Wednesday, Jan 28, 2026

બોલિવૂડમાં નથી મળતું કામ, એઆર રહેમાનના નિવેદન પર જાવેદ અખ્તર સહિતના લોકોએ જવાબ આપ્યો

3 Min Read

ઓસ્કર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાનના ‘કોમ્યુનલ’ (સાંપ્રદાયિક) નિવેદનને કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. રહેમાને દાવો કર્યો છે કે તેમને છેલ્લા 8 વર્ષથી બોલિવૂડમાં કામ મળતું નથી, જેની પાછળનું કારણ ઉદ્યોગમાં બદલાયેલી સત્તા અને અમુક પ્રકારની નકારાત્મક માનસિકતા હોઈ શકે છે. આ નિવેદન બાદ જાવેદ અખ્તર Javed Akhtar, શાન અને શંકર મહાદેવન જેવા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

રહેમાને શું વિવાદાસ્પદ દાવો કર્યો?
એક ઈન્ટરવ્યૂમાં જાણીતા સંગીતકાર રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતા વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી તેમને કામ નથી મળ્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઈન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આ બધુ સીધું જ મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે. જોકે હું કામની શોધમાં નથી, જે કામ મને મળે છે તેમાં હું ખુશ છું.

જાવેદ અખ્તરની અસંમતિ
આ મુદ્દે ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું છે કે મને આવું નથી લાગતું. હું મુંબઈમાં જ રહું છું અને સૌ કોઈને મળતો રહું છું. લોકો મને ખૂબ સન્માન આપે છે. મને લાગે છે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીના લોકો એમ સમજે છે કે એ. આર. રહેમાન વિદેશના પ્રોજેક્ટ્સમાં વધુ વ્યસ્ત રહે છે. એવામાં લોકોને સંકોચ થતો હશે કે એ. આર. રહેમાન આવશે કે નહીં આવે. તેઓ મહાન વ્યક્તિ છે તેથી નાના પ્રોડ્યુસર તેમની પાસે જતાં ખચકાય છે.

શાને સ્પષ્ટ કર્યું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ ધાર્મિક ભેદભાવ નથી
બોલિવૂડ સિંગર શાને આ મામલે કહ્યું છે કે લોકોના પોતપોતાનાં વિચાર હોઈ શકે. પણ જે તે સંગીતકાર અને ગીતકાર પોતાના વિચારો પ્રમાણે નિર્ણય લેતા હોય છે. મને પણ ઘણી વાર કામ નથી મળતું. પણ હું ક્યારેય તેને વ્યક્તિગતરૂપે નથી લેતો. આપણને કેટલું કામ મળશે તે આપણાં હાથમાં નથી. જે કામ મળે તે સારી રીતે કરવું જોઈએ. મને નથી લાગતું કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ સાંપ્રદાયિકતા છે. જો આવું જ હોત તો બોલિવૂડના ત્રણેય સુપરસ્ટાર્સ(ખાન ત્રિપુટી) લઘુમતી સમુદાયના છે.

સર્જક અને વિતરક વચ્ચેનો તફાવત: શંકર મહાદેવ
સિંગર શંકર મહાદેવને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હું તમારી વાત સમજી શકું છું. ગીતનું નિર્માણ કરનારા અને ગીત રિલીઝ કરનારા બે અલગ અલગ વ્યક્તિ હોય છે. એવામાં ઘણીવાર ગીત અંગે નિર્ણય લેનારા લોકો સંગીત સાથે જોડાયેલા નથી હોતા. ઘણીવાર જેમ આપણે ઈચ્છીએ તેમ બધુ નથી થતું, કોઈ બીજી વ્યક્તિ તેના નિર્ણય લે છે.

Share This Article