Thursday, Oct 30, 2025

CAA અંતર્ગત ૩૦૦થી વધુ શરણાર્થીઓ ભારતીય નાગરિકતા

3 Min Read

દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએએ હેઠળ ૧૪ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જ્યારે કુલ ૩૦૦ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ૧૪ સિવાયના અન્ય લોકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જે પણ લોકોને તાજેતરમાં નાગરિકતા આપવામાં આવી છે તેમાંથી સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ છે. સર્ટિફિકેટ મેળવનારા ૨૪ વર્ષીય ભરત કુમારે જણાવ્યું હતું કે અમે લોકો ૧૧ વર્ષ પહેલા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, મને હાલ નાગરિકતા આપવામાં આવી છે. એક ભારતીય બનવાનું મને ગૌરવ થઇ રહ્યું છે. ૨૦૧૯માં જ્યારે નાગરિકતા કાયદામાં સુધારો કરવામાં આવ્યો ત્યારે એવા દાવા થઇ રહ્યા હતા કે સીએએ બાદ એનઆરસી પણ અમલમાં આવી શકે છે. જેને કારણે સમગ્ર દેશમાં સીએએ અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થયો હતો.

પાકિસ્તાનના સિંધથી આવેલી યશોદાએ કહ્યું કે તે હવે એક ભારતીય તરીકે સન્માનજનક જીવન જીવી શકે છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીયતા સાથે હવે તેમના પરિવાર અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર અન્ય અરજદાર હરીશ કુમારે કહ્યું, ‘હું છેલ્લા ૧૩-૧૪ વર્ષથી દિલ્હીમાં રહું છું. તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું બહુ ખુશ છું. આ મારા માટે નવું જીવન છે. હું કેન્દ્ર સરકારનો ખૂબ આભારી છું. અન્ય અરજદાર અર્જુને કહ્યું, ‘હું ૨૦૧૪માં દિલ્હી આવ્યો હતો. આ પહેલા હું ૪ વર્ષ ગુજરાતમાં રહ્યો હતો. હું ખૂબ ખુશ છું કે મને નાગરિકતા મળી છે. મારી પાસે પ્રમાણપત્રો ન હોવાથી હું અભ્યાસ કરી શક્યો નહીં. હું નાની-નાની નોકરી કરતો હતો. હવે, ઓછામાં ઓછા મારા બાળકો તો ભણી શકશે. હું સરકારનો આભારી છું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અરજીઓની ચકાસણી અને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાથી દેશના અન્ય ભાગોમાં લાભાર્થીઓને ટપાલ દ્વારા પ્રમાણપત્રો મોકલવામાં આવી રહ્યા છે. ભારતમાં કાયદેસર રીતે પ્રવેશેલા મોટાભાગના પાકિસ્તાની હિંદુઓ ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં રહે છે.

એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ૧૪ લોકોને પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજીઓ પર પ્રક્રિયા કર્યા પછી પ્રમાણપત્રો આપ્યા હતા. આ ઉપરાંત, નાગરિકતા સંશોધન કાયદા વિશેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ અરજદારોને જણાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સેક્રેટરી, પોસ્ટ, ડાયરેક્ટર અને રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

આ પણ વાંચો :-

Share This Article