ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીને વિપક્ષે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નામની જાહેરાત કરતી વખતે કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બી.સુદર્શન રેડ્ડી અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.
સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ
રેડ્ડીએ તેમના કરિયરની શરૂઆત નાગરિક અને બંધારણીય બાબતોમાં પ્રેક્ટિસ કરીને કરી હતી અને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ કે. પ્રતાપ રેડ્ડી સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 8 ઓગસ્ટ 1988ના રોજ તેમને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને કેન્દ્ર સરકાર માટે એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ બન્યા હતા.
વર્ષ 1993 માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ઓસ્માનિયા યુનિવર્સિટીના લીગલ એડવાઇઝર પણ હતા. તેમના લીગલ કરિયરમાં આગળ વધતા રેડ્ડીને 2 મે 1993ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પછી 5 ડિસેમ્બર 2005ના રોજ તેઓ ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જજ બન્યા.
કોણ છે બી સુદર્શન રેડ્ડી?
બી. સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશના અકુલા માયલારામ ગામમાં થયો હતો. તેમણે હૈદરાબાદમાં અભ્યાસ કર્યો અને 1971માં ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓ 1971 માં જ એડવોકેટ તરીકે નામાંકિત હતા. તેમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોની પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું.