ભારતના આઝાદી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી છે.આ દિવસે ઠેર- ઠેર ભારતના તિરંગાને સલામી અપાશે.ભારતના રાષ્ટ્ર ધ્વજનો પણ એક રસપ્રદ ઈતિહાસ છે. ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે.
ભીખાઈજી કામાના વંશજો સુધી તિરંગાની પરંપરા
ભીખાઈજી કામા મુંબઈના હતા અને તેમા લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા.રુસ્તમજી કામાના પરિવારના મૂળ ભરુચમાં હતા. ભીખાઈજી કામાના શ્વસુર પક્ષના ઘણા સભ્યો ધંધા રોજગાર માટે ગુજરાતના વિવિધ હિસ્સાઓમાં વસ્યા હતા.આ પૈકીના એક દોરાબજી કામાને મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાણજ ગામમાં ૪૫૦ વીઘા જમીન આપી હતી.તેઓ આ ગામના ૨૦ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા.

દોરાબજી કામાના બીજા પત્ની પારસી નહોતા અને તેમનાથી તેમને બે સંતાનો થયા હતા.આ પૈકીના તેમના એક પુત્ર જમશેદજીના પાંચ સંતાનો હતા.જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેનોનો સમાવેશ થતો હતો.આ બે બહેનો વિદેશમાં છે જ્યારે ત્રણ ભાઈ પૈકી બેનું નિધન થઈ ચૂકયું છે.બાકી રહેલા મનેશભાઈ છે.જેમણે પણ બિન પારસી મહિલા સાથે લગ્ન કર્યા હતા.મનેશ ભાઈ , તેમના પત્ની શકુંતલાબેન અને પુત્ર હોમીભાઈ બાણજ ગામમાં જ રહે છે.મનેશભાઈ કામા અને તેમનો પરિવાર આજે પણ પારસી પરંપરાઓનું પાલન કરે છે.જોકે મનેશભાઈને તેમના દાદા અને રુસ્તમજી કામા વચ્ચે શું સબંધ હતો તેની જાણકારી નથી.કામા પરિવાર પાસે આજે ૫૨ વીઘા જમીન રહી છે. આ જમીન તેઓ ખેતી માટે ભાડા પટ્ટે આપીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.
રાષ્ટ્રધ્વજની વારસાગાથા
ભારતમાં બ્રિટિશ શાસન એ માનવતાના નામ પર કલંક છે. આપણા મહાન ભારત દેશના સર્વાંગી હિતોનું બ્રિટિશ સરકાર દ્વારા નુકશાન થઇ રહ્યું છે . આગળ વધો આપણે હિન્દુસ્તાની છીએ અને હિન્દુસ્તાન હિન્દુસ્તાનીઓનું છે….વંદે માતરમ !!!” આમ બુલંદ ભાષણ કરી ભારત ના દેશવાસીઓને અંગ્રેજોની કારમી ગુલામી માંથી મુક્તિ અપાવવા માટે સભામાં ઉપસ્થિત સભાસદો પાસે સહયોગ માગ્યો અને “વંદે માતરમ” લખેલો આપણા દેશનો સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ પુરા રાષ્ટ્રાભિમાન સાથે ભરસભામાં સૌપ્રથમ વાર ફરકાવ્યો અને અંગ્રેજ શાસન સામે હિંદ સ્વરાજ્ય માટે પડકાર આપ્યો અંગ્રેજો સામે લાલ આંખ કરી સ્વરાષ્ટ્રં માટે પડકાર ફેંકનાર હતા આપણા દેશના પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભીખાઈજી કામા..!!
એમનો જન્મ જ આઝાદ હિંદ માટેના નિર્માણ માટે થયો ! મેડમ કામા એ રાષ્ટ્રનું અને રાષ્ટ્રજનોનું કલ્યાણ કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું ! આજે ૨૪ સપ્ટેમ્બર ઇસ 1861ની સાલમાં મુંબઈના સમૃદ્ધ પારસી પરિવારમાં સોરાબજી અને જીજીબાઈને ત્યાં વ્હાલસોયી બાળકીનો જન્મ થયો જનસેવા અને રાષ્ટ્રસેવાની લગન બાળપણથી જ લાગી અને આગળ વધતા ભવિષ્યમાં આ બાળકી આપણા ભારતના સ્વતંત્રતાસંગ્રામના ખુબ જાણીતા અને પ્રથમ મહિલા ક્રાંતિકારી બન્યા.
મુંબઈની એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું. શાળા જીવનમાં જ તે ક્લાસમાં પ્રથમ ક્રમે આવતા સૌને તેમની તેજસ્વીતાની ઓળખ થવા લાગી હતી.બાળપણમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને દેશપ્રેમ ના કર્યોમાં ઝીણવટ પૂર્વક રસ લેતા.એ સમયમાં આપણા હિન્દુસ્તાનમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અન્યાયોને ધ્યાનથી જોતા અને આ અન્યાયો સામે અવાજ ઉઠાવવાનું મનોમન નક્કી કરતા. એવામાં કોલેજ માં પ્રવેશ્યા એમના કોલેજકાળ દરમિયાન 1897માં મુંબઈમાં પ્લેગનો ચેપી મહારોગ ફેલાયો તેમણે જોયું કે પ્લેગથી પીડાતા લોકો અસહ્ય વેદનાથી ટળવળે છે ! રોગ ચેપી હોવા છતાં પોતાના સ્વાસ્થ્ય અને પ્રાણોની ચિંતા કર્યા વિના મેડમ કામાએ દિવસ રાત એક કરીને પ્લેગના દર્દીઓની સેવા કરી. પ્લેગનો ચેપ મેડમ કામાને પણ લાગ્યો એમની પ્રતિકારશક્તિના લીધે પ્લેગ હાર્યો. જેમ જેમ જીવનમાં વર્ષો ઉમેરાતા ગયા એમ એમ એમના મનમાં સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે આત્મસમર્પણની ભાવના પણ વધતી રહી. જનકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણ માટે સમર્પણ કરવા તૈયાર થયેલા મેડમ કામાએ પિતાની લાગણીને માન આપીને લગ્ન તો કર્યા પણ એમનું લગ્નજીવન અલ્પ જ રહ્યું એમનું મન લોકસેવાને રાષ્ટ્રપ્રેમ ના રંગે રંગાયેલું હતું. મેડમ કામાએ પોતાનો તમામ સમય ,શક્તિ ,સંપત્તિ અને સર્વસ્વ દેશ માટે સમર્પિત કરવાનો દઢ સંકલ્પ કર્યો.
