ગુજરાતમાં પીએમઓના નકલી અધિકારી કિરણ પટેલથી શરૂ થયેલો સિલસિલો બોગસ સરકારી વિભાગ, નકલી આઈપીએસ અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી સીએમઓ અધિકારી સુધી પહોંચ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં નકલી જજ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં આશ્ચર્યની વાત તો એ છે કે સિટી સિવિલ કોર્ટની સામે જ નકલી જજ કોર્ટ ચલાવતો હતો, આમ છતાં આટલા સમય સુધી ન્યાયતંત્ર અંધારામાં રહ્યું હતું.

મોરીસ ક્રિશ્ચિયન નામનો એક વકીલ ઝડપાયો છે, જેણે સરકારી જમીનો પોતાના નામે કરી દેવા પોતે જ અરજદાર બન્યો, પોતે જ આખી બનાવટી આર્બિટ્રેશન કોર્ટ ઉભી કરી, પોતે જ આર્બિટ્રેશનનો જજ બન્યો અને પોતાની જ ફેવરમાં જમીન ફાળવવાનો એવોર્ડ કરી જમીન પચાવી પાડવાનું કૌભાંડ કર્યું છે. આરોપીએ નકલી લવાદ બનીને વાંધાવાળી જમીનો પચાવી પાડવા માટે અનેક ઓર્ડર કર્યા હતા. આરોપી ક્રિશ્ચિયને વાંધાવાળી જમીન પચાવી પાડવાના હેતુથી જ નકલી લવાદથી લઈને નકલી કોર્ટ સુધીનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.
આરોપી દ્વારા પોતાના ક્લાયન્ટ વિરુદ્ધ ચાલી રહેલ કેસને લઈને બનાવટી સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા હતા. જોકે તેની કરતૂતને કારણે હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે આરોપીએ બનાવટી આર્બિટ્રેશન પ્રોસિડિંગ ઉભી કરીને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા. કારંજ પોલીસ મથકે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સિટી સિવિલ કોર્ટે હુકમમાં નોંધ્યુ છે કે, પાલડી પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને ફ્રોડ એવોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો.
બોગસ આર્બીટ્રેટર જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને ફ્રોડનો આ એકમાત્ર હુકમ નથી આપ્યો. હાલમાં કોર્ટમાં બીજી સરકારી જમીનો પચાવી પાડવા માટે 10 જેટલા કેસોમાં હુકમો કર્યા છે, જે કેસો હાલમાં સિટી સિવિલ કોર્ટમાં પડતર છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્યની આશરે 100 એકરથી વધુ અબજો રૂપિયાની કિંમતી જમીનોના હુકમો બનાવટી આર્બિટ્રેટર મોરીરા સેમ્યુઅલ દ્વારા કરવામાં આવ્યા છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને ૧૧થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરી આપી દીધી છે. આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરી હોય તેમાં ફોજદારી કાર્યવાહી થશે.
મહત્વની વાત એ છે કે, મોરીસ સેમ્યુઅલએ દરખાસ્ત કરનારા વતી દલીલો પણ કરી હતી અને દરેક સ્ટેજે કોર્ટને ગેરમાર્ગે દોરી સાચી હકીકતો રજૂ કરી નહોતી. નકલી જજે હાઇકોર્ટ જજ જેવું ડાયસ ઉભુ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવી વિગત ખુલી છે કે, નકલી જજએ ગાંધીનગરના સેક્ટર 24 ખાતે આખીય નકલી કોર્ટ ઉભી કરી હતી. જ્યાં તેણે હાઇકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું. ઉપરાંત એક ચોપદાર પણ રાખ્યો હતો તે જ્યાં જાય ત્યાં આગળ ચોપદાર રહેતો હતો અને તે ડાયસ પર બેસીને જજ હોય તેમ જ બોગસ ઓર્ડરો કરતો હતો.
આ પણ વાંચો :-