લીધાં. રાણેએ કહ્યું કે અમે જોયું કે જ્યારે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે 600 થી વધુ લોકો એકઠા થયા હતા. મારું સૂચન છે કે તેમની પૃષ્ઠભૂમિની પણ તપાસ કરવી જોઈએ. આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં અહીં ભીડ એકઠી થાય છે.

નિતેશ રાણેએ કહ્યું કે જ્યારે અશોક ખરાત કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે કોઈ હિન્દુએ તેમનું સમર્થન કર્યું ન હતું, પરંતુ જ્યારે પણ આવું કંઈક બને છે ત્યારે આટલી ભીડ કેમ એકઠી થાય છે? રાણેએ પૂછ્યું કે હવે આ મુદ્દા પર કોઈ કેમ બોલતું નથી. જ્યારે પણ હું આવા મુદ્દાઓ ઉઠાવું છું, ત્યારે લોકો કહે છે કે હું બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરી રહ્યો છું. હાલમાં, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપો પાછળનું સત્ય શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં રાજકારણ પણ તેજ બન્યું છે.

CBSEનો નવો નિયમ: ધોરણ 6થી ત્રીજી ભાષા ફરજિયાત, શાળાઓને 7 દિવસની મુદત

0

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ‘ત્રીજી ભાષા'(R3) ભણવી અનિવાર્ય બનશે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સર્ક્યુલર અનુસાર, તમામ સંબધિત શાળાઓને આગામી 7 દિવસમાં આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023′(NCF-SE) પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં, શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે.

પુસ્તકો વગર જ શિક્ષણ કાર્ય શરૂ કરવા આદેશ
શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો OASIS પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે. નોંધનીય છે કે ધોરણ 6માં જે ભાષાની પસંદગી કરવામાં આવશે, તે જ ભાષા ધોરણ 9 અને 10માં પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. CBSEના પ્રાદેશિક અધિકારીઓ આ અમલીકરણની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે અને ડેટા એકત્ર કરશે.

શું છે ત્રિભાષા(R3) મોડેલ?
ત્રિભાષા(R3) મોડેલ મુજબ, ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. આ મોડેલની સૌથી મહત્ત્વની શરત એ છે કે પસંદ કરવામાં આવેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ, જ્યારે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અથવા કોઈપણ વિદેશી ભાષાની પસંદગી કરી શકાશે. આ નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર રીતે લાગુ કરીને વર્ષ 2031ની બોર્ડ પરીક્ષા સુધીમાં સંપૂર્ણપણે પ્રભાવી બનાવવાની યોજના છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં બહુભાષવાદ અને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યેનો આદર વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે R1, R2, R3થી ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે…
R1(Language 1):
આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે(જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.
R2(Language 2): આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.
R3(Language 3): આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-6થી શરૂઆત થશે.

અંગ્રેજી હવે વિદેશી ભાષા ગણાશે
સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જો તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે.

સુરત મહાનગરપાલિકા ચૂંટણી: AAPની 9મી યાદી જાહેર, મનોજ સોરઠિયા વોર્ડ-4માંથી મેદાનમાં

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાની નવમી યાદી જાહેર કરીને વિરોધી પક્ષોને ચોંકાવી દીધા છે. આ યાદીની સૌથી મોટી વિશેષતા એ છે કે પાર્ટીએ પોતાના કદાવર નેતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

મનોજ સોરઠિયા સુરતના વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી નોંધાવશે. સુરતમાં પાર્ટીના પાયા મજબૂત કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે, ત્યારે તેમની ઉમેદવારીથી આ બેઠક પરનો જંગ રસપ્રદ બનશે. આ સાથે જ પાર્ટીએ રણનીતિના ભાગરૂપે અગાઉ જાહેર કરેલા કેટલાક ઉમેદવારોના નામમાં ફેરફાર પણ કર્યો છે.