ઇસ ૧૯૦૨ માં તેઓ લંડન આવ્યા અને લંડનમાં પણ એમને ભારતને આઝાદ કરવા માટેના સ્વતંત્રતા સંગ્રામના કામોને વધુ ઉત્તેજન આપ્યું. મેડમ કામા એ ઇસ ૧૯૦૫માં “વંદે માતરમ” અને ” તલવાર” સમાચાર પત્રો શરુ કર્યા અને એ સમયે દુનિયામાં ચાલી રહેલા સામ્રાજ્યવાદ ને પોષનારા દેશોને ખુલ્લા પાડ્યા. દુનિયાભરના લોકોને સામ્રાજ્યવાદીઓ વિરુદ્ધ જગાડવાનું ભગીરથ કામ એમણે કર્યું. આ માટે એમણે લંડન, જર્મની, અમેરિકા દેશોમાં પ્રવાસ કરીને સ્વરાષ્ટ્રં માટે વિદેશની ધરતી પર ખુબ પરિશ્રમ કર્યો. આ પરિશ્રમના કારણે તેમની તબિયત બગડતા તેઓ સારવાર માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં એમની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઇ એ સમયે ત્યાં “અભિનવ ભારત” કરીને ક્રાંતિકારી સંગઠન ચાલતું હતું મેડમ કામા જોડાયા આમ વિદેશની ધરતી પર મેડમ કામાનો પ્રભાવ સતત વધતો જતો હતો. તેઓ જયારે ફ્રાન્સ માં હતા ત્યારે બ્રિટિશ સરકારે તેમને ફ્રાન્સમાંથી ભારત કાઢી મુકવા માટે કાવતરા ઘડ્યા મેડમ કામાની તમામ સંપત્તિઓ જપ્ત કરવા માટેના પ્રયત્નો કર્યા પણ બ્રિટિશ સરકારના આ કાવતરા ને ફ્રાન્સ ની સરકારે દાદ ના આપી. આ ગૌરવવાન ભારતીય નારીના સ્વરાષ્ટ્ર્ના સપનાને કચડી નાખવા માટે અંગ્રેજો એ આવા અનેક પ્રયત્નો કર્યા પણ મેડમ કામાએ મક્કમ મનોબળ સાથે સ્વરાષ્ટ્રં માટેનો સંઘર્ષ ચાલુ રાખ્યો.
તેમણે વર્ષો પહેલા વિદેશની ધરતી પરથી ભારતનો પહેલ વહેલો ઝંડો ફરકાવતા જયઘોષ કર્યો હતો કે” આ ભારતની સ્વતંત્રતાનો ધ્વજ છે. હું દુનિયાના તમામ સ્વતંત્રતા પ્રેમીઓને આ ધ્વજ સાથે સ્વરાષ્ટ્રં માટે સહભાગી થવા માટે આહવાન કરું છું….વંદે માતરમ..!!” આ ધ્વજમાં સૂર્ય,ચંદ્ર અને તારાના પ્રતિકો હતા અને ધ્વજના મધ્યભાગે દેવનાગરી લિપિમાં “વંદે માતરમ ” લખેલું શોભતું હતું. સરદારસિંહ રાણા અને મેડમ કામા દ્વારા બનાવવામાં આવેલો આ ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ ગુજરાતના ભાવનગર સ્થિત સરદારસિંહ રાણાના પૌત્ર શ્રી રાજેન્દ્ર સિંહ રાણાના નિવાસ સ્થાને આજે પણ સુરક્ષિત છે.
મેડમ કામા એ યુરોપ અને અમેરિકા માં સ્વતંત્રતા માટે જીવનપર્યંત સક્રિય રહ્યા ! એમના ચાહકો એમને ” ભારતીય ક્રાંતિ ના માતા” કહી ને એમના રાષ્ટ્રપ્રેમ ને આજે પણ યાદ કરે છે .ઇસ ૧૯૩૫માં જયારે તેઓ 74 વર્ષની ઉંમરે વિદેશની ધરતી પર સ્વરાષ્ટ્ર માટે તપ કરી ને પાછા ફર્યા ત્યારે તેમના સામાન માંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્ર ધ્વજો , આઝાદી માટે ના સાહિત્યો મળ્યા જે અંગ્રેજો દ્વારા સળગાવી દેવામાં આવ્યા . અંગ્રેજો એ મેડમ કામા એ બનાવેલા ધ્વજો તો સળગાવ્યા પણ મેડમ કામાએ દેશ અને વિદેશ માં જગાડેલી સ્વરાષ્ટ્ર્ની આગને કાબુમાં લેવાની અંગ્રેજોની શક્તિ બહારની વાત હતી આમ મેડમ ભીખાઈજી કામાની રાષ્ટ્રભક્તિ અને શૂરવીરતાના પ્રસંગો આજે પણ આપણું રાષ્ટ્ર ગૌરવ વધારે છે ..!!