પાર્ટી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 13 માં ઉમેદવારો બદલવામાં આવ્યા છે. નવા સમીકરણો મુજબ, વોર્ડ નંબર 4 માં હવે કુંદન કોઠિયાઅને વોર્ડ નંબર 13 માં સુશાંત કાપડિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. સ્થાનિક સ્તરે કાર્યકરોના પ્રતિભાવો અને જીતના સમીકરણોને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. સુરત મનપામાં વિરોધ પક્ષ તરીકે મજબૂત પકડ ધરાવતી AAP આ વખતે સત્તા સુધી પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા પૂર્વ IPS નીનામા અને રાજુ કરપડા, રાજકારણમાં હલચલ તેજ

0

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ગુરુવારે બે અગ્રણી વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા ગુજરાત કેડરના IPS અધિકારી એમ.એલ. નિનામા અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સંબંધો તોડી નાખનારા રાજુ કરપડા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે.

નિનામાએ તેમની નિર્ધારિત નિવૃત્તિ તારીખના ત્રણ મહિના પહેલા VRS પસંદ કર્યું હતું. તેઓ અરવલ્લી જિલ્લામાં સ્થિત શામળાજીમાં ભાજપમાં જોડાયા હતા. આદિજાતિ વિકાસ, ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગોનું સંચાલન કરતા રાજ્ય મંત્રી પી.સી. બરંડા દ્વારા તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. 59 વર્ષીય ભૂતપૂર્વ IPS અધિકારી આદિવાસી સમુદાયના છે અને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વતની છે.

નિનામા 30 જૂને નિવૃત્ત થવાના હતા
મૂળ રાજ્ય પોલીસ સેવામાં અધિકારી મનોજ નિનામાને ત્યારબાદ ભારતીય પોલીસ સેવા (IPS) માં બઢતી આપવામાં આવી હતી. તેમની અંતિમ પોસ્ટિંગ દરમિયાન તેમણે ગાંધીનગરમાં ટ્રાફિક શાખા માટે પોલીસ મહાનિરીક્ષક (IGP) તરીકે સેવા આપી હતી. તેઓ 30 જૂને નિવૃત્ત થવાના હતા. બુધવારે નિનામાએ મીડિયાને પુષ્ટિ આપી હતી કે તેમણે VRS લીધું છે અને સરકારે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

રાજુ કરપડા જણાવ્યું તેઓ ભાજપમાં કેમ જોડાયા
આ દરમિયાન આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા રાજુ કરપડા પણ ભાજપમાં જોડાયા છે. રાજુ કરપડા જે અગાઉ ગુજરાતમાં AAPના ખેડૂત સેલના વડા તરીકે સેવા આપી ચૂક્યા હતા. તેઓ ઔપચારિક રીતે ગાંધીનગરમાં BJPના સભ્ય બન્યા. તેમણે 11 ફેબ્રુઆરીએ AAPમાં તેમના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. જાહેર સભાને સંબોધતા કરપડાએ કહ્યું, “જો હું ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માંગુ છું તો મારે શાસક પક્ષ સાથે જોડાવાની જરૂર છે. હું ઇચ્છું છું કે સરકારી યોજનાઓ અને લાભો દરેક ખેતર સુધી પહોંચે અને આ પ્રાપ્ત કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી સાથે મળીને કામ કરીશ.”

આ મહિને ગુજરાતમાં ‘સેમિફાઇનલ ચૂંટણીઓ’
ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત તમામ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આ મહિને યોજાવાની છે. બધી બેઠકો માટે મતદાન 26 એપ્રિલે થશે અને પરિણામો 28 એપ્રિલે જાહેર થવાના છે. 2027ની વિધાનસભા ચૂંટણી માટે નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે.

ચૂંટણી 2026: 3 રાજ્યોમાં જોરદાર મતદાન, આસામમાં 84% વોટિંગ, પુડુચેરીમાં અથડામણ અને લાઠીચાર્જ

0

આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ 84.42%, પુડુચેરીમાં 86.92% અને કેરળમાં 75.01% મતદાન નોંધાયું છે. કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહી છે.

આસામની 722 ઉમેદવારો મેદાનમાં
આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માંગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે.

કેરળમાં ત્રિપાંખિયો જંગ
કેરળની તમામ 140 બેઠકો પર 883 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું LDF ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું UDF પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે.

પુડુચેરીમાં રાજકીય ઘમાસાણ અને જૂથ અથડામણ
પુડુચેરીમાં 30 બેઠકો પર 294 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જોકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.

પેટાચૂંટણી અને ગોવામાં હાઈકોર્ટની રોક
વિધાનસભા ચૂંટણીની સાથે જ આજે કર્ણાટકની 2, નાગાલેન્ડની 1 અને ત્રિપુરાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગોવામાં પણ એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દેતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.

ચૂંટણીમાં નોંધાયેલી અન્ય ઘટનાઓ
કોંગ્રેસની પોતાના જ ઉમેદવાર સામે ફરિયાદ :
આસામ કોંગ્રેસે ઉદલગુડી બેઠકના ઉમેદવાર સુરેન ડેમરી સામે ફરિયાદ નોંધાવી છે. ડેમરીએ પક્ષ વિરુદ્ધ નિવેદન આપી રાજીનામું આપતા કોંગ્રેસે તેમની સામે FIRની માંગ કરી છે.

મતદાન અધિકારીનું નિધન : આસામના સોનિતપુર જિલ્લામાં એક મતદાન અધિકારી દેબેન હોરો (45) મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની જગ્યાએ રિઝર્વ સ્ટાફ મૂકીને મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.

ગોપનીયતાના ભંગ બદલ FIR : આસામના કાર્બી આંગલોંગમાં મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે FIR દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ લિસ્ટ

0

ગુજરાતમાં આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પ્રથમ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ચૂંટણી જંગનો ઔપચારિક પ્રારંભ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો સાથે અરવલ્લી જિલ્લાના વિવિધ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે ઉમેદવારો જાહેર કરીને ભાજપે પોતાની તૈયારીનો દમદાર સંકેત આપ્યો છે. નવા ચહેરા અને અનુભવી નેતાઓનું સંયોજન રજૂ કરતા પાર્ટીએ ચૂંટણીમાં મજબૂત દાવેદારી નોંધાવવાની દિશામાં પહેલ કરી છે.

ગુજરાતમાં આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ શરૂઆતમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સાથે જ અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ પ્રથમ યાદી બાદ હવે અન્ય જિલ્લાઓની યાદી પણ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ઉમેદવારોની જાહેરાતથી રાજકીય માહોલ ગરમાયો છે.

ગુજરાતમાં આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાની ચૂંટણી તૈયારીઓને વેગ આપ્યો છે. પાર્ટી દ્વારા પ્રથમ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેનાથી રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક સ્તરે નવા ચહેરાઓને મોકો આપતા સાથે અનુભવી નેતાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સૌપ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સ્થાનિક સ્તરે મજબૂત હાજરી નોંધાવવા માટે વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે.

અરવલ્લી જિલ્લામાં ઉમેદવારોની પસંદગી ખાસ ધ્યાન ખેંચી રહી છે. મોડાસા નગરપાલિકાના 6 વોર્ડમાંથી કુલ 24 ઉમેદવારો અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડમાંથી 24 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયત સ્તરે પણ મોટાપાયે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડના 18, માલપુરના 16, મેઘરજના 22, શામળાજીના 16 અને સાઠંબાના 16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ભાજપે સ્થાનિક સમીકરણો અને પ્રભાવશાળી ચહેરાઓને ધ્યાનમાં રાખીને પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.

આ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનું છે. તેમણે 6 એપ્રિલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ માત્ર થોડા જ સમયમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે પક્ષમાં જોડાયા બાદ ટૂંકા સમયમાં જ તેમને ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમના આ ઝડપી રાજકીય પ્રવેશને કારણે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ પ્રથમ યાદી બાદ હવે અન્ય જિલ્લાઓ માટેની યાદીઓ પણ જલ્દી જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ઉમેદવારોની જાહેરાત સાથે જ ચૂંટણી પ્રચારને પણ ગતિ મળશે. આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં ગુજરાતનું રાજકીય દ્રશ્ય વધુ ગરમાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.